Sunday, March 29, 2015

મહિમા માર્ચ મહિનાનો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૩-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
માર્ચ મહિનામાં હોળી અને ચૈત્રી નવરાત્રી આવે છે. માર્ચમાં મહિલા દિવસ, ચકલી દિવસ અને શહીદ દિવસ આવે છે. આ માર્ચનું ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને સંસ્કૃતિક મહત્વ થયું. પણ ભારતમાં માર્ચ મહિનાનું આર્થિક મહત્વ વધુ છે. માર્ચમાં ફાઈનાન્સિયલ વરસ પૂરું થાય છે અને એ પૂરું થાય એ પહેલા હિસાબોમાં થઇ શકે એટલી તડજોડ કરવા માર્ચ મહિનામાં લોકો બમણા જોરથી કામ કરે છે. ધારો કે તમારી પાસે સફેદ રંગનું શર્ટ હોય એમાં ડાઘ પડે અને નીકળે તેમ ન હોય તો આખા શર્ટને કાળો રંગ કરી શકાય છે, પણ કાળાને સફેદ નથી કરી શકાતું. માર્ચ મહિનામાં બ્લેકના વ્હાઈટ અને વ્હાઈટના બ્લેક થાય છે અને એમ કરવાનો મહિમા છે. લોકરમાં પડેલા રૂપિયા બેંકનાં ખાતા સુધી અને બેન્કમાંથી ઉપડેલા રૂપિયા લોકર સુધી ગતિ કરે છે.

માર્ચમાં ટાર્ગેટ પુરા કરવાનો પણ મહિમા છે. વેચવાનાં ટાર્ગેટ. ખર્ચ કરવાનો ટાર્ગેટ અને ઉઘરાણીનો ટાર્ગેટ. સ્વાઈન ફ્લુના લીધે થયેલા દેશ અને ગુજરાતમાં આટલા મોતથી એવું લાગે છે કે યમને પણ બોગસ ફાર્માસ્યુટીકલ કંપનીઓ અને ડોકટરોના હોવા છતાં આ વર્ષના ટાર્ગેટ પુરા કરવામાં ફાંફા પડ્યા હશે. અમુક ક્રિકેટરોએ પણ આખા વરસમાં નહોતા કર્યા એટલા રન માર્ચ મહિનામાં આયોજિત વર્લ્ડ કપમાં કર્યા છે. લક્ષ્યાંક પુરા કરવા ઇન્કમટેક્સ અને સર્વિસ ટેક્સના દરોડા પણ માર્ચમાં વધુ પડતા હોય છે. વરસ દરમિયાન દબાવી રાખેલી સરકારી ગ્રાન્ટ વપરાયા વગર પડી ન રહે એટલે માર્ચ મહિનામાં સામે ચાલીને ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવે છે. અમારું ચાલે તો માર્ચ મહિનામાં થયેલ કામને બાર વડે ગુણી આવનાર વર્ષના ટાર્ગેટ આપીએ.

માર્ચ અપ્રેઝલનો (મૂલ્યાંકન) મહિનો છે. અપ્રેઝ્લના અંતે ઇન્ક્રીમેન્ટ મળે છે. હનુમાનજી એ બેસ્ટ એમ્પ્લોયીનો દાખલો છે. લક્ષ્મણ મૂર્છિત થાય છે અને હનુમાનજીને સંજીવની લેવા મોકલવામાં આવે છે. જોકે સંજીવની ઓળખી ન શકવાને કારણે હનુમાનજી વિચારે છે કે પાછો પૂછવા જઈશ તો કંપની બે વાર ટીએડીએ આપશે નહિ અને આવવા-જવામાં સમય જશે એ દરમિયાન કોક બીજો સંજીવની શોધી લાવે. આમ તેઓ આખો પર્વત ઊંચકી લાવે છે, અને બેસ્ટ એમ્પ્લોયીનો એવોર્ડ અને ઇન્ક્રીમેન્ટ અંકે કરી લે છે. આ આખી ઘટના માર્ચ મહિનામાં બની હતી એવું પણ અમુક જાણકારો કહે છે.

જેમ વૈતરણી પાર કરવા ગાયનું પુંછડું પકડવામાં આવે છે, એમ માર્ચ એન્ડનું પુંછડું પકડી કેટલાય લોકો થઇ શકે એવા કામની મુદત એપ્રિલ પર પાડે છે. માર્ચ મહિનામાં પ્રોફેસર પણ એમ કહે કે ‘હું બીઝી છું’ તો લોકો એ માની લે છે. જેને પાન નંબર અને પાના નંબર વચ્ચે ભેદ ખબર નથી, તે પણ માર્ચમાં ‘ઇન્કમટેક્ષનું કરવામાં બીઝી’ હોઈ આપણને સમય નથી આપતો. આમ ઇન્કમટેક્સનું કરવું એ ગર્ભિત છે. જેમ પેલા જોકમાં ટેલીફોન રીપેર કરવાવાળાને ડોક્ટર કપડા કાઢીને એક્ઝામિનેશન ટેબલ પર સુવાનું કહે છે, તેમ માર્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં એસી સર્વિસ કરવાવાળો જાય તો એને પણ ‘એપ્રિલમાં આવજો, હમણાં સાહેબ બીઝી છે’ કહી ભગાડી મુકવામાં આવે છે.

