Sunday, July 19, 2015

ક્યાં શું લઈને જવાય ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૭-૨૦૧૫

સૌ ખાલી હાથ આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે. વર્ષોથી આપણે આ સાંભળતાં આવ્યા છીએ. પણ સવારે મોર્નિંગ વોકને બાદ કરો તો વચ્ચેનો ગાળો એવો છે જેમાં એમ હાથ હલાવતાં નથી હાલી નીકળાતું. સ્કુલે દફતર લઈને જવું પડે છે. કોલેજમાં લેપટોપ લઈને જવું પડે છે. ઓફિસમાં ટીફીન અને બેગ લઈને જવું પડે છે. મંદિરમાં ફૂલ-પ્રસાદ લઈને જવું પડે છે. વાહન ચલાવતાં લાઈસન્સ સાથે રાખવું પડે છે. સ્કુલમાં ટીચર લેસન માંગે ત્યારે એવી ફિલોસોફી નથી ઠોકી શકાતી કે સૌએ અંતે તો ખાલી હાથે જવાનું છે એટલે હું ખાલી હાથે સ્કુલ આવી છું. અથવા તો બોસના ટીફીનમાં એમ કહીને ભાગ નથી પડાવાતો કે ‘આપણે તો ખાલી હાથે આવવામાં જ માનીએ છીએ’.
 
ખાલી હાથે જવાની વાતમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે આસક્તિ કે મમત્વ રાખવું નહિ એવો બોધ છે. અમુક લોકો, ખાસ કરીને પુરુષોને વાળ માટે વિશેષ પ્રીતિ હોય છે. કમનસીબે એટલી પ્રીતિ વાળને એમના ધારક માટે નથી હોતી. સરવાળે ધારકના ભાલ અને બાલ વચ્ચેના જંગમાં બાલનું લશ્કર પારોઠના પગલા ભરે છે. આખરે જેનું ફળદ્રુપ ખેતર ‘સર’ કે ‘સેઝ’માં ગયું હોય એવા જમીન માલિકની જેમ એ દુઃખને પામે છે.

વાત અપરિગ્રહની પણ છે. બિનજરૂરી કશું ભેગું કે ગ્રહણ કરવું નહિ. એવો કશો બોજ ઊંચકીને ફરવું નહિ. જેમ કે ચરબી. જેટલી ઝડપે ગુજ્જેશો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરતા હોય છે એટલી જ ઝડપે એમણે ખાધેલા દાળવડા અને ભજિયા સીધા જ ચરબીમાં કન્વર્ટ થતા હોય છે. પરિણામે ગુજ્જેશકુમારની અડધા ઉપરાંતની, એટલે કે લગ્ન પછીની, જિંદગી પોતાની ફાંદ પાછળ ફરવામાં જાય છે. કોઈને એમ થતું હશે કે કાશ ફાંદ ડીટેચેબલ હોત, તો બધે સાથે લઇ જવી ન પડત. ફાંદને લગેજમાં નથી મોકલી શકાતી. કમનસીબે ફાંદને બધે સાથે જ લઈ જવી પડે છે, જાતે જ તો! માણસ આ દુનિયામાં ફાંદ સાથે આવતો નથી. ફાંદ એની આપકમાઈ છે. ફાંદ સાચા મિત્ર જેવી છે જે સ્મશાન સુધી તો સાથે આવે જ છે. જોકે, ફાંદ સ્મશાનથી આગળ સાથે નહિ જ આવતી હોય એમ ચોક્કસ માની શકાય કારણ કે આજ સુધી કોઈએ ફાંદાળું ભૂત જોયું હોય એવું સાંભળ્યું નથી.

