Sunday, January 11, 2015

બ્રાન્ડ ગાંધી (Brand Gandhi)

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૦૧-૨૦૧૫ | અધીર અમદાવાદી |

આપણે ત્યાં પણ વોટિંગ કરી શકે એ ઉંમરના ઘણાં લોકોને ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોણ છે એ ખબર નથી હોતી. આ સંજોગોમાં અમેરિકાના લોકોને ગાંધીજી વિષે ખબર હોય એવી આશા રાખવી બહુ કહેવાય. એમાંય ગાંધીજી સત્યાગ્રહ કરવા કે પછી વિદેશી મૂડીરોકાણ ભારતમાં આકર્ષવા અમેરિકા ગયા ન હોય ત્યારે તો ખાસ! જોકે અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ગાંધીજી વિષે માન છે, અને એટલે જ ગાંધીજીનો બર્થ ડે વ્હાઈટ હાઉસમાં પણ ઉજવાય છે. વર્જીનિયાના વેકફિલ્ડ હાઈસ્કુલની એક સ્ટુડન્ટ દ્વારા જયારે ઓબામાને એવું પૂછયું કે જો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તમારે ડીનર લેવાનું હોય તો તમે કોને પસંદ કરો?’ ત્યારે ઓબામાનો જવાબ ગાંધી હતો. આમ છતાં અમેરિકામાં ગાંધીજીના નામ- ફોટાં સાથે બિયરની બ્રાન્ડ માર્કેટમાં આવે તો એક ગુજરાતી તરીકે ચચરવાની સાથે આઘાત પણ લાગે.


આ કંઈ હાલની ઘટના નથી. અમેરિકાની ન્યુ ઇંગ્લેન્ડ બ્રુઈંગ કંપનીએ ૨૦૧૦ની સાલમાં ગાંધી બોટ ડબલ આઈપીએ નામનો બિયર બહાર પાડ્યો છે. હદ તો એ છે કે ઉપર બિયરના કેન ઉપર ગાંધીજીનો સ્કેચ છે, જેમાં એમને રોબોટ જેવા દર્શાવેલ છે. ક્યાં સ્વદેશીમાં માનનાર અને રેંટિયો કાંતતા બાપુ, અને ક્યાં આ રોબોટિક સ્કેચ! આઈપીએ એટલે ઈન્ડીયન પેલ એલ. એલના ઉચ્ચારમાં ભૂલચૂક લેવી-દેવી. એલ એટલે બિયર, દારૂ. પાઈનેપલ, ગ્રેપફ્રુટ, કેરી, સંતરા જેવા ખાટા ફળોનો ટેસ્ટ ઉમેરીને બનાવવામાં આવતાં આ બિયરનાં બે હજારથી વધારે પીનારાઓ દ્વારા કરવામાં આવેલ રીવ્યુમાં પાંચમાંથી ૪ થી ૪.૫ જેવું ઊંચું રેટિંગ મળેલ છે. ગાંધીજીના નામે ચડેલી આ બિયર સાવ લોઅર ક્વોલિટીની નથી, એટલી ક્રેડીટ તો બનાવનારાને આપવી પડે! પાછું આ બિયરને વેજીટેરીયન જાહેર કરાયો છે. સારું છે કે બીજી ઓક્ટોબર પર એમાં ૩૦-૪૦% ડિસ્કાઉન્ટ સેલ જાહેર નથી થતું!


આમ તો ગાંધીજી અને દારૂને જુનો સંબંધ છે. આ વાક્યમાં ગેરસમજ
કરી જ ન શકાય. વાત એમ છે કે કિંગફિશર નામની વિદેશી દારૂ બનાવતી કંપનીનાં (અને દારૂ સિવાયના કારણે બેસી ગઈ હોય એવી એરલાઈન) માલિક એવા વિજય વિઠ્ઠલ માલિયા સંપૂર્ણ સ્વદેશીમાં માનતાં ગાંધીબાપુની અંગત વસ્તુઓ જેવી કે ચશ્મા, ચંપલ, અને ખિસા ઘડિયાળ વિદેશથી હરાજીમાં ખરીદી થોડાં વર્ષો પહેલાં જ પાછી દેશમાં લાવ્યા હતાં! અઈરનીનું પરફેક્ટ ઉદાહરણ!  


આપણા દેશમાં કાયદા કેવી રીતે તોડી શકાય છે એનું ઉદાહરણ વર્ષોથી સોડાની જાહેરાતનાં ઓઠા હેઠળ દારુની જાહેરાતો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ દારૂ નહી તો સોડા એ દાવે અમદાવાદમાં થોડાં વર્ષો પહેલાં અનેક સોડાશોપ ખુલી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સોડા એકલી પણ પીવાય છે. કદાચ કઠણ પાણીનાં પ્રતાપે. પણ ગાંધીજીના નામે અને ગાંધીજીના ફોટાં સાથે ખુલેલી આ દુકાનો પરથી ગાંધી બાપુના ફોટાં અને નામ હટાવવા ઝુંબેશ થઈ હતી. મઝાની વાત એ છે કે અમારી મુનસીટાપલીની ઘણી બાબતોમાં છાપ ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા દોડે એવી છે. એમાં આ છાપ ગાંધી સોડાશોપની ઘટનાથી મજબુત થઈ. અમદાવાદમાં હજુ પણ કેસરી બોર્ડવાળી (એમાંય પાછો કેસરી રંગ!) દુકાનો છે, પણ ગાંધી નામ અને બાપુનો ફોટો ગાયબ છે.


