Wednesday, December 13, 2017

અર્જુનને ચૂંટણી જ્ઞાન

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૩-૧૨-૨૦૧૭

ઈલેકશનનું ફોર્મ ભરવા જતાં અર્જુન થોડો ઢીલો જણાતો હતો. આમ તો એ મજબુત હતો, પરંતુ દુર્યોધન જેવા સામે લડવાનું એને બીલો ડીગ્નીટી લાગતું હતું. એણે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પરમ સખા શ્રી કૃષ્ણને સંબોધીને કહ્યું ‘મને તો આ સઘળું નિરર્થક જણાય છે. સો-સો ભ્રાતાઓ મારી વિરુદ્ધમાં છે. મારા મિત્રો, મામાઓ, પુત્રો, પૌત્રો, ભીષ્મ દાદા, ગુરુ દ્રોણ દુર્યોધનના પક્ષે રહીને લડવાના છે. એટલું જ નહિ પણ ભૂતકાળમાં શિક્ષકો અને આચાર્યોને યોદ્ધાઓ યાદીની બનાવવાની કામગીરીમાંથી મુક્ત કરવા માટે આચાર્ય સંઘની આગેવાની લઈને હડતાલની ધમકી આપી ચુક્યા હતા એવા આચાર્ય દ્રોણે કૌરવોના પક્ષે ફોર્મ ભરી દીધું છે. દુર્યોધન મારા કટ્ટર હરીફ કર્ણને એના જ્ઞાતિબંધુઓને સારથીની ભરતીમાં અનામત મળે એ માટે વચન આપી ચુક્યો છે. કૌરવોએ કર્ણના સારથી પિતા અધિરથની માગણી ઉપર ફિક્સ પગારદાર સારથી સહાયકોને નોકરીમાં કાયમી કરવાનું ઢંઢેરામાં સમાવ્યું છે. મારા મામા શલ્ય પોતે કર્ણના પ્રચારની ધુરા સંભાળવાના છે, પરંતુ એ અંદરખાને કર્ણને એની ઓકાત બતાવતા રહેવાના છે. આ પ્રજા, એક પક્ષની સભામાં જાય છે, ભજીયા કોક બીજાના ખાય છે, અને વોટ કોક ત્રીજાને આપી આવે એવી ઉસ્તાદ થઇ ગઈ છે. આવા માહોલમાં ચૂંટણી લડવાનો મને જરાય ઉત્સાહ નથી આવતો. મને તો હવે આ ડીપોઝીટના રૂપિયા પણ ડુલ થતાં જણાય છે. પછી શ્રી કૃષ્ણે, ફોર્મ ભરવાનો સમય વીતી જાય નહીં એનું ધ્યાન રાખીને અર્જુનને ટૂંકમાં ચુંટણી જ્ઞાન આપ્યું. 

‘હે સખા, ભીષ્મ અને દ્રોણની તું ચિંતા ન કર, એમને સલાહકાર મંડળમાં બેસાડવાને બદલે ટીકીટ આપીને દુર્યોધને ભૂલ કરી છે. ભલે તેઓ પોતે ધરખમ ખેલાડી હોય, પણ સામા છેડે સ્ટેન્ડ આપનારા મજબુત ન હોઈ ભલે દ્રોણ-ભીષ્મ ઈત્યાદી એમના વરદાનને કારણે ભલે છેલ્લે સુધી બેટિંગ કરે, પણ આપણે બીજા નબળા ખેલાડીઓની વિકેટ પાડતા રહીશું તો છેલ્લે એમણે દાવ ડીકલેર કર્યા સિવાય કોઈ ઉપાય નહીં રહે. વળી આપણે અશ્વત્થામા નામનો એક ડમી ઉમેદવાર ઉભો રાખવાની સ્ટ્રેટેજી કરી છે, જે હારશે તો દ્રોણ શસ્ત્રો હેઠા મૂકી દેશે એ તો તું જાણે જ છે. વળી ભીષ્મનો ઉપાય શિખંડીના રૂપમાં થઈ ગયો છે. રહ્યા કૌરવો, તો એ ઘેટાઓના ટોળા સામે તમે પાંચ સિંહ પૂરતા છો’.

