મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |
| ૨૩-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |
આપણે ત્યાં વર્ણ ને જાતિ આધારિત કામની પ્રથા ભૂંસાઈ રહી છે. બ્રાહ્મણો કર્મકાંડ
કરે. વણિકો વેપાર કરે. સુથાર લાકડાંકામ, લુહાર લોખંડકામ, કુંભાર માટીકામ
કરે એવી પરંપરા હતી. હવે તો મી. ગોર કોમ્પ્યુટર એક્સપર્ટ પણ હોય ને
ડૉ. દરજી ઓપરેશન કરતાં હોય એવું બને. જ્ઞાતિનાં આધાર પર લોકો નોકરી-ધંધો કરે એવો
આગ્રહ હવે રાખી શકાય નહીં. એવો આગ્રહ રાખીએ તો કોમ્પ્યુટર સંબંધિત કાર્યો માટે
આપણે વિદેશી એન્જીનીયરો લાવવા પડે. કારણ કે આપણે ત્યાં કોમ્પ્યુટર નામની કોઈ
જ્ઞાતિ નથી. આમ જૂની વર્ણ અને જ્ઞાતિપ્રથા હવે અપ્રસ્તુત છે. તો એનાં બદલે શું હોવું
જોઈએ એ પણ વિચારકોએ ફુરસદ મળ્યે વિચાર કરવો ઘટે.
આમ જુઓ તો આજકાલ જ્ઞાતિપ્રથાને બદલે નોકરી-ધંધા પ્રમાણે લગ્ન થવા
લાગ્યાં છે. જેમ કે ડોક્ટર ડોક્ટરની નાડી ઝાલે છે. સીએ સીએને પરણી બેલેન્સશીટ મજબુત કરે છે. એક્ટર સાચા
અગ્નિની સાક્ષીએ એક્ટ્રેસ સાથે ફેરા ફરે છે. આવા લગ્ન થતાં હોય ત્યારે કોઈ ‘યે શાદી નહી હો
સકતી’ કરી રંગમાં ભંગ પડાવવા નથી આવી જતું. સરકારી કર્મચારી પોતાની છોકરી કોઈ પેન્શનેબલ
સરકારી કર્મચારીને પરણે તેવું કરે છે. ફોજી બાપ પોતાની છોકરી કોઈ સર્વિસમેન સાથે પરણે
એવા આગ્રહ રાખે છે. એન્જીનિયર એન્જીનિયરને પરણે છે, એમાંય સોફ્ટવેર એન્જીનીયર
સોફ્ટવેર એન્જીનિયરને જ પોતાનાં જીવનમાં ઇન્સ્ટોલ કરે છે.
અમારા મત મુજબ હવે નવેસરથી જ્ઞાતિ પ્રથા શરુ થવી જોઈએ. લોકોને એમનાં કામ પ્રમાણે
જુદીજુદી જ્ઞાતિમાં વહેંચી દેવામાં આવે તો? કદાચ એમની વચ્ચે મનમેળ વધારે રહે. રાજકારણી
જ્ઞાતિ, ડોક્ટર જ્ઞાતિ, સરકારી કર્મચારી જ્ઞાતિ, બિલ્ડર જ્ઞાતિ, કોન્ટ્રાક્ટર
જ્ઞાતિ, લશ્કર જ્ઞાતિ, ટેલીકોમ જ્ઞાતિ, માર્કેટિંગ જ્ઞાતિ, અને એક કોમ્પ્યુટર
જ્ઞાતિ હોય જેની બે પેટા જ્ઞાતિ હાર્ડવેર અને સોફ્ટવેર હોય.
