કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૯-૦૮-૨૦૧૭
ગયા સપ્તાહમાં રાજ્યસભામાં સચિન તેંદુલકરની ગેરહાજરી વિષે ચર્ચા ચાલી. સોશિયલ મીડિયા પર સચિન રાજ્યસભામાં બેઠેલો હોય એવો ફોટો ફરતો થયો જેમાં સચિનના ચહેરા પર ભરાઈ પડ્યો હોય, કંટાળ્યો હોય કે પછી અંજલીએ ડંડા મારીને પરાણે મોકલ્યો હોય એવા હાવભાવ સ્પષ્ટ જણાતા હતા! કોલેજમાં પ્રોફેસર બોર કરતા હોય છતાં એટેન્ડન્સ જરૂરી હોય અને જેમ વિદ્યાર્થીઓ પરાણે ક્લાસમાં બેસે બિલકુલ એમ બેઠો હતો. સામાન્ય રીતે બેસણામાં, સાસરામાં કે હોસ્પિટલમાં ખબર કાઢવા લોકો આમ જ હાજરી પુરાવવા જતાં હોય છે. કોલેજમાં તો પ્રોફેસર ગફલતમાં રહે તો તમારા બદલે કોઈ બીજો પ્રોક્સી પુરાવી શકે, પરંતુ સચિન માટે તો એ પણ શક્ય નથી!
આવા વિદ્યાર્થીઓને કારણે જ પ્રોફેસરોને ખાલી હાજરીથી સંતોષ નથી થતો. હાજરી શારીરિક નહીં, માનસિક પણ જરૂરી છે. ‘તારું ધ્યાન ક્યાં છે?’ આ વાક્ય જેટલી વાર કલાસરૂમમાં બોલાયું હશે એટલી વાર ‘મિ. લોર્ડ’ વાક્ય કોર્ટમાં નહીં બોલાયું હોય. સંગીતના રીયાલીટી શોમાં જજીઝ ગાયકના સ્ટેજ પરફોર્મન્સ ઉપરાંત કપડા, હાથ અને ચહેરાના હાવભાવ અને ક્યારેક ડાન્સના સ્ટેપ્સ પણ જજ કરે છે. તો પછી સાવ લઘરવઘર કપડા પહેરીને આવતા અને એજ બોરિંગ મોનોટોનસ અવાજમાં એપ્લાઈડ મિકેનિકસ ભણાવતા પ્રોફેસર પર ધ્યાન ટકાવી રાખવું કેટલું અઘરું છે? આવામાં ક્લાસની બહાર કોયલના ટહુકા અને ઢેલની કળામાં મોરલાનું ધ્યાન હોય એમાં નવાઈ શું છે? સિવાય કે ભણાવનાર આલિયા જેવી ફટાકડી કે રણબીર જેવો ક્યુટડો હોય!
અમુક વિરલાઓ ધ્યાન બહેરા હોય છે, જયારે અમુક બેધ્યાન હોવાનો સારો અભિનય કરી શકતા હોય છે. તમે છાપું વાંચતા પતિના કિસ્સાઓ સાંભળ્યા હશે કે જે પત્નીની વાતમાં હા એ હા કર્યા કરતો હોય. આવા કારીગરની નસેનસથી વાકેફ પત્ની એને એમ પૂછે કે ‘સાંજે જમવામાં તાડપત્રી અને વઘારેલો હાથી ફાવશે?’ અને પેલો હા કહી બેસે, પછી એ દિવસે હોજરી ખાલી રહે એવું બને. આવા ધ્યાન બહેરા પાછા પત્નીની ફ્રેન્ડ મળવા આવી હોય ત્યારે અક્કર-ચક્કરમાંથી હાજર થઈને વાતમાં રસ લેવા મંડે એમ પણ બને.
