Sunday, November 29, 2015

લાઈસન્સ ટુ કિસ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૯-૧૧-૨૦૧૫
આજકાલ જેમ્સ બોન્ડ ચર્ચામાં છે. જેમ્સ બોન્ડના પાત્ર માટે એવું કહેવાય છે કે એને બધું જ આવડે. નાગા બાવાનું ખિસ્સું કાપવા સિવાયના બધા સાહસો એ કરી શકે છે. એ કામ ફક્ત આપણા દેશી સુપર હ્યુમન રજનીકાંત જ કરી શકે એટલે એ રીતે બોન્ડ ભ’ઈને ‘Mr Q’ કરતાં રજનીકાંતની ટ્રેઈનીંગની વધારે જરૂર ગણાય. ખેર, રજનીભાઈ તો આ બધું શોખથી કરે છે જ્યારે બોન્ડ ભ’ઈની તો નોકરી છે. એ ભાઈ પાસે ‘લાઈસન્સ ટુ કિલ’ પણ છે જેના આધારે જરૂર પડે તો એ કોઈને મારી નાખી શકે છે. આવા પરાક્રમી બોન્ડની ફિલ્મ ‘સ્પેક્ટર’ એમાં બતાવેલા ચુંબનને કારણે આપણા સેન્સર બોર્ડમાં અટવાઈ! લો કહો! સાલું દુનિયા ભરની હુંશિયારી ભરી છે તોયે એ ટોપાને એટલી ખબર ન પડી કે ‘લાઈસન્સ ટુ કિલ’ની જેમ આધાર કાર્ડ, બર્થ સર્ટી અને ફોટો આઇડી પ્રુફની કોપીઓ સાથે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતામાં અરજી કરીને 'લાઇસન્સ ટુ કીસ' મેળવી લઈએ! 

જોકે 007ને આવું ‘લાઈસન્સ ટુ કિસ’ આપવામાં આવ્યું હોત તો પછી સાવ ડોહાની કક્ષાએ ન પહોંચ્યા હોય એવા જૂથો દ્વારા આ લાભ છેવાડાના નાગરિક સુધી પહોચી શકે એ માટે માગણી જરૂર ઉઠી હોત. અમે તો કહીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયામાં આ મામલે વાતાવરણ ગરમ છે તો યુવા પેઢીએ ‘લાઈસન્સ ટુ કિસ’ની માગણી સાથે આંદોલન છેડી દેવા જેવું છે. ક્યાં સુધી બગીચામાં, રીવરફ્રન્ટ પર, અટીરા અને લો ગાર્ડનનાં ઝાડ પાછળ બેઠેલા યુગલો સિક્યોરીટીવાળા સાથે તોડ-પાણી કર્યા કરશો? એવું હોય તો વચન આપો કે આ હકનો ઉપયોગ અમે જવાબદારી પૂર્વક કરીશું. સામે સરકારને ઠીક લાગે તો જે તે લાભાર્થી માટે જાહેરમાં ચુંબન કરતા અગાઉ મામલતદાર (મનોરંજન) પાસેથી આગોતરી પરવાનગી લેવી ફરજીયાત કરી શકે. ઉપરાંત સદર ઘટના સ્થળ ઉપર ઉપર ભીડ થવાની શક્યતાને ધ્યાને લઇને સભા, સરઘસ અને દેખાવો કરવા માટેનું પોલીસ ખાતા પાસેથી ક્લીયરન્સ મેળવવાનો કે ઉંમરનો દાખલો સાથે રાખવાનો આગ્રહ રાખી શકે. આમાં માઈક વગાડવાનું ન હોઈ રસિયાઓ આ પ્રવૃત્તિ રાત્રે દસ પછી પણ ચાલુ રાખે તો સરકાર વાંધો લઇ શકે નહિ.

વાત હક્કની અને મોટા સામાજિક પરિવર્તનની છે એટલે ડ્રાઈવિંગ લાઇસન્સ, હથિયાર રાખવાના પરવાના તથા દારૂની પરમીટ મેળવવા માટે હોય છે એમ શરતો રાખી શકાય. જરૂર પડે તો IPC Section 294માં શરતોને આધીન છૂટછાટો મૂકી શકાય. આમાં દારૂની પરમીટોની લ્હાણી બાબતે અવારનવાર હોબાળો કરતી ડોહાઓની ગેંગ કડક શરતો લાદવા દબાણ લાવી શકે છે. આવા લોકોને વિનંતી કે આટલા વર્ષ તમારી આમન્યા રાખી, હવે ખમી ખાવ. જે ડોહાઓ હજી પણ જવાન છે અને પોતાના ભાગે આવેલી ડોશીને વહાલ કરે છે એમને પણ સીનીયર સીટીઝન તરીકેની વિશેષ સવલતો આપવામાં આવશે એની ખાતરી રાખે. એટલું જ નહિ પણ જે આધેડો ડોહત્વ તરફ આગળ વધી રહ્યા છે એમને પણ આ ઝુંબેશમાં જોડાઈ જવા હાકલ છે.

