Sunday, February 08, 2015

ટૂંટિયાસન : એક અભ્યાસ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૮-૦૨-૨૦૧૫

ટૂંટિયાસન એક જાતનું આસન છે જે ભારતમાં જ શોધાયું હશે એવું માની લેવામાં કંઈ ખોટું નથી. ગરીબ-અમીર, નાના-મોટા, સ્ત્રી-પુરુષ, હિંદુ-મુસ્લિમ સૌ કોઈ ભેદભાવ વગર આ આસન કરી શકે છે. ટૂંટિયાસન પોતાનાં કે અન્યનાં ઘરમાં કરી શકાય છે. પણ બગીચામાં કરવું યોગ્ય નથી. જેમ ચાલવાના વિકલ્પ તરીકે ટ્રેડમિલ આવે છે એમ ટૂંટિયાસનનો વિકલ્પ અથવા આસન કરવામાં મદદરૂપ થાય એવા કોઈ ખાસ સાધન કે ઉપકરણની નથી આવતાં, પણ આ વિષયમાં સંશોધન આવકાર્ય છે.

ટૂંટિયાસનથી વા, ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કિડનીના રોગ, હ્રદયરોગ, કેન્સર, વાળ ખરવા કે ધોળાં થવા, જેવી અનેક સમસ્યા દૂર નથી થતી. અથવા થતી હોય તો એ અંગે કોઈ આધારભૂત આંકડા ઉપલબ્ધ નથી. હા, ચત્તા સુઈને વળાતું ટૂંટિયું, યોગમાં જેનાં નામ પ્રમાણે ગુણ છે તે, પવનમુક્તાસન તરીકે ઓળખાય છે. આમ આડા ટૂંટિયાસન કરવાથી પણ કર્તાને ગેસમાં રાહત થતી હશે તેવું માની લેવું સહજ અને બુદ્ધિગમ્ય છે. ટૂંટિયાસન કરવાથી ઢીંચણને કસરત થાય છે અને લાંબી વ્યક્તિઓને ટૂંકા પલંગમાં સુવામાં મદદરૂપ થાય છે. ટૂંટિયું વાળીને સૂનારને ઓઢવાનું ઓછી લંબાઈનું પણ ચાલી જાય છે. આમ ચાદર પ્રમાણે પગ ફેલાવવા વાળી કહેવતમાં ટૂંટિયું વાળનારની હેસિયત ઓછી જણાય છે.

ટૂંટિયાસન વિષે સમાજમાં ઘણી ગેરસમજ પ્રવર્તે પ્રવર્તે છે. આથી સાચી
રીતે ટૂંટિયું કેવી રીતે વાળી શકાય એની શાસ્ત્રીય પદ્ધતિ અમે અત્રે રજૂ કરી છે. સુજ્ઞ વાચકો ધ્યાન આપે કે નિષ્ણાત કે ગુરુની દેખરેખ વગર આ આસન કરવાનાં અનેક જોખમ રહેલા છે, આથી આ પદ્ધતિ પ્રમાણે પહેલી વખતે પ્રયોગ કરતી વખતે ફોનને ઓટો સ્ક્રીન-લોક ઓફ કરી સ્પીકર મોડ પર મુકવો હિતાવહ રહેશે.

૧. ઇચ્છાનુસાર પથારીમાં ડાબા કે જમણા પડખે સુઈ જાવ.
૨. બન્ને પગના ઢીંચણ નાક સુધી આવે એ રીતે પગ વાળો.
૩. માથું નમાવીને નાક બે ઢીંચણ વચ્ચે ખોસો.
૪. બીડીની ઝૂડી ઉપર દોરો વીંટતા હોવ એમ વાળેલા પગને બે હાથથી બાથ ભીડીને છાતી સારસા દબાવો. હાથ ટૂંકા પડતા હોય તો ગાળો પૂરવા માટે પાતળાં ટુવાલ અથવા ગમછાનો ઉપયોગ માન્ય છે.
૫. મોઢામાંથી હૂ હૂ હૂ હૂ ..... સી સી સી .... કડ કડ કડ ... એવા અવાજો કરો. જે જાતકો મોઢામાંથી જાતે અવાજ કરવામાં સંકોચ અનુભવે છે તે પ્રિ-રેકોર્ડેડ અવાજ મોબાઈલમાં પ્લે પણ કરી શકે છે. આમાં એવું છે કે બેકગ્રાઉન્ડ સ્કોર વગર મજા નહિ આવે....

