Wednesday, September 28, 2016

સગવડિયા સત્યો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૦૯-૨૦૧૬

સન ૨૦૦૫ની વાત છે. બિહારમાં સત્યેન્દ્ર દુબે નામના એક પ્રમાણિક આઈ.ઈ.એસ. ઓફિસરે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનાં ખરાબ કામ અંગે સત્યના પક્ષે રહી કાર્યવાહી કરી જેને પરિણામે રોડ માફિયાઓએ એને ગોળી મારી દીધી. જોકે એનાથી બીજા સત્યેન્દ્ર દુબે નથી બન્યા કે નહીં બને એવું નથી. ગાંધી બાપુનો બર્થ ડે આવે છે એટલે આ વાત યાદ આવી. હેપી બર્થ ડે ટુ ડીયર બાપુ. બાપુએ ઘણું બધું આપ્યું અને અપાવ્યું છે. એમાં સત્ય અને અહિંસા એ બે વાત સૌથી વધારે યાદ રહી જાય તેવા સિદ્ધાંતો છે. બાપુએ સત્યના પ્રયોગો કરીને આત્મકથા લખી છે. પ્રયોગ શબ્દ સંશોધનમાં ખાસ વપરાય છે. પ્રયોગના પરિણામો પોઝીટીવ અને નેગેટીવ બેઉ હોઈ શકે છે. વિજ્ઞાનમાં પ્રયોગ સફળ જાય તો આપણને નવી શોધ મળે છે અને નિષ્ફળ જાય તો અનુભવ મળે છે. અત્યારે તો સત્યના પ્રયોગો કરવામાં જાનનું જોખમ છે, અને એ પરણેલાઓ સારી રીતે સમજે છે. ગાંધીજી એટલે પણ મહાન હતાં કે એમણે સત્યના પ્રયોગો કસ્તુરબાની હયાતિમાં લખ્યા હતા, અને પાછા તે વકીલ પણ હતા! 
 
ખોટું બોલવા અંગે કેટલીય માન્યતાઓ પ્રવર્તે છે. હિંદુ ધર્મમાં એવી એક માન્યતા પ્રવર્તે છે કે જો થોડુક ખોટું બોલવાથી કોઈનું ઘર વસતું હોય તો ખોટું બોલવામાં પાપ નથી. અધર્મનો નાશ કરવા માટે યુધીષ્ઠીર પણ ‘નરો વા કુંજરો વા’ બોલ્યા હતા. જોકે અમારા સાકર બાનું માનવું છે કે ઘોંઘાટ વચ્ચે ગુરુ દ્રોણ ‘વા’ની તકલીફ માટે કંઈ પૂછવા આવ્યા છે એમ માનીને યુધિષ્ઠિરે એમને નરીયો વા છે કે કુંજરીયો વા છે એવું સામે પૂછ્યું હતું. પણ ઉંમરના લીધે દ્રોણના કાને પણ કાચું હશે તે એ પણ ઊંધું સમજ્યા. એ જે હોય તે પણ એ વાત સત્ય છે કે નકરું સત્ય ચોખ્ખા ઘી જેવું હોય છે, જેનું માપમાં સેવન કરો તો ગુણકારી નહિ તો એ અતિસારકારી નીવડે છે! એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘सत्यम ब्रुयात प्रियम ब्रुयात न ब्रुयात सत्यम अप्रियम’ અર્થાત સાચું બોલો, પ્રિય બોલો, પણ કડવું લાગે એવું સત્ય ન બોલો. એમ તો પ્રિય લાગે એવું અસત્ય બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે. અને હજી જો ગ્રંથોનો વધુ અભ્યાસ કરશો તો તમારે જોઈતુ હોય એવું સત્ય મળી જશે. જેમ કે જે સત્ય કહેવાથી છૂટાછેડાની નોબત આવે એવી હોય એવું સત્ય કહેવાનું ટાળવું જોઈએ. આશય એટલો જ કે છોકરાં રખડી ન પડે. બાકી અમને ખબર છે કે આ વાંચીને ઘણાને હાશ થઈ હશે!