સેન્સર બોર્ડને કિસની લંબાઈ બાબતે વાંધો પડ્યો હોવાનું કહેવાય છે એટલે કિસ કેવી હોવી જોઈએ અને કેટલી લાંબી હોય તો એને લાં......બી કહેવાય એ બાબતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પાસે ‘Code of Practice for Kissing and Allied Activities in Public Places’ બહાર પડાવીને વિગતે માર્ગદર્શન આપી શકાય. આના આધારે રમત-ગમત વિભાગ ઇમરાન હાશ્મીની દોરવણી નીચે ‘કિસ રેફરીઓ’ની ફોજ તૈયાર કરી શકે જે ચુંબનની કાર્યવાહી નિયમસર થાય તેનું ધ્યાન રાખે. જે કોઈ યુગલ ઠરાવેલા સમય પહેલાં ચુંબનનો કાર્યક્રમ પૂરો ન કરે તો રેફરી સિસોટી વગાડીને ફાઉલ જાહેર કરી શકે. મજાની વાત એ છે કે અત્યારે પણ રાત પડે ગામના બાગ-બગીચા અને એકાંત જગ્યા ઉપર સિસોટીઓ વગાડી વગાડીને રેફરીના ફેફસા ફાટી જાય એવો માહોલ છે. ક્યારેક એવું પણ બની શકે કે કોઈ એકાંત ખૂણામાં રેફરીના ઘરનો દાગીનો નીકળે અને એના મોઢામાંથી સિસોટીના બદલે ચીસ નીકળી જાય! આવામાં પણ નિયમોનું પાલન કરનારા જાગૃત યુગલોનું શોષણ થતું અટકે એ માટે સિક્યોરીટી તરીકે ફરજ બજાવતા જવાનો સાથે આવા કિસ રેફરી રાખવા ફરજીયાત કરી શકાય.

બાકી અમે તો માનીએ છીએ કે ભાઈઓ, આ સમય છે બોલવાનો. (બહેનોને આમાં કંઈ લેવાદેવા નથી) અત્યારે નહિ બોલો તો સેન્સરવાળા એવી આચાર સંહિતા દાખલ કશે કે ભારતમાં રીલીઝ થતી ફિલ્મમાં ચુંબન દ્રશ્ય બતાવવું હોય તો હીરોએ પહેલાં માથાબોળ સ્નાન કરી, અબોટિયું પહેરી, કપાળમાં કંકુ ચોખા ચોડી અને હાથે નાડાછડી બાંધવી પડશે. હિરોઈને પણ સ્નાન કર્યા પછી રેશમી વસ્ત્રો ધારણ કરવા પડશે અને ત્યારબાદ જ ચુંબન ઈત્યાદીની કાર્યવાહી હાથ ધરી સોરી, કાર્યવાહી મોં ધરી શકાશે. બોલો ફાવશે? જોકે આપણને આ સુવિધા મળવાની ન હોઈ અમથી કીકો મારવાનો સવાલ નથી, પણ ગાલીબ, અમથી ચુમ્માચાટી દેખને સે યે ખયાલ અચ્છા હૈ!

મસ્કા ફન
આપવું હોય તો અત્યારે જ આપ ને રોકડું
ચુંબનનાં કંઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય !

Sunday, November 22, 2015

વોટ્સેપ ગ્રુપમાં કોક દિ ભૂલો પડ ....

કટિંગ વિથ અધીર-બધિર અમદવાદી | ૨૨-૧૧-૨૦૧૫

ઐતિહાસિક મહેલના વિશાળ ગુંબજની અંદરની બાજુએ સેંકડો કબૂતરો ઘૂ ઘૂ ઘૂ ઘૂ .... કરતા બેઠા હતા. થોડી થોડીવારે ઉપરથી પ્રસાદી ટપકતી હતી.
અમે પૂછ્યું “આ શું કરો છો?”
તો એમાંનું એક કહે “આ અમારું વોટસેપ ગ્રુપ છે અને અમે મેસેજીસ ફોરવર્ડ કરીએ છીએ!”
અમે ફર્શ પર પડેલા હજારો મેસેજીસ જોયા! એકાએક અમારી ઉપર પણ બે-ત્રણ મેસેજીસ પડ્યા અને અમે તાત્કાલિક ‘Leave Group ...’ કરીને નીકળી ગયા!
***
સ્માર્ટ ફોન આવ્યા પછી વોટ્સેપ નામની એપ્લીકેશને मर्कटस्य सुरापानमની ઉક્તિને સાર્થક કરી બતાવી છે અને પરિસ્થિતિ એવી છે કે હવે એમાં यद्वा तद्वा भविष्यति, અર્થાત કંઈ પણ થઇ શકે છે. આવા ટલ્લી થયેલા મર્કટો ભેગા થઈને એક વોટ્સેપ ગ્રુપ બનાવે તો એમાં વાતાવરણ મયખાનાથી કમ નથી હોતું.

વોટસેપના ગ્રુપ એ ધૂળેટીના દિવસે રંગથી ભરવામાં આવતા પાણીના હોજ જેવા હોય છે. એમાં જે બે-ત્રણ અદક-પાંહળાઓએ લઇ-દઈને આ ઉપાસણ કર્યું હોય એ લોકો સૌ પહેલાં અંદર પડતા હોય છે. પછી આણું કરવામાં આડાઈ કરતી વહુ જેવા બાકીનાઓને મને-કમને અંદર ખેંચવામાં આવતા હોય છે. વોટસેપમાં ફીલ્મ, સાહિત્ય, સંગીત કે સત્સંગ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવા અને એમને પ્રવૃત્ત કરવાના હેતુથી ગ્રુપ બનાવવાનો રીવાજ છે. દઈ જાણે આવી જાગૃતિથી કોનો, કેટલો અને કેવી રીતે ઉધ્ધાર થતો હશે, પણ મોટે ભાગે બે-ચાર હરખપદૂડાઓ આવા ઉચ્ચ હેતુથી શરૂઆત કરતા હોય છે. પછી એ વિષય બાબતમાં થોડોઘણો રસ કે જાણકારી ધરાવતા લોકોને ચોટલી પકડીને ઝબોળવામાં આવે છે. અત્યારે તો એ હાલત છે કે તમે પાંચ માણસ વચ્ચે કોઈ જોક માર્યો હોય એના બીજા કે ત્રીજા દિવસે તમને આઠે પ્રહર જેમાં ફટીચર/ હથોડા જોક્સ ઝીંકવામાં આવતા હોય એવા ગ્રુપના સભ્ય બનાવી દેવામાં આવ્યા હોય એવું બની શકે!
 
