Wednesday, August 17, 2016

ઓલમ્પિકમાં મેડલ જીતવા માટેનાં કેટલાક ઉપાયો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૭-૦૮-૨૦૧૬

લેખકો અને ચિંતકો વારંવાર કહે છે કે જિંદગી એક ખેલ છે અને રમતની જેમ એમાં પણ અનેક પડકારો રહેલા છે. રમતની જેમ જિંદગીમાં પણ હારજીત થતી રહેતી હોય છે. જોકે જીંદગીમાં જે જીતેલા હોય છે એમને ૧૦૦ ડગલા દોડવાનું કહો તો હાંફી જતાં હોય છે અને ભૂતપૂર્વ મેડલ વિજેતાઓ દિલ્હીમાં પરચુરણ વસ્તુઓ વેચીને જીવનનિર્વાહ ચલાવતા જોવા મળે છે. અમુક કહે છે કે જિંદગી અને રમતમાં જીતવા કરતા ભાગ લેવો અગત્યનો છે. જોકે જીંદગીમાં તમારી ‘ગેમ’ થતી હોય ત્યારે તમે નામ નોંધાવ્યું હોય તે જરૂરી નથી હોતું. આમ છતાં રમતમાં કૌશલ્ય મેળવ્યું હોય તો જીંદગીમાં કામ આવે એ વાત નકારી ન જ શકાય. સામે રોજબરોજની ઘટમાળમાં આપણી સાથે ઘટતી ઘણી બાબતો રમતમાં કામ આવે એવી હોય છે.

દાખલા તરીકે અમદાવાદમાં ખાડિયાના યુવાનો એક જમાનામાં પથ્થરમારા માટે મશહુર હતા અને એમના પરાક્રમોની વાતો છેક ઇંગ્લેન્ડમાં પણ થતી હતી એવી વાયકા છે. બિહારમાં એક વિધાયક બહેને કુંડા ઊંચકી ઊંચકીને ફેંક્યા હતા એ જોઇને પહેલવાનો દંગ થઈ ગ્યા હતા. વિધાનસભામાં માઈકનાં લોખંડના સળિયા અને પીન કુશન ફેંકવાની ઘટનાઓ તો અવારનવાર બનતી રહે છે. એ બધાને પણ ઓલમ્પિકમાં ગોળાફેંક કે ભાલાફેંક જેવી સ્પર્ધાઓમાં મોકલી શકાય. કાશ્મીરમાં હમણાં જે રીતે યુવાનો સીઆરપીએફ અને આર્મી સામે જોશથી પથરા ફેંકતા હતા તે જોતા તેમને પણ ગોળાફેંક અર્થાત શોટ પુટના ખેલ માટે તૈયાર કરવામાં આવે તો ચોક્કસ ગોલ્ડ મેડલ અંકે કરી લે. જોકે ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતવાથી નામ મળે, થોડા ઘણા રૂપિયા પણ મળે પણ જન્નતની હુર ન મળે એ અલગ વાત છે. 
 
આપણે ત્યાં ભાર વિનાના ભણતર ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે. આ માટે વિશેષ પ્રયત્નો પણ થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે શિક્ષણમાં વાલીઓના ખીસા જ હળવા થાય છે. આજે પણ, ખાસ કરીને પ્રાઈવેટ શાળાઓમાં, બાળકો ભારેખમ દફતરો ઊંચકીને શાળાએ જતા જોવા મળે છે. આ એક પ્રકારનો વ્યાયામ જ છે. બાળકના દફતરનો ભાર દર વર્ષે આમ જ થોડો થોડો વધારતા રહીએ તો આગળ જતાં આપણને ઓલિમ્પિક્સનો મેડલ અપાવનાર વેઇટ લિફ્ટર મળી શકે છે. વાતમાં અસ્થમા છે. અમે તો એવું સાંભળ્યું છે કે ચીન અને રશિયામાં તો બાળકને ઘોડિયામાંથી સમરસોલ્ટ મારીને ઉતરવાનું શીખવાડાય છે.

ચોમાસું આવે એટલે ઘેર ઘેર મચ્છરનો ઉપદ્રવ થાય છે. આ મચ્છરોને મારવા માટે ચાઇનીઝ રેકેટથી વધારે અકસીર ઉપાય કોઈ નથી. જેમ કબડ્ડીમાં કબડ્ડી કબડ્ડી કરતો ખેલાડી આપણી તરફ આવે ત્યારે એને અંદર પેસવા દઈ પછી ક્રીઝ તરફથી ઘેરીને આઉટ કરીએ છીએ, તેમ જ મચ્છર ઘરમાં ઘુસી જાય પછી બારી-બારણાં બંધ કરી ચાઇનીઝ રેકેટથી શોક આપી મારવામાં આવે છે. હવે વિચારો કે ક્યાં મચ્છરની સાઈઝ અને ક્યાં શટલ કોકની સાઈઝ? જો મગતરા જેવા મચ્છરને આપણે જાળીવાળા રેકેટથી પાડી શકતાં હોઈએ તો મચ્છરથી કદાચ હજાર ગણા મોટા શટલને કેટલી આસાનીથી રમી શકીએ? બસ, થોડી કોચિંગની જરૂર પડે, પણ એના માટે ચાઇનીઝ સપ્લાયર્સ સાથે સેટિંગ પાડી શકાય. આપણે એસી, ટીવી કે ફ્રીજ ખરીદ કરીએ પછી કમ્પનીનો એન્જીનીયર ડેમો માટે આવે છે, એમ જ ચાઇનીઝ ઉત્પાદકોને, આટલા બધા રેકેટ ખરીદાતાં હોવાથી, રેકેટ વાપરવાની ટ્રેનીંગ આપવા માટે ફરજ પાડી શકાય. ચાઇનીઝ લોકો આમેય ટેબલટેનીસ બેડમિન્ટન વગેરેમાં ચેમ્પિયન જ હોય છે.

