Tuesday, September 15, 2015

એન્જીનીયર્સ કી કમી નહીં

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૩-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

એન્જીનીયર્સ કી કમી નહીં ઇન્ડિયામેં ‘અધીર’
એક ઢુંઢો હજાર મિલ જાતે હૈ.

--

ઉપર લખ્યું છે એ શબ્દશઃ જ અમારે કહેવું છે. સાચે જ. એક જમાનામાં ગુજરાતમાં એન્જીનીયરીંગમાં એડમીશન ન મળે તો છોકરા (છોકરાં નહિ) કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ડોનેશન આપી ભણવા જતાં હતા. આ વખતે ગુજરાતમાં ૨૮,૦૦૦ સીટો ખાલી પડી છે. જેમ પોતાનાં મનપસંદ છોકરા સાથે માં-બાપ પરણવાની ના પાડે તો છોકરીઓ કુવારી રહેતી હતી તેમ અમુક એન્જીન્યરીંગ બ્રાંચ કે અમુક કોલેજોમાં ભણવા કરતાં ન ભણવું સારું એવું માનતા થઈ ગયા છે. આ બધું ખોટા સમયે સામે આવી રહ્યું છે. ૧૫ સપ્ટેમ્બર ભારતમાં શ્રી એમ. વિશ્વેસ્વરૈયાજીની યાદગીરીમાં એન્જીનીયર્સ ડે તરીકે ઊજવાય છે.

ધરતીકંપ પછીના પાંચ વરસમાં સિવિલ એન્જીન્યર્સ હવામાં ઉડતા હતાં. ના, એટલે અમે એમના પગ નીચેથી ફૂટપટ્ટી ફેરવીને જોયું નહોતું, અનુભવ્યું હતું. પણ હવે એન્જીનીયરની કિંમત ઘટી રહી છે. જે ભોગેજોગે એન્જીનીયર થઈ જાય છે એ એમબીએ કે એવું કંઈ કરીને એન્જીનીયરનું લેબલ ફેરવવામાં લાગેલા જોવા મળે છે. જોકે એમબીએ થયેલા પણ પાણીપુરીની લારી ચલાવે એવા આ દિવસો છે. છત્તીસગઢમાં હમણાં જ ૧૪૦૦૦નાં પગાર ધરાવતી પટાવાળાની માત્ર ૩૦ પોસ્ટ માટે એન્જીનીયર અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સહીત ૭૫૦૦૦ એપ્લીકેશન્સ આવી હતી. મધ્યપ્રદેશમાં ક્લાસ-૪ની ૧૩૩૩ વેકેન્સી માટે ૩.૬૨ લાખ લોકોએ અરજી કરી હતી જે પૈકી ૧૬૦૦ એન્જીનીયર્સ અને ૧૪૦૦૦ પોસ્ટ-ગ્રેજ્યુએટસ હતા. પ્રાઈમરી સ્કુલમાં ટીચર તરીકે કામ કરતાં એક કરતાં વધારે સિવિલ એન્જીનીયર તો અમે પોતે જોયેલા છે. જેમ જેમ સરકારનાં અને સરકારી કર્મચારીઓના કૌભાંડોનાં આંકડાં બહાર આવે છે તેમ તેમ કદાચ સરકારી કર્મચારી અને નેતા બનવાની ખરજ વધતી જાય છે. 
પહેલાનાં સમયમાં લગ્નલાયક છોકરો ગ્રેજ્યુએટ ન થયો હોય અને છોકરીને રાંધવાનું ન આવડતું હોય તે છુપાવવામાં આવતું હતું. હવે મધ્યસ્થી એન્જીનીયર કે એમબીએની વાત લઈને આવે તો છોકરીના માબાપ ‘એ તો બરોબર પણ કોઈ સારો છોકરો બતાવોને’ એવું કહે છે. ભોગેજોગે વિચાર કરે તો પણ કઈ બ્રાન્ચમાં અને કઈ કોલેજથી એન્જીનીયરીંગ કર્યું તે પણ જોવાય છે. સેલ્ફ-ફાઈનાન્સમાં ચાલીસ ટકા સાથે એડમીશન લઈ એન્જીનીયર થયેલાને કોઈ સહેલાઈથી નોકરી કે છોકરી આપતું નથી. પહેલાનાં સમયમાં ડોકટરી કરતાં છોકરાં-છોકરીને માબાપ ફોરવર્ડ બની જઈ ‘તારી સાથે કે આગળપાછળ ભણતું કોઈ યોગ્ય પાત્ર હોય તો કહેજે’ એવું જણાવતાં. એન્જીનીયર્સનાં આવા ભાગ્ય પણ નથી. દહેજની પ્રથા આપણા ન ઈચ્છવા છતાં ચાલુ છે ત્યારે, એન્જીનીયરને કોઈ દહેજ નથી આપતું. કદાચ જે થાય છે એ સારા માટે થાય છે.