આવી રીતે વોટ્સેપ ગ્રુપમાં તમને કોઈ એડ કરે એ પછી તમારી જિંદગી નર્ક બનવાની શરુ થાય છે. કોલેજ સમયના જૂનાં દોસ્તો પંદર વરસ પછી ભેગાં થાય, નંબર એક્સચેન્જ થાય એટલે જાણે કૃષ્ણને સુદામા મળ્યા હોય એટલો આનંદ થાય. પણ પછી એજ સુદામાઓ ભેગાં થઈ દિવસના પાંચસો છસો પોસ્ટ ઝીંકવા માંડે ત્યારે શામળો પણ અહીં ભૂલા પડવાની ખોડ ભૂલી જાય એવું વાતાવરણ સર્જાય છે. એમાં પણ સૌથી ઉત્સાહી, વિવેકી અને સક્રિય સભ્ય પાસે સૌથી જુના, બોરિંગ અને ચવાયેલા મેસેજીસ-ફોટોનો ભંડાર હોય છે, અને આપણા સૌનાં કમનસીબે એ સાવ નવરો પણ હોય છે! આવા કોઈ ગ્રુપમાં લાંબો સમય ગાળ્યા પછી તમને અચાનક ભાન થશે કે તમારો જન્મ આવા જંક મેસેજીઝ ડીલીટ કરવા માટે નથી થયો! કંટાળીને તમે ગ્રુપ છોડવાની ચેષ્ટા કરશો તો તમને પાછા ‘એડ’ કરવામાં આવશે. એટલું સમજીલો કે કૃષ્ણ ભગવાને જેટલી સહેલાઈથી ‘ગોકુળ’ છોડ્યું હતું એટલી સહેલાઈથી વોટસેપના ગોપ-ગોપીઓ તમને ગ્રુપ છોડવા નહિ દે.

અમુક ગ્રુપમાં તો નિષ્ક્રિય રહેતા મેમ્બરને મેસેજીસના ગોદા મારીને જગાડવાનો રીવાજ હોય છે. હવે રોજે રોજ માણસ કેટલું પ્રદાન કરી શકે? એની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે. બીજા કામ પણ હોય ને! આવું થયું હોય તો તમારે સામે ચાલીને એવા જ થીમવાળા બીજા કોઈ ગ્રુપના મેમ્બર બની જવું અને પછી દિવસમાં એકવાર આલીયાના ગ્રુપમાંથી ઉઠાવીને માલિયાના ગ્રુપમાં અને માલિયાના ગ્રુપમાંથી ઉઠાવીને આલીયાના ગ્રુપમાં કોપી પેસ્ટ કરતા રહેવું! આમાં બંને ગ્રુપમાં કોઈ કોમન મેમ્બર હોય તો ઝલાઈ જવાના ચાન્સીસ ખરા, પણ એ ય મોટે ભાગે તમારી જેમ જ વહેવાર નિભાવતો હશે એટલે ‘તેરી ભી ચુપ, મેરી ભી ચુપ’ના ધોરણે ચાલી જશે.

આમ છતાં પણ તમારે ગ્રુપમાંથી નીકળવું જ હોય પણ નીકળી શકતા ન હોવ કે તમને પ્રેરક સંદેશ બ્રોડકાસ્ટ કરતા અમુક સેન્ટી ભગતોને બ્રેક ન મારી શકતા હોવ તો વોટસેપના સ્ટેટસ મેસેજ સેક્શનમાં જઇ એવું સ્ટેટસ લખો કે પેલો મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં વિચાર કરે. થોડા સેમ્પલ જોઈતા હોય તો અમે આપીએ ...
  • તમારા પ્રેરક મેસેજથી હું સુધરવાનો નથી.
  • ટોઇલેટ સીટ ઉપર બેસીને મેસેજ ફોરવર્ડ કરવા નહિ.
  • કટપ્પા-બાહુબલીવાળો ફોરવર્ડ ૧૩૨૭ વાર આવી ગયો છે
  • તમે મોકલેલા ફોટા અને વિડીયો જોવા માટે એક જનમ ઓછો પડે એમ છે!
  • મને તમારા બ્રોડકાસ્ટ લીસ્ટમાંથી કાઢો, પ્લીઝ!
  • હું લાસ્ટ મેસેજ જોતો નથી અને વાસી મેસેજ વાંચતો નથી
  • મને મોકલેલા મેસેજમાં બ્લુ ટીક્સ દેખાય પછી જ નવો મેસેજ મોકલવો
બાકી તો દિવાળીના નાસ્તામાં મઠીયા, હાથે બનાવેલો મોહનથાળ અને તીખાં સક્કરપારા જેવું હોય જ એમ વોટ્સેપમાં પણ હેલ્થવીર, દેશભક્ત, પાર્ટી-ભક્ત, ઘાયલ આશિક અને ખણખોદીયા જેવા ભાત ભાતના લોકો હોય જ છે. જેમ દિવાળીનો આ સ્ટાર્ન્ડડ નાસ્તો કોઈ પોતે ખાતું નથી, પણ બીજાને ધરે છે, તેમ લોકો પોતે વાંચ્યા વગર જ મેસેજ બીજાને ફોરવર્ડ કરી નાખતા હોય છે. આ જુલમ સહન કર્યા વગર તમારી પાસે કોઈ આરો નથી, કારણ કે આમાં તો ‘વો સિતમગર નિકલે જિનસે રહમ કી ઉમ્મીદ થી’ જેવું થતું હોય છે. વળી પાછું ઇંગ્લીશમાં કહ્યું છે કે Never broom in the storm અર્થાત વાવાઝોડા વખતે વાસીદું ન વળાય, પણ અહીં તો તમે સંજવારી નહિ કાઢો તો તમારો મોબાઈલ કચરા ટોપલીમાં ફેરવાઈ જશે એ નક્કી છે. પ્રભુ સહુને શક્તિ આપે!

