Sunday, June 21, 2015

"હું કોણ છું ?"

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
સવારે ઓફિસ જતાં પહેલાં પત્નીને બર્થ ડે વિશ કરવાનું ભૂલી જાવ તો સાંજ બગડવાના યોગ ઊભા થાય છે. બાઈકમાં પેટ્રોલ ભરાવવાનું ભુલી જાવ તો બાઈક ખેંચવાના યોગ થાય છે. હેલ્મેટ ઘરે ભૂલી જાવ તો પોલીસ સાથે સંવાદના યોગ થાય છે. આ બધું જ ભૂલી જવાના કારણે થાય છે. ભૂલવાનું મુખ્ય કારણ જે તે સમયે તમારા ચિત્તમાં જે બાબત વિષે વિચારો ચાલવા જોઈએ એના બદલે કંઈ ભળતું જ ચાલતું હોય એ છે. ‘મન મંદિરમાં અને ચિત્ત મોબાઈલમાં’ એવું અમસ્તું નથી કહ્યું! થાય, આવું પણ થાય. જે આપણને થતું હોય તે બધાને થતું હોય તો એ અંગે ચિંતા કરવી નહિ. પણ આનો ઉપાય છે. જેનું નામ છે યોગ. પતંજલિ અનુસાર योग: चित्त-वृत्ति निरोध: યોગ વડે ચિત્તની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકાય છે. જોકે આ યોગીઓ માટે પણ આ દુર્લભ અવસ્થા છે. તમારા ચિત્તમાં દીપિકા ફરતી હશે તો યોગથી રાતોરાત એનું સ્થાન તમારી પત્ની લઈ લે એવી અપેક્ષા રાખશો નહિ. शनै: पन्था: शनै: कंथा: - અર્થાત ધીમે ધીમે ગોદડી સીવાય, ધીમે ધીમે રસ્તો કપાય. બીજા ઘણા રસ્તા છે.
યોગનો એક અર્થ છે જોડવું. તમે જે કંઈ કરતા હોવ એની સાથે પૂર્ણ
એકાગ્રતાથી જોડાવ એટલે કે એની સાથે રમમાણ થઇ જાવ તો શ્રેષ્ઠ પરિણામો મળશે. ઇંગ્લીશમાં આને ઇન્વોલ્વમેન્ટ કહે છે. શ્રેષ્ઠ પરિણામ માટે ૧૦૦% ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. પણ એમાં તમે જે કરી રહ્યા હોવ એનો હેતુ મહત્વનો છે. લોકો ફેસબુક અને વોટ્સેપ ઉપર જે રીતે ઇન્વોલ્વ થયેલા જણાય છે એ પ્રકારની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ પાછળની વૃત્તિ ઝઘડાથી માંડીને છૂટાછેડા કરાવી શકે છે.

યોગના કુલ મળીને આઠ અંગ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તમે કોઈ પણ ધર્મના અનુયાયી હોવ પણ યમ અને નિયમ વિશેની સમજ તમને બાળપણથી જ આપવામાં આવી હશે. એસાઈનમેન્ટ કોઈનામાંથી ઉતાર્યું હોય તો કબુલ કરી લેવું (સત્ય), ઓફિસમાંથી સ્ટેશનરી તફડાવવી નહિ (અસ્તેય), ગમે તેટલો ગુસ્સો ચઢ્યો હોય તોયે કોઈને ફટકારવો નહિ (અહિંસા), ક્રિકેટરોને બોલરને ફટકારવાની જોકે છૂટ. ગાંધીજીનાં ફોટાવાળી નોટોનો બિનજરૂરી સંગ્રહ ન કરવો (અપરિગ્રહ) એ બધું ‘યમ’માં આવે! પાણી ન આવતું હોય તેવામાં પણ સ્વચ્છ રહેવું અને કદર ન થાય તો પણ વિચારો સારા રાખવા (પવિત્રતા), એરેન્જડ મેરેજમાં પણ ખુશ રહેવું (સંતોષ), સારા માર્ક મેળવવા માટે કાપલી કે કોપી કરવાને બદલે મહેનત કરવી (તપ) અને ફેઈલ જ નહીં, ભૂલમાં પાસ થઈ જવાય તો એ અંગે પણ આત્મચિંતન કરવું (સ્વાધ્યાય) એ ‘નિયમ’માં આવે.

