Wednesday, October 04, 2017

સલાહો સિઝનલ બૌદ્ધિકોની

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૪-૧૦-૨૦૧૭


બુલેટ ટ્રેનની ટીકા થઈ રહી છે. બુલેટ ટ્રેનનો ખર્ચ કરવાને બદલે રોડમાં ખર્ચ કરવો જોઈએ એવો મત અમુક લોકોએ વ્યક્ત કર્યો છે. અમુક મોસમી બૌદ્ધિકો તો એવા મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી વિમાન ખરીદવામાં આવે તો એનાથી કેટલા વિમાન આવી જાય અને કેટલા લોકો ટ્રેન જેટલા કે એનાથી પણ ઓછા ખર્ચમાં મુસાફરી કરી શકે. અમને લાગે છે કે આ લોકોની વાતમાં દમ છે. અને આપણે બુલેટ ટ્રેન માટે જ નહીં આપણી રોજબરોજની જિંદગીમાં પણ આવું ઘણું બધું નિવારી શકીએ એમ છીએ, પરંતુ પહેલા સરકાર શું કરી શકે એનાથી શરૂઆત કરીએ.

ધારો કે ૧૦૦,૦૦૦ કરોડ રૂપિયામાંથી ચડ્ડીઓ બનાવવામાં આવે તો એક ચડ્ડીના દોઢસો રૂપિયા ગણતા ૧૨૧ કરોડ જનતાને વ્યક્તિ દીઠ સાડા પાંચ ચડ્ડી વહેંચી શકાય! આમાં અડધી એટલે કે એક બાંયવાળી ચડ્ડી તો રણવીર સિંહ જેવા સ્ટાઈલ આઇકોન સિવાય કોઈ પહેરે નહિ એટલે પાંચ જ ગણવાની અથવા બે અડધી ચડ્ડી ભેગી કરી અને એક ચડ્ડી બનાવી બે જણા વચ્ચે એક એમ વહેંચી દેવી પડે. પણ વિચારો કે સરકાર અલગ અલગ કલરની ચડ્ડીઓ વહેંચે તો સરકારને પણ કેટલો ફાયદો. પહેરનાર પણ અઠવાડિયામાં પાંચ દિવસ પાંચ જુદી જુદી ચડ્ડી પહેરીને જઈ શકે. પેલી અડધી ચડ્ડીનું કાપડ વધે એની થેલીઓ બનાવીને આપો તો પણ બે થેલી બને અને એના લીધે કેટલા બધા પ્લાસ્ટીકના ઝભલાનો કચરો થતો અટકે? હવે તમે એમ ના કહેતા કે ચડ્ડી પહેરીને તે ઓફીસ જવાતું હશે? ના, તમે એવું ના કહી શકો. ભાઈ, બુલેટ ટ્રેનને બદલે સાદી ટ્રેન ચાલતી હોય તો પેન્ટને બદલે ચડ્ડી પણ ચાલે જ હોં! પ્લીઝ હવે વધારે દલીલ ના કરતાં! તમે હવે એમ કહેશો કે અમે એવી સરકારે આપેલી ચડ્ડી શું કામ પહેરીએ? યુ આર રાઈટ. તમારી પાસે શું પહેરવું એ નક્કી કરવાનો હક છે જ. જેમ તમે બુલેટ ટ્રેનના બદલે, હમણાં આપણા વ્હાલા રાહુલજી ગયા હતા એમ, બળદગાડામાં મુસાફરી કરવા માંગતા હોવ તો તમને કોણ રોકી શકે? રસ્તામાં બેઠેલી ગાય સિવાય કોઈ નહીં!

ચલાવી લેવાનું આમેય આપણા સંસ્કારમાં છે. દેખાવડી છોકરી મળે તો ભણતર અને એનઆરઆઈ છોકરો મળે તો દેખાવ ચલાવી લઈએ છીએ. એમબીબીએસમાં ન મળે તો ડેન્ટલમાં લઈ લઈએ છીએ. રીંગણનું ભાવતું હોય ને રોજ કોબીનું બને તો એ ચલાવી લઈએ છીએ. શાકમાં સ્વાદ ન મળે તો એમાં સોસ નાખીને ચલાવી લઈએ છીએ. અમે તો મોબાઈલમાં પણ નવું મોડલ આવે એટલે ઘટેલ ભાવનું ઉતરતું મોડલ ખરીદીએ છીએ. કિન્ના બાંધવાની આળસે, દોરી ઝૂમઝૂમ થઇ જવાની ચિંતા કર્યા સિવાય, પકડેલો પતંગ ચગાવી મારીએ છીએ. નવી સ્ટોરી કે નવી ધૂનો ન મળે તો રીમેઈક અને રીમીક્સ કરીને કામ ચલાવી છીએ. પણ, આપણે ઉત્સાહમાં આવીને જ્યારે કૈંક વિશેષ કરવા માંગતા હોઈએ એના બદલે આપણને બીજું જ કરવાનું કહેવામાં આવે ત્યારે આપણી દશા ફીઝીક્સની કાપલીઓ લઈને બેઠેલા પરીક્ષાર્થીને મેથ્સનું પેપર આપ્યું હોય એવી થઇ જતી હોય છે.

