વર્લ્ડ ટોઇલેટ ડે પર ...
----
નેતાઓ તો હાકલો કરતાં હોય છે. ઘણાં નેતાઓની હાકલ
અસરકારક હોય છે. જેમ કે બાપુની 'ક્વિટ ઇન્ડિયા' કે સુભાષજીની 'ચલો દિલ્હી'ની હાકલે દેશપ્રેમ
ઉભરાવી દીધો હતો. હમણાં આપણા પીએમ સાહેબે વધું ટોઇલેટ બનાવવાની હાકલ કરી. વાત
ટોઈલેટની કમી અને એનાં પરિણામો અંગે છે. એવું જાણવા મળે છે કે ભારતની ૧૨૧ કરોડની
વસ્તીમાં ૯૦ કરોડ ઉપરાંત મોબાઈલ કનેક્શન છે, પણ ૧૨૧માં થી અડધો અડધ એટલે કે ૬૦ કરોડ લોકો પાસે ટોઈલેટ સુવિધા નથી. એટલે
ટોઇલેટ હોવા જોઈએ એ વાત એકદમ વાજબી છે. પણ કેટલાક ઉત્સાહી લોકો અડધી હાકલ સાંભળીને
દોડવા લાગે છે એથી તકલીફ થાય છે. સાહેબના કેટલાક અનુયાયીઓ આજકાલ જોર-શોરથી
ટોઇલેટના સમર્થનમાં લાગી ગયા છે એ જોતાં આવા બ્રેકિંગ ટોઇલેટ ન્યુઝ સંભાળવા મળે તો
નવાઈ ન પામતા.
- વિજાપુરમાં સાહેબના એક ટેકેદારે ટોઇલેટમાં ચાઈનીઝ સિરીઝ મૂકી શણગાર્યું.
- મહેસાણામાં દર વર્ષે શ્રેષ્ઠ અને સ્વચ્છ ટોઇલેટને એવોર્ડ અપાશે.
- અમદાવાદમાં એક બિલ્ડર ભાઈએ કૂતરા માટે લક્ઝુરીયસ અને મોડર્ન એમીનીટીઝ સાથેનું ટોઇલેટ બનાવ્યું.
- બાવળાના એક સમર્થકે સવારમાં ટોઈલેટમાં જઈ ડાબલામાંથી એક ચમચી પાણી પીધા પછી જ પ્રાત:ક્રિયાઓ કરવાની શરું કરવાની ટેક લીધી.
- ડાંગમાં પતરાના ડબલા સાથે ટોઇલેટ સમર્થકોએ રેલી કાઢી.
- અલથાણ પક્ષ કાર્યાલયમાં ખુરશીઓને સ્થાને યુરોપીયન કમોડ મુકાયા.
- ટોઇલેટ ફ્લશિંગનો રિંગ ટોન ગયા અઠવાડિયે સુરતમાં સૌથી વધારે ડાઉન લોડ થયો.
- જૂનાગઢમાં સભ્ય શ્રી અઠવાડિયામાં એક દિવસ પબ્લિક ટોઇલેટમાં ડબલું લઈ પાણી સેવા પૂરી પાડશે. પોતાની ગ્રાન્ટમાંથી ટેન્કરની વ્યવસ્થા કરી.
- કાથરોટામાં એક સમર્થકે સંડાસમાં બીડી ન પીવાની પ્રતિજ્ઞા લીધી. બીજા સો લોકો પાસે પણ પ્રતિજ્ઞા લેવડાવશે એવો નિર્ધાર જાહેર કર્યો.
- જસદણમાં એક સાહેબ ભક્તે પોતાના ગાય-બળદ માટે અલગ ટોઇલેટ બનાવ્યુ.
- ઉલાસણમાં સ્થાનિક નેતાએ શ્રમદાન કરી બાંધેલા જાહેર શૌચાલયનું ઊભા પગે બેસી લોકાર્પણ કર્યું.
- રાજકોટમાં ઇ-ટોઇલેટ હોટ ફેવરીટ. ટોઈલેટમાં રેડિયો, ટીવી પછી હવે કોમ્પ્યુટર મુકાયા. સ્વચ્છતા માટે વોઇસ એક્ટીવેટેડ કિ-બોર્ડનો વ્યાપક ઉપયોગ.
- ઉત્તરસંડામાં ફ્લશ ટેન્કમાં અત્તર નાખવાની નવી પ્રથા શરું થઈ.
- વિરોધ પક્ષના એક નેતાએ ટોઈલેટમાં સાહેબનો ફોટો મૂક્યો હોવાનું જાણવા મળે છે. ફોટો ચૂર્ણ કરતાં વધું અકસીર સાબિત થયો હોવાનાં અંદરનાં સમાચાર છે.
(આ હાસ્યલેખ છે બકા!)
No comments:
Post a Comment