કોમ્યુટર જ્ઞાતિમાં બાળક જન્મે કે ડાઉનલોડ થાય એટલે એને યુનિક આઈપી એડ્રેસ
આપવામાં આવે જેથી જયારે જરૂર પડે ત્યારે આ બાળક વિષે માહિતી મળી રહે. કોમ્પ્યુટર
જ્ઞાતિના લોકો બાળકોને નાનપણથી એ ફોર એપ્સ, બી ફોર બગ્સ, સી ફોર ચીપ્સ, ડી ફોર
ડિસ્ક એવી એબીસીડી શીખવાડે. બાળક ત્રણ વર્ષનું થાય એટલે એની ગેમ સંસ્કાર
વિધિ કરવામાં આવે. વખત જતાં આ જ્ઞાતિના કિડ્ઝ મોમના ટેબ ઉપર જ ગેમ્સ રમતા થાય અને એ
ટેબથી જ નેબર્સનાં કોમ્પ્યુટર અને વાઈફાઈ હેક કરવા જેવી તોફાન મસ્તી કરતાં થાય.
આ જ્ઞાતિના લોકો સામાન્ય રીતે સેઈન્ટ સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સના ફોલોઅર હોય. સવારે ઉઠીને આ જ્ઞાતિના
લોકો પ્રભાતે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ દર્શન કરતાં હોય. ઓફિસે જઈ ડેસ્કટોપ આગળ એલઇડી
કરે અને બેસતા વર્ષના દિવસે ગુગલેરેશ્વર દેવનાં દર્શને જાય. દશેરાના દિવસે આ
જ્ઞાતિના લોકો કી-બોર્ડ અને માઉસની પૂજા કરતાં જોવા મળે. વર્ષે બે વર્ષે તેઓ
સાઇબરાબાદની તીર્થયાત્રા કરી પાછાં આવી પેનડ્રાઈવનાં પ્રસાદ પડોશીઓમાં વહેંચે. ભારતમાં ઇન્સોસીસ
અને અમેરિકામાં રહેતા આ જ્ઞાતિના લોકો માઈક્રોસોફ્ટ અને એપલના હેડક્વાર્ટર્સનાં
પગપાળા સંઘ કાઢતા જોવા મળે.
કોમ્પ્યુટર જ્ઞાતિના વડીલો પણ બીજી અન્ય જ્ઞાતિના વડીલોની જેમ ઉંમર પકાઉ જોવા
મળે. જેમ કે એક દાદા પોતાનાં જમાનાના ૪૮૬ કોમ્પ્યુટર અને ફ્લોપી ડ્રાઈવની વાતો કરી
બાળકોને રંજાડતા હોય. બા પોતે કોમ્પ્યુટરનો કોર્સ કર્યા છતાં હજુ
ફેસબુકમાં કેપિટલમાં કોમેન્ટ પોસ્ટ કરી ત્રાસ મચાવતાં હોય. મામાઓ ડોટ-મેટ્રીક્સ
પ્રિન્ટરની રીબન રીફ્લ કરવાની કોમેડી સ્ટોરીઓ કહેતાં હોય. ક્યાંક માસીઓ
કોમ્પ્યુટરના બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટરની ને કાકાઓ પોતાનાં જમાનામાં ૪૦ એમબીની
હાર્ડ ડિસ્ક હતી એની વાતો કરી બાળકોને અચરજમાં ડૂબાડી દેતાં જોવા મળે.
કોમ્પ્યુટર જ્ઞાતિની યુવાપેઢી જનરલી ફાસ્ટ હોય. એ લોકો ઓકે ને બદલે કે, ટોક ટુ
યુ લેટરને બદલે ટીટીવાયએલ, એવા ટૂંકાક્ષરીમાં વાત કે ચેટ કરતાં જોવા મળે. એકંદરે
આમ કરવાથી બચેલા સમયમાં એ લોકો ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર ડીલ્સની શોધમાં વ્યતિત
કરતાં હોય. આ જ્ઞાતિના લોકોના ખાસ કરીને યુવા વર્ગના કી-બોર્ડની ડીલીટ અને
બેકસ્પેસની કી ઘસાઈ ગયેલી જોવા મળે. જનરેશન એક્સનો મોટાભાગનો સમય મોબાઈલનાં
સ્ક્રીનનું લોક ખોલવામાં જતો હોય. ગામનાં લોકો ભલે એમને કયો મોબાઈલ કે કોમ્પ્યુટર
ખરીદાય એવું પૂછતાં હોય, પણ તેઓ પોતે કોઈ ભંગાર બ્રાન્ડના મોબાઈલ અને કોમ્પ્યુટરમાં
ભરાયેલા જોવા મળે!
