Saturday, December 27, 2014

વેડિંગ ઈવેન્ટ્સમાં ઊભા થતાં કેટલાંક પ્રશ્નો

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૧૨-૨૦૧૪
 
માણસ લગ્ન કેમ કરતો હશે? આ પ્રશ્ન પરણ્યા પછી થોડાં સમયમાં જ પરણનારના મગજમાં ઉભો થતો હોય છે. આને કહેવાય પરણ્યા પછીનું ડહાપણ. બાકી લગ્નની શરણાઈ વાગવાની શરુ થાય ત્યાં સુધી તો ‘ના તને ખબર પડી, ના મને ખબર પડી’ જ હોય છે. આ પ્રશ્ન પણ નવો નથી. ‘સફરજન ખાવાની શી જરૂર હતી?’ એવો પ્રશ્ન બાવા આદમને પણ થયો હશે. પરંતુ લગ્નમાં ઉભયપક્ષના વાલીઓ ચાંદલાની રકમની સામે થયેલ ખર્ચનાં આંકડાની કોસ્ટ-બેનીફિટ એનાલિસ કરે ત્યારે અમુક પ્રશ્નો જરૂર સામે આવે છે. એમાં પણ ગુસ્સો ત્યારે વધુ આવે જયારે ‘આમાં તો ગોળ નાખો એટલું ગળ્યું થાય’ બોલનારા પેમેન્ટ કરવાના સમયે ગાયબ થઇ જાય. પણ આ મોટી સમસ્યાઓ વચ્ચે અનેક નાના નાના પ્રશ્નો, જે ખાસ કરીને મહેમાનોને થતા હોય છે એના વિષે કોઈ વિચારતું જ નથી. આ પ્રશ્નો ભલે સામાન્ય જણાતાં હોય પણ એના વિષે ગંભીરતાથી વિચારવું જ રહ્યું.

જેમ કે આજકાલ પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સ, એમાંય ગરબા વિથ ડીજેનું ચલણ વધ્યું છે ત્યારે આ ગરબામાં પોતાની મુનસફી પ્રમાણે તાલી પાડીને ગરબા કરતાં વરના બનેવીને કોઈ કેમ રોકતું નહિ હોય? કોરિયોગ્રાફરની દિવસો સુધીની લમણાફોડ પછી પણ સ્ટેજ પરફોર્મન્સ વખતે ટ્રાફિક પોલીસ કે પાંખો ફફડાવતા બતકની સ્ટાઈલમાં નાચનારાને ઓડીશન સ્ટેજમાં જ કાઢી ન શકાય? ડીજે પોતે કેમ લઘરવઘર હાલ્યા આવતા હશે? શું ઘા ભેગા ઘસરકાના ધોરણે ડીજે માટે એક જોડ કપડા ન કરાવી શકાય? શું કહેવું છે?

આજકાલ ગોર મહારાજો પોતાનાં પગ પર કુહાડી મારીને ખુબ જ ટૂંકા ગાળામાં અનેક લગ્નોના મુહુર્તો કાઢતા હોય છે. એમાં બ્યુટી પાર્લરવાળાને ત્યાં રેલ્વેની જેમ વેઈટીંગ ચાલતું હોય છે. વરવધૂ રિસેપ્શનમાં કાયમ મોડાં આવે છે. છતાં વરવધૂ રિસેપ્શનમાં સમયસર આવે એ માટે કોઈ પ્રોત્સાહક યોજના કેમ કોઈ જાહેર કરતું નથી? એ બે જણા વહેલા ગુડાતા હોય તો અમારા જેવા કેટલાય દસ ટકા વધારે ચાંદલો આપવા તૈયાર હશે! બ્યુટીશીયનો પણ પાછી નોટ જેવી હોય છે. સામાન્ય રીતે વાળમાં મિડલ પાર્ટિંગ કરતી કન્યાની મોમને સાઈડ પાર્ટિંગ કરીને એના પોતાના ઘરના લોકો પણ ઓળખી ન શકે એવી કેમ બનાવી દેતી હશે એ સવાલ પણ વિચારવા જેવો ખરો.

