Wednesday, December 06, 2017

ચૂંટણી મહાભારત- ટીકીટની ફાળવણી



કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૧૨-૨૦૧૭

ચૂંટણી યુદ્ધ અત્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. મહાભારતની જેમ બે પ્રમુખ પક્ષ છે અને એ પક્ષના સમર્થકો આ યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપી રહ્યા છે. મહાભારતના યુદ્ધનું આજકાલની ચૂંટણીની પદ્ધતિમાં વર્ણન કરવું હોય તો કંઇક આમ કરી શકાય.

ઈલેકશન કમિશને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ ખેલાય એ માટે નોટીફીકેશન બહાર પાડ્યું છે. બંને પક્ષ ભારતવર્ષના જીતી શકે તેવા રાજાઓ તથા સગાઓને પોતાના પક્ષમાં લેવા કવાયતો ચાલુ કરી દીધી છે. અમુકે તો વગર માંગ્યે પોતે કૌરવ અથવા પાંડવના પક્ષમાં છે તેવું એફીડેવીટ કરી દીધું છે. જયારે અમુક અડૂકિયા-દડુકિયા યુદ્ધ બાદ જીતનાર પોતાને શું આપશે એ અંગે ટર્મ્સ એન્ડ કન્ડીશન ડ્રાફ્ટ કરવામાં પડ્યા છે.

ભગવાનના જયેષ્ઠ બંધુ બલરામજી તો ઈલેકશન પોલીટીક્સથી એટલા કંટાળેલા હતા કે એમણે તો એ સમય દરમિયાન એલટીસી વપરાય એ રીતે રેવતીજી સાથે દુરના પ્રદેશોમાં યાત્રા કરવા જવાનું જાહેર કરી દીધું હતું. દુર્યોધન એમનો શિષ્ય હોવાથી એ આ સમાચારથી નિરાશ થયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાને સોનાની નગરી બનાવી ચુક્યા હતા એટલે એમણે હવે દ્વારકાના રોડ પર ખાડા છે, સરકારે ગોમતી નદી પર રીવરફ્રન્ટ બનાવવા સિવાય બીજું કોઈ મોટું કામ નથી કર્યું, દ્વારકામાં બાળકો કુપોષિત છે વગેરે જેવા કોઈ પાયા વગરના આક્ષેપોનો સામનો કરવાનો નહોતો. એટલે જ એમણે પોતે ઇલેકશનમાં ઉભા ન રહેવાનું નક્કી કર્યું હતું. એમાં બેય બાજુ સગા હતા એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જતું હતું. વળી, કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું હોય અને પોતે દ્વારકામાં બેઠા બેઠા લાઈવ કવરેજ જુએ એના કરતાં મેદાનમાં રહેવાનો વિકલ્પ એ વિચારી રહ્યા હતા. સારા ક્રિકેટરો રીટાયર થયા બાદ કોમેન્ટ્રી આપે છે એમ.

દુર્યોધન અને અર્જુન બંને એકજ સમયે શ્રી કૃષ્ણનો ટેકો માંગવા પહોંચી ગયા છે. અર્જુન પ્રજાસેવક તરીકે એમના પગ પાસે, અને દુર્યોધન પોતે ઓલરેડી સત્તામાં હોવાથી રોફમાં સોફા પર બેઠો હતો. શ્રી કૃષ્ણ ઊંઘમાંથી ઉઠી ચા પી અને ફ્રેશ થાય છે ત્યાં એમની નજર ચિંતાતુર અર્જુન પર પડે છે. એ પછી એમની નજર સામે સોફામાં બેસી મોબાઈલમાં ટ્વીટર પર પોતાના દ્વારકા જવાથી થયેલ હંગામા અંગેની પોસ્ટ વાંચી રહેલા દુર્યોધન પર પડે છે.


શ્રી કૃષ્ણ બંનેને તેમના આવવાનું પ્રયોજન પૂછે છે. બંને કુરુક્ષેત્રમાં થનાર મહાભારતના યુદ્ધમાં ભગવાનનો ફોલોઅર્સ સહિતનો સપોર્ટ માંગે છે. જોકે શ્રી કૃષ્ણ પોતે લડવાના નહોતા અને કૌરવ અને પાંડવ બંને સગામાં થતા હોઈ એમણે પોતાના નારાયણીસેના તરીકે ઓળખાતા તમામ ફોલોઅર્સ અથવા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતે એકલા, એમ બેવિકલ્પ આપે છે. અર્જુનને પ્રથમ ચોઈસ કરવાનું કહે છે. શ્રી કૃષ્ણને ટ્વીટર પર ફોલો કરનારા અને ફેસબુક પર એમની બધી પોસ્ટ્સ લાઈક કરનારા દુર્યોધન માટે આ મોટો આંચકો હતો, કારણે કે ભગવાનની કાશી, કૌશલ, મગધ, અંગ, વંગ, કલિંગ, પૌન્ડ્ર વગેરેને પરાજિત કરનારી અજેય નારાયણીસેના જો અર્જુન માંગી લે તો પછી આ સેનાને ટ્રોલ કરવી અઘરી પડી જાય, પરંતુ દુર્યોધનના આશ્ચર્ય વચ્ચે અર્જુને માત્ર શ્રી કૃષ્ણ માંગ્યા હતા, અને એ પણ એમની શરત મુજબ – નિશસ્ત્ર અને એકલા!

