મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૨-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |
આ તમારા ભઈ. રિટાયર થયા છ ત્યારથી ઘરના ઘરમાં. બરયું આખો દાડો
માથું ખઈ જાય છ. કમરા મારો ટુવાલ ક્યાં છ? તે ટુવાલ ક્યાં હોય? બધ્ધા કપડા
વારીને મૂક્યા હોય કબાટમાં. સાડત્રીસ વરસથી ત્યાં મેલું છું. નહી ને નીકરે
એટલે પાછું ચાલુ થાય. મારાં ચસ્મા જડતા નથી. તે છાપું હું વાંચું છું
કે તમે? અને ઘરમાં કસુ ને કસું મથામણ કર્યા કરે. કમરા કૃ ડાઈવર ચ્યોં મેલ્યું? તે કમરા ડીશમીશને
સુ લેવા અડે? પાછી દરેક વાતમાં ઉતાવર કરે. ભઈ તમારે ગાડી પકડવાની છે તે ઉતાવર કરો છો? ના ના, ચસ્મા જાતે સોધી
લે તો પાતરા થઈ જવાના છ? પણ ના, આખો દાડો કમરા કમરા કરીને મગજ ખઈ જાય ભઈસાબ. સાચું કવ? મુ તો
કંટારી ગઈ છું. સવાર ઉઠીને એમની સેવામાં લાગી જવાનું. ચ્યમ અમાર બીજું કોઈ કામ નઈ
હોય?
રીટાયર થયા છ પણ હજુ વાર કારા કરવા જોઈએ. ઈમાં પાછું વારંદને નહી ખટાવવાનો.
જાતે કારા કરવાના. વોશ બેઝીંગ આખું કારું કારું કરી નાખે. પછી મને કે કે કમરા જો
તો ક્યાંય ધોરા રહી ગ્યા છ? ધુર પડે તમારા વારમાં. કમરા દારમાં વઘાર કરે કે વાર
કારા કરે? મુ કોઈ દાડો કવ છું? અને મુ તૈયાર થઈને પુસુ કે ‘જુઓ તો આ પીરી સાડીમાં
ચેવી દેખાવ છું, તે સું જવાબ આપે ખબર છ? હરદર જેવી. વાદરી પેરુ તો કે ગરી જેવી લાગ
છ ને બેસણામાં જવા ધોરી પેરુ તો કે કારું મોઢું ને ધોરી સાડીમાં વાંદરી જેવી લાગ
છ, તે પછી હું દાંતિયા જ કરું ન? ના ના તમે જ કો. પણ હામે સિયારામાં એ બુઢીયા ટોપી
પેરે તો આપડે એમને વોંદરા ના કહેવાય. પછી ભલે એ વોંદરાની માફક આખો દાડો ખંજવારતા ફરે.
ચેટલું કોપરેલ લગાડે પણ એમની ખંજવારની ઉપાય નથી થયો. તોય આપડને કોઈ સરમ જેવું નઈ.
લેંઘો સાથર સુધી ઉપર ચડાવીને ખણે. એમને લેંઘાને બદલે ચોયણી જ પેરવી જોઈએ, પછી
ચડાવે ઉપર જેટલી ચડાવવી હોય એટલી.
એમનાં દોસ્તારો પણ એવા જ. પેલા પ્રફુલભઈ હવાર હવારમાં આઈ જાય. છાપું અહિં આઈ ન
વાંચઅ. પણ વાંચી ને ચાલ્યા જાય તો ઠીક. પાછા પૂછે ભાભી કંઈ કામકાજ હોય તો કે’જો. તે ભાભીને બદલે
જાવ તમે પડોસમાં મેરવણ લેવા! કે પછી ઘઉં ચારવા બેસો ભાભીને બદલે. આયા મોટા
ભાભી વારા. અને એક તમારા ભઇ. પ્રફુલભઇ આવે એટલે કે ‘આ પ્રફુલ આયો છ તે ચા
મેલજે’, એમાં પ્રફુલભઈને તો ચાનું વ્યસન જ નહી. તમારા ભઈ ને જ દાઢોમાં દીવા બરે છ. દિવસની દસ ચા
પીવે. મને તો એમ થાય કે એક નરો ભરીને મેલી દઉં હવારમાં. આખો દાડો પીધા કરો તમતારે. પણ પાછી એમને
તાજી ચા જોઈએ. એ પણ કડક મીઠી. તે આસામમાં ચાના બગીચા
ને ગામમાં સેરડીની ખેતી ખરીને આપડા બાપ-દાદાની!