શરૂઆતમાં જણાવ્યું એવા ‘મોસમી બૌધિકો’ દર તહેવારે આપણે શેના બદલે શું કરવું એની સલાહો આપવા ઉપસ્થિત થઇ જતા હોય છે. દિવાળીથી શરુ કરીએ તો હવાનું પ્રદૂષણ ન થાય અને મૂક પશુ-પક્ષીઓને ખલેલ ન પહોંચે એ માટે આપણને ફટાકડા ન ફોડવાની કે અવાજ વગરના ફટાકડા ફોડવાની સલાહ આપવામાં આવે છે. સારું છે આપણને ફટાકડાને બદલે ઈજ્જતના ભડાકા, વાછૂટના ધડાકા, ચાબુકના ફટાકા અને લાફાના સટાકાથી ચલાવી લેવાનું નથી કહેતા. દિવાળી પછી ઉત્તરાયણ પર પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓના વોટ્સેપ ફોરવર્ડઝ મોકલી મોકલીને આપણને સેન્ટી કરી મૂકવામાં આવે છે. આ કિસ્સામાં પતંગ-દોરીના બદલે ઉત્તરાયણ કેવી રીતે કરવી એનો કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી. શું કવિ આપણને ‘નજરુંના પેચ’ લડાવીને ઉત્તરાયણ ઉજવવાનું સૂચન કરી રહ્યા હોય છે? કે પછી પ્રજાએ લંગસીયા લડાવીને, ઘચરકા લડાવીને અથવા માત્ર તલસાંકળી, બોર, જામફળ, શેરડી ખાઈને ઉત્તરાયણ કરવાની? આ બાબતે ‘સીઝનલ બૌદ્ધિકો’ ચૂપ છે. આવા સીઝનલ બૌદ્ધિકો શિવરાત્રી ઉપર શિવજીને ચઢાવવામાં આવતા દૂધ સિવાય બીજી કોઈ બાબતમાં ઝારો મારતા નથી એ ગનીમત છે. એની પાછળ શિવજીના ત્રિશુળની કે પછી પોઠિયાના શીંગડાની બીક પણ હોઈ શકે. તમને ઇન્સ્યોરન્સ પ્રીમીયમ ભરવાનું રીમાઈન્ડર કદાચ મોડું મળે પણ હોળી ઉપર પાણીના બદલે ચપટીભર સુકા રંગોથી હોળી ઉજવવાના વોટ્સેપ ફોરવર્ડ્ઝ સમયસર મળી જશે. આ કીસ્સામાં પાંચ મીનીટમાં હોળીનો કાર્યક્રમ ‘પતાવ્યા’ પછી બચેલા સમયમાં સૌ મળીને દેશ ભક્તિના ગીતો ગાય, સાયકલ ઉપર દારુબંધીનો પ્રચાર કરવા નીકળે કે પછી ધ્યાન-યોગથી સ્વાસ્થ્ય સુધારે એવા સુઝાવ તમને આવનારી હોળી પર મળી શકે. ચૈત્રી નવરાત્રી, રક્ષાબંધન અને રથયાત્રા ઉપર આવા બૌધિકો જન્માષ્ટમી પર રમાતા જુગાર સામે મેદાને પડવાની શક્તિ એકઠી કરવા માટે ચોમાસામાં શીતતંદ્રામાં જતા રહેતા હોય છે. જોકે આ લડાઈ બે માર્યાદિત જૂથો વચ્ચેની હોઈ બાકીની પ્રજાને કોઈ લેવાદેવા હોતી નથી. નવરાત્રીમાં બાર વાગે ગરબા બંધ કરાવવા સિવાય બીજો કોઈ ફેરફાર કરાવી શક્યા નથી એનો અફસોસ આ મોસમી બૌદ્ધિકોને ચોક્કસ થતો હશે. એ લોકો કદાચ ખાનગીમાં ચણીયા-ચોળી, કેડિયા-ચોયણી કે તાલી-દાંડિયાના અવાજથી થતા પ્રદૂદ્ષણ ઉપર સંશોધન પણ કરાવતા હોઈ શકે. અમને તો લાગે છે કે આવનારા સમયમાં આવા સીઝનલ બૌદ્ધિકો મૂછ વગરની ફોઈને કાકા કહેવાનો આગ્રહ પણ કરી શકે, ઓફકોર્સ ફોર અ ચેન્જ.

મસ્કા-ફન

જેને વોટ્સેપ પર ‘મ્યુટ’ કરેલો હોય

એ રૂબરૂમાં બકવાસ કરી જાય

ત્યારે અમને ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે.

No comments:

Post a Comment