ઘણીવાર આપણે ખાલી હાથે જવું હોય તો પણ જઈ શકતા નથી. બહારગામ જવામાં તો બિલકુલ ખાલી હાથે જવાતું નથી. ફ્રેશ થવા માટે અઠવાડિયું હિલ સ્ટેશન ફરવા જનાર લાઈટ જશે તો? ફ્રુટ સમારવું હશે તો? જમવાનું સારું નહીં મળે તો? ટાઈમ પાસ કરવો હશે તો? ટ્રેઈનમાં ઓઢવાનું ગંદુ હશે તો? જેવા અનેક નિરાશાવાદી વિચાર કરી સાથે બેટરી, મીણબત્તી, ચપ્પુ, નાસ્તા, ચોપડીઓ, ધાબળા અને શાલ સાથે લઈ જાય છે. એમાય આજકાલ સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ ફરવા જવાની ફેશન છે. ત્યાં તો લાખ રૂપિયા ખર્ચીને ભૂખ્યા રહેવાનું છે તે એડવાન્સમાં જ ખબર હોય છે એટલે પેકેજના દિવસ જેટલો ચાલે તેટલો નાસ્તો ભરવો પડે છે. હોટલમાં એક જોડી મોજા ધોવડાવવાની કિંમતમાં ત્રણ મોજાનું નવું ઈકોનોમી પેક આવી જાય છે એટલે કપડાં ધોવાનો પાવડર અને બ્રશ પણ ભેગો મુસાફરી કરે છે.

કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં અમુક વસ્તુઓ ન લઇ જવી જોઈએ છતાં આપણે લઈ જતા હોઈએ છીએ. જેમ કે એકઝામમાં કાપલી લઈને જઈએ છીએ અને મંદિર કે બેસણામાં મોબાઈલ. આજકાલ બેસણામાં માણસો તો મૌન હોય છે, પણ મોબાઈલો બોલતા હોય છે. જગજીત સિંઘના ‘હે રામ ... ‘ની ધૂન વચ્ચે કોઈના મોબાઈલમાંથી ‘ધતિંગ નાચ ...’નું ઢીચિંગ ઢીચિંગ ક્યારે ચાલુ થઇ જાય એનું પણ નક્કી નહિ. લોકો તરભાણા પાસે ગોર મહારાજ બેઠા હોય એમ લોકો બેસણામાં સામે મોબાઈલ મુકીને બેઠા હોય છે. શોકાતુરો બિચારા એમ સમજતા હોય કે સહૃદયી મિત્ર દિવંગત માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પેલો ફેસબુક ઉપર સની લીઓનીના ફોટો ઉપર લાઈક મારતો હોય એવું બનતું હોય છે. ખરેખર તો બેસણામાં શોક પ્રદર્શિત કરવા માટે સાદા કપડા પહેરીને જવાનો રીવાજ હોય છે એમ બેસણામાં બ્લેક એન્ડ વ્હાઈટ LCDવાળા NOKIA 3310 કે NOKIA 2000 લઈને જવાનો રીવાજ હોવો જોઈએ.

આમ તો લગ્ન કે રિસેપ્શનમાં જાવ તો સાથે ભેટ લઈ જવાનો રીવાજ છે, પણ આજકાલ આમન્ત્રણ પત્રિકામાં જ ‘નો ફ્લાવર્સ, નો ગીફ્ટ’ એવું લખેલું હોય એવા આમંત્રણ પણ આવે છે. આ એવી જગ્યા છે જ્યાં ખાલી હાથે જવું ગમે છે. ચાંદલો કે ગીફ્ટ આપ્યા વગર જવાનું હોય તો ગુજરાતી હોંશે હોંશે જાય. જોકે રીસેપ્શનમાં સ્ટેજ પર ચઢવાની લાઈનમાં આમ ખાલી હાથે અને આમ ઈગો, ઠસ્સો, ભભકો, દેખાડો ઊંચકીને ઉભેલા જરૂર દેખાય છે.. એટલે આમ તો ખાલી હાથ શોધવા જાવ તો કરાટેના કોચિંગ ક્લાસ સિવાય ક્યાંય મેળ નહિ આવે, કરાટે એટલે ખાલી હાથ ! n

મસ્કા ફન

નોન-સ્ટ્રાઇકર પરથી સોહને ડાફોળિયાં મારતા બેટ્સમેન મોહનને કહ્યું... “મોહન-જો-દડો”




No comments:

Post a Comment