નોંધ: ઉપર જણાવેલ સ્ટેપ નં-૩ કરતી વખતે જરૂર પડે તો પરફ્યુમનો ઉપયોગ કરવો.

આ એડવાન્સ ટૂંટિયાસનનાં સાધકો રજાઈનો એક છેડો દાંતમાં ભરાવીને પછી ટૂંટિયાભેર રજાઈમાં આળોટીને રજાઈથી શરીરની આસપાસ પીલ્લું વળી દેતા હોય છે. પણ આમ કરતા પહેલાં મુઠ્ઠીમાં મોબાઈલ પકડી લેવો જેથી સવારમાં આ પડીકું ખોલવા માટે કોઈને મિસકોલ મારીને બોલાવી શકાય. આ ઉપરાંત ઉપલબ્ધ જગ્યા પ્રમાણે ટૂંટિયાસનના નાના મોટા વેરીએશન કરી શકાય છે. ટૂંટિયું વાળ્યું હોય એ પરસ્થિતિમાં ટૂંટિયું છોડ્યા વગર પડખું ફેરવવું પડકારજનક કાર્ય છે. આ કાર્ય કરતાં પહેલાં પલંગની મજબુતાઈ ચકાસી લેવી શ્રેયકર છે. આવું જ દુષ્કર ટૂંટિયાસનમાં બેઠાં થવાનું કાર્ય છે.

ટૂંટિયાસન સંબંધિત અનેક પ્રશ્નો અમને સાધકો મોકલે છે. જેમ કે ઉત્તરસંડાથી એક સાધક પૂછે છે કે ‘ટૂંટિયું વાળીને હાથને ઢીંચણ ફરતે બંધાવાની કઠોર તપસ્યા આપને સાધ્ય હશે પરંતુ અમો પામર તો બે ઢીંચણ વચ્ચે હાથ નાખી દઈએ છીએ. અમારા ઠંડીથી મોક્ષપ્રાપ્તિના મહાયાસમાં કોઈ વિઘ્ન તો નહિ આવે ને??’ તો કચ્છથી એક ભાઈ પુછાવે છે કે ‘એક પલંગમાં કેટલા લોકો ટૂંટિયું વળીને સુઈ જઈ શકે?’ આવાં સવાલોના જવાબ મેળવવા નિર્દિષ્ટ બેંક એકાઉન્ટમાં ૫૦૧/- જમા કરાવી અમારા ટૂંટિયા દરબારમાં આવવાનું રહે છે.

દરેક ઉમદા વસ્તુની જેમ ટૂંટિયાસનની પણ કેટલીક મર્યાદા તથા ગેરફાયદા પણ છે. ટૂંટિયાસનમાં સુવા માટે સરેરાશ કરતા વધુ જગ્યા વપરાય છે, તો બીજી તરફ પગનાં તળિયાથી પલંગના છેડા સુધીની જગ્યા વેડફાય છે. હા, ડબલબેડમાં આ રીતે નીચેની તરફ ખાલી પડેલી જગ્યામાં બીજાં બેને ટૂંટિયાસન મુદ્રામાં સુવાડી શકાય. ક્યારેક ટૂંટિયું વાળવા જતાં બાજુમાં સુવાવાળાના પેટમાં ઢીંચણ વાગવાનું જોખમ પણ રહેલું છે. એક જ પલંગ પર સૂતાં બેઉ જાતક જો ટૂંટિયાસનમાં સૂતાં હોય તો સવારે ટૂંટિયામાં જકડાયેલા પગ સીધા કરવામાં એકબીજાની મદદે આવી શકતા નથી.

તો ટૂંટિયાસનની રીત અમે નિર્દેશિત કરી, હવે આ આસનમુક્ત કઈ રીતે થવું અથવા ટુંટિયું કઈ રીતે છોડવું એની રીત જાણવા માટે રૂ. ૧૦૦૦/- નો ડ્રાફ્ટ અમારા સરનામે મોકલી આપો અને વળતી ટપાલની રાહ જુઓ. એક્સપ્રેસ કુરિયર કે ફોન મારફત આ રીત જાણવા માટે અમારા રેટ વેબસાઈટ ઉપર દર્શાવેલા છે.

મસ્કા ફન

અપરણિત માણસ સિંગલ-બેડ પરથી જે બાજુ સ્લીપર પડ્યા હોય એ તરફ જ ઉતરે છે.




No comments:

Post a Comment