Wednesday, December 24, 2014

જાપાનની વાત ના થાય

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |
| ૨૧-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |


અમે ૨૦૦૬-૦૭માં અમેરિકામાં સ્ટુડન્ટ તરીકે રહેતા હતાં ત્યારે એક લાખ માઈલ ફરેલી જાપાનીઝ સેકન્ડ-હેન્ડ કાર એટલાં જ માઈલ ફરેલી અમેરિકન કાર કરતાં લગભગ ડબલ ભાવે વેચાતી હતી. એક લાખ માઈલ એટલે એક લાખ સાઈઠ હજાર કિમી. આટલું ફર્યા પછી પણ મેડ ઇન જાપાન કાર રીલાયેબલ ગણાય. વર્લ્ડ વોરમાં ન્યુક્લિયર બોમ્બ ફેંકાયો હોય કે સુનામિમાં ડૂબ્યું હોય, જાપાનની વળતી લડત અને બેઠાં થવાની તાકાત પાછળ આ ક્વોલિટી મુખ્ય છે.

જાપાનમાં ૧૦૦% લીટરસી રેટ છે. સોએ સો તક ભણેલા. કોઈ અભણ નહી. મંત્રીઓ પણ ભણેલાં. ત્યાં શિક્ષણ મંત્રી, માનવ સંસાધન મંત્રી સૌ ભણેલાં. ત્યાંના મંત્રીને સર્ટીફીકેટ અને ડીગ્રી વચ્ચેનો ફેર ખબર હોય. ત્યાંના શિક્ષણ મંત્રી હોસ્પિટલમાં દાખલ થયા હોય તો નર્સનો હાથ ના પકડે. પાછું ભણેલા એટલે ડીગ્રીવાળા એવો અર્થ પણ નહી. કારણ કે ત્યાંની સિસ્ટમમાં એન.આર.જે. સીટ, નકલી ડીગ્રી, અને મંત્રી કે અધિકારીનાં સંતાનો માટે પાસિંગ નિયમોમાં ફેરફાર જેવું કશું હોતું નથી. લીટરસી છે એટલે ત્યાંનાં મીનીસ્ટરનાં દારૂ પીને ડાન્સ કરતાં હોય એવા વિડીયો યુટ્યુબ પર જોવા નથી મળતાં કારણ કે ત્યાં લેટ નાઈટ ડાન્સિંગ પર આમેય પ્રતિબંધ છે. અને આ પ્રતિબંધ માટે મોરલ પોલિસ જવાબદાર નથી.

લીટરસીમાં જાપાન ભારતથી ભલે આગળ હોય, પણ સ્વતંત્રતામાં આપણે જાપાનથી આગળ છીએ. જાપાનમાં વેહિકલ રસ્તાની ડાબી તરફ ચલાવવાનો રિવાજ છે આપણે ત્યાં દસેય દિશામાં વાહન ચલાવવાની છૂટ છે. આપણે ત્યાં “ગમે ત્યાં” વાહન પાર્કિંગ કરવાની ફ્રીડમ છે. આપણે ત્યાં એક્સિડેન્ટ કરીને પછી ડ્રાઈવિંગ બીજું કોઈ કરતું હતું એવું ખપાવવાની આઝાદી છે. પોલિસ ભાઈઓ એમાં યથાભક્તિ અને યથાશક્તિ સહકાર આપે છે. આપણે ત્યાં તો હાથીના દાંતની જેમ દેખાડવાની અને અકસ્માતમાં બચાવવા વાળી હેલ્મેટ જુદી મળે છે, ચોઈસ તમારી. મંત્રી હોવ તો એમાં પણ છુટ્ટી!