દુર્યોધનને તો બગાસું ખાતા મોંમાં પેંડો આવી ગયો! એણે તો દ્વારકાના સેનાપતિ કૃતવર્માને કૌરવ પાર્ટીનો ખેસ પહેરાવતો ફોટો પણ ટ્વીટર પર પોસ્ટ કરી દીધો. કૌરવ પ્રેરિત છાપા હસ્તિનાપુર સમાચારે તો કૌરવો અડધું મહાભારત જીતી ગયા હોય એ રીતે આ સમાચારને રજુ કર્યા. જયારે અમુક તટસ્થ કહેવાતી ચેનલોએ પોતાના મનગમતા પ્ર-વક્તાઓની પેનલ થકી ‘અર્જુને કાચું કાપ્યું’ એવો ચુકાદો તો આપ્યો, પરતું અગાઉ અનેકવાર ખોટા પડયા હોઈ આવું સ્પષ્ટ નહીં, પણ ગોળગોળ કહ્યું; જેથી ભવિષ્યમાં અર્જુન જીતે તો સોશિયલ મીડિયા બૌદ્ધિકોને મોઢું બતાવી શકે. એમના પાળેલા સેફોલોજીસ્ટે પણ આંકડા એવી રીતે મેળવ્યા હતા કે ઓપીનીયન પોલના પરિણામો બંને પક્ષોની જીતના સરખા ચાન્સીસ બતાવતા હતા. મતદાનની સાંજે પણ આ જ આંકડામાં થોડો ફેરફાર કરીને એક્ઝીટ પોલ તરીકે બતાવવાનું નક્કી હતું.

ટિકિટોની વહેંચણી એટલે કે વ્યૂહરચનામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ભીષ્મ પિતામહે પોતે પાંડવોને નહિ હરાવે, મહિલા સામે નહિ લડે, કર્ણને યુદ્ધની ટીકીટ આપવામાં ન આવે અને શ્રી કૃષ્ણ ઉમેદવારી કરશે તો પોતે ફોર્મ પાછું ખેંચશે એવી વિચિત્ર શરતો મૂકી. પાંડવોએ ૭૫ વર્ષનો કાયદો કરીને અપવાદરૂપ કિસ્સામાં જ વૃદ્ધ યોદ્ધાઓ ઉતાર્યા હતા. દુર્યોધન એ પગલાની ઠેકડી પણ ઉડાવી ચુક્યો હતો એટલે વૃદ્ધ હોવા છતાં દુર્યોધને ભીષ્મને સેનાપતિના ચહેરા તરીકે જાહેર કર્યા અને શરત મુજબ પ્રથમ યાદીમાંથી કર્ણનું નામ દૂર કરવામાં આવ્યું.

અતિરથીઓ અને મહારથીઓથી ભરેલી કૌરવસેના સામે પાંડવોની હાર નિશ્ચિત જાણી કેશવે નેપથ્યમાંથી દોરી સંચાર સ્વહસ્તક રાખ્યો હતો. ભીષ્મને હરાવવા માટે એમણે પૂર્વાશ્રમની નારી એવા શિખંડીનું ડમી ફોર્મ ભરીને તૈયાર જ રાખ્યું હતું. ભીષ્મ પછી વન ડાઉનમાં દ્રોણ આવવાના હતા અને એમની વિકેટ પાડવા માટે ધૃષ્ટદ્યુમ્નને તો તૈયાર કર્યો જ કર્યો પણ સાથે યુધીષ્ઠીર અશ્વત્થામાના નામાંકનની એફિડેવિટમાં સંદિગ્ધ માહિતી આપે એવી ગોઠવણ પણ કરી રાખી હતી. ભીમ માટે દુર્યોધન-દુ:શાસન તો સહદેવ માટે શકુનીનું ટાર્ગેટ નિશ્ચિત હતું. આમ એકંદરે બધું ગોઠવાઈ ગયું હતું.

આ દરમ્યાન હસ્તિનાપુરની પ્રજા શું કરતી હતી? હસ્તિનાપુરની પ્રજા તેલ જોતી હતી અને તેલની ધાર જોતી હતી કારણ કે કૌરવો જીતે કે પાંડવો, સિઝનમાં તેલના ભાવનું ભડકે બળવું નક્કી હતું! એટલે એમણે સંજયની ચેનલમાંથી ગેરકાયદે કેબલો ખેંચીને મફતમાં યુદ્ધનું લાઈવ ટેલીકાસ્ટ જોવાનું મુનાસીબ માન્યું હતું,

મસ્કા ફન

બોર્ડની એક્ઝામ વખતે પડાવેલો ફોટો એ મનુષ્યની ઉત્ક્રાંતિનો પુરાવો ન ગણાય.

No comments:

Post a Comment