Sunday, March 29, 2015

ઇન્ક્રીમેન્ટ નામનું ગાજર

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

માર્ચ મહિનામાં થાય છે એટલું કામ જો દરેક કંપની આખું વરસ કરે તો ભારતનો જીડીપી ડબલ ડીજીટમાં રમતા રમતા આવી જાય. માર્ચમાં બે રીતે કામ થાય છે. એક, વરસના અધૂરા ટાર્ગેટ પુરા કરવા માટે અને બે, એ ટાર્ગેટ પુરા કરેલા બતાવી તગડું ઇન્ક્રીમેન્ટ લેવા માટે. એથ્લેટ્સ રેસમાં દોડે તો પહેલો આવે એને ગોલ્ડ, બીજાને સિલ્વર અને ત્રીજાને બ્રોન્ઝ અને બાકી બધાને ભાગ લીધાનો ટાંટિયા તોડવાનો લહાવો લેવા મળે છે. ક્રિકેટમાં નવ મેચ રમી ફાઈનલમાં જીતનારને વર્લ્ડ કપ મળે છે, અને બાકીની અમુક ટીમોએ એરપોર્ટ પરથી વેશપલટો કરી ઘેર જવું પડે છે. આજકાલ એપ્રેઈઝલ-ઇન્ક્રીમેન્ટ પછી સ્ટાફમાં ઘણાને ‘લેવાનું ગાજર અને રહેવાનું હાજર’ (LGRH) ટાઈપની ફીલીંગ થતી હોય છે.

ગાજર મળતું હોય તો પણ ખોટું નથી. પુરુષો માટેની એનર્જી ટેબ્લેટસમાં બીટા કેરોટીન નામનું એક રસાયણ આવે છે જે શરીરમાંના હાનીકારક ‘ફ્રી રેડિકલ્સ’ ઘટાડવાનું કામ કરે છે. આ બીટા કેરોટીન ગાજરમાંથી મળી આવે છે. એના સેવનથી માણસમાં શક્તિ-સ્ફૂર્તિનો સંચાર થતો હોવાનું કહેવાય છે. માલિકો અને એચ.આર. મેનેજરો પણ તેમના કર્મચારીઓ અને એક્ઝીક્યુટીવોમાં શક્તિસંચાર કરવા ઇન્ક્રીમેન્ટ નામનું ગાજર લટકાવતા હોય છે. આખરે ગાજર પાછળ દોડનાર સોમાંથી સાતને જ ગાજરનું બટકું ભરવા મળતું હોય છે, બાકીના ગધેડા બને છે. સદીઓથી આ પરમ્પરા ચાલી આવે છે. ગાજરની આશમાં દોડવું એ ગધેડાની નિયતિ ગણાય છે.

નોકરીમાં કાંતો પ્રમોશન મળે છે અથવા કેમ ન મળી શકે એનાં કારણો મળે છે. તમે આખું વરસ ગધ્ધામજુરી કરી હશે તો તમને ‘સ્માર્ટ વર્ક શું કહેવાય એ જરા શીખો’ એમ કહેવામાં આવશે. પણ તમે સ્માર્ટ વર્ક કરતા હશો તો એ કામચોરીમાં ખપશે. શરણાઈ વગાડવાવાળાને સાંબેલું વગાડી બતાવવાનું કહેનાર શેઠ એ આજે બોસના નામે ઓળખાય છે. પાછું દરેક બોસ આ કવિતામાંથી શેઠ બનાવામાં જ સાર છે, એવું શીખ્યા છે. એકંદરે તમે ઇન્ક્રીમેન્ટ માંગો અને તમને ગયા વરસમાં તમે શું કરી શકયા હોત એનું લાંબુ લીસ્ટ પકડાવવામાં આવે તો એમ સમજજો કે આ વરસે તમે ઇન્ક્રીમેન્ટ નામની ફ્લાઈટ ચુકી ગયા છો અને કંપનીના જનરલ ડબ્બામાં મુસાફરી કર્યે રાખો.

ગાજર સિવાય ઇન્ક્રીમેન્ટ એ રોટલો છે, જેના માટે કર્મચારી નામની બિલાડીઓ અંદર અંદર ઝઘડે છે, પણ એના ભાગ પાડવાનું કામ બોસ નામના વાંદરાના હાથમાં હોય છે. પછી જેમ વાર્તામાં થાય છે એમ મોટા ભાગના ટુકડા બોસ ખાઈ જાય છે ! પણ ઇન્ક્રીમેન્ટ ન અથવા નહીવત મળે ત્યારે ગીતાનો આ શ્લોક ‘કર્મણ્યેવાધિકારસ્તે ....’ કામમાં આવે છે. દેશની સૌથી જાણીતી ગુજરાતી કંપની માટે એવું કહેવાય છે, અને અમે એની ખાતરી કરી છે, કે એ કંપનીમાં તમે કામ કરો તો તમને અનુભવ જ મળે, કમાવ નહિ ! ટૂંકમાં LGRH.