‘બેફામ’ કહે છે કે
રડ્યા 'બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
અહીં કવિને પોતાના મરણ સમયે પોતાની જ ગેરહાજરી ખુંચે છે. તો બીજાની હાજરીની તો અપેક્ષા સૌ કોઈને હોય જ ને? પરંતુ બેસણામાં મૃતકના અમુક સગા એવા બાઘા હોય છે કે એ તમારી હાજરીની નોંધ લે એ માટે તમારે ફોટા આગળ જઈ ખિસ્સામાં ફાંફાફોળા કરી ટાઈમ પાસ કરવો પડે. અને તોયે ના જોવે તો એમને કોન્ગ્રેચ્યુલેશન કહેતા હોઈએ એમ પાસે જઈ હાથ મિલાવવા પડે છે. જયારે અઠંગ બેસણાબાજો મરનારના નજીકના સ્વજન જ્યાં સુધી હાજરીની નોંધ ન લે ત્યાં સુધી વોટ માગવા નીકળેલા નેતાની જેમ હાથ જોડીને ઉભા રહેતા હોય છે. એમ કરવું પડે છે કારણ કે સામેવાળાને ત્યાં પણ ગણતરી પાક્કી હોય છે. ‘બાબ્ભ’ઈ ન બચુભ’ઈ આઈ જ્યા. રંછોડને ત્યોં આપણે તૈણ બેસણામાં જઈ આયા પણ હજી એ દેખાયો નહિ. બાયડી લાકડા ભેગી થઇ પછી હાળાના ટાંટિયામાં ભમરો પેઠો લાગઅ છ’ આવી ગુસપુસ પણ ‘તુ હી માતા તુ હી પિતા હૈ...’ની ધૂનની આડમાં થતી હોય છે. મોટે ભાગે તો ફોટાની પાસે બેસનારામાં શિક્ષક જેવું એકાદ તો હોય જ છે જે ‘કોણ આવ્યું’ અને ‘કોણ હજુ બાકી છે?’ એનો સતત હિસાબ રાખતું હોય. પણ દિવંગતના સ્વજન આવા પર્ટીક્યુલર હોય તો બેસણામાં હાજરી આપવી લેખે લાગે. બાકી પીંજારો એના ધનુષનો ટ્રેંવ.. ટ્રેંવ.. ટ્રેંવ.. અવાજ કર્યા વગર સોસાયટીમાં ફરી ને જતો રહે એમ બેસણામાં જઈ આવવાનો અર્થ શું? કોઈ જોતું હોય તો કમસેકમ જતાં કે આવતાં આપણી હાજરીની પાકી રસીદ તો મળે. એટલે જ અમને બેસણામાં બાયોમેટ્રીક્સની તાતી જરૂર જણાય છે જેમાં આવનાર અંગુઠો સ્કેન કરે એટલે આધાર કાર્ડના ડેટાબેઝ સાથે સરખામણી કરીને આવનારનું નામ રેકોર્ડ પર આવી જાય અને બેસણું પતે એટલે કોણ આવ્યું હતું એનું પાકું લીસ્ટ પણ મળી જાય. આમ થાય તો આધાર કાર્ડ રજીસ્ટ્રેશન પણ વધશે એ વાતમાં કોઈ શંકા નથી.
જમાઈની સાસરે હાજરી બાબતે બે પ્રકારના મત જોવા મળે છે. એક વર્ગ માને છે કે ‘દીકરી વિના દાઝ નહિ અને જમાઈ વિના લાજ નહિ’. અર્થાત સાસરાની આબરૂ રાખવા માટે જમાઈએ ટાણે હાજરી આપવી જરૂરી છે. સસરો માલદાર હોય તો જમાઈઓ રાજીખુશીથી હાજરી આપતા હોય છે. એટલું જ નહિ પણ શાહરૂખ ખાનની જેમ સ્ટેજ ઉપર જઈને નાચવા પણ આતૂર હોય છે. રાજકીય ફલક પર નજર કરો તો જમાઈઓ કેમ સાસરે પડ્યા પાથર્યા રહેતા હશે એ સમજાઈ જશે. પરંતુ ઘણા જમાઈઓને ‘अति परिचयात अवज्ञा’ ઉક્તિ અન્વયે સાસરે હાજરી આપતા ચૂંક આવતી હોય છે. વાતમાં અસ્થમા છે! ચંદન વૃક્ષના જંગલમાં વસતા વનવાસીઓ માટે ચંદનનું લાકડું એક સામાન્ય ઇંધણ જ છે! આવા જમાઈઓ થોડો ભાવ ખાધા પછી સાસરે હાજરી આપતા હોય છે. જોકે આપણા દેશમાં સાસુઓને આવા ભૂતોને બાટલીમાં ઉતારવાનો મહાવરો હોય છે.
હાજરી આપવાથી જો ભવિષ્યમાં ગેરહાજરીથી ઉભા થતાં સવાલોથી બચી શકાતું હોય તો હાજરી આપવી આવું સૌ કોઈ માને છે. કદાચ એટલે જ મન વગર માળવે જનારાથી આ સંસાર ભરેલો છે. હવે તમે આ લેખ વાંચ્યો છે એનું પ્રૂફ અમને આપી દેજો, નહીંતર ....
મસ્કા ફન
કમર પર લેંઘો ટકાવવા નાડુ અને
ઉમેદવારને જીતાડવા માટે ધારાસભ્યોનો ટેકો જરૂરી છે.
No comments:
Post a Comment