બેંગ બેંગ : હ્રીતિક માટે જોવાય
પહેલાં આ ફિલ્મનું ટાઈટલ ભાગમભાગ રાખવાનું હતું પણ એ નામની ફિલ્મ અગાઉ બની
ચુકી હોઈ એ પડતું મુકવામાં આવ્યું. છેવટે બેંગ બેંગ રાખવામાં આવ્યું. ઇન્ટેલીજન્ટ
ફિલ્મ મેકર્સની જ ફિલ્મોને કોઈપણ ભોગે વખાણનારા જો આનો રીવ્યુ લખે તો ‘ફિલ્મ જોઈને
છેવટે દિવાલ સાથે માથું ભટકાડવાની તીવ્ર ઈચ્છા થઈ’ એવું લખે તેવી શક્યતા હોવા છતાં
બેંગ બેંગ નામ સાથે ફિલ્મ બની. હ્રીતિક અને બેન્કની રિસેપ્શનિસ્ટ એવી બાપડી કેટ
આખી ફિલ્મમાં દોડાદોડી કરવા સીવાય કશું કરતાં ન હોવા છતાં અમને તો ટીકીટનાં દોઢસોમાંથી
એકસો ચાલીસ રૂપિયા તો વસુલ થયા હોય એવું જરૂર લાગ્યું.
હિન્દી ફિલ્મોમાં કરોડો રૂપિયાના હીરાની પાછળ દોડાદોડીનાં થીમ પર અનેક ફિલ્મો
બની છે. આ ફિલ્મો જોઈને આપણા કરોડો રૂપિયા ફિલ્મ પ્રોડ્યુસર્સ અને સ્ટાર્સનાં
ગજવામાં જતાં રહે છે. તો આ ફિલ્મ જગવિખ્યાત કોહીનુર હીરાની આસપાસ રચાઈ છે. આપણો
બોડી-બિલ્ડર અને રબ્બરનું બોડી હોય એમ ડાન્સ કરતો હ્રીતિક કોહીનુર હીરાને એટલી
સિફતથી ચોરી કરે છે કે એની દર્શકોને પણ ખબર પડતી નથી!
પણ હ્રીતિકનું બોડીનું કહેવું પડે. એ શર્ટ ઉતારે એટલે છોકરાંઓ પણ થિયેટરમાં
ઉન્હકારા બોલાવે એવું! પણ અમારી કાગડા જેવી નજરમાં હ્રીતીકના વાળ જ નજરે ચઢ્યા,
માથાના. જે ઇન્ટરનેશનલ ભાગદોડમાં શેમ્પુ કરવાનો ટાઈમ ન મળવાથી ગૂંચવાળા જણાય છે.
સામે પક્ષે કેટ સિમલાની ઠંડીમાં બાથરૂમમાં સ્ટોપર માર્યા વગર ગરમ પાણીથી નહાવાની
ટેવ ધરાવે છે જ્યાં એની દાદી લટાર મારવા આવી જતી હોય છે. કેટને ફિલ્મમાં જ
ચાર-પાંચ વાર શાવર લેતી બતાવી છે એટલે સ્વાભાવિક છે કે એનાં શેમ્પુ કરેલા વાળ
હ્રીતિકનાં જેવા ગૂંચવાયેલા નથી હોતાં. આમ તો એ પાંચ-સાત વખત દરિયાનાં ખારા
પાણીમાં પડી હશે પણ તોયે છેવટે એનાં વાળ લાંબા, કાળા અને રેશમી જ રહે છે તે આધુનિક
શેમ્પુનો કમાલ. આ ફિલ્મના વિલન ડેનીનાં માથે ટકો છે એટલે એ શેમ્પુ નહીં વાપરતો હોય
એવું અમે ધારી લીધું છે. આ સિવાયના કેરેક્ટર્સ શેમ્પુ કરતાં હશે કે નહી એ વિષયમાં
અમે ખાસ વિચાર નથી કર્યો.
કેટને ‘ખ’ બોલવામાં તકલીફ પડે છે એ આપણને બધાને ‘કબર’ જ છે. એ બરફાચ્છાદિત સિમલાની
એક બેન્કની રીસેપ્શનીસ્ટ હોવા છતાં વોટર સ્પોર્ટ્સમાં એક્સપર્ટ છે. બીજી એક્શન
ફિલ્મ્સની હિરોઈન કરતાં કેટને સારું એવું ફૂટેજ મળ્યું છે એ છતાં હ્રીતિકનાં જેટલા
રૂપિયા વસુલ એ નથી કરાવતી એ હકીકત છે.
આખી ફિલ્મ દરમિયાન હ્રીતિક પોતે આશરે છસોને
સુડતાલીસ ગોળી ચલાવે છે જયારે સામે પક્ષે વિલન્સ અંદાજે અઢારસો ચુમોતેર ગોળીઓ
ચલાવે છે જે હ્રીતિક સચિન અને ગવાસ્કર કરતાં પણ વધારે સ્ફૂર્તિથી ડક કરી જાય છે.
હ્રીતિક આશરે ચાર પાંચ વખત ચાર પાંચ માળની ઊંચાઈથી કૂદકો મારી ભાગે છે. એક વખત
ચાર-પાંચ માળના બિલ્ડીંગ પરથી ભૂસકો માર્યા બાદ તરત જ અદભૂત ડાન્સ પણ કરી બતાવે છે
જે ગીત ભંગાર હોવા છતાં ડાન્સ જોવા લાયક છે. છેવટે તો ડાયરેક્ટર પણ એ કઈ રીતે બચી
જાય છે એ ઈમેજીન કરી ન શકવાથી એને નવા સીનમાં સાજોસમો ઉભો કરી દઈ વિચારવાનું કામ
દર્શકોના માથે નાખી દે છે. આજકાલ દર્શકો પણ એકંદરે મગજ ઘેર મુકીને જ ફિલ્મ જોવા
જતાં હોવાથી હ્રીતિકનું ભૂસકો માર્યા પછી બચ્યો કઈ રીતે એ અંગે ઝાઝી પંચાત કરતાં
નથી. પહેલાં ત્રણ-સાડા ત્રણ કલાકની ફિલ્મો બનતી ત્યારે એવું બધું બતાવવું પોસાતું
હશે.
દોઢસો રૂપિયાની ટીકીટ પૈકી અંદાજે પચાસેક રૂપિયા તો ફિલ્મનાં લોકેશન્સ અને
કેમેરા વર્ક વસુલ કરાવે છે. પચાસ રૂપિયા હ્રીતિકનાં લુક્સ અને એક્શન સીન્સ (એક્ચ્યુઅલી
બેંગ બેંગના એક્શન સીન્સ જોયા પછી રોહિત સેટ્ટીનાં કાર ઉછાળવાના સીન્સ ૭૦નાં
દાયકાના લાગે!) દસેક રૂપિયા ડાન્સનાં, દસેક રૂપિયા પરચુરણ કોમેડી (કેટની દાદી
સિવાયની), દસ વિલનની ડફોળાઈનાં, દસ રૂપિયા બેકગ્રાઉન્ડ મ્યુઝીકના અને દસ રૂપિયા એડીટીં....
ઓકે ઓકે કેટનાં રહી ગયા નહી? જેને હિન્દીમાં ડાયલોગ બોલતાં કે એક્ટિંગ કરતાં આવડતી
નથી એની કમર પર ગુજરાતી થઈને દસ રૂપિયા વેસ્ટ ના કરાય બોસ!
No comments:
Post a Comment