બધાં જોકે કામ કરતાં નથી. અમુક કામ કરતાં હોવાનો દેખાવ કરે છે. જેમનાં હાથમાં જશ રેખા બહુ પાવરફુલ હોય છે, એ બીજાએ કરેલા કામોને પોતે કર્યાતુલ્ય ગણાવી ઇનામ, ઇકરામ અને ઇન્ક્રીમેન્ટ ગજવે કરી લે છે. પોતાની યોગ્યતા દેખાડવા માર્ચ મહિનામાં ઓફીસ કોરીડોરમાં ફાઈલ લઇ દોડાદોડ કરવી, ચિંતાતુર દેખાવું, એસીમાં પણ પરસેવો લુછવો અને રાત્રે મોડા સુધી ઓફિસમાં પડ્યા પાથર્યા રહેવું એ સર્વસ્વીકૃત રીતો છે. માર્ચમાં જે એકાઉન્ટન્ટ સાંજે છ વાગે ઘેર આવી જાય છે તેના તરફ લોકો શંકાની નજરે જુએ છે કે ‘ક્યાંક આની નોકરી ગઈ તો નથી ને?’ કે પછી ‘આની ઓફિસમાં પ્રોબ્લેમ લાગે છે.’ માર્ચ એન્ડમાં સાત વાગ્યે ઘેર પહોંચનારનું સ્વાગત તાળું કરે છે, અને અંતે ‘તું ક્યે દહાડે દસ વાગ્યા પહેલા આવે છે?’ જેવું સાંભળવા પામે છે.

માર્ચ મહિનો આવે આવે એટલે પોતે અને બીજાઓએ ગયા વર્ષે કરવા ધારેલ, આ વર્ષે કરવા ધારેલ, ક્યારેય ન કરવા ધારેલ, કરવા પડે એવા, કોઈ પરાણે કરાવવા માગતું હોય એવા, અને કરવાનું પ્રોમિસ આપી ભૂલી જવાયું હોય તેવા કામ પુરા કરવા ઓવરટાઈમ કરવો પડે છે. સામાન્ય રીતે એકાઉન્ટન્ટ અને મેનેજર કક્ષામાં ઓવરટાઈમનાં રૂપિયા નથી મળતા. પણ ઓવરટાઈમ મળતો ન હોય તે સંજોગોમાં ચા-નાસ્તા નામની ભાગતા ભૂતની ચોટલી પકડવાનો રીવાજ સર્વત્ર છે. જોકે નાસ્તો કર્યાનાં બે કલાકમાં ઘેર જવું એ કોરપોરેટ કલ્ચરમાં અક્ષમ્ય ગણાતું હોઈ કંપનીના ખર્ચે નાસ્તો કરી ઓવરટાઈમ કરતાં કર્મીઓમાં માર્ચ મહિનામાં ઘેર જવાની કોઈ દેખીતી ઉતાવળ જણાતી નથી.

માર્ચ એન્ડમાં આમેય કોઈ બહારગામ ફરવા જતું નથી. એટલે જ માર્ચ મહિનામાં એરલાઈન્સનાં પાઈલોટ લગભગ શટલ રીક્ષાનાં ડ્રાઈવરની જેમ તમે બેસો અને પેસેન્જર થયે વિમાન ઉપાડે છે. પેસેન્જર ન થાય તેવા કિસ્સામાં એકદમ ટેકનીકલ કારણસર ફ્લાઈટ રદ પણ થાય છે. પણ વાત હિસાબોની છે એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉર્ફે સીએની વાત તો કરવી જ પડે. તમે જોજો, માર્ચ મહિનામાં કદી સીએ એન્ગેજમેન્ટ કે લગ્ન કરતા નથી. માર્ચમાં કોઈ સીએ હનીમુન પર જાય તો એ ઘટના લિમ્કા બુકમાં નોંધાઈ શકે તેવી ઘટના હોઈ શકે. સીએ તરફથી માર્ચ મહિનામાં બેબી શાવરના આમંત્રણ નથી આવતા. સીએના છોકરાઓની બર્થ ડે પાર્ટી માર્ચમાં નથી હોતી. સીએના ઘેર માર્ચમાં કથા કે પાર્ટી નથી થતાં. અમુક વસ્તુઓ પર આપણો કન્ટ્રોલ નથી અન્યથા જો ચોઈસ આપવામાં આવે તો સીએના ઘરમાં જન્મ અને મરણ પણ માર્ચ મહિનામાં ન થાય. યમરાજ આવે તો એમ કહે કે ‘એક કામ કરોને એપ્રિલના ત્રીજા વીકમાં આવો, બાને તૈયાર કરી રાખીશું.’ અરે, માર્ચ મહિનાની ૧૨ તારીખે શરુ થઇ એપ્રિલ સુધી ચાલેલી દાંડીકુચમાં પણ કોઈ સીએ મહાશયે ભાગ લીધો હોય એવી ઇતિહાસમાં નોંધ નથી. હોય તો વિગતો મોકલાવો.

No comments:

Post a Comment