Sunday, August 30, 2015

રીલ લાઈફ અને રીઅલ લાઈફ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૦-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અમદાવાદમાં પ્રસાદ માટે એક કિલોમાં એંશી પેંડા આવે એવા નવરાત્રી સ્પેશીયલ ‘પ્રસાદિયા પેંડા’ મળે છે. આવી જ રીતે દાનમાં આપવાનાં કપડાં અને ચીજ-વસ્તુઓ પણ અલગ ક્વોલિટીની મળે છે. આપણા આ બેવડાં ધોરણો માટે અંગ્રેજીમાં હિપોક્રસી અને ડબલ સ્ટાનડર્ડ જેવા શબ્દો વપરાય છે. ગુજરાતીમાં આનાં માટે કહેવત છે હાથીના ચાવવાના અને બતાવવાના જુદાં. એમાં મઝાની વાત એ છે કે હાથીને ચાવવાના ચોવીસ હોય છે, ને દેખાડવાનાં માત્ર બે. હાથીને આવા બે પ્રકારના દાંતની સગવડ કુદરતે આપી છે. માણસ મહેનતુ જાત છે. એ કુદરતનાં ભરોસે રહેવાને બદલે જાતે સગવડ ઉભી કરી લે છે. એની પાસે ચાવવાના હોય છે, દેખાડવાના એ ઉગાડી લે છે. 
 
એટલે જ બહારથી જે દેખાતું હોય એવું અંદર હોય એ જરૂરી નથી. બરછટ નારિયેળની વચ્ચે કુણું કોપરું પણ હોય, ને કૂણી દેખાતી કાકડી અંદરથી કડવી નીકળે એવું પણ બને. હિરોઈન ખરેખર કેવી દેખાય છે, એ એનાં ઘેર કામ કરતી બાઈ જ સૌથી વધારે જાણતી હોય છે. કામવાળી બાઈ કરતાં પણ જો દુધવાળા કે છાપાવાળાને સવાર સવારમાં દર્શન કરવાનો મોકો મળે તો એ વધારે કહી શકે. બીજું એનો મેકઅપ કરનાર જાણે. હીરો સિક્સ પેક એબનો રીલ લાઈફમાં ઉપયોગ જુદો કરે છે. હીરો જયારે રીઅલ લાઈફમાં પોતાની તાકાતનો ઉપયોગ સામાન્ય સિક્યોરીટીવાળા પર કરે, ત્યારે સાલું લાગે કે આ સિક્સ અને એઈટ પેક એ એબ છે! કારણ કે હજુ સુધી રીઅલ લાઈફમાં અમે કોઈ સિક્સ પેક્વાળાને ચેઈન-સ્નેચર કે ગુંડાઓને પકડતાં કે પડકારતાં જોયા નથી. એ કામ અમદાવાદમાં કાકીઓ જ કરે છે, એક પણ પેક વગર!

વાત ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની છે. ઓઢવામાં ટુવાલ જેવું કંઇક હોય તો ટૂંટિયું પણ વળાય. હાલ તો હાથરૂમાલની હેસિયતવાળા લાંબા પગ કરીને સુવે છે! એંશીના દાયકામાં ખરેખર પૈસાપાત્ર હોય એ જ કાર ખરીદતાં. એમ્બેસેડર કે ફિયાટ જ હતી ત્યારની વાત છે. તોયે કાર માલિક અને કાર માત્ર રવિવારે, એ કાર ધોતાં હોય ત્યારે જ સાથે દેખાતાં. કાર ગેરેજમાંથી બહાર કાઢવી, એન્જીન સ્ટાર્ટ કરી ઓઈલ ફરતું કરવું, દોઢ બે કલાક સુધી એને ધોઈને ચમકાવવી, અને પછી પાછી ગેરેજમાં પાછી મુકવી એ એમનું મુખ્ય કામ રહેતું. કાર અને સ્ત્રીઓની હાલતમાં એ વખતે હજુ ખાસ ફેર નહોતો, એમને બહારની દુનિયા ખાસ જોવા મળતી નહિ. પરિવાર આખો, સ્કુટર કે બસમાં જ ફરતો. આમ કરવામાં વચ્ચે કારની બેટરી ઉતરી જાય તો આખું ફેમીલી (વા વાળા કાકીને બાદ કરતાં) ભેગું થઈને ધક્કા મારે. એમાં ઘણીવાર તો કાર પેટ્રોલ કરતાં ધક્કાથી વધારે કિમી. ચાલી હોય એવું બનતું. એકંદરે આમ થવાથી કાર એવરેજ સારી આપે છે, એવી માન્યતા બંધાતી.