પહેલાના સમયમાં સ્વયંવર થતાં, હવે જો સ્વયંવર થાય તો કદાચ એન્જીનીયર સ્વય્મ્વારમાં ભાગ લેવા માટે એલીજીબલ થાય કે કેમ એ સવાલ છે. થાય તો પણ એન્જીનીયર છોકરાઓએ એક સ્વયંવરથી બીજા એમ જ્યાં જ્યાં સ્વયંવર સીએલ મૂકી મુકીને ધક્કા ખાવા પડે. એમાંય જયારે કન્યા એન્જીનીયર કે એમબીએને મુકીને કોઈ ઇન્ડસ્ટ્રીઆલીસ્ટ બીએ-બીકોમનાં ગાળામાં હાર નાખી દે ત્યારે જોવા જેવી થાય!

“વર રાંધણીયો, વર સિંધણીયો, વર ઘમ્મર ઘંટી તાણે,

પરણનારીનાં ભાગ્ય હોય તો બેડે પાણી આણે.”

જૂનાં સમયમાં ઉપરની ઉક્તિ ઘણી પ્રચલિત હતી. અમારા એન્જીનીયર પાડોશી અનિલભાઈ મિનરલ વોટરના ૨૦ લીટરિયા બાટલા ઊંચકીને લાવે છે ત્યારે અમને ‘બેડે પાણી આણે..’ ઉક્તિ યાદ આવે છે. અત્યારે એન્જીનીયર છોકરા વર તરીકે કંઈ ખોટા નહિ, એવું અમારું અનુભવગત માનવું છે. ઘરના નાનામોટાં રીપેરીંગ કામો તો એ જાતે કરી નાખે. એ પછી ફ્યુઝ ઉડ્યો હોય કે નળનું વાઇસર (વોશર) બદલવાનું હોય, વોશિંગમશીન કે ઓવન કઈ રીતે ચલાવવું, મોબાઈલમાં કઈ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી, આ સઘળી બાબતોમાં માર્કેટમાં ન ચાલતી નોટ જ કામમાં આવે છે. એન્જીનીયરીંગનાં ભણતરમાં જે જાતે ટર્મવર્ક કરે છે, તે મજુરી પણ કરી જાણે છે. જર્નલ કોપી કરવાની ટેવ ધરાવનાર એન્જીનીયર પતિને રામલો ન આવ્યો હોય ત્યારે કામે લગાડી શકાય છે. જેમ રામાયણમાં રાક્ષસોનું જોર રાત્રે વધતું એમ એન્જીનીયરોનું જોર પણ રાત્રે વધે છે. રાત્રે સાડા અગિયાર વાગે એને એક કપ ચા અને ખારી બિસ્કીટ ખવડાવીને કોઈ પણ કામ ચપટીમાં કરાવી શકાય છે.

