Sunday, March 22, 2015

પરણવાની શરતો

કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદી | ૨૨-૦૩-૨૦૧૫

પહેલાના સમયમાં જે સ્ત્રીને સંસારમાં રસ ન હોય અને ઘર માંડવા માંગતી ન હોય, તે લગ્ન કરવા માટે આકરી શરત રાખતી હતી. જેમ કે ‘જે મને વાદવિવાદમાં જીતશે એની સાથે હું લગ્ન કરીશ’. કાલીદાસ અને વિધ્યોત્તમાની વાત સૌને ખબર છે. સૌ એ પણ જાણે છે કે સ્ત્રી સાથે વાદવિવાદમાં જીતવું શક્ય નથી. અમુક જણાનાં અરમાનોનું આવી શરત સાંભળીને જ બાળમરણ થઇ જતું હશે. બાકીના સ્ત્રીના હાથે પરાસ્ત થઈને જે કન્યા અન્યથા પામવાના હતા, તેનો પણ ફિટકાર પામતા હશે. સીતાજીના સ્વયંવરમાં શિવજીનું ધનુષ્ય ઊંચકવાની શરત હતી. દ્રૌપદીના સ્વયંવરમાં ફરતી માછલીની આંખ વીંધવાનું દુષ્કર કામ હતું. આવા અઘરા કામ સમ્પન્ન કરનાર આવી મહાન સ્ત્રીઓને પરણવા પામતા હતા. આજકાલની છોકરીઓ પણ, મહાન હોય કે ન હોય, પરણવા માટે શરતો રાખતી થઇ ગઈ છે.

તાજેતરમાં જ કાનપુરના રસુલાબાદમાં વરરાજા ભણેલો છે કે નહિ એ ચકાસવા માટે કન્યાએ લગ્નની વિધિ પૂરી થાય એ પહેલાં જ ભાવિ ભરથારની ગણિતની મૌખિક પરીક્ષા લઇ ફેઈલ જાહેર કરી દીધો હતો ! પરીક્ષામાં એક જ પ્રશ્ન હતો, તે પણ ઓપ્શન વગરનો ! એણે પૂછ્યું કે ૧૫ વત્તા ૬ બરોબર કેટલા થાય? અને પેલા એ જવાબ આપ્યો ૧૭! પછી તો કન્યાની એવી છટકી કે છોકરાના ભણતર બાબતમાં ઉઠા ભણાવવા બદલ આખી જાનને પોબારા ભણાવ્યા! ભાઈ .. ભાઈ ... અમને લાગે છે એ છોકરો ડોબો હોવા ઉપરાંત એક ઝીણી પીનના ચાર્જરવાળો સેકન્ડ હેન્ડ મોબાઈલ પણ ન ખરીદી શકે એવો કડકા બાલુસ પણ હશે જ. બાકી અમારો શંકરીયો પણ કેન્દ્ર સરકાર ડી.એ. જાહેર કરે કે તરત મોબાઈલ પર પગાર વધારો ગણીને માગણી મૂકી દે છે.

પ્રાણીવિશ્વમાં તો માદાઓ આગવી રીતે પરીક્ષા કરીને શ્રેષ્ઠ સાથીને પસંદ કરતી આવી છે જેથી બળુકી સંતતિ પેદા થાય. સિંહણ દ્વંદ્વમાં બીજા સિંહને પરાસ્ત કરે એ વનરાજનું જ અધિપત્ય સ્વીકારે છે. મતલબ કે લોકવાર્તાકારો જેની ડણક પર ઓવારી જાય છે ઈ ડાલા મથ્થો સાવજડો ઠામુકો છોલાઈ જાય ત્યારે એનું ઘર મંડાય છે. એક ઢેલને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં મોર મહાશયે સાયકલના કેરિયરમાં સાવરણીઓ ભરાવીને ફરતા ફેરિયાની જેમ લાંબુ પૂછડું લઈને ચક્કર કાપવા પડે છે, તે પણ લગનની સિઝનમાં! સાલું, મોરની કળાની જેમ જ્યાં ત્યાં સાવરણીઓ ખોલી ખોલીને બતાવવાની હોય તો સાવરણીવાળો તો ‘બેન, બધી એક સરખી જ છે, લેવી હોય તો લો’ કહીને ચાલતી જ પકડે. કબૂતરાએ પણ બપ્પી લહેરી જેવું ગળું કરીને ‘ગુટરર ઘુ... ગુટરર ઘુ...’ કરતાં કરતાં સની દેઓલની જેમ ઢીચીંગ ઢીચીંગ ડાન્સ પણ કરવો પડે છે ત્યારે કબૂતરી લાઈન આપે છે.

