Sunday, August 02, 2015

તારા માટે ચાંદ તારા તોડી લાવવા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૨-૦૮-૨૦૧૫

વાયદાની વાત આવે ત્યારે આપણે કાયમ અગત્સ્ય ઋષિને જ કેમ યાદ કરીએ છીએ? અરે ભાઈ, આપણી પાસે ચૂંટણી વખતે કોણીએ વચનોનો ગોળ લગાડી જતા રાજકારણીઓ જેવો તૈયાર માલ પડ્યો છે છતાં પણ આટલે દૂર શું કામ જાવ છો? જોકે પબ્લિકને આમલી પીપળી રમાડનારા બીજા પણ ઘણા છે, તો સામે પક્ષે આપણી પબ્લિક પણ ઓછી નથી. પૂ. રવિશંકર મહારાજ કહેતા કે ‘ઘસાઈને ઉજળા બનો’, પણ આપણી પબ્લિક ત્વચાને ગોરી બનાવવાના વાયદા કરતી ક્રીમની ટ્યુબો ઘસીને ઉજળા થવાનો ટૂંકો રસ્તો અપનાવતા અચકાતી નથી. હજી પણ લોકો નમક, ઓક્સિજન, લીમડો, આદુ, લીંબુ કે ફુદીનાયુક્ત ટૂથપેસ્ટથી તમારા દાંતના બધા કીટાણુંને મરી જશે કે સોડા નાખેલી અમુક તમુક ચ્યુઈંગમથી તમારા દાંત માત્ર ઉજળા જ નહીં પરંતુ એટલા પ્રકાશિત થઇ જશે કે એના અજવાળામાં તમે ભૂવામાં પડ્યા હશો તો બહાર નીકળવાનો રસ્તો જોઈ શકશો, એવા વાયદા કરતી કંપનીઓને ખટાવતા રહે છે. એવું લાગે છે કે આપણે ત્યાં કદાચ બધા વેપાર ધંધામાં મંદી આવશે પણ વાયદાનો વેપાર હંમેશા તેજીમાં રહેશે. 

કામ કઢાવવા માટે કે પોતાનો હેતુ પાર પાડવા માટે ગજા બહારના વાયદા આપવાની પ્રથા નવી નથી. પ્રેમીજનોમાં તો આવું ખાસ. એમની સમક્ષ શેણીને પામવા માટે સસરાને હજાર નવચંદરી ભેંશોનું નજરાણું આપવા તૈયાર થયેલા વિજાણંદનું ઉદાહરણ હોય છે. આમ પણ આજકાલ ગર્લફ્રેન્ડને જાળવવાનું કામ હજાર નવચંદરી ભેંસો ભેગી કરવા જેટલું જ દુષ્કર છે એટલે છોકરાઓ વખત આવ્યે ‘वचनेषु किम दरिद्रता’ના ધોરણે આસમાનના ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી નાખતાં હોય છે. ખરેખર તો અત્યારે જે ઉમરે છોકરાંઓ પ્રેમમાં પડતા હોય છે એ ઉમરે ગીફ્ટમાં બોરિયા, બક્કલ અને હેર પીન આપવા કે મમ્મી ભોળી હોય તો ડીનર અને મલ્ટીપ્લેક્સમાં મુવી બતાવવાથી વધુ કોઈની હેસિયત હોતી નથી. પણ પ્રેમના મામલામાં મૂળ વાત ભાવનાની હોય છે છોકરીઓ પણ બધું જાણતી હોય છે. છોકરાઓ પણ ભેટ આપવાનું વચન આપ્યા પછી સલામતી ખાતર ‘Conditions apply’ કે પછી રામ ભરોસે હોટેલ જેવું ‘જે ચીજ તૈયાર હશે તે મળશે, વેઈટરો સાથે તકરાર કરવી નહિ’ એવું કંઇક આડકતરું કહી જ રાખતા હોય છે. એક થીયરી એવી પણ આગળ કરવામાં આવે છે કે વચન આપવું તો ઊંચું આપવું. એન્ટિલામાં મુકેશ કાકાને ઘેર ત્રણ દિવસને ચાર રાતનું પેકેજ ઓફર કરવું કે વ્હાઈટ હાઉસમાં મિશેલ-ઓબામાં સાથે કોફી પીવાનું સેટિંગ પાડીશ વગેરે જેવું કૈંક પ્રોમિસ કરવું. એમાંય રીંગ સેરીમનીમાં જમરૂખને ‘રઈસ’ના પ્રમોશન માટે બોલાવવાનું પ્રોમિસ સુપ્રીમ છે.

