કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૨-૦૮-૨૦૧૭
શ્રાવણ માસ ભક્તિ અને ઉપવાસનો મહિનો છે. ધાર્મિક કારણ તો છે જ પણ ચોમાસા જેવી સિઝનમાં ઉપવાસ કરવાથી શરીરને પણ ફાયદો થાય છે એવું મનાય છે. પરંતુ ઉપવાસમાં ખાઈ શકાય એવી ખાદ્ય સામગ્રીનું લીસ્ટ લાંબુ થતું જાય છે એમ ઉપવાસના ફાયદા ઘટતા જાય છે. જોકે બધા ઉપવાસ કરનારા ધાર્મિક કારણસર નથી કરતા, ઘણા ઘરોમાં સ્ત્રી વર્ગ ઉપવાસ કરે એના કારણે આખા ઘરને ઉપવાસ કરવો પડે છે. જોકે એમાય પાછી બધી સ્ત્રીઓ સંપૂર્ણરીતે ધાર્મિક કારણસર ઉપવાસ નથી કરતી, કેટલીય ડાયેટિંગ માટે પણ કરે છે. દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી. હા સ્ત્રીઓ માટેય વપરાય. જોકે પુરુષ વર્ગ ઉપવાસમાં જોડાય એટલે વજન ઘટે કે ન ઘટે, તેલના ડબ્બામાં તેલની સપાટી તળિયે જરૂર જાય છે.
ઉપવાસ ને અંગ્રેજીમાં ફાસ્ટ કહે છે, પરંતુ ઉપવાસ કરનારનો દિવસ સ્લો જાય છે. એમાં પાછું રાત્રે બાર વાગે દિવસ પૂરો થયેલો ગણવો કે સવારે સૂર્યોદય સમયે, તે અંગે પાછા મતમતાંતર છે. ઉપવાસ કરીને મોડે સુધી ટીવી જોઈ મધરાતે પારણા કરવાના અમારા જેવાના પ્રયાસો પર ‘શાસ્ત્રમાં કહ્યું છે’ કહી પાણી ફેરવવામાં આવે છે. અમને આશ્ચર્ય થાય છે કે દિવાળીમાં આખીને આખી તિથી ઉડી જાય, વચ્ચે ખાડાનો દિવસ આવે, બપોર સુધી એક તિથી હોય અને બપોર પછી બીજી થઇ જાય એવું શાસ્ત્રના નામે ચલાવવામાં આવે છે. આમાં ને આમાં કેટલી ય રજાઓ ખવાઈ ગઈ! અરે ભાઈ, અડધી રાત્રે તિથી બદલાતી હોય તો અમને એનો લાભ આપો ને! એકાદવાર તો અડધી રાત્રે અગીયારાશની બારશ કરો! પણ એવું કરવામાં આવતું નથી. એટલું જ નહીં આ બાબતમાં આરટીઆઈ ક્યાં કરવી તે અંગે પણ કોઈ સ્પષ્ટ જણાવતું નથી. અમારો તો સરકારને આગ્રહ છે કે આ બાબતને પણ આરટીઆઈના દાયરામાં લાવવામાં આવે.
ઉપવાસ કરનારની મુખ્ય સમસ્યા એ છે કે શું ખવાય અને શું ન ખવાય એ અંગેનું નીતિશાસ્ત્ર. આમ તો ક્યાંક લખ્યું હશે, પરંતુ ક્યાં લખ્યું છે તેની માહિતીના અભાવે લોકો જુદીજુદી વસ્તુઓને ફરાળી ગણાવે છે અથવા નથી ગણાવતા. રાજગરા, મોરૈયા, શિંગોડા જેવાને સાર્વત્રિક રીતે ફરાળી ગણવામાં આવે છે જયારે ઘઉં, ચોખા, દાળ વગેરે ફરાળી નથી ગણાતા. એ બરોબર છે. રાજગરાનો લોટ ફરાળી હોય તે આવકાર્ય છે, કારણ કે તેમાંથી શીરો બને છે. પરંતુ આઈસ્ક્રીમ, કોલ્ડડ્રીંક, ચોકલેટ, ફ્રુટસલાડ જેવી આઈટમ્સને ચુસ્ત ઉપવાસકો ફરાળી નથી ગણતા. અમારા જેવા ‘ગળ્યું તે ગળ્યું બાકી બધું બળ્યું’ વાળાને આ અન્યાય છે. જો કોઈ બાબતના અર્થઘટનમાં ગુંચવણ હોય તો સુપ્રિમ કોર્ટ ફેંસલો કરે છે, પરંતુ કોને ફરાળી ગણવી અને કોને ના ગણવી તે અંગે સુપ્રિમ કોર્ટે પણ કોઈ ચુકાદો આપ્યો નથી. ધાર્મિક બાબતોમાં આવા ગૂંચવાડા ઉભા થાય ત્યારે છેવટે સગવડિયા ધર્મનો આશરો લઈને એનો ઉકેલ લાવવામાં આવે છે.