આ જ્ઞાતિનાં મેળાવડા તો ઓનલાઈન જ થાય
ને? કારણ કે મા-બાપ, ફોઈ-કાકા, અને મામા-માસીઓ સૌ ટેક સેવિ હોય અને દરેકના
ઘરમાં કોમ્પ્યુટરના મૂળભૂત સાધનો અને જાણકારી તો બ્લડમાં હોય. એરેન્જડ મેરેજમાં
પરણવા લાયક સંતાનોનાં માબાપ એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં અમુક અક્કડ
છોકરાના મા-બાપ સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો જ વાત આગળ વધારે. પછી છોકરા-છોકરી
એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં મુરતિયો કે કન્યા વિદેશ હોય તો એની કુટુંબ
સાથે ૩-ડી મુલાકાત ગોઠવાય. ઓનલાઈનમાં જો આગળ વધવા જેવું લાગે તો પછી ઓફલાઈન
મળવાનું ગોઠવાય. રૂબરૂ મુલાકાતમાં પણ કેટલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ
છે, કદી હેકિંગ કર્યું છે કે નહી?, વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ જવું પડે?, કંપની શેર
આપે છે કે નહી? સોફ્ટવેર ઓરીજીનલ વાપરે છે કે પાઈરેટેડ? અને વિન્ડોઝ કે મેક જેવા
સવાલો સ્ટેટ્સ નક્કી કરવા પૂછાતાં હોય.
એક વાર લગ્ન નક્કી થાય એટલે ઈ-કંકોત્રીઓ વહેંચાય. ખમતીધર લોકો ચાંદીની
પેનડ્રાઈવમાં ઈ-કંકોત્રી મોકલે. ચાંદલા પણ આરટીજીએસથી પપ્પાના એકાઉન્ટમાં જમા
કરવાના હોય. ગિફ્ટ્સ પણ બધી ઓનલાઈન શોપિંગમાંથી ઘેર ડીલીવર થાય એમ હોઈ, કવરમાં
કુરિયરનો ટ્રેકિંગ નંબર જ ચાંદલા કાઉન્ટર પર જમા કરાવવામાં આવે. આ સમાજમાં લગ્નવિધિ
પણ હાઈટેક હોય. લગ્નના લાઈવ ફીડ ટેલીકાસ્ટ થતાં હોય. મઝા તો એ આવે કે હસ્તમેળાપ,
ફેરા જેવી દરેક વિધિ પછી કન્યા અને વરરાજાએ રીસ્ટાર્ટ થવા પોતપોતાનાં રૂમમાં જઈને
પાછું આવવું પડે એવો રિવાજ હોય !
જોકે આવી જ્ઞાતિ પ્રથા હોય અને જેમ આપણે ત્યાં બને છે એમ ખેડૂતના છોકરાને
ખેડૂત બનાવામાં શરમ આવે તો? પછી તો કોમ્પ્યુટર જ્ઞાતિવાળો જો ડોક્ટર બને. સંસ્કાર
અને જીન્સ કોમ્પ્યુટરના હોય અને કામ ડોક્ટરનું. ઓપરેશન પહેલાં પ્રોગ્રામ લખે. ને પાઈરેટેડ
એન્ટીવાઈરસ પેશન્ટને આપી દે તો પેશન્ટના રામ રમી જાય. આવા તો કેટલાય કન્ફ્યુઝન
થાય! એનાં કરતાં જેમ છે એમ ચાલવા દો!
No comments:
Post a Comment