કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૫-૧૦-૨૦૧૬
વિઘ્નહર્તાની ગયા મહીને બરોબર સેવા થઈ શકી નહિ હોય એ અથવા ગમે તે કારણ હોય, પણ આ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. ગણુદાદાના મમ્મી એક નોરતું એક્સ્ટ્રા આપી શકે છે, તો એ પાછું પણ લઇ શકે છે! મન મુકીને ગરબા કરવાના સમયે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આ લખાય છે ત્યારે અમદાવાદમાં ભૂતકાળમાં આ મહિનામાં ન પડ્યો હોય તેટલો વરસાદ પડી રહ્યો છે જેના કારણે નવરાત્રી આયોજકો, સ્ટોલધારકો, ભાવિકજનો, રસિકજનો, લોલુપજનો, અને જેમના રૂપિયા લેવાના બાકી છે અથવા આપી દીધા છે પણ એનું વળતર મળવાનું બાકી છે તેવા સર્વેજનોનું પોપટીયું થઈ ગયું છે. હવામાન ખાતાની તો આગાહી હતી જ એટલે નહાવાનું ઇન્સ્યોરન્સ કંપનીને થશે કે વ્યક્તિગત તે જ જોવાનું બાકી છે.
ગઈકાલે વરસેલા વરસાદને લઈને ગ્રાઉન્ડ ઉપર કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. પલળેલા ઢોલ પર પડતી દાંડી જાણે પિંજારાની લાકડીથી ધીબાતા ગોદડા જેવો અવાજ કાઢતી હતી. પાતળી કન્યાઓની દશા પલળેલા છાપામાં બાંધેલી ચોળાફળી જેવી હતી. એમણે ઉભા થવા માટે પણ કપડા સુકાય એની રાહ જોવી પડી હતી. આઈ શેડો ફેલાવાને લીધે ગ્રાઉન્ડ ઉપર ચણીયા-ચોળી પહેરેલા પાન્ડા ફરતા હોય એવું લાગતું હતું. બે-ત્રણ ન્યુઝ ચેનલોએ તો બ્રેકીંગ ન્યુઝમાં બે પગે ચાલતી વાઘણો જોયાનાં સમાચાર સ્ક્રોલમાં ચલાવ્યા હતા! હકીકતમાં એ ચણીયા-ચોળીનાં કાચા રંગને કારણે બન્યું હતું. આઈ-લાઈનરથી બનાવેલી મૂછો વહીને દાઢી પર આવી જતાં ગરબામાં દાંડિયા-કેડિયા ધારી જેહાદીઓ દેખાયાની અફવા પણ ઉડી હતી! મેદાન ઉપર તરણેતર ફેમ છત્રી લઈને આવેલા લોકોએ છત્રી નીચે ઉભા રહેવાનો ચાર્જ વસુલીને પાસના પૈસા કાઢી લીધા હતા.
આજે તો એટલો વરસાદ પડ્યો છે કે પાર્ટી પ્લોટમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે. મંડપો મંદાકિની બની ગયા છે, લાલ જાજમો પર લીલો રંગ અને લીલા કલરના પાર્ટીશન પર ઝૂલનો કેસરી રંગ લાગ્યો છે. એલસીડી સ્ક્રીન્સ પર જ્યાં પરસેવે નીતરતાં જોબનીયા જોવા મળતા હતા ત્યાં ખુદ એલસીડીમાંથી પાણી નીતરે છે. ભૂસાનાં બનેલા સ્પીકરો માવો થઈ ગયા છે અને ૧૯૯૬ની સાલના એમ્પ્લીફાયરને ઘેર પાછું લઇ જવું કે ત્યાં જ છોડી દેવું તે સાઉન્ડ સિસ્ટમ સપ્લાયર નક્કી નથી કરી શકતા. ડેકોરેશનવાળાએ ખીલીઓ સાથે મેદાનમાં છુટ્ટા નાખી દીધેલા લાકડાના ટુકડાઓ અને પ્લાસ્ટીકની ખુરશીઓ તરતી જોવા મળે છે.
આવામાં ગરબા કરવા હોય તો શું થઈ શકે?
આ માહોલ વચ્ચે ગુજરાતની પ્રજાને ખરેખર નવરાત્રી કરાવવી જ હોય તો વોટરપાર્કમાં ડાન્સ ક્લાસ ચાલુ કરાય. ત્યાં ખેલૈયાઓને પાણીમાં તરતા તરતા બેક-સ્ટ્રોક-દોઢિયું અને બટરફ્લાય-પોપટિયું કરવાની રીત શીખવાડીને સજ્જ કરી શકાય. હૂડામાં તો ફ્રી સ્ટાઈલની જેમ જ હાથ હલાવવાના હોય છે એટલે ખાસ નવું શીખવાનું રહેતું નથી. જયારે બે-તાળી કે ત્રણ-તાળીના ધીમા ગરબા કરનારા માજીઓને લાઈફ જેકેટો આપવા ફરજીયાત ગણાય. પણ આ બધું જ ચલતી એટલે કે દ્રુત લયમાં કરવું પડે નહિ તો ગરબા ‘ડૂબકા ડાન્સ’માં ફેરવાઈ જતા વાર ન લાગે. એવા સંજોગોમાં ફાયરબ્રિગેડને સાબદું રાખવું જરૂરી બની જાય.