વેસ્ટર્ન વર્લ્ડ મેરેજ કોન્ટ્રેકટથી અજાણ નથી. બ્રિટીશ મ્યુઝિયમમાં ઇસુનાં
જન્મનાં ૩૦૦-૪૦૦ વર્ષે પૂર્વેના મેરેજ કોન્ટ્રેકટ જોવા મળે છે. અમેરિકામાં લગ્ન પૂર્વે પ્રીન્યુપીટલ કોન્ટ્રાક્ટ થાય છે જેમાં જે વધુ ડોલર વાળી પાર્ટી હોય તે કયા સંજોગોમાં છૂટાછેડા આપે તો સામેવાળી પાર્ટીને ફદિયું પણ પકડાવવાનું નથી રહેતું તથા મેરેજ દરમિયાન દર મહીને કેટલા ખર્ચ પેટે આપવાના એવી બધી શરતો લખી હોય છે. ભારતમાં આવા બધા કોન્ટ્રેકટ નથી થતા નહિતર ‘બેલ વાગે તો દરવાજો ખોલવા કોણે જવું?’, ‘મહિનામાં કેટલી વાર બહાર જમવા જવું’, ‘સામેવાળી પાર્ટીએ નાહીને ટુવાલ બહાર દોરી પર સુક્વવો’, ‘રિમોટના હક્કો’, સંબંધિત શરતો પણ જોવા મળત.


કાનપુરની કન્યાએ ભાવી પતિની પરીક્ષા લીધી એમાં કશું ખોટું નથી. પણ જે રીતે પરીક્ષા લીધી એ બરોબર ન કહેવાય. આજકાલ કોલેજના એડમીશન હોય કે રેલ્વેમાં ભરતી, આઇ.એ.એસ. હોય કે આઈ.પી.એસ. સિલેકશન માટે લેખિત પરીક્ષા તો લેવાય જ છે, પણ એ માટેનો સિલેબસ ફિક્સ હોય છે. ઉમેદવારો પોતાને ફાવતા વિષયો પસંદ કરી શકે છે. છોકરાઓને આમાં ફાયદો પણ છે. છોકરી ભવિષ્યમાં એમ કહે કે ‘તું મને ક્યારેય સમજી નહિ શકે’, તો એ તરત માર્કશીટ કાઢીને ‘સ્ત્રી મનોવિજ્ઞાન’ના પેપરના માર્ક્સ બતાવી શકે. અને છોકરી જો એમ કહે કે ‘તને મારા પપ્પા સાથે વાત કરતા નથી આવડતી’ તો ફટાક કરતી માર્કશીટ બતાવી શકાય કે ‘લે જો, સાસરાશાસ્ત્ર સાડત્રીસ માર્ક સાથે પાસ કર્યું છે’. અને હવે તો તમારા માર્કશીટ અને સર્ટીફીકેટ જેવા દસ્તાવેજો સરકારના ‘ડીજી-લોકર’ નામના કલાઉડ સ્ટોરેજમાં અપલોડ કરી શકાશે. પછી પેલી કંઈ પણ કીટપીટ કરે તો સીધી આધાર કાર્ડ નંબર સાથે માર્કશીટની લીંક જ આપી દેવાની! આમ છતાં જો કન્યાઓ આ રીતે જ પરીક્ષા લઈને લગ્નોત્સુકોની મેથી મારતી રહેવાની હોય તો પછી લગ્નોમાં પણ મા. અને ઉ. માં. શિ. બોર્ડના ધોરણે ટ્યુશન અને કાપલી પ્રથા ચાલુ થાય તો ફરિયાદ ન કરતા પ્લીઝ. n

મસ્કા ફન
બ્લુટૂથના ચોકઠાં ન હોય.

No comments:

Post a Comment