ઓલિમ્પિકસમાં દોડ, કૂદ અને ફેંક એમ ત્રણ પ્રકારની હરિફાઈઓ મુખ્ય હોય છે. એમાં દરેક સ્પર્ધાના કૌશલ્યો જુદા હોય છે. દોડવાનું તો જાણે આપણા ગુજરાતીઓમાં મોટી ઉંમરે જ શરુ થાય છે અને તે પણ ડોક્ટર દ્વારા ફરજ પાડવામાં આવે ત્યારે! કમનસીબે ત્યાં સુધીમાં તો પેટ નામનો પદાર્થ ફૂલીને ફાંદ બની ગયો હોય છે. અમુક ફાંદનું તો એટલી હદ સુધી વિસ્તરણ થાય છે કે દોડવું હોય તો ફાંદ ઉચકવા માટે અલગ લારી ભાડે કરવી પડે. છતાં શહેરમાં શ્વાનસમાજ પરથી કુટુંબનિયોજનનું દબાણ હટાવી લેવામાં આવે તો ૧૦૦ મીટરની દોડમાં નિર્ધારિત લક્ષયાંકો સિદ્ધ થઇ શકે એમ છે.

ગુજ્જેશોને દોડવાની સ્પર્ધામાંથી બાકાત રાખીએ તો પણ કૂદવા અને ફેંકવામાં આપણો જોટો દુનિયામાં જડે એમ નથી. આપણા શહેરોમાં ખાડાઓ અને આડાઅવળા પાર્ક થયેલા વેહીકલ્સ વચ્ચે રસ્તો કરી જનાર તેમજ રેલ્વે ફાટક ઉપરથી સાયકલ કૂદાવનાર પબ્લિક લોંગ જમ્પ, હાઈ જમ્પ અને હર્ડલ્સ જેવી અનેક રમતોમાં આસાનીથી જીતી શકે. રોજ રસ્તે જતાં છાણ કાદવ પરથી લપસી લપસીને બેલેન્સ રાખવાનું શીખી જનાર પ્રજા આઈસ-સ્કેટિંગમાં વિન્ટર ઓલિમ્પિક્સનો મેડલ લાવી શકે એમ છે. અને મોકો જોઇને ગુલાટિયા મારનાર આપણા સદાબહાર પોલીટીશ્યન્સ જીમ્નાસ્ટીકમાં ચેમ્પિયન બની શકે છે. એજ રીતે હોળીમાં પધરાવેલા ગરમાગરમ નાળીયેરને હાથ પણ અડાડયા વગર લાકડી વડે કાઢનાર યુવાનો હોકી માટે આદર્શ ઉમેદવાર કહેવાય.

અમુક ગેમ્સ તો ઓલમ્પિકમાં છે જ નહિ, બાઈક કે કાર રેસિંગમાં અમદાવાદના નબીરાઓને, ખાસ કરીને રાતના સમયે, મોકલવામાં આવે તો નવા રેકર્ડ તોડી આવે. સૌરાષ્ટ્રના અબાલ-વૃદ્ધ સહીત સૌ કોઈ પાન-માવો-ફાકી ખાઈને પિચકારી મારવામાં આસાનીથી વિશ્વ વિક્રમ કરી શકે. અમદાવાદના નાના વેપારીઓ ટુ-વ્હ્લીર પર કોઈ પણ સાઈઝ અને શેપનો માલ-સામાન હેરફેર કરવામાં અવ્વલ નંબરે આવે. આવી અનેક સિધ્ધિઓ આપણે હાંસિલ નથી કરી શકતા, કારણ કે આપણી  આવી અદભૂત આવડતોને અનુરૂપ રમતો આપણે ઓલમ્પિકમાં રખાવી શકતા નથી. આ ઘણી અફસોસની વાત છે.

મસ્કા ફન

ઉપવાસ માટે અંગ્રેજીમાં ‘ફાસ્ટ’ શબ્દ વપરાય છે. પણ ઉપવાસ કરો તે દિવસ ઘણી ધીમી ગતિએ પસાર થાય છે.

2 comments:

  1. કાશ્મીરમાં હમણાં જે રીતે યુવાનો સીઆરપીએફ અને આર્મી સામે જોશથી પથરા ફેંકતા હતા તે જોતા તેમને પણ ગોળાફેંક અર્થાત શોટ પુટના ખેલ માટે તૈયાર કરવામાં આવે તો ચોક્કસ ગોલ્ડ મેડલ અંકે કરી લે. જોકે ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતવાથી નામ મળે, થોડા ઘણા રૂપિયા પણ મળે પણ જન્નતની હુર ન મળે એ અલગ વાત છે. LOL :D

    ReplyDelete
  2. વરસો પહેલા ગુજરાત વિધાનસભા મા આજ કારણસર માઈક ને ટેબલ પર ફીક્સ કરવા પડેલા તે યાદ આવ્યું

    ReplyDelete