‘હે વત્સ, જેમ આત્મા એક ખોળિયું મુકીને બીજા ખોળિયામાં પ્રવેશે છે એમ જ નેતાઓ એક પક્ષ છોડીને (ટીકીટ આપે એવા) બીજા પક્ષમાં જોડાય છે. અમુક તો પવનની દિશા જોઇને ફરે છે. આ ચૂંટણી છે. આજે જે પોતાનો ટેકો દુર્યોધનને આપે છે એ કાલે તને આપશે. જે લોકો ગઈકાલે આપણા પક્ષમાં હતા એ આજે સામા પક્ષે ઉભા છે એનો પણ શોક ન કરીશ કારણ કે गतासूनगतासूंश्च नानु शोचन्ति पंडिता: અર્થાત વિદ્વાનો જીવતા-મુએલાઓનો શોક કરતા નથી. સૈનિકો તો બિચારા સેનાપતિ દોરવે એમ દોરવાઈ જાય છે એટલે કાલે કૌરવ તરફથી લડતા સૈનિકોને પુરતું કારણ મળે તો એમને મોં ફેરવી લેતા જરીકે વાર નહીં લાગે. વળી આત્માને અગ્નિ બાળી શકતો નથી કે પવન સુકવી શકતો નથી માટે પોતાના ટેકેદારો સહીત આપણા શરણમાં આવેલા અન્ય પક્ષના અસંતુષ્ઠ નેતાને સીબીઆઈ કે ઇન્કમટેક્સથી અભયદાન આપી પક્ષમાં ભેળવી દેવામાં તું વાર ન કર.
 

‘હે પાર્થ, યુદ્ધ ખાલી સગા-સંબંધીના વોટ-સપોર્ટથી નથી જીતાતું. એના માટે ભજીયા, ગોટા અને ચવાણાના ઇંધણના સહારે મતવિસ્તાર ખૂંદી વળે એવા કાર્યકરોનો સમૂહ અનિવાર્ય છે. આવા કાર્યકરોના ખોટા બીલો પણ પ્રેમથી સહી કરી ચૂકવી દેવામાં સાર છે. ચુંટણી સભામાં જયારે કાગડા ઉડતા હોય, ત્યારે સોશિયલ મીડિયામાં સ્ટેજ પર ભેગા થયેલા સ્થાનિક નેતાઓના ફોટા મુકવા અને જો સભા ભરાયેલી જણાય તો પબ્લિકના ફોટા મુકાય. આમ છતાં સભામાં હાજરી પાંખી જણાય તો ચિક્કાર જનમેદનીના ફોટોશોપ કરેલા ફોટા અને અર્જુન ... અર્જુન ...ના નારા ડબ કરેલા ચૂંટણી સભાના વિડીયો ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરનારા અને એને ટોપ ફાઈવમાં ટ્રેન્ડ કરાવનારા ટ્વિટરાટીઓના ઝુંડની જરૂર પડે છે. અહીં મને ‘ગોવાળિયો’ કહીને ટ્રોલ કરનાર જરાસંધ કે મને ભાંડતી ઉપરાછાપરી સો સો ટ્વિટ કરનાર શિશુપાલ જેવા દુશ્મનોના ઉચ્ચારણોનો યથાયોગ્ય ઉપયોગ કરવો ઘટે છે અથવા એમનો ચતુરાઈથી નિકાલ કરવો પડે છે’.

‘હે કૌન્તેય, ચૂંટણી અને યુદ્ધમાં એક પક્ષની હાર થાય જ છે, પરંતુ હારમાં જે ઉદ્વેગ પામતો નથી કે જીત્યા બાદ જે પ્રધાનપદાની સ્પૃહા રાખતો નથી એ નર આજીવન લોક સેવક બની રહે છે અને અતિ સામાન્ય જીવન જીવતા એના કુટુંબીઓના ફોટા છાપામાં છપાતા રહે છે. હે પાર્થ, રાજકારણમાં પદપ્રાપ્તિ જ મોક્ષ ગણાય છે. કોર્પોરેટર બનનાર ધારાસભ્ય બનવાના અને ધારાસભ્ય બનનાર સંસદસભ્ય બનવાના સપના જુએ છે. પ્રધાનપદ ન મેળવી શકનાર બોર્ડ કોર્પોરેશનમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ રહે છે. જે નર પદલાલસા પર કાબુ મેળવે છે અથવા જાહેરમાં પોતાને પદની લાલસા નથી એમ દર્શાવે છે એ ઝડપથી સલાહકાર મંડળમાં સ્થાન પામે છે. માટે હે કુંતિપુત્ર, રાજકારણમાં રહીને ચુંટણી ન લડવાની બેવકૂફ જેવી વાત પડતી મુક અને વિના સંકોચ ઉમેદવારી પત્ર ભર, બાકીનું હું મેનેજ કરી લઈશ’.

મસ્કા ફન શિયાળામાં
અંધારા રૂમમાં લાઈટ ચાલુ કરવા જતાં,
જયારે પંખાની સ્વીચ ચાલુ થઈ જાય ...
ત્યારે સાલું લાગી આવે !

No comments:

Post a Comment