બીજું તો ગરબા રમનારના ડ્રેસમાં આમૂલ પરિવર્તન લાવવું પડે કારણ કે કાચા સુતરમાંથી બનેલા ચણીયા-ચોળી રંગ છોડે તો ગરબા કરનાર લાલ-પીળા થઈ જાય. એટલે જ તો ગમે તે કપડા ઉપર રેઈનકોટ પહેરીને ગરબા કરવા જવાય. તરણેતરની છત્રીનું સ્થાન દેશભક્તિ બાજુએ મૂકી ચાઇનીઝ છત્રીઓએ લેવું રહ્યું. મૂળ વાત ગોળ ગોળ ફેરવવાનું છે, જે ચાઇનીઝ છત્રીમાં પણ શક્ય છે. બે દંડાવાળી કપલ છત્રી વેચી શકાય જે ખભા ઉપર સ્ટ્રેપ વડે ભરાવી કપલ્સ અમુક વિસ્તારની મર્યાદામાં ચક્કરો મારી શકે. જોકે એમાં કયા સ્ટેપ કરી શકાય તે અંગે ઈન્સ્ટ્રકશન છત્રી વેચનારે આપવી પડે.
ગરબા કરવા માટે સાઉન્ડ સિસ્ટમ જોઈએ. પરંતુ જો વરસાદ ચાલુ હોય તો સ્પીકરમાં ગાનારનો અવાજ કોગળા કરતો હોય એવો આવે. આ સંજોગોમાં સ્પીકરને પ્લાસ્ટિકની ચડ્ડી પહેરાવી શકાય. આમેય આપણને રિમોટથી લઈને સુટકેસને ચડ્ડી પહેરાવવાની આદત છે જ. ગાનારનાં સ્ટેજ તો ઊંચાઈ પર હોવાથી ત્યાં પાણી ન પહોંચી શકે, પણ વરસાદના અવાજ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે ગાનાર ગરબા કઈ રીતે સાંભળી શકે તે સવાલ છે. આવામાં ગાનાર વાયરલેસ કે બ્લુટુથ હેડફોન પહેરીને ગરબા કરી શકે. આનાથી હિંદુ તહેવારોમાં ખુબ ઘોંઘાટ થાય છે તેવો અવાજ ઉઠાવનારા પણ શાંત થઈ જાય.
અત્યારે તો પાછોતરા વરસાદે જે રીતે ‘ધી એન્ડ’નું પાટિયું બતાવ્યા પછી ફરી ટાઈટલીયા શરુ કર્યા એમાં આયોજકોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઘણાએ આવતી વખતે પાર્ટીપ્લોટના ગરબાને સ્થાને ‘તંબુ ગરબા’ કે અમેરિકાન ગુજ્જેશોની માફક ‘હોલ ગરબા’નું આયોજન કરવાનું વિચાર્યું હોય તો પણ નવાઈ નહિ. પણ તમે હજી કોઈ ટીપની રાહ જોતા હોવ અને અમે કોઈ સ્ટેપ શીખવાડીએ તો જ તમે ગરબા રમવાના હોવ તો ઘરે જ બેસી રહેજો. આ તો આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનું પર્વ છે જે તમારા સ્ટેપ નહી પણ તમારો ભાવ જુએ છે. તમે તન્મય થઈને જે અર્પણ કરશો તે બધું જ એ પ્રેમથી સ્વીકારશે. બાકી તમારું દોઢિયું ઓફ-બીટ જતુ હશે તો પણ એને કોઈ ફેર નથી પડતો. કહ્યું છે ને કે कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति| સ્ટાઈલ-બાઈલ બધું ઠીક છે. બસ, મચી પડો …
મસ્કા ફન ખેલૈયા-૧ : બકા, આ ગાયિકા તો જબરજસ્ત ગાય છે એનાં વોઈસના આરોહ અવરોહ તો સાંભળ ...
ખેલૈયા-૨ : અલા એ બેન પલળ્યા છે એટલે ઠંડી ચડી છે. ધ્યાનથી જો ધ્રુજે છે...
આઈ શેડો ફેલાવાને લીધે ગ્રાઉન્ડ ઉપર ચણીયા-ચોળી પહેરેલા પાન્ડા ફરતા હોય એવું લાગતું હતું. LOL...!!! :D
ReplyDelete