બીજું, હવે એન્ટ્રન્સથી લગ્નસ્થળ પહોંચવાના પેસેજમાં બ્રાઇડ-ગ્રુમ અને
એમના કુટુંબીજનોના લાઈફ સાઈઝના ફોટા મુકાય છે, એ જરા ધ્યાનથી જોજો. એમાં બા-દાદા ચોંકી ઉઠેલા કેમ જણાતા હોય છે એ પ્રશ્ન થયો છે કદી? વરના પપ્પા વરની મમ્મી સાથે પીપડું ખસેડતા હોય એવી અદામાં કેમ ઉભા હોય છે? આ તરફ સ્ટેજ પર ગયા પછી લોકો પાણી-પુરીવાળા આગળ ટોળે વળ્યા હોય એમ વરકન્યા સામે કેમ ઉભા રહી જતા હશે? શું એ બધાને એક લાઈનમાં ગોઠવવા માટે ફોટોગ્રાફરને ઘેટા ચારતાં ભરવાડની જેમ સીટી મારવાની સત્તા આપવી જોઈએ કે નહિ? આવા તો અનેક પ્રશ્નો થશે.

જમણવારમાં પણ કાઉન્ટર પર ઉભેલા ઝીણી આંખોવાળા બોયઝ નેપાળી હોય છે કે આસામ-નાગાલેન્ડ-મણીપુરના? એ પ્રશ્ન પણ ઘણાને થતો હશે. આપણા જ ભાઈઓને નેપાળી કહેવાને બદલે લોકો સીધું કેમ પૂછી નહિ લેતા હોય? આવા બીજા પ્રશ્નો પણ ઊભા થઇ શકે. જેમ કે અંગુરી રબડીમાંના ‘અંગુર’ જમનાર લોકો પૈકીના કેટલાં ટકા લોકોના નસીબમાં હોય છે? ચટણી લેવા માટે કડછો અને ડ્રાયફ્રુટ હલવો પીરસવા માટે નાની ચમચી જ કેમ વપરાય છે? હલવો લેવા માટે ચમચો ઘરેથી લઇ જઇ શકાય? કારણ કે આમ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં કેટરર્સ આચમની વાપરશે કે પછી આંગળીથી હલવો ચટાડી દેશે. રસમલાઈમાં પણ આવો જ દાવ હોય છે. એ પીરસનારો ફિલ્મ ‘ધમાલ’ના એર ટ્રાફિક કન્ટ્રોલર જેવો ધીમો કેમ હોય છે? શું એ જગ્યા માટે રેલ્વેના રીટાયર્ડ બુકિંગ ક્લાર્કની કે આઇઆરસીટીસી વેબસાઈટના ડેવલોપર ટીમમાંથી કોઈની ભરતી કરવામાં આવે છે? પછી એવો દિવસ પણ આવશે જ જયારે કેરીનો રસ કેચપ સર્વ કરવાની પિચકારીથી પીરસાશે!

ચિંતા ન કરો, આ બધા પ્રશ્નોમાંથી વાર્ષિક પરીક્ષામાં કંઈ પૂછાવાનું નથી. એના જવાબો પણ શોધશો નહિ, એને પ્રશ્નો જ રહેવા દેજો. શક્ય હોય તો ‘જુદાઈ’ના પરેશ રાવલ બનીને લગ્ન કે રીસેપ્શનના સ્થળ ઉપર જ બીજા નવા પ્રશ્નો ઉભા કરજો અને આસપાસના લોકોને પૂછજો. જેમ કે આ દાળઢોકળી જેવી દેખાય છે એ મેક્સિકન વાનગીનુ નામ શું છે? થીન ક્રસ્ટ પિત્ઝામાં ચીઝ આવે? આવતું હોય તો નાખતાં કેમ નથી? કે પછી ચાંદલો નોંધાવનારને અલગથી ચીઝના ક્યુબ્ઝ આપવામાં આવશે? મોકટેલ દેશી શરબત જેવું ભંગાર કેમ લાગે છે? સલાડ કાઉન્ટર પર મુકેલી મસાલા સીંગ સાથે કંઈ પીવા મળે કે નહિ? આવું બધું પણ પૂછી શકાય (છેલ્લો પ્રશ્ન યોગ્ય પાત્રને જ પૂછવો!). n

મસ્કા ફન

સુબહ કા ભુલા શામ કો ફેસબુક પે વાપસ આયે તો ઉસે ભુલા નહી કહેતે.


No comments:

Post a Comment