મસ્કા ફન
જમતી વખતે ટીવી બંધ રાખો.
સાથે મોઢું પણ બંધ રાખશો
તો વજન પણ ઉતરશે.

Sunday, November 15, 2015

દીપાવલીમાંથી દીપ બાદ કરો તો ફક્ત પાવલી વધે

દિવાળી પ્રકાશનું પર્વ છે એટલે દીવા વગરની દિવાળીની કલ્પના કરવી અશક્ય છે. હવે ગોખલા અને ટોડલાઓ તો રહ્યા નથી એટલે ગૃહિણીઓ પરંપરાગત કરતાં અલગ ચીલો ચાતરીને બારીમાં, બાલ્કનીમાં, તુલસીના કૂંડા આગળ, વોક વેની બે બાજુ ઉપર કે પછી અમે પણ રંગોળી પૂરી છે એ બતાવવા રંગોળીની આજુબાજુ દીવા મુકીને ઉત્સવ પ્રેર્યો હર્ષ વ્યક્ત કરે છે. આ દીવાને લીધે જ ઉત્સવ ઉત્સવ જેવો લાગે છે. ખરેખર તો દીપાવલીના તહેવારમાંથી દીપ બાદ કરો તો ફક્ત પાવલી વધે છે, જેને સરકારે ચલણમાંથી રદ કરી છે. તમારે પણ એવા કોઈ સગા કે ફેસબુકના મિત્રો હોય જે દિવાળીના દિવસે પણ દીવા ન કરતા હોય તો નવા વર્ષે એવી પાવલીઓને તમારા લીસ્ટમાંથી રદ કરવાનો સંકલ્પ કરજો. અમે દીવાઓથી આખું ઘર શણગાર્યું હતું એ આપ સહુની જાણ સારું.
 
અણુશક્તિની શોધ થયા પછી એની ઉપર કાબુ મેળવતા બહુ વર્ષો નહોતા લાગ્યા. પણ અગ્નિની શોધ અને ત્યારબાદ એની ઉપર નિયંત્રણ મેળવવામાં લાખો વર્ષ ગયા હશે એવું સંશોધન કહે છે. એમાં પણ રસોઈ માટેના ચૂલા અને દીવાની શોધ કરવામાં વર્ષો ગયા હશે એમ માનવાને કારણ છે. ચૂલાની શોધ પછી માનવી ઘરનું ખાતો થયો હશે. અહીં બહાર ખાવું એટલે ગમે ત્યાં હરણનો શિકાર કરીને ત્યાં જ ઉજાણી કરવાને બદલે એને ઘરે લાવ્યા પછી પત્ની એને ચૂલા ઉપર રાંધીને એમાંથી ડીશ બનાવે એને જ ઘરનું ખાવું ગણવું. દીવાની શોધ અજોડ ગણાય. દીવાની શોધને કારણે એને રાત્રીના પણ પોતાની પત્નીનું મુખારવિંદ જોવાનો સંયોગ પ્રાપ્ત થયો હશે. તહેવારોના ટાઈમે ભાવવધારો કરતી ઓઈલ મિલો એ જમાનામાં નહિ જ હોય અને તહેવાર ટાણે હેલ્થ ખાતાની રેઇડની ચિંતા પણ નહિ હોય એટલે એ સમયે પ્રાણીની ચરબીથી જ દીવા પ્રગટાવતા હશે એવું માની શકાય. બાકી તો એ જમાનામાં રાત્રે અજવાળું થાય એ ઘટના જ તહેવાર જેવી ગણાતી હોય તો પણ નવાઈ નહિ.
 
દીવાને હિન્દીમાં દિયા કહે છે. બોલીવુડમાંતો દિયા મિરઝા નામની હિરોઈન પણ છે અને દીપક તિજોરી અને દીપક પરાશર નામના કલાકારો પણ છે. આ બધા પ્રકાશ ફેલાવનાર દીવાબત્તીવાળા દીવા કે દીપકો નથી. એ લોકો અભિનયના અજવાળા પાથરે છે. એ સિવાય પણ અખબારના પેજ થ્રી પર વારંવાર ચમકનારી તારિકાઓ અને મેટ્રો સીટીઝની હોટ સોશ્યલાઈટસને પણ ‘Diva’ કહેવાનો ઉપક્રમ છે. એ પણ પોતપોતાના ક્ષેત્રમાં અજવાળા પાથરતી હોય છે. એ ‘દિવા’થી ઘરમાં અજવાળું થઇ શકતું નથી એટલું સમજી લેજો. આવી ’દિવા’ જેમણે વસાવી છે એમને પણ મોંઘી પડે છે. તમારી માશુકા કે પત્ની આવી ‘દીવા’ હોય કે એને ‘દિવા’ હોવાનો વહેમ હોય તો એને બાલ્કની કે કમ્પાઉન્ડની પાળી પર બેસાડીને રોશની કરવાની કોશિશ કરશો નહિ. ક્યાંક એ ત્યાંથી પડશે તો તમારા રૂપિયાથી ઓર્થોપીડીક સર્જનને ત્યાં રોશની થશે.
 
