#PK Movie Review by Adhir Amdavadi
અમે ઉતાવળે કોઈ કામ
નથી કરતાં. જન્મ્યા પછી ચાલવામાં વરસ, સ્કૂલ જવામાં પાંચ વરસ અને લગ્ન કરવા માટે
પણ અમે છવ્વ્સીસ વરસ સુધી રાહ જોઈ હતી. એટલે જ અમે ભાગ્યે જ કોઈ પિક્ચર ફર્સ્ટ ડે
ફર્સ્ટ શોમાં જોઈએ છીએ. દરેક ફિલ્મના સારા અને ખરાબ રીવ્યુ વાંચવા મળે, એમાંથી
નીર-ક્ષીર જુદું પાડી, પછી પિક્ચર જોવું કે નહી એ નક્કી કરીએ છીએ. એટલે ઓલમોસ્ટ બે
અઠવાડિયા પછી પીકે જોયું એટલે ખબર તો હતી જ કે પીકે બોલે તો ‘પૈસા ખર્ચીને’ જોવાય
ખરું, પણ અઢીસો નહી, ટીકીટના ભાવ સો થાય પછી જ જોવાય.
પીકેમાં આમીર એલીયન
છે જે નંગધડંગ સ્થિતિમાં પૃથ્વી પર અવતરણ કરે છે. રાજસ્થાનનાં ગામડા અને દિલ્હીમાં
કોઈ જગ્યાએ તાર પર કપડાં સુકાતાં ન હોવાથી એ વાહનોમાં સેક્સ માણી રહેલ કપ્લ્સના
કપડાં ચોરીને પહેરે છે જે મોટે ભાગે એક સરખા માપના નીકળે છે. આમ, કોઈ એક
કોમ્યુનીટી કે જે રંગબેરંગી કપડાં પહેરે છે, અને જેમને અફાટ રણમાં સેક્સ માટે કોઈ
નિર્જન જગ્યા નથી મળતી, તે કારમાં કાચ ખુલ્લા રાખીને આનંદ લેતાં હોય છે, એવું ફલિત
થયા છે. દોઢ કરોડની વસ્તીવાળા દિલ્હીમાં પણ કોઈ ગેસ્ટ હાઉસ અને હોટલોના અભાવે લોકો
કારમાં જ મસ્તી કરતાં જણાય છે.
પિચ્ચર આગળ વધે એટલે
એલીયન એવા આમિરની બે ત્રણ શારીરિક વિશેષતાઓ ઉડીને આપણી આંખે વળગે. પહેલી એનાં
ડોળા. પરગ્રહ પરથી આવેલ આમીર પેલા આંખના ડોક્ટર ટીપાં નાખે અને કીકીઓ પહોળી થાય
એવી કોઈ દવા પોતાનાં ગ્રહ પરથી નખાવીને આવ્યો હોઈ એની આંખો બાવરે નેન જેવી હોય છે.
બીજી ખાસિયત એ કે આમીર જે ગ્રહ પરથી આવ્યો ત્યાં પણ પાણીની તકલીફ હશે એટલે જ સ્પેસ
શટલે રીસર્ચ માટે રાજસ્થાનમાં ઉતરાણ કર્યું હોય છે. આમિરના ગ્રહ પર લોકો બે હાથમાં
બે ડોલ પકડી પાંચ કિમી ચાલવાની પ્રેક્ટીસ ધરાવતા હોઈ એમનાં હાથ ચાલતી વખતે આગળ
પાછળ હાલતા નથી, એમ આમીર પણ દોડે ત્યારે એનાં હાથ જમીન તરફ જ દોરાયેલા રહે છે. ત્રીજી
ખાસિયત આમિરના કાન ‘આઉટસ્ટેન્ડીંગ’ છે. પીકેમાં ભલે એમ બતાવ્યું હોય કે એલીયન્સનાં
કાન જ આમ બહારની તરફ હોય છે પણ ફાસ્ટ બોલીંગમાં કાનના કારણે પવનના અવરોધથી ખાસ સફળ
ન થયેલા ભારતીય બોલરો અજીત અગરકર અને સાઈરાજ બાહુતુલેનાં કાન પણ આઉટસ્ટેન્ડીંગ જ
છે. અરે આમીર લગાનમાં કેમ ક્રિકેટ મેચ જીતે છે એ રાઝ પણ આમિરના કાન જોઈને ખબર પડી
જાય છે. જુઓ આ ફોટો લગાનનો. એમાંય કાન બહાર છે, મતલબ લગાનમાં આમીર ભુવન નહી પણ કોઈ
કચ્છીનો હાથ પકડી નોલેજ ટ્રાન્સફર કરી ભુવન બની બધાને જીતાડે છે, પણ મૂળે તો તે
એલીયન જ છે. એનાં કાનના સમ!