પણ હવે તો सर्वे गुणा: ऑडीमाँश्र्यन्ते. કાંચન કહો તે સોનું તો તૂટી ગયું. અને શેર તો કોની પાસે કેટલા છે એ શું ખબર પડે? એટલે જ કોઈ કેટલી મોંઘી કાર વાપરે છે એનાથી તોલવામાં આવે છે. સમાજમાં ઔડીવાળો બીએમડબ્લ્યુવાળીને જ પરણે. છોકરીનાં ઘરમાં એસી હોય તો એને નોન-એસી ઘરમાં કઈ રીતે ‘નખાય’? અરે, હવે તો મોબાઈલના મોડલથી પણ માણસ મપાય છે! જેમ પહેલા અમુક પરિવાર આફ્રિકાવાળા, લંડનવાળા તરીકે ઓળખાતાં હતાં એમ, હવે ‘આઈફોનવાળા’, ‘ઓડીવાળા’ માણસોનાં એવા ક્લાસ બનતાં જાય છે.

આવું થવાનું એક કારણ એ છે કે રાતોરાત માલેતુજાર થવાની રેસ સતત ચાલુ છે. પણ પછી આ રેટ રેસમાં જોડાઈ, પાંચ લાખની મૂડી શરાફો પાસેથી વ્યાજે લાવી ધંધો કરનાર પછી ધંધો ન ચાલે, અને વ્યાજ ન ભરી શકે, તો પાયમાલ થઈ આપઘાત કરી લે છે. પણ ૧૦૦ કરોડની શેર કેપિટલ ધરાવતી કંપની ફડચામાં જાય તો એનાં ઓનરનાં પેટનું પાણી પણ નથી હાલતું, ન એની કારનું મોડલ ડાઉનગ્રેડ થાય છે. એટલે જ કોર્પોરેટ વ્હાઈટ કોલર ક્રાઈમ માટે ટ્રીસ્ટન બર્નાર્ડે કહ્યું છે કે “નાદારી એ કાનૂની પ્રક્રિયા છે જેમાં તમે રૂપિયા તમારા પેન્ટના ખિસ્સામાં મુકો છો અને જેકેટ લેણદારોને પકડાવી દો છો”.

હવે તો એમાં કોઈ નવાઈ નથી રહી. અમેરિકા, ઇંગ્લેન્ડ જઈ આપણા ભારતીય છોકરાં ત્યાં ગોરીઓ જોડે પરણે એમાં. પણ અમિતાભે લાવારિસમાં જે ગાઈને વમળો સર્જ્યા હતા એ ગીત, ‘જિસ કી બીબી ગોરી ઉસકા ભી બડા નામ હૈ’ એ પણ દેખાવની જ વાત કરે છે. પત્ની તો ગોરી જ જોઈએ. પછી ભલે ભણેલી ન હોય અને બોલે તો પૈસા પડી જતાં હોય. દુનિયા દેખાવ પર ચાલે છે. ફેરનેસ ક્રીમથી કોઈ ગોરું નથી થતું માત્ર કંપનીની બેલેન્સ-શીટ તગડી થાય છે. આ સત્ય લોકોને જલ્દી સમજાતું નથી, કારણ કે ફેરનેસ ઘેલાં ઘેટાઓ એક્ટર્સ-બીજાં કરે એવું કરે છે. એ પોતાની વિવેકબુદ્ધિથી કામ નથી કરતાં. ઘેટાં બધે જ છે. અને એ ટોળામાં જ હોય છે.

---

છેલ્લે એક લઘુ-સત્યઘટના-કથા જોઈએ. અનામત મહારેલીના બે દિવસ પહેલા અમદાવાદ-મહેસાણા ટોલ બુથ પર અમે એન્ટર થતાં હતાં એ પહેલા જ આગળ જતી એક લક્ઝરી કાર એકાએક ડાબી તરફ ફંટાઈ. અમારા એક મિત્ર પાસે પણ એ જ કારનું મોડલ છે, એટલે અમને ખબર છે કે કારની કિંમત અંદાજે ૧૨.૫૦ લાખ રૂપિયા છે. મોંઘી કાર ચલાવતા આ મિત્રને કદાચ ટોલના પચીસ-પચાસ નહિ પોસાતાં હોય, એટલે ટોલ બુથને બદલે સર્વિસ રોડ પર વળી ગયા હશે. અને બસ, ટોલ બુથ વટાવ્યાને, પહેલી એન્ટ્રી પર એ મિત્ર અમારી સાથે થઈ ગયા, ટોલ વે પર. અને જોતજોતાંમાં અમને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા. એકદમ સહજતાથી. પણ એ કારની નંબરપ્લેટ પર લખેલું લખાણ વાંચ્યું, ત્યારે અમને લાગી આવ્યું. લાલ અક્ષરમાં ત્યાં લખ્યું હતું “જય સરદાર”. અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ વે વાપરનારા માટે આવું દ્રશ્ય જોકે સામાન્ય છે.

No comments:

Post a Comment