Sunday, September 14, 2014

લોકો શિક્ષક કેમ નથી બનતાં ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૪-૦૯-૨૦૧૪ | અધીર અમદાવાદી |



માનાનીય નરેન્દ્રભાઈ,

પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ગયો. આ દિવસે તમે છોકરાઓને સંબોધિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન તમે એક ખુબ જ અગત્યનો સવાલ પૂછ્યો કે લોકો કેમ શિક્ષક નથી બનવા માંગતા? આ સવાલ તમે છોકરાઓના માધ્યમથી સમાજને પૂછ્યો છે. એટલે અમારી ફરજ છે કે એ વિષે વિચાર કરીએ. અમે પોતે પ્રોફેસર છીએ. થોડક અલગ પ્રકારના છીએ. પણ છીએ તો આખરે શિક્ષક જ. એટલે અમારા અનુભવો અને અવલોકનો અહીં સાદર રજૂ કરીએ છીએ.

અમે સિવિલ એન્જીનિયર થયા છીએ. અમારે કોલેજમાં લેબોરેટરી વર્ક આવતું. એમાં ભણાવતા લેક્ચરર્સ સામાન્ય રીતે પૂર્વઅનુભવ ધરાવતા નહી. લેક્ચરર બનવા માટે જરૂરી લાયકાત માત્ર બી.. હોય છે. એ સમયે જુનિયર લેક્ચરર્સ ડેમોન્સ્ટ્રેટર તરીકે ઓળખાતાં હતાં અને તેઓ ભારે ત્રાસ ફેલાવતાં હતાં. એટલે જ અમે પ્રેમથી એમને ડેમલા કહેતાં. રોજ પ્રેક્ટીકલ હોય અને રોજ ડેમલાને સહન કરવાના થાય. આ સિવાય સારા પ્રોફેસરો પણ હતાં. પણ ઘણાં એવાં હતાં કે જેનાં ક્લાસમાંથી ઊભા થઈ ચાલ્યા જવાતું હતું. મસ્તી થતી. ત્યારે એમ થતું કે આ લોકોની સ્થિતિ કેટલી દયાજનક છે. એમની પાસે કદાચ કોઈ ઓપ્શન નહી હોય એટલે કદાચ લેક્ચરર બન્યા હશે! આવી નોકરી આપણાથી ન કરાય!
                                                      
પ્રોફેસર બનવા માટે ગટ્સ જોઈએ. કોઈ પોતાને ગમે તેટલું હોંશિયાર માનતું હોય પણ સામે સાઇંઠ જણ બેઠાં હોય એમને એક કલાક સુધી જકડી રાખવા સહેલા નથી. ઘણાં સમારંભોમાં અમે જોયું છે કે વિદ્વાન મુખ્ય મહેમાન લોકોનો વધારે સમય ન લેતાં બે મીનીટમાં તેમની વાત વાંચીને બેસી જાય છે. એમાં એમને લોકોના સમયની કિંમત છે એવું નથી હોતું. બે મીનીટ બોલવામાં પણ ભલભલાના ટાંટિયા ધ્રુજવા માંડે છે, મોઢું સુકાઈ જાય છે, શરીર કાંપવા લાગે છે, પેટમાં પતંગિયા ઉડાઉડ કરવા લાગે છે, અને શરીરમાં અડ્રેનાલીન ધગે છે. પોતાનાં કયા પૂર્વજન્મના પાપ હશે કે સમારંભનાં મુ.મ. બનવાની હા પાડી એવા પણ વિચારો ઝબકી જાય છે.

જેમ નવા નિશાળિયા હોય છે એમ નવા પ્રોફેસરીયા પણ હોય છે. નવા પ્રોફેસરીયાને ખબર હશે કે એક કલાકના ક્લાસ માટે દોઢ કલાક ચાલે એટલું મટીરીયલ તૈયાર કરીને ગયા હોઈએ ને એ માલ દશેરાની સવારે જલેબી ખપે એમ અડધો કલાકમાં ખપી જાય છે! કોઈ વિષય કે વિચારોનો વિસ્તાર કરવાની ખરા સમયે મગજ સરકારી ક્લર્કની જેમ નફફટાઈથી ના પાડી દે છે. પછી અનુભવ થાય એટલે એજ ટીચર એક કલાક કંઈ પણ ભણાવ્યા વગર પસાર કરતાં શીખી જાય છે. જેમ સ્વીમીંગ કરવા પહેલાં પાણીમાં ઝંપલાવવું પડે છે એમ ટીચિંગ કરવા પહેલાં કુદી પડવું પડે છે, પછી ભણાવતા શીખાય છે.

એમાં પાછાં સ્ટુડન્ટ્સ વડના વાંદરા ઉતારી એમની પાસે સાલસા ડાન્સ કરાવે એવાં હોય છે. વિચારો કે તમે એક મીટીંગ કન્ડક્ટ કરી રહ્યાં છો અને તમે અગત્યની વાત કરી રહ્યાં હોવ ત્યારે વચમાં કોઈ હસે તો? કોઈ જમીન પર પગ ઘસે તો? પણ તમારી સાથે એવું જોખમ કોઈ ન લે. સ્કૂલ-કોલેજમાં છોકરાