કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૯-૧૧-૨૦૧૪
આયુર્વેદ મુજબ મનુષ્યોમાં જોવા મળતી બીમારીઓ મુખ્યત્વે
વાત, પિત્ત અને કફ તરીકે ઓળખાતા ત્રણ દોષોને કારણે થતી હોય છે એમ જ પૃથ્વી પર ઉભી
થતી ત્રાસદીઓ મોટે ભાગે પવન, ગરમી અને વરસાદને લઈને થતી હોય છે. તાજેતરમાં જ અરબી સમુદ્રમાં વાત-વિક્ષેપ થયો અને નીલોફર નામનું વાવાઝોડુ મિસકોલ
મારી ગયું. મિસકોલ એટલા માટે કે એ જેટલું મીડિયામાં ગાજ્યું એટલું વરસ્યું નહિ.
સોશિયલ મીડિયામાં તો એવું કહેવાય છે કે એનું બ્રાન્ડિંગ પાકિસ્તાને કર્યું હોઈ એ
ફૂસ્સ્સ્સ્સ ... થઈ ગયું બાકી દીપિકા કે આલિયા જેવું ઈન્ડીયન નામ આપ્યું હોત તો ખબર
પડત.
એમ તો દીપિકા કે આલિયાને જોઈને તો ઘણા લોકોના હૈયામાં
વાવાઝોડા આવતાં હોય છે એ અલગ વાત છે. બાકી આપણી જિંદગીમાં ઘણાં લોકો વાવાઝોડાની
માફક આવી વિનાશ સર્જી જતાં હોય છે. વાવાઝોડું હવાના ઓછા
પ્રેશરને કારણે સર્જાય છે. આમ ઓછા પ્રેશરને કારણે
સર્જાતા વાવાઝોડા અન્યને પ્રેશરમાં મૂકી દે છે. અથવા લોકોના પ્રેશર વધારી દે છે. મહેમાનો ઘેર આવે અને વાવાઝોડાની
જેમ ઘરની પથારી ફેરવીને જાય એવા બનાવો દરેક કુટુંબના ઇતિહાસમાં નોંધાયેલા હશે. આમાં અમુકનો રોલ
પીડિતનો હશે તો અમુકનો વાવાઝોડાનો !
સામાન્ય રીતે વાવાઝોડા દરિયામાં પેદા થતાં હોય છે પણ
એની વિનાશક અસર એ કિનારો ઓળંગે પછી જોવા મળતી હોય છે. જોકે આ વાતને પિયરમાં પેદા
થઇ પરણીને સાસરે આવતાં વાવાઝોડાને કોઈ લેવા દેવા નથી, કારણ કે વાવાઝોડાનું જોર એ
જ્યાં સર્જાય છે ત્યાં સમુદ્રમાં વધું હોય છે પણ જમીન પર આવતાં જ એનું જોર નબળું
પડતું જાય છે. આ સાયન્ટીફીક વાત છે, એટલે ખોટી કીકો મારશો
નહી !
વાવાઝોડું નામ કઈ રીતે પડ્યું હશે તે એક સવાલ છે. વાવા અને જોડું એ બે
શબ્દો જોડીને વાવાઝોડું શબ્દ બન્યો હોય તેવું દેખીતી રીતે લાગતું નથી. વાવા સામાન્ય રીતે
નાના બાળકોને પહેરાવવામાં આવે છે. પણ આવી વાવા પહેરનાર
જોડાં નથી પહેરતાં હોતાં, ઉઘાડ પગે જ ફરતા હોય
છે. ધારો કે વાવા અને
જોડાં બેઉ પહેરીને ફરતાં હોય તો પણ એ વાવાઝોડાની જેમ અમુક સમય પછી શાંત નથી થઈ
જતાં. વાવાઝોડામાં બે વાર વા
આવે છે. વા એટલે વાયુ એ રીતે
જોઈએ તો વાવાઝોડામાં બમણા વેગથી અથવા વા ગુણ્યા વા એટલે વા ગણા વેગથી અને વા પાવર
વા એટલે અનેક ગણા વેગથી પવન વાતો હોય એવું કલ્પી શકાય. આમ છતાં જોડું અથવા ઝોડું આ પવનમાં કઈ રીતે જોડાયું તે ગડ અમને પડતી નથી.
નામ પુરાણમાં આગળ વધીએ તો વાવાઝોડાના પણ નામ પાડવામાં
આવે છે. ઓસ્ટ્રેલિયન
હવામાનશાસ્ત્રી ક્લેમેન્ટ રેગે રાજકારણીઓથી એવો અકળાયેલો હતો કે એણે વાવાઝોડાને
રાજકારણીઓના નામ આપવાના શરુ કર્યા હતાં. બીજી એક વાયકા મુજબ ગર્લફ્રેન્ડઝથી કંટાળેલા અન્ય એક હવામાનશાસ્ત્રીએ પોતાની ગર્લફ્રેન્ડઝનાં
નામ ઉપરથી હરીકેન્સનાં નામ પાડવાનું શરુ કર્યું હતું. અમેરિકામાં ન્યુ ઓર્લિયન્સમાં તારાજી સર્જનાર વાવાઝોડું અને આપણાં બોલીવુડમાં
પહેલાં સલ્લુ અને હવે રણબીર કપૂરના જીવનમાં વાવાઝોડું સર્જનાર બેઉ કેટરિના નામ
ધરાવે છે એ જાણવાજોગ ! શરૂઆતમાં વાવાઝોડાના
નામ ફીમેલ રહેતા પણ પછી કાયમની જેમ મહિલા મંડળોએ વાંધો ઉઠાવ્યો હશે એટલે પુરુષોના નામ
પણ વપરાવા લાગ્યાં. હકીકતમાં જો એમણે
ઉલટું, એટલે કે પુરુષોના
નામથી શરૂઆત કરી હોત તો ‘અમે રહી ગયા’ કરીને મહિલાઓ
વાવાઝોડાને સ્ત્રીઓનું નામ આપવા હલ્લો કર્યો હોત. આવું અમે પુરુષ તરીકે નહી, પણ અંગત અનુભવોને
આધારે કહીએ છીએ.
તમને થશે કે વાવાઝોડું તો શમી ગયું હવે એની ચર્ચા શુ
કામ? તો એમાં એવું છે કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી પુરી થઇ પછી વોટ્સેપ, ફેસબુક
અને ટ્વીટરના બરકંદાજો પાસે ફોરવર્ડ-અપલોડ-ટ્વિટ કરવા જેવા મેસેજ-ફોટાની એવી તાણ
ઉભી થઇ ગઈ હતી કે લોકો સંતા-બંતા અને હાથી-કીડીના જોક્સ ફોરવર્ડ કરવા ઉપર આવી ગયા
હતા. છેલ્લે છેલ્લે તો સરદાર પટેલ ‘સરદાર’ હતા કે ‘પટેલ’ હતા એ બાબતે આલિયા ભટ્ટના
કન્ફયુઝન વાળો મેસેજ તો ઘસાઈને પતરી બની જાય ત્યાં સુધી લોકોએ ફોરવર્ડ કર્યો. એવામાં
જ નીલોફર હાથમાં આવ્યું અને પછી તો નીલોફરના નામે જે મળ્યા એ ફોટા અને યુ-ટ્યુબ
પરથી જે હાથમાં આવ્યા એ વિડીયો ફોરવર્ડ થયા! આમ પબ્લિક નવરા બેઠા અનલિમિટેડ
ડેટા-પેકના જોરે, કાઠીયાવાડીમાં કહીએ તો, ‘રહના ઘૂંટડા’ ભરતી હતી ત્યાં સમાચાર
આવ્યા કે વાવાઝોડું દરિયામાં જ શમી ગયું છે, અને ઝાઝું નુકશાન થયું જ નથી! આમાં
મજાની વાત એ થઇ કે પહેલી વાર સોશિયલ મીડિયા ભોઠું પડ્યુ! પણ આ વોટ્સેપબાજીમાં
લોકોએ અમારી એટલી પકાવી કે અમને થયું કે લાવો થોડું તમને પણ પાસ-ઓન કરીએ ...
----
મસ્કા ફન
“લાંબી અગરબત્તી છે?“
“બેસણું કેટલા કલાકનું છે?”
“લાંબી અગરબત્તી છે?“
“બેસણું કેટલા કલાકનું છે?”
No comments:
Post a Comment