દીકરાને પણ ઘરનો દીવો કહે છે. માણસને તારે, ઊંચો લાવે કે એના કુળને ઉજાળે એવા દીકરાને કુળદીપક કહે છે. મા-બાપની સેવા કરનારને શ્રવણની ઉપમા આપવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘દી વાળે દીકરા, કાં ધોરી કાં ધરા, કાં તો વનનાં ઝાડવાં, નહિ તો તલ ખરા’. કમનસીબે આજકાલ શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં દીકરાઓ દી વાળવાને બદલે બાપને દેવાળું કાઢવાના આરે લાવીને મૂકી દેતા હોય છે. મોટા પાયે કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીને ઉદ્યોગપતિ બનવાના સપના સેવતા અમારા એક સ્નેહીના જમાઈને એના પિતાશ્રી કોઈ રીતે કોઠું આપતા નહોતા અને સસરા શીશામાં ઉતરતા નહોતા. થોડા વર્ષ પછી એ સ્નેહી અમને મળ્યા ત્યારે અમે પૂછ્યું કે આજકાલ શું બનાવે છે તમારા જમાઈ? તો મોઢું કટાણું કરીને એમણે કહ્યું ‘એ હજી એના બાપાને જ બનાવે છે. હું શીશામાં ઉતરું એવો નહોતો છતાં એણે મને પણ પંદર લાખનો ચૂનો લગાડ્યો છે!’ જોકે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. લોકો ભલે કકળાટ કરતા હોય કે હવે શ્રવણ જેવા કુળદીપકો ક્યાં પાકે છે? પણ જમીની હકીકત એ છે કે હવે કયા મા-બાપ શ્રવણના ખભે જાત્રા કરવા ઈચ્છે છે? હવે તો છોકરાં વિદેશ હોય તો મા-બાપ કેસિનો અને દેશમાં હોય તો હિલ-સ્ટેશન ફરવા ઝંખે છે. માનવામાં ન આવતું હોય તો ઢીલા જીન્સમાં ‘ઇન’ કરેલા ટી-શર્ટમાં સજ્જ ડોહા-ડોહીઓએ હોલીવુડના યુનિવર્સલ સ્ટુડિયો આગળ પડાવેલા ફોટા ફેસબુક ઉપર જોઈ લેજો.

તથાગત ભગવાન બુદ્ધનો છેલ્લો સંદેશ હતો 'આત્મદીપો ભવ'-તું તારા દિલનો દીવો થાજે. યાદ છે એક દીવાની વાત બીરબલની ખીચડીવાળી વાર્તામાં આવતી હતી? એ જમાનામાં પણ રાજાઓ પ્રોમિસ આપીને ફરી જતાં હતાં. વાર્તામાં બ્રાહ્મણ ઠંડા પાણીના હોજમાં આખી રાત વિતાવે છે અને સવારે રાજા એ તો દીવાની હૂંફથી તું ટકી ગયો એ કારણ આગળ ધરી એને ઇનામથી વંચિત રાખે છે. આ ઇનામ એટલે ચૂંટણી સમયના વચનો, ઠંડા પાણીનો હોજ એટલે પાંચ વરસ પ્રજાએ વેઠવા પડતી તકલીફો, અને મુદ્દાની વાત એ છે કે પ્રજા જેને બીરબલ સમજીને ફરિયાદ કરવા જાય છે એ સત્તામાં આવીશ તો તમારી બધી સમસ્યાઓ સોલ્વ કરી દઈશ એવા ઠાલા વચનો સહીત બ્રાહ્મણને ફરી હોજમાં ઉભો કરી દે છે. માટે પોતાની સમસ્યાનું સોલ્યુશન બીજા પાસે શોધવા જવામાં સાર નથી. તું તારો જ દીવો થા!
મસ્કા ફન
અમુક લોકો દીવાના હોય છે એમ
ઘંટડીના કે અગરબત્તીના કેમ નથી હોતા?

Sunday, November 08, 2015

ઓફલાઈનનો મહિમા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

અત્યારે ઓનલાઈન શોપિંગ ચલણમાં છે. ઘરબેઠાં મોબાઈલમાં આંગળીના લસરકે જો ધારી વસ્તુ ખરીદી શકાતી હોય તો શું કામ બજારમાં જઈ, વાહન પાર્કિંગની માથાકૂટમાં પડી, સેલ્સમેનને અમુક આઈટમ્સ બતાવવા ભાઈ-બાપા કરી, ટ્રાયલ લઈ, રૂપિયા આપી, સામાન ઊંચકી ઘેર લાવવો? ઓનલાઈન ખરીદી આનો ઉપાય છે. હવે તો ટ્રેઈન, પ્લેન, સિનેમા ટીકીટ બુકિંગ બધું ઓનલાઈન થાય છે, પણ બધું ઓનલાઈન હોય એ આવકાર્ય નથી. આ વાત એકવીસમી સદીમાંથી વીસમી સદીમાં જવાની નથી, પરંતુ કેન્ડી ક્રશની સામે ગીલ્લીદંડા રમવાની વાત છે. 
 
બે-ત્રણ વર્ષ પહેલાં ‘શાદી સે પહલે આપ કી સિર્ફ ફોટુ હી દેખીથી’ પંચલાઈનવાળી એડ મશહુર થઇ હતી. પણ એવી રીતે ફોટો જોઈને ફિલ્ડીંગ ભરવામાં અમારા ભરતકાકા ભરાઈ ગયા હતા. એમણે ‘ડફલ બેગ’ની ફ્રી ગીફ્ટ મેળવવા માટે આખો મહિનો કુપનોકાતરી કાતરીને ફોર્મમાં ચોંટાડીને બદલામાં મેળવેલી ‘ડફલ બેગ’ એટલી વિશાળ હતી કે એમાં દાઢીનો સામાન ભર્યા પછી બ્લેડની કાર્ટરિજ ખોસવાની પણ જગ્યા નહોતી! ‘બેગ’ની સાઈઝ જોઈને અમારા ભરતકાકા એટલું જ બોલ્યા હતા કે ‘ફોટા મોં તો મારી હારી બિસ્તરા જેવડી દેખાતી’તી!’ એટલે ઓનલાઈન શોપિંગમાં તમે ખરીદેલો કડછો બાબાને ગ્રાઈપ વોટર પાવાની ચમચી જેવડો નીકળે કે જેને ડોલ તરીકે પસંદ કરી હોય એ ટમ્બલર નીકળે તો ‘હિંમત ના હાર ફકીરા ચલ ચલા ચલ’ ગાઈને આગળ વધી જવું! આમાં તો સો રૂપિયાની સેલ્ફી સ્ટીક પર દોઢસો ડિલીવરી ચાર્જ આપતાં હૈયામાંથી હાય ન નીકળે એટલું મજબુત દિલ હોવું જરૂરી છે.