જાપનીઝ લોકો વર્કોહોલિક છે. અમારો કઝીન મોન્ટુ થોડાં સમય માટે જાપાન હતો ત્યારેની વાત કરે કે ઓફિસમાં બધાં, બોસ સહિત, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરે. એમાં છેલ્લી ટ્રેઇન બાર વાગ્યાની હોય ત્યાં સુધી મંડ્યા રહે. પણ એ બાર વાગ્યાની ટ્રેઇન કોઈ વાર છૂટી જાય તો પાછાં ઓફિસે આવી કામે લાગી જાય, અને સવારે ફ્રેશ થઈને પાછાં એનાં એ કપડામાં આપણું સ્વાગત કરવા તૈયાર જ હોય! પણ આ જ પ્રજા બિયરની ભારે શોખીન અને જયારે પાર્ટી કરે ત્યારે ટુન્ન થઈ જાય. પણ જો કોઈ બેવડો જાહેર જગ્યાએ ઉંધો પડ્યો હોય તો પોલિસ એનું ઘર શોધીને એની હોમ ડીલીવરી કરી આવે. આપણી પોલિસ ક્યારે દારૂડિયાઓને આવી ઈજ્જત આપવાનું શીખશે?

દુનિયાના સૌથી વધું વાહનો પ્રોડ્યુસ કરતાં જાપાનમાં તમે વાહન ચલાવતા હોવ તો આગળની કારનો દરવાજો ખુલે અને એમાંથી કોઈ બહાર ડોકું કાઢીને પાનની પિચકારી નથી મારતું. ત્યાં બસની બારીમાંથી વેફરના પડીકા યથેચ્છ હવામાં તરતાં નથી મુકાતાં. જાપાનમાં ટોઇલેટસ તો બધે હોય જ, એમાં પાણી પણ આવતું હોય, રાત્રે લાઈટ પણ થાય, રોજ સાફસૂફ પણ થતી હોય, લોકો પણ વાપર્યા પછી પાણી બચાવવાની ખોટી કોશિશો ન કરતાં હોય એટલે ત્યાંના ટોઇલેટ ટોઇલેટ છે એ આપણને ખબર પડે તે માટે બોર્ડ મુકવા પડે છે. આપણે ત્યાં ટોઇલેટ ક્યાં આવ્યું એવું પૂછવું નથી પડતું, સ્મેલની તીવ્રતા વધે એ દિશામાં ચાલવા માંડવાનું! ખરે, આપણે ત્યાં બધું કેટલું સુલભ છે !

ભલે ઓફિસમાં મોબાઈલ વાપરતાં ન હોય, જાપાનના લોકો પણ
આપણી જેટલાં જ ફોનના શોખીન છે. ફોન પર ગેમ રમવાના ભારે શોખીન. ઓલમ્પિકમાં તોયે ઘણાં મેડલ જીતે છે. છતાંય ત્યાં આપણી જેમ ટોઈલેટ્સ કરતાં મોબાઈલ ફોન કનેક્શન વધારે છે એવું નથી, પણ ત્યાંના લોકો ફોનના એટલાં શોખીન છે કે એ લોકો શાવરબાથમાં પણ ફોન ઉપયોગ કરે છે, અને એટલે જ ત્યાંના ૯૦% ફોન વોટર-પ્રુફ હોય છે. આપણે ત્યાં એક તો પાણીની એટલી છૂટ નથી. બીજું કે બાથરૂમો લાંબો સમય રહેવાય એટલાં સહ્ય નથી હોતાં, અને એમાંય ડોલ-ડબલા લઈને નહાવામાં ફોન પકડવો ફાવે પણ નહી. આમ છતાં આપણે ત્યાં બાથરૂમમાં ફોન લઈ જવો હિતાવહ છે કારણ કે નહાતા નહાતા પાણી જતું રહે તો ફોન કરીને મોટર ચાલુ કરવાનું કોઈને કહી શકાય!
જાપનીઝ લોકોની આંખો ઝીણી હોય છે એટલે એ જાગે છે કે ઊંઘે છે એ ઝટ ખબર પડતી નથી. જોકે જાપાનમાં ચાલુ નોકરીએ ઊંઘવું એ ગુનો પણ નથી ગણાતો. ત્યાં એવું મનાય છે કે હશે, બચારો કામ કરીને થાકી ગયો હશે! રીસેસમાં તો બધાં ઊંઘતા હોય. આપણે ત્યાં કર્મચારી ચાલુ નોકરીએ ઊંઘવા કરતાં ઘેર ઊંઘવાનું પસંદ કરે છે. એ પણ ચાલુ નોકરીએ. ગુજરાતના અમુક ભૌગોલિક પ્રદેશોમાં આવેલી સરકારી કચેરીઓમાં બપોરે બે થી ચારની વચ્ચે જવાની ભૂલ કોઈ જાણકાર કરતું નથી. પ્રાઈવેટ કંપનીની તો વાત કરવા જેવી જ નથી.

