Sunday, May 10, 2015

ગાય યુનિવર્સીટી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

અમને એ જાણી ઘણો આનંદ થયો છે કે કાશ્મીરમાં ગાયને પરીક્ષા પ્રવેશપત્ર અપાયું છે. એવું કહી શકાય કે કાશ્મીરમાં નવી સરકાર આવતા જ ગાયનાં સારા દિવસો આવી ગયા છે. વર્ષો પહેલાં ઈન્દિરાજીનાં સમયમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક ગાય-વાછરડું હતાં એ વાત જાણવાજોગ. મૂળ વાત એ છે કે ગાય હવે પરીક્ષા આપશે. ગાયને આગળ જતાં ડીગ્રી પણ અપાશે. ગાય હ્યુમન સાયકોલોજી તો જાણતી જ હોય છે, હવે સાયન્સ અને ટેકનોલોજી પણ ભણશે. 
 
આજકાલ દરેક વગદાર માણસનું જમીન, ઇન્ડસ્ટ્રી અને યુનીવર્સીટીમાં રોકાણ હોય છે. સરકાર પણ આજકાલ જાતજાતની યુનીવર્સીટી ખોલે છે. ધારો કે સરકાર ભવિષ્યમાં ગાય યુનીવર્સીટી શરુ કરે તો હવે નવાઈ નહીં લાગે. કદાચ કાશ્મીરમાં ગાયને પ્રવેશપત્ર અપાયું તે ગાય યુનીવર્સીટી પાયલોટ પ્રોજેક્ટનો હિસ્સો પણ હોઈ શકે!

જેને પ્રવેશપત્ર અપાયું છે તે ક્ચીર ગાયનો માલિક અબ્દુલ રશીદ ભટ છે, અને એણે પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીઝ માટેની પ્રવેશ પરીક્ષા માટે ફી ભરી ગાયનાં નામ અને ફોટા સાથેનું પ્રવેશપત્ર મેળવ્યું છે. પ્રવેશપત્રમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનની ઓટોમેટેડ સહી પણ છે. સામાન્ય રીતે ધોરણ દસ પાસ હોય તે જ આ પરીક્ષામાં બેસી શકે છે. આ જોતાં કાશ્મીર બોર્ડનું કોમ્પ્યુટર ગાયને દસ પાસ જેટલી ભણેલી તો માને જ છે. હવે અબ્દુલ ગાયને પરીક્ષા અપાવવા માટે તત્પર છે. તમે આ વાંચતા હશો ત્યારે (દસમી મે ૨૦૧૫) અબ્દુલ ગાયને લઈને પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયો હશે, અને કદાચ ગાયની બેઠક વ્યવસ્થા ચકાસતો હશે. અબ્દુલની ગાયનાં ભણતરમાં (ઓમર) અબ્દુલ્લાને એટલો રસ પડ્યો કે એમણે ગાયને ‘બેસ્ટ ઓફ લક’ પણ વિશ કર્યું છે.

અહીં તો એક જ ગાય છે એટલે વાત જુદી છે, બાકી સૌ પરીક્ષાર્થી ગાયો જ હોય તો ગમાણ એ જ પરીક્ષા ખંડ બની રહે. અથવા પરીક્ષા ખંડ ગમાણ બની જાય. અમદાવાદમાં તો ગાયો ચોખ્ખી જગ્યા શોધીને, ખાસ કરીને રોડ સ્વીપર મશીનથી ચોખ્ખા કરેલા રસ્તા વચ્ચે, બેસે છે. આવામાં બોર્ડ તેમની પરીક્ષા રોડ વચ્ચે પણ લઇ શકે છે. આમેય આપણે ત્યાં રોડ વચ્ચે વાહન ચલાવવા સિવાય ઘણું ન થવા જેવું થાય છે. પણ આમ થવાથી ટ્રાફિક માટેના સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં પણ વાપરી શકાય અને આ કાર્ય હેતુ આપણે ત્યાં જે ટેબ્લેટ લગાડવામાં આવે છે તેનો ખર્ચ પણ બચે. ગાયોને રસ્તા વચ્ચે બેસી પેપર લખવામાં તકલીફ ન પડે એ માટે ‘નો હોર્ન’ નાં પાટિયા પણ મારી શકાય અથવા રોડને ‘સાઈલેન્સ ઝોન’ જાહેર કરી શકાય.