દિલના મામલે પણ ડાયરેક્ટ એપ્રોચ જ રાખજો. ઓનલાઈન છોકરી પસંદ કરવી બહુ જોખમી છે. ફેસબુક પર જે છોકરી તમને પહેલી નજરે ગમી જાય એ છોકરો નીકળે, અને કદાચ તમારો જ કોઈ દોસ્તાર નીકળે તેવા ચાન્સ ભરપુર છે. અને ધારો કે છોકરો નથી, તો આંટી નીકળે તેવી પણ શક્યતા ભારે રહી છે. અને ધારો કે આંટી પણ નથી તો જે ફોટો જોઈ તમે મોહી પડ્યા હોવ એ ફોટોશોપ કરેલ કે ઈસવીસન પૂર્વે અમુક તમુક વર્ષ પહેલાનો નીકળે તેવું પણ બની શકે. અમારી સોસાયટીના સતિષ ઉર્ફે સત્તુ સેટિંગે જેની સાથે દોઢ વર્ષ ચેટિંગ કર્યું અને ફોટા-વિડીયો શેર કર્યા એ ‘રાધા કાનાની’ એનો ખુદનો જ ભાણિયો નીકળ્યો! એની બેને તો રાખડી બાંધવાનું પણ બંધ કરી દીધું છે! આ સંજોગોમાં છોકરીતો ઓફલાઈન જોઈ પારખીને જ પસંદ કરાય. આ વાત નિર્વિવાદ છે, જેની સાથે ફેસબુક પર ફિશિંગ કરીને પરણેલા સહિતના મોટાભાગનાં પીડિતો સહમત થશે. એમાંય પાછું છણકા, નખરાં, રિસામણા આ બધામાં ઓનલાઈન ક્યાં મઝા છે? ફેસબુક ઉપર તમે એકબીજાની ગમે તેટલા ક્લોઝ હોવ પણ સાથે બેસીને શિંગ ખાવાની જે મજા રૂબરૂમાં આવે એ ઓનલાઈન ન જ આવે. સારી વાત એ છે કે ભલે બાજુબાજુમાં બેસીને એકબીજાને મેસેજ કરતાં હોય, તેમ છતાં ઓફલાઈન આઉટ ડેટેડ થયું નથી, અને થશે પણ નહીં.

સીધી ઓફલાઈન ખરીદીનો અનુભવ અનેરો છે.જેમ કે, તમે દુકાનમાં જાવ તો દુકાનદાર તમારી સાથે વાતો કરશે, તમે ‘વ્યાજબી’ કરવાની વાત કરશો તો સામે એ ચા-ઠંડાનો આગ્રહ કરશે. ચંપલ વાઈફના લેતાં હશો તો પણ વખાણ તમારા ઉંચા શોખના કરશે. જોકે અમને તો આ ખરીદીમાં અમુક ક્રિયાઓ સંપન્ન ન થાય તો ડીલ અધૂરું હોય એવું લાગે છે. જેમ કે તમે સ્લીપર ખરીદતાં હોવ તો સેલ્સમેન તમને સ્લીપર બતાવતા પહેલાં ઝંડીથી એની ઉપરની ધૂળ ઝાપટશે, પછી એને મચડીને એની લવચીકતા બતાવશે, પછી બન્ને સ્લીપર સામસામે ભટકાવીને ફટાકો બોલાવીને પછી હવામાં ૩૬૦ ડીગ્રીની પલટી ખવડાવીને પછી ‘સાહેબ, ‘તંબૂરા’ બ્રાન્ડની આવશે. એકદમ ટોપ કોલેટી. વરસ સુધી જોવું નહિ પડે’ કહીને તમને જોવા આપશે. ઓનલાઈન ખરીદીમાં ચંપલનો ૩૬૦ ડીગ્રી વ્યુ બતાવે તો પણ આવી આવી ધામધૂમ એમાં ન આવે.

હવે મીઠાઈ પણ ઓનલાઈન મળે છે. પણ જે સંતોષ દુકાન પર જઈને ચાર મોંઘી મીઠાઈ ચાખ્યા પછી અઢીસો ગ્રામ મોહનથાળ ખરીદવામાં મળે એ ઓનલાઈનમાં ક્યાં મળવાનો? વસ્તુ ચાખવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અમદાવાદમાં તો મીઠાઈની દુકાનોમાં ફરી ફરીને એક ટંકનું જમી આવનારા પણ મળી આવે. દિવાળીની ખરીદીમાં અમે તો મુખવાસ પણ ત્રણ જગ્યાએ ચાખી, રિજેક્ટ કરી, ચોથી જગ્યાએથી જ લેવામાં માનીએ છીએ, અને એ લેવા માટે ખાસ જમ્યા પછી જ નીકળીએ છીએ. આનાથી ઉલટું સુરતમાં તો તમે મીઠાઈ ન લેવાના હોવ તો પણ તમને હાથમાં ડીશ આપીને આગ્રહ કરીને મીઠાઈ ચખાડનારા દિલદારો પણ હાજરાહજૂર છે. ઓનલાઈનમાં શું આપણે સ્ક્રીન ચાટવાનો?