યોગાસન કરવા સરળ છે. એટલીસ્ટ વિચારવામાં તો જરા પણ તકલીફ નથી પડતી. અમે મજાક નથી કરતાં. તમે એવરેસ્ટ ચઢવા વિષે વિચાર કરજો. પરસેવો છૂટી જશે. તમે વિમાનમાંથી એરજમ્પ કરવાનું વિચારી જોજો. ચક્કર આવી જશે. પણ યોગાસન વિષે વિચાર કરવામાં આવી કોઈ તકલીફ નથી થતી, સિવાય કે તમે સરકાર કંઈ પણ કરે એ પચાવી ન શકો એવા બળેતરા સ્વભાવના હોવ તો. યોગાસન કરવા પણ સરળ છે. એમાં પગ અને હાથ સાંધામાંથી હલાવવાનાં હોય છે. કમરમાંથી વાંકા વળવાનું હોય છે. કરોડને મરોડ આપવાનો હોય છે. આટલું કરવામાં ઘણાને પરસેવો થઈ જાય એવું બને. એ પણ એક હેતુ જ છે. યોગ ઊભા ઊભા, બેઠાં બેઠાં અને સૂતાં સૂતાં પણ થઈ શકે છે. યોગ સૂતાં સૂતાં થઈ શકે છે એ પ્રમાણ છે કે યોગની શોધ ભારતમાં થઈ હતી.

આપણા ગુજરાતીઓ માટે દરેક દક્ષિણ ભારતીય મદ્રાસી અને દરેક હિન્દીભાષી એ ભૈયો છે. એ જ રીતે યોગાસન એટલે જ યોગ એવું આપને સગવડતાપૂર્વક માનતા આવ્યા છીએ. હકીકતમાં ‘આસન’ એ યોગનું માત્ર એક અંગ છે. એના અમુક આસનો તો એવા છે કે તમે ભારતીય હોવ તો તમે ક્યારેક ને ક્યારેક કર્યા જ હશે જેમ કે સુખાસન એટલે પલાંઠીવાળીને બેસવું. પાછળ ફોડલી થઈ હોય અને સુખાસનમાં ન બેસાય તો પગ પાછળ વાળીને બેસો તે વજ્રાસન. આસનો કરીને થાકીને મડદાની જેમ ચત્તાપાટ સુઈ જાવ એટલે શવાસન. સ્કૂલમાં ટીચર અંગુઠા પકડાવે એ પાદહસ્તાસનની મુદ્રા છે અને મરઘો બનાવે એ કુક્કૂટાસનનું આધુનિક સંશોધિત સ્વરૂપ છે. ઢીંગલાની જેમ પગ લાંબા કરીને ટટ્ટાર બેસો એ દંડાસન, સવારે બાલ્કનીમાં ઉભા ઉભા બે હાથ ઊંચા કરીને આળસ ખાવ એ તાડાસન અને પથારીમાં ઉંધા પડીને કાચિંડાની જેમ ડોક ઉંચી કરીને ટીવી જુઓ એ ભુજંગાસનની મુદ્રા છે. બસ, આ બધું તમે બહાના કાઢ્યા વગર અઠવાડિયામાં છ દિવસ કરો તો ઘેર બેઠાં ફાયદો થાય! કમસેકમ જીમની ફી તો બચે જ!

