Wednesday, June 07, 2017

સાયકલ મારી સરરર જાય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૬-૨૦૧૭

અમદાવાદમાં રહેતા હોવ અને રસ્તે જતાં તમારી પાછળ કુતરું પડે તો? કંઈ વાંધો નહીં, તમે કારમાં બેઠા હોવ તો એ કંઈ નહીં કરી શકે. એક મિનીટ, પણ તમે બાઈક પર જતા હોવ તો? તો તમે સ્પીડમાં બાઈક ભગાવી મુકશો એમ જ ને? અને ધારોકે તમે સાયકલ પર જતા હોવ તો? તો પછી, કૂતરાની સામે થયા વગર કોઈ ઉપાય નથી દોસ્ત! અહીં કવિ એમ કહેવા માંગે છે કે સાયકલ તમને બહાદુર બનાવે છે! આ લખાય છે એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં કંપનીઓ, સંસ્થાઓ અને મોટા માથાઓ પર્યાવરણ બચાવવા માટે મોટીમોટી વાતો કરશે, પરંતુ સાયકલ ચલાવનાર આવી શાણી વાતો કર્યા વગર પેડલ માર્યે જાય છે.
Source: AB
 
આજે તમને રોડ ઉપર બે પ્રકારના લોકો સાયકલ પર જોવા મળશે – કઠોર પરિશ્રમ કરીને ઉંચે આવવા મથતા લોકો અને ઉંચે આવ્યા પછી (જખ મારીને) પરિશ્રમના રસ્તે વળેલા લોકો. આ બંને વચ્ચેની કક્ષામાં આવતા લોકો તમને એકટીવા અને સ્કૂટી પર ફરતા જોવા મળશે. ગુજરાતવાસીઓ જેમની ઉપર ગૌરવ લે છે એ ઉદ્યોગપતિઓ એક જમાનામાં સાયકલ ફેરવતા હતા એવા ઉદાહરણો આપણને આપવામાં આવે છે. પણ જેમ બધા ઝેર પીનારા શંકર નથી હોતા, એમ બધા સાયકલ ચલાવનારા ઉદ્યોગપતિ નથી બનતા કારણ કે ઉદ્યોગપતિ બનવા માટે સાયકલ ચલાવવા ઉપરાંત બીજું ઘણું બધુ કરવાનું હોય છે. પછી એ મથામણ વચ્ચે સાઈકલ ભુલાઈ જાય છે અને વર્ષો પછી એક દિવસ જયારે ડોક્ટર લીપીડ પ્રોફાઈલમાંના આંકડા બતાવીને ‘જીવનમાં કસરતનું મહત્વ’ વિષે લેકચર આપે ત્યારે ફરી સાયકલ યાદ આવે છે. એટલે જ હવે કરોડપતિઓ સાઈકલ પર ફરતા દેખાય છે, અલબત્ત ફેસબુક પર, અને તે પણ વહેલી સવારે કે રવિવારે! અહીં કરોડ એ એ એક જુમલો છે. તમે સાઈકલ હોવ એનાથી તમને કોઈ સરકારી લાભો મળી જવાના નથી. માટે ખોટી કીકો, સોરી ખોટા પેડલ મારશો નહિ.

સાઈકલ ચલાવવી એ વાહન ચલાવવામાં સૌથી મૂળભૂત આવડત છે. દરેક શીખી જાય છે. જોકે એવું જરૂરી નથી, અમારા કઝીન મુકેશભાઈ ગામથી જયારે પહેલી વખત અમદાવાદ આવ્યા ત્યારે ૨૧ વર્ષની ઉંમરે એમને સાયકલ આવડતી નહોતી, કદાચ ગામ નાનું એટલે સાયકલ વાપરવાની જરૂર નહીં પડતી હોય. પણ આખા અમદાવાદમાં એ બસમાં બેસી અથવા તો પગે ચાલીને જતા. એકવાર અમે એમને પૂછ્યું કે ‘ભાઈ, તમે સાઈકલ કેમ શીખી લેતા નથી?’ તો કહે કે ‘ઓમ તો ફાવ છ, પણ મારુ હારુ બેલેન્શ નહિ રેતુ’. અમને થયું કે સાઈકલમાં બેલેન્સ રાખવું જ તો મેઈન છે. જો બેલેન્સ રાખતા ન આવડતું હોય તો શું સ્ટેન્ડ પર ચઢાવતા કે ઘંટડી વગાડતા આવડતું હોય એને સાઈકલ ચલાવતા આવડે છે એવું કહી શકાય?