હમણાં ગુજરાતમાં પોલીસ ખાતાની પરીક્ષામાં ખુદ પોલીસવાળા ચોરી કરતાં પકડાયા હતા. જોકે આ સમાચારથી લોકોને ખાસ નવાઈ નથી લાગી. પછી એ લોકોનું શું થયું? એમને નોકરીમાંથી કાઢી મુક્યા કે નહિ? તે જાણવામાં કોઈને રસ પણ નથી. પણ ગાય પરીક્ષા આપે અને ચોરી કઈ રીતે કરે એ બાબતમાં લોકોને ચોક્કસ રસ પડે. આમ તો આપણે જોયું છે કે બે ગાયો ભેગી થાય તો ખાવાનામાં માથું મારવાને મુદ્દે એકબીજા તરફ શીંગડા ઉલાળતી જોવા મળે છે. આમ ગાયો પરીક્ષામાં એકબીજાની ઉત્તરવહીમાંથી ચોરી કરે તેવી શક્યતા નહિવત જણાય છે. આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન થાય કે શું ગાય કાપલી બનાવે? બનાવે તો એ ક્યાં સંતાડે? એમાં નિરીક્ષક જો ગાય કરતાં વધારે સ્માર્ટ હોય તો એ પકડી પાડે. આ સંજોગોમાં ગાય ચોક્કસ કાપલી ખાઈ જાય એવું અમારું માનવું છે. આમાં ગાયને એક કાંકરે બે પક્ષી થાય, કાપલીનો નિકાલ પણ થઇ જાય અને ભોજન પણ થાય. જોકે પછી પોદળો કરે ત્યારે કાપલીના અવશેષો પુરાવા તરીકે ભેગા કરવામાં આવે કે કેમ તે અત્યારથી કહેવું અઘરું છે. પોદળાથી યાદ આવ્યું કે જો નિરીક્ષક નિસર્ગોપચારમાં માનનાર હોય તો પરીક્ષા ખંડમાં જ લોટો લઈને ગોમૂત્ર એકઠું કરી લે એવું પણ બને. આમ થાય તો ગાયને ચોક્કસ સહાનુભુતિ મળે.

તમને તો ખબર જ છે કે અમારામાં ભારોભાર કુતુહલ ભર્યું છે. એટલે અમને વિચાર આવે છે કે જો ગાય માટે જ પરીક્ષા લેવાય તો તેમાં કયા વિષય હોય અને એમાં કેવા પ્રશ્ન પુછાય ? પર્યાવરણમાં તો પ્લાસ્ટિક ખાવાથી કયા રોગ થાય અને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિષે પ્રશ્નો હોઈ શકે. ગાયને ગણિત ભણાવવામાં આવે તો એ કેવું હોય? જેમ કે બે ગાય ત્રણ દિવસમાં દસ કિલો ઘાસ ખાય, તો એક ગાય એક દિવસમાં કેટલું ઘાસ ખાય? તમે ગણવા ન બેસતાં. આ પ્રશ્ન ગાયના કેલીબરનો છે! મનુષ્યોની પરીક્ષામાં ગાય ઉપર નિબંધ પૂછવામાં આવે છે. ગાય માટેની પરીક્ષામાં મનુષ્યો પર નિબંધ પુછાતાં હશે. જેમાં તેઓ મનુષ્યના લક્ષણો જેવા કે હાથ, પગ, વાળ અને પહેરવેશ વિષે લખી શકે. આ ઉપરાંત મનુષ્યોની ગાય સંબંધિત આદતો જેમ કે ‘લે ગાય ગાય ગાય ...’ કહીને ગાયને બોલાવી દોઢસો કિલોના શરીરને એક રોટલી ધરવા જેવી વાતોથી માંડીને મુનસીટાપલીનાં ઢોર-ત્રાસ નિવારણ ખાતાં અને એ ખાતાના કામદારોનાં ત્રાસ અને અમાનવીય વર્તન સંબંધિત વ્યથા રજુ કરી શકે.

પછી તો ગાયોનાં પણ કોચિંગ ક્લાસ ચાલુ થશે. ગાયોના મા-બાપ ગાયોને આ ક્લાસમાં લેવા મુકવા દોડાદોડ કરશે. કોક રખડું ગાયને પરાણે ભણાવવા મા-બાપ એની પાછળ એંઠવાડ ખાઈને પડી જશે. અંતે ગાયો પણ સ્ટ્રેસમાં આવી જશે. ગાયો ટેન્શનમાં અભ્યાસની ચોપડીઓ ચાવી જશે. મા-બાપ નબળી ગાય, એટલે બગાઈઓ વાળી નહિ, પણ અભ્યાસમાં નબળી હોય એવી ગાયોના એડમીશન માટે નેતાઓની ઓળખાણ લગાડશે, ડોનેશન આપશે, અને ગમે તેમ કરી ગાયોને પ્રવેશ અપાવશે.

જોકે વધુ એક સવાલ એ ઉભો થાય છે કે ધારો કે એક વખત ગાય એન્ટ્રન્સ એક્ઝામ આપી પણ દે અને મંત્રીઓના પુત્રોની જેમ એ એકઝામમાં પાસ પણ થઇ જાય. ભણીગણીને ગાયને ડિપ્લોમા એનાયત પણ થાય. પણ પછી એ સર્ટીફીકેટનું ગાય કરે શું ? છેવટે તો એણે દૂધ જ આપવાનું ને ?

આપણા પુરાણમાં એવું લખ્યું છે કે ગાયનું પુંછડું પકડી પુણ્યશાળી વૈતરણી પાર ઉતરી શકે છે. એટલે હવે બની શકે કે ગાયધણી પોતે અભણ રહે અને ગાયને ભણાવે અને એના જ્ઞાનનો લાભ લે. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. ઘડપણમાં ડોહા-ડોહીને અલગ કાઢવાની પ્રથા જયારે શરુ થઈ છે એ સમયે ગાયને ભણાવવાનો આ તુક્કો અમને ખોટો નથી લાગતો.

No comments:

Post a Comment