પોતાના લખાણથી વાચકોને સેન્ટી કરી મુકનારા કોલમિસ્ટો અને લેખકો વારંવાર લખે છે કે આપણા સમાજમાં પ્રત્યેકના ચહેરા ઉપર અસત્યનું મહોરું ચડાવેલું હોય છે જેની પાછળનું સત્ય ચોંકાવનારુ હોય છે. હાથીની જેમ માણસોમાં પણ ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. આમ પણ હવે ઇમ્પ્લાન્ટસ આવી ગયા પછી અસલી અને નકલી દાંત વચ્ચેનો તફાવત જાણવો પણ મુશ્કેલ થઇ ગયો છે ત્યારે સ્માઈલ પણ ચોવીસ કેરેટનું હોવાની શક્યતા નહીવત છે. પણ વાતમાં અસ્થમા છે. આપણે ત્યાં એવા ‘કુમાર’ મળી આવશે જે સાસુને કાંદા-લસણની ના પાડતા હોય અને બહાર એમના મિત્રો એ ભાઈ બાઈટીંગ લઈને આવે તો બાટલી ફોડીએ એમ કરીને એની રાહ જોતા બેઠા હોય છે. અમારો તાજો અનુભવ કહીએ તો એક સત્સંગી અને ભક્ત ગણાતા ભાઈ સાથે અમે ચાની લારીએ બેઠા હતા ત્યારે પાણીનો ગ્લાસ અમારી તરફ લંબાવતા એમણે જયારે કહ્યું કે “લો, લગાવો” ત્યારે અમે બાંકડા પરથી ઉલળતા ઉલળતા રહી ગયેલા. આ બધા રાજપાલ યાદવની સાઈઝના સત્યો છે જેની ઉપર ટોપલો ઢાંકેલો રાખવામાં જ સાર છે.

જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે કે જયારે સાચું બોલવું જોખમી હોય છે. પોલીસ પકડે ત્યારે પોતે વેપારી કે માલદાર છે એની જાણ કરવી, પત્ની આગળ ઓફિસમાં ખુબસુરત મહિલા કલીગ છે તે જાહેર કરવું, ઇન્કમટેક્સનાં દરોડા વખતે સામે ચાલીને લોકરની ચાવીઓ આપી દેવી, અને દારુડીયો મિત્ર ઘેર મળવા આવે ત્યારે સારી બ્રાંડની વ્હિસ્કી પડી છે તેવું કહેવું રિસ્કી છે.

અમુક એવું માને છે કે મોટું જુઠ્ઠાણું ન ચલાવાય, પરંતુ નાના-નાના મીની જુઠ બોલીએ તો ચાલે. મોઢા ઉપર માખણ ચોંટ્યું હોય છતાં બાળ કનૈયો પણ કહેતો કે ‘મૈયા મોરી મૈ નહિ માખન ખાયો...’ એવું. આથી જ ‘અમદાવાદ આવવા નીકળી જ ગયો છું, રસ્તામાં જ છું’ એવું કહેનાર હજી મુંબઈથી નીકળીને વિરાર માંડ પહોંચ્યો હોય એવું બને, અને છતાં ‘રસ્તામાં જ છું’ એને માટે એવું મોટું અસત્ય નથી કે જેના માટે એને નરકમાં જવું પડે! ફેસબુક કે ટ્વિટર પર કોઈની પોસ્ટ કે ટ્વિટ લાઈક ન કરી હોય તો ‘મેં તો જોઈ જ નથી, ક્યારે મૂકી?’ એવું કહી છટકી જવું એ મીની જુઠ છે. આ બધા નાના નાના જૂઠ છે જે સાહજીકતાથી બોલવામાં આવે છે. આવી વાતમાં છુપાયેલા અસત્ય બાબતે બોલનાર પોતે સભાન રીતે અભાન હોય છે. પછી જેમ ટ્રાફિક પોલીસ ત્રણ સવારી કે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર સાથે પરત્વે સખ્તાઈથી કામ નથી લેતા, તેમ આવા નાના જુઠ બોલનારને ઉપરવાળો આડા હાથે નહિ લેતો હોય, એવું સાહજીક રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે.

મસ્કા ફન
શોભાના ગાંઠિયાની બહેનને ચટણી ન કહેવાય, એકતા કપૂર કહેવાય!

No comments:

Post a Comment