કોટ્ટયમમાં વસતા ડીજો કાપેન નામનાં વ્યક્તિએ મો બ્લા પેનના માર્કેટિંગમાં ગાંધીજીના નામનો વિરોધ કરતી પીઆઈએલ કેરાલા હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ગાંધીજી જેવા સાદગીના પૂજારીનું નામ અને ફોટો માત્ર ચૌદ લાખ રૂપિયાની લક્ઝરી પેનના, અને તે પણ પાછી વિદેશી, માર્કેટિંગમાં થાય તે અયોગ્ય છે, ગેરકાનૂની છે અને તેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ તેવી કાપેનની માંગણી હતી. નામ અને લોગોના અધિનિયમ અંતર્ગત કરેલી આ રીટમાં ગાંધીજીના નામનો ઉપયોગ આવી મોંઘીદાટ ચીજ સાથે થાય તે ગાંધીજીના વિચારોના અવમૂલ્યન બરોબર છે એવી દલીલ કરવામાં આવી હતી. આ પેનનું ૨૦૦૯ની સાલમાં ગાંધી પરિવારના તુષાર ગાંધીએ મુંબઈમાં વિમોચન કર્યું હતું. જોકે ગાંધીજી પેન્સિલનો નાનો ટુકડો પણ વેસ્ટ કરવામાં માનતાં નહોતાં તે જોતાં એમની વિચારધારાથી પરિચિત એવું કોઈ ચૌદ લાખની પેન ગાંધીજીના નામે ખરીદે એવું માની શકાય નહી. તોયે જે બને છે એ વેચાય પણ છે.


દાંડી સત્યાગ્રહ પછી ચેનલની ભાષામાં કહીએ તો જયારે બાપુના ટીઆરપી ઊંચા હતાં ત્યારે એક નળિયા બનાવતી કંપનીએ બાપુનો ફોટો જાહેરાતમાં વાપરવાની પરવાનગી માંગી હતી. બાપુએ જવાબમાં કહ્યું હતું કે “મારા ફોટાં પર કોઈ કોપીરાઈટ નથી પણ તમે જે કામ માટે પરવાનગી માંગો છો તે હું ન આપી શકું”. આમ બાપુ પોતે પોતાનાં નામનાં ઉપયોગ/દુરુપયોગ અંગે સ્પષ્ટ હતાં.


ગાંધીજીનું નામ પ્રોડક્ટ અને જાહેરાતમાં વાપરવાનો ભલે વિરોધ થતો હોય, પણ પોલીટીક્સમાં ગાંધીના વારસદાર કહેવડાવવાનો અને એમનાં બતાવેલા માર્ગ, ગાંધી રોડ, પર ચાલતા હોવાનો દાવો કરવાનો જુનો રિવાજ હજુ પણ પ્રચલિત છે. એક પાર્ટીને એવું લાગે છે કે ગાંધી નામનો ચલણી સિક્કો બીજી પાર્ટી એમની પાસેથી હાઈજેક કરી રહી છે. જેમ કે સ્વચ્છતા એ મૂળ ગાંધીજીનો વિચાર હતો અને હાલની સરકાર એ વિચાર હાઈજેક કરી ગઈ છે! આપણને એમ વિચાર આવે કે આટલા વર્ષ સ્વચ્છતા અભિયાન કરતાં શું ગાંધીજી રોકવા આવ્યા હતાં? જોકે એક પાર્ટી ગાંધીજીના નામનો ઉપયોગ કરે તેનો બીજી પાર્ટી વિરોધ જરૂર કરે છે, પણ હજુ કોઈએ કોર્ટ કેસ કર્યો હોય એવું જાણવામાં નથી આવ્યું. કદાચ અંદર-અંદર વહેંચીને બાપુના નામને વટાવવા માટેનો ઓલ-પાર્ટી એમઓયુ થયો હશે! બાકી શાયર શેખાદમે કટોકટી વખતે ખુરશી કાવ્યોમાં લખ્યું જ હતું કે,


કેવો તું કીમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરસી સુધીજ્વાનો તું રસ્તો બની ગયો.



ભારતના વડાપ્રધાન દ્વારા અમેરિકામાં ગાંધીજીના ઉલ્લેખમાં મોહનદાસને બદલે સ્લીપ-ઓફ-ટંગથી મોહનલાલ વપરાયું અને એમાં આભ તૂટી પડ્યું હોય એવો ઉહાપોહ મચી ગયો હતો. અરે, જેનું મંદિર બંધાવવાની હવા ચાલી છે તે ગોડસેનાં અસ્તિત્વની નોંધ ઇતિહાસમાં ગાંધીજીને કારણે લેવાઈ, નહીંતર કોણ ગોડસેને ઓળખાતું હતું? ગાંધીજી વિદેશથી ભારત પાછાં આવ્યા અને સ્વત્રંત્રતાની લડત શરુ કરી એ ઘટનાને હમણાં જ ૧૦૦ વર્ષ પુરા થયા, એ વર્ષમાં આ બધું વાંચી અને જોઈ એટલો આનંદ જરૂર થાય છે કે લોકો બાપુને એમ સાવ ભૂલી નથી ગયા!


No comments:

Post a Comment