ઓનલાઈનમાં આંખોનો ઉપયોગ થાય છે, ઓફલાઈનમાં બધી ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. માટલું અને કાચના ગ્લાસ અથડાવીને એનો અવાજ સાંભળી લેવાય છે. કેરી, તેજાના, સૂંઘીને. કાપડ અને સાડી સ્પર્શ કરીને ખરીદાય છે. અને સૌથી અગત્યનું બાર્ગેઈનિંગ છે. જે બોલીને થાય છે. એક સંશોધન મુજબ સ્ત્રીઓ ઓનલાઈન ખરીદી ઓછી કરે છે. એનું કારણ આ જ હશે. ભાવમાં રકઝક કરી છેવટે વિજયી થવાની મઝા પહેલેથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરતી વેબ્સાઈટ ક્યાંથી આપી શકે?

અમને સૌથી વધુ આળસ હેર-કટિંગ સલુનમાં જવાની અને ત્યાં બેસીને વારાની રાહ જોવાની આવે છે. એ હિસાબે ઓન લાઈન વાળ કાપી આપે કે દાઢી કરી આપે એવી કોઈ વેબસાઈટ ખુલે તો અમને મળજો યા લખજો. જોકે એમાં ‘કામ’ ચાલતું હોય ત્યારે દુનિયાભરની વાતો સાંભળવાની મજા ગુમાવવી પડે. પણ એનોય રસ્તો છે. એ લોકો ધારે તો કોઈ સલુનમાં જઈને ત્યાની વાતચીતનું રેકોર્ડીંગ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડી શકે. આ સ્ટાર્ટ અપ આઈડિયા છે, જે અમે અમારા વાચકોને ફ્રીમાં આપીએ છીએ !

મસ્કા ફન

શિયાળામાં બેબી શાવર રાખો તો કંઈ પાણી ગરમ ના કરવું પડે.

Sunday, November 01, 2015

માર્કણ્ડેય કાત્જુની પ્રેરકવાણી



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
માર્કણ્ડેય કાત્જુ આજકાલ ટ્વેન્ટી-ટ્વેન્ટીની જેમ ફટકાબાજી કરી રહ્યાં છે. કટે-રનની જેમ એકપણ બોલ એ ખાલી છોડતા નથી. એકપણ દિવસ એવો નથી જેમાં એમણે વિવાદાસ્પદ નિવેદન ન કર્યું હોય. સોશિયલ મીડિયા પર એ સીક લીવ પણ લેતાં નથી. એમની પ્રેરકવાણીથી ઉશ્કેરાટ ફેલાય છે એવો એક મત પ્રવર્તે છે, પણ એ જ્યાં સુધી સરકાર વિરુદ્ધ બોલે છે ત્યાં સુધી એ વાચાળ ટીવી પત્રકારોની નજરમાં ખાસ આવ્યા નથી. જે લોકો એવું માનતા હોય કે ભારતમાં વાણી સ્વતંત્રતા ખલાસ થઈ ગઈ છે, એમણે રોજ શ્રી કાત્જુનાં સ્ટેટમેન્ટ વાંચી લેવા જોઈએ. એમાં પાછું શ્રી કાત્જુ અમુક તો એવું કહી જાય છે કે પહેલી નજરે આપણને થાય કે, હાળું વાત તો વિચારવા જેવી કરે છે!


બધાં પોલીટીશીય્ન્સ ગુંડા અને ગેંગસ્ટર છે: નેતા અને ગુંડાઓનો ચોલીદામનનો રિશ્તો રહ્યો છે. પહેલાનાં સમયમાં નેતાઓ ગુંડા રાખતાં જે એમનાં આડાઅવળાં કામ કરી આપતાં. પછી એ ગુંડાઓનો બૌદ્ધિક વિકાસ થયો હશે કદાચ. અથવા તો ચૂંટણી સમયે ઈલેકશન જીતી શકે એવા ઉમેદવારોની ખોટ પડી હશે, એ ગમે તે હોય ગુંડાઓને જ ટીકીટ મળવા લાગી. પણ અમારા મતે બધા રાજકારણીઓ ગુંડા કે ગેંગસ્ટર ન હોઈ શકે. થોડાં ફ્રોડ પણ હશે. થોડાં વ્હાઈટ કોલર ક્રાઈમ કરનારા હશે. બધા થોડાં બાહુબલિ હોય? અને ગેંગસ્ટર્સ ભારતમાં ગુના કરી આજુબાજુના દેશોમાં આશ્રય લે છે, જયારે રાજકારણીઓ કોઈ દેશ છોડવાનું વિચારતું નથી, એટલે કાત્જુની વાતમાં માલ નથી.

નેવું ટકા ભારતીયો મૂર્ખ છે: આ એમનું સૌથી વિવાદાસ્પદ વિધાન છે. આ વિધાનને કારણે અમે લાઈનમાં ઉભા રહેવાનું હોય કે ક્યાંય લીસ્ટમાં નામ લખાવવાનું હોય, અમે અમારો નંબર નેવું ઉપર આવે એનું ધ્યાન રાખીએ છીએ. એક્ટિંગના નામે માત્ર નખરાબાજી ધરાવતી જમરૂખની ફિલ્મો અને સ્ટોરી વગરની સલમાનની ફિલ્મો બસો અને ત્રણસો કરોડનો વકરો કરતી જોઈને પ્રાથમિક રીતે એમની આ વાત માનવા જેવી પણ લાગે. પછી એમ થાય કે કાત્જુ જેવા વિચારો ધરાવનાર ઉંચા પદો સુધી પહોંચી શકે છે એ બતાવે છે કે આ દેશની ધરતીમાં કંઈક પ્રોબ્લેમ તો છે જ.