શરૂઆતમાં જ આમિરને
સંજય દત્ત મળી જાય છે જેને આ ઠરકી, રંગીલો છોકરો ગમી જાય છે. આમીર જે તે સ્ત્રીનો
હાથ પકડી એની પાસેથી કંઇક મેળવવા પ્રયત્ન કરે છે, જે સંજય દત્તને વાંધાજનક નથી
લાગતું અને એને આ ટ્રાન્સફરમાં મદદરૂપ બનવા આઉટ ઓફ ધ વે જઈને પણ કોશિશ કરે છે. છેવટે
આમિરને ભોજપુરી સ્ત્રીનું જ્ઞાન ટ્રાન્સફર થવાથી ભોજપુરી બોલતો થઈ જાય છે, જોકે એ બનારસીને
બદલે ફોર અ ચેન્જ કલકત્તી પાન ખાય છે.
હવે બે વાતો રહી ગઈ.
એક ફિલ્મના મેસેજની, અને બીજી અનુષ્કા શર્માની. બીજી વાત પહેલાં કરીએ તો અનુષ્કા
પણ પ્લાસ્ટિક સર્જરીઓ પછી થોડી ઘણી એલીયન જેવી જ લાગે છે. એટલે જ આમિરને ગમી જાય
છે. અનુષ્કાને પણ આમિરમાં રસ પડે છે, પણ અમારી જેમ એને આમિરના કાન ખેંચવાનું મન
નથી થતું. બંને વરસાદમાં ગીત ગાય છે જેમાં આમિરનું ટુ-ઇન-વન ટેપ પલળે છે, પણ
બગડતું નથી. બાય ધ વે અનુષ્કા ટીવી એન્કર છે પણ એ ચીસો પાડીને નથી બોલતી જે બતાવે છે
કે આજકાલની ફિલ્મો વાસ્તવિકતાથી કેટલી દૂર છે! ટીવી ચેનલ હેડ બમન ઈરાની છે, જે આખી
ફિલ્મમાં અંગુઠો બતાવવાનું કામ બહુ સરસ નિભાવે છે. જોકે અનુષ્કાનો રોલ કરિનાનાં ૩-ઈડિયટ્સનાં
રોલ કરતાં લાંબો છે અથવા લાંબો જણાય છે! બાકી આ રીવ્યુમાં અમે કોહલી વિષે કંઇક
કહીશું એવી તમે આશા રાખી હોય તો સોરી.
હવે રહી ગઈ વાત
મેસેજની. કોલરનું પણ બટન બંધ રાખી આમીર અંગપ્રદર્શનનો વિરોધી છે, અને શરૂઆતનો
નંગધડંગ સીન માત્ર ફિલ્મની જરૂરિયાત મુજબ હતો એવું સાબિત કરે છે. હાસ્તો, તમને એમ
કે અમે ફિલ્મમાં ધાર્મિક જનતા ઉપરના કટાક્ષ પર વારી જઈશું એમ? અરે, ભાઈ, આ કરોડો
લોકો એમાં લાગેલા છે તે શાંતિ છે, વિચારો કે એ ધર્મ-ધ્યાન છોડીને આપણી જેમ સોશિયલ
મીડિયા પર ચોવીસ કલાક પડ્યા પાથર્યા રહે તો શું થાય? હે કોઈ જવાબ?n
well written adhirbhai...
ReplyDelete