એન્જીનીયર્સ અને પ્રોબ્લેમ્સને ચોલી-દામનનો સાથ છે. જ્યાં સમસ્યા હોય ત્યાં એન્જીનીયર તક શોધતો પહોંચી જાય છે. ઘણીવાર એ સમસ્યા અને તક બેઉ કોઈ એન્જીનીયરે જ ઉભા કર્યા હોય છે. જોકે એન્જીનીયર કમનસીબ છે, કારણ કે ડોકટરોની ભૂલ બાળી મુકાય કે દાટી દેવાય છે. વકીલ પોતાની ભૂલ કબુલ કર્યા વગર છેક ઉપરની કોર્ટ સુધી દલીલ કરી વધુ કમાય છે. આર્કિટેક્ટ પોતાની ભૂલ છુપાવવા બિલ્ડીંગ આગળ ઝાડ ઉગાડી, અને એને લેન્ડસ્કેપીંગ કહી એમાંથી વધુ રૂપિયા ઉભા કરી શકે છે, પણ એન્જીનીયરે કરેલી ભૂલ ભોંયતળિયાથી લઈને છાપરે ચઢીને પોકારે છે! એને પોતાની મરજીથી ઝાડ ઉગાડવાની પણ છૂટ નથી!

ઘરની બારીથી કોમ્પ્યુટરનાં વિન્ડો સોફ્ટવેર માટે એન્જીનીયર જવાબદાર છે. જોકે ઘરની બારી અને કોમ્પ્યુટરમાં વિન્ડો, ઘણીવાર બંને આસાનીથી ખુલતા નથી. બારીમાંથી ભેજ અને વિન્ડોમાં વાયરસ ઘુસી જાય છે. ઈલેક્ટ્રીકલ એન્જીનીયર્સ એવું માને છે કે જો તેમણે ઈલેક્ટ્રીસીટી નાં શોધી હોત તો પ્રજા હજુ પણ મીણબત્તીની લાઈટથી ટીવી જોતી હોત. ઈલેક્ટ્રોનિક એન્જીનીયર તો એમ માને છે કે એ ના હોત તો આપણે મીણબત્તીનાં પ્રકાશમાં બાયોસ્કોપ જોતાં હોત. મિકેનીકલ એન્જીનીયર સમજે છે કે ચક્રની શોધ ન થઈ હોત તો આપણે મ્યુનિસિપલ (ની હદમાં છુટ્ટા ફરતાં) કૂતરા વડે ચાલતી સ્લેજમાં ઓફીસ જતાં હોત. આમ દરેક એન્જીનીયરને એવો ભ્રમ હોય છે કે એન્જીનીયરો જ દુનિયા ચલાવે છે. પણ એ બીજાં, સારા એન્જીનીયરો ચલાવે છે બકા. જેમ સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે છે તેમ એન્જીનીયર કહેવડાવતાં પહેલા એન્જીનીયર બનવું પડે છે.

હવે એન્જીનીયરને એની ડીગ્રી માટે નહિ, એના નોલેજ માટે પગાર મળે છે. હજારોની સંખ્યામાં દર વર્ષે માર્કેટમાં ઠલવાતા એન્જીનીયરો પૈકી જેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કીલ્સ છે, એન્જીન્યરીંગનું મૂળભૂત જ્ઞાન છે, અને કમ્પ્યુટર સારી રીતે વાપરી શકે છે તેમને ખાસ તકલીફ નથી પડતી. આવા એન્જીનીયરો ઇન્ડસ્ટ્રીનાં દુધમાં સાકરની જેમ ભળી જાય છે, બાકીનાં દુધમાં માખી બની રહે છે. ચાર વર્ષ ભણ્યા પછી કોરાં નીકળીને યુનિવર્સીટીને દોષ દેવાને બદલે પોતાને સક્ષમ બનાવવાનો સમય આવી ગયો છે. દ્રોણનું કોચિંગ મળે તો અર્જુન બનો, નહીંતર એકલવ્ય ! કંઈક કરી દેખાડો યાર !

No comments:

Post a Comment