જોકે સાચેસાચ કામ કરવું અને કામ કરતા દેખાવું બે અલગ બાબતો છે. ઘણીવાર ‘બેસ્ટ પરફોર્મન્સ ઇન કાર્ટ પુલિંગ’નો એવોર્ડ બળદિયાને બદલે ગાડા નીચે ચાલનારા કૂતરા લઇ જતા હોય છે. આવું નોકરીમાં જ નહિ, લગભગ દરેક જગ્યાએ બને છે. જેમ કે કોલેજની ક્રિકેટ ટીમોમાં અમુક નમુના એવા આવી જતા હોય છે, જેમનું ગેમ સિવાયનું બધું જ ‘ટોપ કોલેટી’નું હોય! એમનાં સ્પોર્ટ્સ વેર અને સ્પોર્ટ્સ ગીયર બ્રાન્ડેડ હોય છે. ચ્યુઇન્ગમ ચાવવાની સ્ટાઈલ, દાઢી, હેર સ્ટાઈલ વગેરે ટીમ ઇન્ડીયાના ખેલાડીને આંટી જાય એવી. દરેક બોલે સ્ટાઈલથી બેટ ફેરવ્યા પછી દ્રવિડ કે તેંદુલકરના પોઝમાં એવા ચોંટી જાય કે ફોટોગ્રાફર નિરાંતે ૩૬૦ ડીગ્રી ફોટોગ્રાફી કરી શકે, પણ આ આઈટમની બોડી પાસેથી બોલ પસાર થતો હોય તો ‘જો પેલો જા...ય...’ કરીને બતાવવા માટે જવાન રાખવો પડે. ફિલ્ડીંગમાં ગરનાળા જેવા હોય. કેચ કરવા માટે એમને ટોપલો આપો તો બોલ ટપ્પો પડીને નીકળી જાય, ખુલ્લા મોઢાનો કોથળો આપો તો કાણું પાડીને બહાર નીકળે ! આવા લોકો બૂટથી કેપ સુધી ક્રિકેટર જેવા દેખાતા હોવાને કારણે જ આવા એકટરો કોલેજની ટીમમાં આવી ગયા હોય છે.
---

અને છેલ્લે કોર્પોરેટ રામાયણ કથા. લક્ષ્મણને મૂર્છિત જોઈ વ્યથિત રામે પોતાના સૌથી ફાસ્ટ, રીલાયેબલ અને ડિસિપ્લિન્ડ એમ્પ્લોયી હનુમાનજીને સંજીવની લેવા માટે રવાના કર્યા. હનુમાનજીની આ ખાસિયત હતી. બીજાં એમ્પ્લોયીની જેમ ‘અત્યારે છેલ્લી ઘડીએ ટીકીટ નહિ મળે તો?’ અથવા ‘કાલે મારે મારી ભાભીની બેનના બેબી શાવરમાં જવાનું છે’ કે ‘પર્વત પર સંજીવની કઈ રીતે શોધીશ?’ જેવા ફાલતું બહાના કાઢવાની એમને ટેવ નહોતી. એ તો આજ્ઞા મળી કે ચાલી નીકળ્યા. સંજીવની શોધી જોઈ, પણ છોડના વર્ણનમાં ‘ત્રણ ફૂટ જેટલી ઊંચાઈનો અને લીલા અણીવાળા પાંદડા ધરાવતો છોડ’ એટલું જ લખ્યું હતું, પણ આવાં તો ઘણાં બધાં છોડ હતાં. હનુમાનજી એ વિચાર્યું કે પાછો પૂછવા જઈશ તો કદાચ એકાઉન્ટન્ટ બે વાર ટીએડીએ પાસ નહિ કરે અને આવવા-જવામાં સમય જશે એ દરમિયાન કોક બીજો સંજીવની શોધી લાવશે. છેવટે એમણે આખો પહાડ જ સાથે લઈ લીધો. ત્યાં પહોંચીને ફાર્માસિસ્ટે સંજીવની શોધી કાઢી. હનુમાનજીના વિરોધીઓએ ટીકા પણ કરી. પણ રામનું કામ થઈ ગયું. લક્ષ્મણ પાછાં ડ્યુટી પર હાજર થઈ ગયાં. અને કંપનીના પ્રોડક્શન વિભાગે પર્વત છુટો પાડીને પથ્થર, માટી, વનસ્પતિ અને અન્ય વસ્તુઓનો પ્રોડક્શનમાં ઉપયોગ કરી લીધો. આમ હનુમાનજીએ ચિરંજીવી એવોર્ડ, લંકાની ટ્રીપ અને બબ્બે પ્રમોશન અંકે કરી લીધા.
---
મસ્કા ફન

રેટ રેસમાં તમે જીતો તો પણ તમે ઉંદર જ રહો છો. (કહેવત)

No comments:

Post a Comment