સુમો રેસલર્સનાં દેશ જાપાનમાં વધારે વજન હોવું એ પણ ગુનો છે. ત્યાં ચાલીસથી ઉપરની ઉંમરના પુરુષોની કમરનું માપ ૩૩.૫ ઈંચથી વધું અને સ્ત્રીઓનું ૩૫.૫ ઈંચથી વધું હોય એ ગુનો, અને ટેક્સ પાત્ર છે. જાપાનીઝ આમેય ભણેલા છે અને એમાં પાછું આવા કાયદા હોય એટલે જાડિયા અને દુંદાળા શોધ્યા ન જડે. અમને તો થાય છે કે ત્યાં કોમેડી ફિલ્મમાં કોઈ ફાંદાળાની જરૂર પડતી હશે ત્યારે પાતળિયાને ફાંદ પર પેડ પહેરાવવા પડતાં હશે. આપણે ત્યાં જવાનીયા ઘરડાનાં રોલ કરે છે એમ. ખરેખર તો ફાંદ વધારવા માટે ખાસ્સી મહેનત કરવી પડે છે. ફાંદ પાળી પોષીને મોટી કરવામાં આવે છે. ઓવર ઈટિંગ, લેટ નાઈટ ઈટિંગ, હાઈ કેલરી ઇન્ટેક, નો એક્સરસાઈઝ, કાઉચ પોટેટીંગ જેવી કેટલીય અગવડોનો સામનો કરીને માણસ ફાંદ ઉગાડે છે, પણ જાપાનમાં એની કોઈ કદર નથી. એનાં કરતાં આપણું ભારત સારું !
જોકે, થોડી અસમાનતાઓને બાદ કરો તો જાપાન અને ઇન્ડિયા વચ્ચે ઝાઝો ફરક પણ નથી. કલ્ચરમાં ૧૯-૨૦ જેટલો ફેર કહેવાય. જેમકે, ઇન્ડિયાની જેમ જાપાનનું પણ નેશનલ પીણું ચા છે. અપણા ત્યાં ઐશ્વર્યા રાય છે અને ત્યાં સમુરાય છે. આપણા ત્યાં સંસાર છોડીને પોલીટીક્સમાં પાછાં ફરેલાને સાધુ કહેવાય છે, ત્યાં ઝેન લોકોને સાધુ કહે છે. આપણે જેમ તુલસી, ફરસી(પૂરી), કે અળશી ખાઈએ છે ને ત્યાંના લોકો સુશી ખાય છે. જાપાનિઝ મસાજમાં સિતાસ્શુ (મસાજ) ખૂબ પ્રખ્યાત છે, ને આપણે ત્યાં મસાજના નામે શું-નુ-શું થાય છે!

આ બધું વાંચીને તમને થશે કે આ લેખક મહાશય તાજેતરમાં પારકે પૈસે જાપાન આંટો મારી આવ્યા લાગે છે. ના, એવું જરૂરી નથી કે અમે પણ અન્ય લેખકોની જેમ વિદેશ પ્રવાસ કરી એનાં અનુભવો વાંચકોને માથે મારીએ, એ કામ અમે વગર વિદેશ ગયે પણ કરી શકીએ છીએ !

1 comment:

  1. આપની બધી વાતો સાચી લાગે છે અને હશે પણ ખરી, આપે સ્વચ્છતા ઉપર કરેલા કટાક્ષ બે હાથે સલામ કરવા ફરજ પાડે એવા છે,

    ReplyDelete