ઉપવાસ ખરેખર સંયમ કેળવવા માટે કરવાના હોય છે. એમાં ફળ, કંદમૂળ, દૂધ, ઘી, સાકર વગેરે અને તેની બનાવટો ખાવાની સામાન્ય છૂટછાટ અને કોઈ અજ્ઞાત કલમ નીચે વાવ્યા સિવાય ઉગે તેવા સામો અને રાજગરા જેવા ખડધાન્યની પણ છૂટ મૂકી છે. પછી છીંડામાંથી દરવાજા બનાવવામાં પ્રવીણ પ્રજાએ જલસા કરવાના રસ્તા કહેતા સિક્સ લેન રોડ બનાવી દીધા છે. દોડવું હોય અને ઢાળ મળે એમ હવે જાતજાતના રસોઈ શોમાં ઉપવાસમાં ખવાય તેવા ફરાળ બનાવતા શીખવાડે છે. અબ આલમ યે હૈ કી બટાટાની સુકી ભાજી, શિંગોડાના લોટની કઢી, રાજગરાની પૂરી, સાબુદાણાના વડા અને મઠ્ઠા જેવી રેગ્યુલર વાનગીઓ કરતાં પણ વધુ ચટાકેદાર અને પચવામાં ભારે એવા ફરાળી પિત્ઝા, પેટીસ, ઢોંસા, પાણીપુરી અને સેન્ડવીચ પણ મળતા થઇ ગયા છે. આપણી ભોળી પબ્લિક પાછી ખાતા પહેલા ભગવાનને ધરાવે પણ ખરી! જાણે કે ભગવાનને કંઈ ખબર જ ન પડતી હોય!
અમેરીકામાં આપણી જેમ ઉપવાસનો મહિમા નથી. સ્વાભાવિક છે કે ત્યાની મેરી અને મારિયાઓ સારો વર મેળવવા માટે સોળ સોમવાર નથી કરતી. તો ત્યાંના જ્હોન, પીટર, કે રોબર્ટ પણ વિદ્યા ચઢે અથવા તો મંગળ નડે નહીં તે હેતુથી ગુરુવાર કે મંગળવાર નથી કરતા. ત્યાંના ક્લીન્ટન કે ટ્રમ્પ પોતાના પાપ ધોવા માટે અગિયારસ કે પુનમ નથી કરતા. નથી કોઈ શ્રાવણ મહિનો કે ચાતુર્માસ નથી કરતુ. સામે આપણે પુરુષો સારી પત્ની મળે એ માટે વ્રત નથી કરતા, કદાચ જે મળે એને સારી માનવાનું આપણે શીખી ગયા છીએ. અમેરિકામાં તો તહેવારો આવે તો લોકો ખાય અને પીવે છે. આ કારણ હોય કે અન્ય, અમેરિકાના ૬૮.૮% લોકો ઓવરવેઇટ છે. એમને ભૂખ્યા રહેતા આવડતું જ નથી. હા, વજન માટે ડાયેટિંગ જરૂર કરે છે પણ એ બધું દળી દળીને ઢાંકણીમાં. જોકે ભુરિયાઓને જે કરવું હોય એ કરે, આપણે કેટલા ટકા?
ઉપવાસમાં અમેરિકન્સને રસ નથી તો આપણા પુરુષોને જશ નથી. પુરુષો ઉપવાસ કરે તો આખા ગામને ખબર પડે તેમ દાઢી વધારે છે. ઓફિસમાં બધા અહોભાવપૂર્વક પૂછે કે ‘કેમ શ્રાવણ મહિનો કર્યો છે?’ અને ફેશન માટે દાઢી ઉગાડનાર ભાઈ સાંજે લારી પર વડાપાઉં પણ સંતાઈને ખાતો થઈ જાય છે. જોકે પુરુષ ચીટીંગ કરે, બહાર મોઢું મારીને આવે તો પણ ‘ટેઢા હૈ પર મેરા હૈ’ ભાવે ભારતીય સ્ત્રીઓ એમના માટે જાતજાતની ફરાળી વાનગીઓ બનાવી તેમના પાપ ધોવાની કોશિશ કરતી રહે છે! ●
મસ્કા ફન
“મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેંક બેલેન્સ હૈ તુમ્હારે પાસ ક્યા હૈ?”
“મેરે પાસ બોટ હૈ મેરે ભાઈ”.
No comments:
Post a Comment