છેલ્લા કેટલાક વર્ષોથી વહેલી સવારે લગભગ દરેક ઘરનાં ધાબામાં નાગ ફૂંફાડા મારતો હોય એવા અવાજો સાંભળવા મળે છે. એ બાબા રામદેવ પ્રેરિત ‘ભસ્ત્રિકા પ્રાણાયામ’નો પ્રતાપ છે. ભસ્ત્રિકા એટલે અત્યંત વેગથી હવા ફૂંકવાનું એક સાધન જેને ધમણ કહે છે, પ્રાણાયામ એટલે તાલબદ્ધ શ્વાસોચ્છવાસની ક્રિયા. સોશિયલ મીડિયામાં તો આ ફણીધરો સવાર સવારમાં હવામાંથી બધો ઓક્સિજન ચૂસી લેતાં હોવાની ફરિયાદ પણ દાખલ થઇ હતી. પણ યોગનું આ પ્રત્યક્ષ ફાયદો કરાવી આપતું અંગ છે જેને મેડીકલ સાયન્સે પણ માન્યતા આપી છે. પ્રાણાયમના આ ઉપરાંત બીજા ઘણાં પ્રકાર છે.

તમે યમ-નિયમનું પાલન કરો, સાચી રીતે પ્રાણાયામ કરો, બોલવામાં ધ્યાન રાખો, ખાવા-પીવામાં ચટાકા ન કરો અને ચારિત્ર્ય શુદ્ધ રાખો એ ‘પ્રત્યાહાર’ છે. સરળ શબ્દોમાં કહીએ તો પાંચે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી એ પ્રત્યાહાર છે. યોગના આ પછીના અંગો વિશેષ સાધના અને માર્ગદર્શન માગી લે છે. મોર કો ધ્યાન લાગ્યો ઘનઘોર, પનિહારી કો ધ્યાન લાગ્યો મટકીની જેમ જ કોઈ જગ્યા કે સ્થળ (હૃદય કે મસ્તિષ્ક) ઉપર તમારા ચિત્તને સ્થિર કરો એ ‘ધારણા’ છે. એનાથી દેહ સ્વસ્થ થાય છે, આવાજ શુદ્ધ થાય છે અને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે.

એકાગ્રતા અને તલ્લીનતાની ચરમસીમા એ ‘ધ્યાન’ છે અને ધ્યાનમાં સિદ્ધિ મળે એ ‘સમાધિ’ છે જે બધી જ જાતની અનુભૂતિઓથી ઉપર છે અને એ યોગનું લક્ષ્ય ગણાય છે. ધ્યાનમાં કશું નથી કરવાનું હોતું. આ હિસાબે સરકારી કચેરીઓમાં બેસનારાં યોગી ગણાઈ શકે. મોબાઈલમાં તલ્લીન હોય એ સમયે રસ્તો કે રેલ્વેલાઈન ક્રોસ કરવા જતાં લોકોના જીવ ગયા છે એ હકીકત ધ્યાને લઈએ તો સોશિયલ મીડિયાથી સમાધિ સુધી નામની સીડી કોઈ મનોચિકિત્સક કે કોઈ ગુરુ બહાર પડે એ દિવસ હવે દુર નથી.

“હું કોણ છું?” પ્રશ્નનો જવાબ શોધવામાં જ્યોતિન્દ્રભાઈએ રમૂજના ઘોડાપૂર આણ્યા હતાં. આ પ્રશ્નનો જવાબ હજુ યોગમાં શોધાય છે. આ ઉપરાંત “હું ક્યાંથી આવ્યો?”, “હું શું કામ આવ્યો?”, “હું ક્યાં જઈશ?” જેવા, રેલ્વેસ્ટેશન પર ન પુછાય એવા, પુરક પ્રશ્નો પણ યોગમાં ઊંડા ઉતરનાર પોતાની જાતને પૂછતા હોય છે.

આજે ૨૧ જુન ૨૦૧૫, પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. સરકારે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવીને ઉત્તમ કામ કર્યું છે. ધર્મ અને રાજકારણને વચ્ચે લાવ્યા વગર એને ખુલ્લા મને અપનાવીએ. હવે એમ તો નહિ પૂછોને કે મન ખુલ્લું કઈ રીતે કરવું? 

No comments:

Post a Comment