સાયકલ શીખતી વખતે પહેલા સાયકલ પરથી પડતા શીખવાનું હોય છે. એમ પડતા-આખડતા સાયકલ આવડી જાય છે. પણ સાયકલ શીખવાનો આ આખો ઘટનાક્રમ ઘણો રમુજકારક હોય છે. સાયકલ શીખતી વખતે કહેવામાં આવે છે કે સામેની તરફ નજર રાખીને પેડલ મારતા રહો; પણ શીખનાર ભાગ્યે જ એમ કરતા હોય છે. સામાન્ય રીતે ધક્કો મારી સવારને પૈડાભેર કરી શીખવાડનાર પછી કેરિયર છોડી દેતા હોય છે. ચલાવનારને જેવી ખબર પડે કે પેલાએ પાછળથી છોડી દીધું છે એ પછી ઝાડ, થાંભલા કે સૂતેલા કૂતરા બધું જ એને પોતાની તરફ આપોઆપ ખેંચવા માંડે છે. એ સમયે વિશ્વના તમામ દેશોમાં સ્થાનિક ભાષામાં ઊંચા અવાજે ‘એ એ એ એ એ એ એ એ ....’ બોલીને પછી ધબ્બ દઈને પડવાનો રીવાજ છે.

સાઈકલ એ સ્ટેટ્સ જ નહિ પાર્ટી સિમ્બોલ પણ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે અખિલેશ ભૈયા અને નેતાજી વચ્ચે થયેલા વિવાદમાં સાયકલ (ચૂંટણી ચિન્હ) કોની પાસે રહેશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પછી ઘીના ઠામમાં ઘી તો પડ્યું, પણ સાથે પંજો પણ પડ્યો અને એવો છપાકો બોલ્યો કે ઠામમાં દીવો કરવા જેટલું પણ ઘી ન વધ્યું! ગુજરાતમાં નેવુંના દાયકામાં પણ એક રાજકીય પક્ષને સાયકલનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું. એ વખતે એક ચૂંટણી સભામાં ભાષણ કરતી વખતે આપણા સાહેબે નજીકની ભીંત પર પ્રચાર માટે દોરેલા ચૂંટણી ચિન્હો બતાવીને કહેલું કે ‘જુઓ, સાયકલને ચેઈન નથી અને પંજાને ભાગ્ય રેખા નથી!’ જોકે, નેતાજીએ એમની સાયકલને ચેન તો નાખવી દીધી પણ એમની સાયકલ સ્ટેન્ડ પરથી ઉતરી જ નહિ. બાકી તમને હસ્તરેખા જોતા આવડતી હોય તો પંજાની ભાગ્યરેખા પરથી એનું ભવિષ્ય ચકાસી શકો છો.

ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે; એમ જ એક જમાનામાં મિથુનદા ગરીબોના અમિતાભ કહેવાતા અને ગોવિંદા ગરીબોનો મિથુન ચક્રવર્તી ગણાતો. એ જ અનુરૂપતા અહીં લાગૂ કરીએ તો સાયકલ એ ગરીબોની બે બંગડીવાળી ગાડી છે! જેમ અભિનય માટે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર (છે કોઈ બીજો?) અને અનેક અવરોધો વચ્ચે સખ્ત મહેનત કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવનાર મિથુનદા એક ઉદાહરણ છે, એમ જ સફરમાં આવતા આંધી-તોફાનોની પરવા કર્યા વગર પોતાના દમ પર આગળ વધવાની તમન્ના રાખનાર લોકો માટે સાયકલ એ આદર્શ ઉદાહરણ છે. ખાતરી કરવી હોય તો સામા પવને સાયકલ ચલાવી જોજો; તમારો દમ ન નીકળે જાય તો અમે સ્વીકારીશું કે અમારી વાતમાં અસ્થમા નથી.

મસ્કા ફન

મંઝીલ તરફ નજર રાખી પેડલ માર્યા કરો,
પછી ભલે સાઈકલ સ્ટેન્ડ પર હોય!

No comments:

Post a Comment