હમણાં ખરીદી કરવાં ગ્યા’તા. મોલ માં. તે ઘર માટે પડદા જોતાં’તા. તે તમારા ભઈને ધોરો કલર
ગમે અને મને વાદરી. એમાં દુકાનમાં માથાકૂટ કરવા લાગ્યા બોલો. તે ધોરા કપડા
ધોવા કોણ એમની સગલી આવસે? એમાં પાન ખાવાની ટેવ છ. ઓફિસમાં ધોરું સર્ટ
પેરીને જતાં ત્યારે ખીચામાં ખાસ ડાઘ પાડી લાવે. પછી ફરી વાર પેરે એટલે
મને ડાઘ દેખાડે, કમરા જોતો આ ખીચામાં ડાઘો ચ્યાંથી પડ્યો? તે કમરા પાડવા ગઈ
તી? ના ના પડીકી આમ અધ્ધર કરીને મોમાં ઓરે એમાં ગુટકાનાં દાણા ખીચામાં જતાં રહે તે
રોજ મારે જોવાનું? તોયે સોખ તો ધોરા કપડાનો જ! અરે ભાઈ, એમ ધોરા કપડા
પેરે ભાઈ ના થવાય, એનાં માટે કારજુ જોઈએ. એ પણ કાઠું.
પાછું છાપું પતે ત્યાં તો ટીવી ચાલુ કરી ને બેસી જાય. તે સમાચાર જોયા કરે ને
જીવ બાર્યા કરે. બિહારમાં ૫૦૦ રૂપિયા માટે મડડર થઈ જ્યુ, દિલ્હીમાં ગરમી
પડી ઈમો શાત જણો મરી જ્યા. કાસ્મીરમાં પુર આયુ. ફલાણો જેલમોં જયો ને નેતાને
કોકે લાફો ઠોકી આલ્યો. ભઈ આપડે પેન્સન ચેટલું વધ્યું એનો સિવાય સુ
લેવા લપ કરવી? પણ ના, આખો દાડો ટીવીમાં પેહી જાય છ. પાછું એમને સંભરાય
છ ઓછું. એટલે ટીવી જોશ જોશથી વગાડે. મારા તો કાન ફાટી જાય છ. હાચું કવ છું.
આ તમાર ભઈને સંભરાય ઓછું એટલે એમને કુકરની ચાર શીટી વાગે એટલે ગેશ બંધ કરી
દેજો એવુય કોમ સોંપાય નહિ. આમેય એમનો કોઈ વાતે ભરોશો ના કરાય. એકવાર મારે સાક
લેવા જઉ’તુ તે એમને ચાર શીટી વાગે તારે ગેશ બંધ કરવા
કહીને ગયેલી તે દાર ને ભાત બેઉ બરી ગયા તોયે એમને વાસ પણ ના આવઅ. મુ તો નીચે હતી
ને મનઅ ફાર પડી. કે નક્કી ગેશ બંધ કરવાનો ભૂલી જ્યા. પાછાં છ નરશી મેતાનો
અવતાર. ભરતું સરતું કરી આવે. બજારનું કોમ સોંપો ને ભલું હોય તો કોક રીટાયર
દોસ્તારને ઘેર જમાઈ દે. આપડે ફરાર માટે રાજગરાના લોટની રાહ જોતાં હોઈએ
ને એ બફવડા દબાઈ ન આવઅ. પણ આમ પાછાં સરર અને ભોરા તમારા ભઈ !
એક તો ભૈશાબ આ ગરમી! ઉનારો જવાનું નામ જ નહિ લેતો. એમાં પાછું વારવા-ઝૂડવાનું
કોમ જાતે કરવાનું. ચેટલો બફારો થાય? ગોમમાં હાવ બધ્ધાને ત્યોં એશી આઈ જ્યા. પણ
તમારા ભઇ કોણાવારા ગંજી પેરી ને એશીની મજા લે છ. કહે કે કમરા, ગંજી પેરી ને બાર
જવાતું હોય તો ચેટલું હારુ? તે જાવને, સોસાયટીમાં તો ફરો જ છો. ગોમમો ફરો. કુણ રોક
છ તમન. ને ગરમીમાં આખ્ખો દાડો ફીજ ખોલ બંધ કરે, પણ કોઈ દાડો આપડે બોટલ ભરવાની નઈ.
ચ્યમ, તમો મોટા રાજકુમાર છો?
હવે તમે જ કો કે કમરા કેટલું કરે? કમરા તમારા ભઈમાંથી જ ઊંચી નથી આવતી તે
બાકીના કામ કેમના કરતી હસે? પણ જેટલા કાઢ્યા એટલાં થોડાં કાઢવાના છ? સુખે દુખે
નીકરી જસે. પાસુ આવતા જનમમો એનું એ જ ! ચાલો મારે લોટ દરાવવા જવાનું છ ઘંટીએ ને
પાછાં આવતાં ગોર પણ લાવવાનો છ ! નીકરું !
--
આ સિરીઝનો અગાઉનો આર્ટીકલ વાંચવા આ લીંક પર ક્લિક કરો ..
No comments:
Post a Comment