આવા પ્રોમિસ પાછી એ વ્યક્તિ છોડતી હોય જેને કબીર બેદી અને કિરણ બેદી વચ્ચેનો ફેર પણ ખબર ન હોય. જે પોતે કદી ડોમેસ્ટિક ફ્લાઈટમાં ન બેઠો હોય, જેને કમરની તકલીફને લીધે ડોકટરે વજન ઊંચકવાની ના પાડી હોય અને જેને ઊંચાઈથી ડર લાગતો હોય એવા લોકો પણ ચાંદ તારા તોડી લાવવાની વાત કરતાં હોય છે. દિવંગત લોકપ્રિય રાષ્ટ્ર પ્રમુખ ડૉ. કલામ કહેતા કે સપનું જુઓ એવું જુઓ કે જે તમને સુવા ન દે. અમને આ વાત પ્રોમિસ માટે પણ સાચી લાગે છે. એટલે પ્રોમિસ આપો તો એવું આપો કે તમને પોતાને એ પ્રોમિસ કેમનું પૂરું કરીશ એવી ચિંતા રહે અથવા પ્રોમિસ એવાને આપો કે જેણે ‘કોણીએ ગોળ’ વાળો રૂઢિપ્રયોગ સાંભળ્યો ન હોય.

વચનો ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં હોય છે. ટૂંકાગાળાના વચન આપવા જોખમી હોય છે. મુંબઈ અમદાવાદ વચ્ચે વધુ એક ટ્રેન તાત્કાલિક ચાલુ કરાવવા કરતાં અમુક-તમુક વર્ષો પછી બુલેટ ટ્રેન ચાલુ કરાવવાનું પ્રોમિસ આપવું સહેલું છે. એટલે જ લાંબા ગાળાના વચનોમાં બાબા લાખ, તો સામે બચ્ચા સવા લાખ કહેવામાં ઘડીનો વિલંબ ન કરવો.

શેરબજાર એ વાયદાનો વેપાર છે. કોમ્પ્યુટર આવ્યું એ પહેલા શેરબજારમાં હાથના ઇશારાથી સોદા થતાં હતા. દિવસમાં લાખો રૂપિયાનો માલ ઈશારામાં આપ-લે થઇ જતો. વ્યવહારમાં આવું થતું નથી. ગર્લફ્રેન્ડને ‘જા દસ તોલાનો હાર આપ્યો’, અને સાંજે ભાવ ફેર થાય ત્યારે પાછો લઈને નફો બુક કરાતો નથી. એમાં તો ડીલીવરી કરવી પડે છે. મૂળ તકલીફ ત્યાં છે. જોકે વાયદો આપ્યા પછી જવાબદારીમાંથી છટકવાનો એક અમદાવાદી બ્રાન્ડ અકસીર મંત્ર છે – ‘કોને આપ્યા અને તમે રહી ગયા?’

આપવાવાળાની શાખ સારી ન હોય તો લેવાવાળો ભાગતા ભૂતની ચોટલી લેખે જે મળે તે લઈ લેવામાં માને છે. બધા ભગવાન શ્રીકૃષ્ણ નથી હોતાં કે જે મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને ન્યાલ કરી દે. અહીં તો આપવાનું આવે ત્યારે ફૂલ તો નહિ જ અને ફૂલની પાંખડી જ આપવાની, અને એ પણ ફૂલબજારમાં સાફસૂફી ચાલતી હોય ત્યાંથી ઉઠાવીને બારોબાર પધરાવે એવા નમૂના હોય છે. અમુક નંગ અમિતાભ બચ્ચનની ફીલ્મ ‘શરાબી’ના આ ડાયલોગ તૌફા દેનેવાલે કી નિયત દેખી જાતી હૈ, તૌફે કી કીમત નહિ... નો દુરુપયોગ કરી રિસેપ્શનમાં આઠસો રૂપિયાની ડીશ જમ્યા પછી રોકડ ચાંલ્લો કરવાના બદલે સુખી દામ્પત્યજીવન માટે લાખ રૂપિયાની સલાહો આપતી રૂપિયા પંચાવનનાં મૂલ્યની પુસ્તિકાઓ ગરબડીયા અક્ષરે સહી કરીને પકડાવી જાય છે. આ અમુલ્ય હસ્તાક્ષરને પરિણામે એ પુસ્તિકા રિસાયકલ કરી બીજા લગ્નમાં ઠપકારવાની આશા પર પાણી ફરી વળે છે.

હિન્દીમાં જોકે એવું કહે છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ હૈ. એટલે જ હથેળીમાં ચાંદ દેખાડનાર છે તો જીવનમાં કંઈક આશા રહે છે, બાકી હાથની રેખાઓને ભરોસે રહીએ નર્વસનેસને કારણે ભીની થયેલી હથેળીથી કપાળ કુટવાનો જ વારો આવે ! 

મસ્કા ફન

એમાં મત છે, એટલે અનામત છે.

1 comment:

  1. અમુક નંગ અમિતાભ બચ્ચનની ફીલ્મ ‘શરાબી’ના આ ડાયલોગ તૌફા દેનેવાલે કી નિયત દેખી જાતી હૈ, તૌફે કી કીમત નહિ... નો દુરુપયોગ કરી રિસેપ્શનમાં આઠસો રૂપિયાની ડીશ જમ્યા પછી રોકડ ચાંલ્લો કરવાના બદલે સુખી દામ્પત્યજીવન માટે લાખ રૂપિયાની સલાહો આપતી રૂપિયા પંચાવનનાં મૂલ્યની પુસ્તિકાઓ ગરબડીયા અક્ષરે સહી કરીને પકડાવી જાય છે.

    lolmlol :P

    ReplyDelete