ગાંધીજી બ્રિટીશ એજન્ટ હતા: કાત્જુનો જન્મ ૨૦, સપ્ટેમ્બર ૧૯૪૬નાં રોજ થયો હતો. ભારતને આઝાદી મળી ત્યારે એ ચડ્ડી પહેરીને મોટે ભાગે ભાંખોડિયા ભરતાં હશે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ ત્યારે એ દોઢ વરસના હશે. પછી એ મોટા થયા હશે. એમને જ્ઞાન લાધ્યું. એમનાં રીસર્ચનાં તારણો મુજબ ગાંધીજીએ પોલીટીક્સમાં ધર્મ મિક્સ કર્યો હતો, કારણ કે એ રઘુપતિ રાઘવ રાજારામ ભજન ગાતાં હતાં. સનાતન હિંદુ ધર્મ પાળતાં હતાં. ગૌરક્ષા અને રામરાજ્યની વાત કરતાં હતાં. આવી વાતો તો બ્રિટીશ એજન્ટ જ કરી શકે. અમને લાગે છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ગૌરક્ષાનું તૂત ચલાવનારા બધા બ્રિટીશ એજન્ટ જ હશે. એમને આવું કરવા માટે કદાચ ઇંગ્લેન્ડથી ફંડ મળતું હશે. મણિનગરમાં એક યુવકે ગાયને ઘાસ ખવડાવ્યું તો એનાં ખાતામાં બીજા દિવસે દસ હજાર યુરો જમા થઈ ગયા હતાં, આવું સાંભળવા મળે તો એ કાત્જુની થીયરી પ્રમાણે સાચું ગણી લેવું. એ રીતે તો જેમ્સ બોન્ડ ગાંધીજીનો અનુગામી બ્રિટીશ એજન્ટ થાય, જેની પ્રેરણા ઇઆન ફ્લેમિંગને ગાંધીજી પાસેથી મળી એ બાબતે ગાંધીજીનાં હાલનાં વહીવટદારો રોયલ્ટી પણ માંગી શકે.

ગૌમાંસ પર પ્રતિબંધ છે ગાયનાં છાણ પર નહિ: કાત્જુ દાળના ભાવથી વ્યથિત છે. પહેલા પ્રતિબંધ મૂકી ગરીબોના મોઢામાંથી ગાયનું માંસ છીનવી લેવામાં આવ્યું, અને હવે દાળ દુર્લભ થઇ છે. એટલે જ શ્રી કાત્જુએ સમાધાન આપ્યું છે કે હિન્દુઓએ ગોબર ખાવું જોઈએ, કારણકે એ પવિત્ર છે અને મફત મળે છે. જોકે ૯૬ કરોડ હિન્દુઓનો જઠરાગ્નિ જો જાગે તો છાણની કણી પણ હાથ ન લાધે. કાત્જુ અને કાત્જુ જેવા કેટલાય ગાય, અને હિન્દુઓનાં ગાય પ્રત્યેના પ્રેમથી વ્યથિત છે. રાજકારણીઓ જોકે કાત્જુની જેમ ખૂંખારીને બોલી નથી શકતાં કારણ કે હિન્દુઓની પણ વોટ બેંક છે, અને આ બેન્કના લીધે એમને ગાયમાં ઇન્ટરેસ્ટ છે. કાત્જુ ગાયદ્વેષમાં આગળ વધતાં કહે છે કે ગાય પ્રાણી છે એ માતા કઈ રીતે હોઈ શકે? આમારું માનવું છે કે આ વાત ટ્વીટર પર કરવાને બદલે એમણે કોઈ વાછરડાને પકડી સમજાવવી જોઈએ. આમ પણ ભેંશ આગળ ભાગવતની કહેવત છે જ, એ વાછરડા માટે વાપરી શકાય. બાકી કાત્જુ ભૂલી ગયા લાગે છે કે મનુષ્ય પણ એક પ્રકારનું પ્રાણી છે અને ઝૂઓલોજીકલ ક્લાસિફિકેશન પ્રમાણે એ હોમો  સેપિયન્સ વર્ગમાં આવે. આમ તો કાત્જુ પોતે પણ એક વિચિત્ર પ્રાણી જ છે ને?

ઇન્ડિયન્સ જાહિલ છે, એમનાં દિમાગમાં ગોબર અને ભુંસું ભર્યું છે: કાત્જુ સાહેબના આ વિધાનને સાચું માનીએ તો તેઓશ્રી આવું બધું આપણને જાહીલિયત’ (મૂર્ખ, અજ્ઞાની, ઉતાવળીયો નિર્ણય લેનારા) થી ઉપર ઉઠાવવા માટે કહે છે.સામાન્ય રીતે પોતાને સાચી લાગતી હોય એ વાતને કોઈ ધ્યાન ઉપર પણ ન લે ત્યારે સામેવાળાના મગજમાં हरितगोमय(તાજું લીલું છાણ) ભરેલું હોય એવું તે વ્યક્તિને લાગે. કદાચ આવું એમની સાથે અનેકવાર બની ચૂક્યું હશે એટલે જ એમણે ભારતીયોને જાહિલ ગણ્યા હશે. બાકી જે રીતે તેઓ પોતે અને ઈલેક્ટ્રોનિક મીડિયાવાળા એમના ભવાઈ છાપ ન્યુઝ બુલેટીનોથી આપણા દેશની પ્રજાનું દિમાગ ચાટી રહ્યા છે એ જોતાં ઇન્ડિયન્સના દિમાગમાં ગોબર હોવાની શક્યતા નહીવત છે.

આ બધામાં આપણને સંબંધકર્તા બાબત એ છે કે તેઓશ્રી ૭૦ વર્ષના છે, કોઈ રાજકીય પક્ષના સમર્થક નથી અને આ બધું તેઓ તેમની ફરજ ગણીને જીવનના અંત સુધી કરતા રહેવાનો ઈરાદો જાહેર કરી ચુક્યા છે! હાળું, બોમ્બમારો થતો હોય તો બચવા માટે તમે કોંક્રીટના બંકરમાં સંતાવ, પણ આમાં પ્રજાએ જવું ક્યાં?

મસ્કા ફન
પોદળા પર કાજુ લગાડવાથી એ પેંડો નથી બની જતો.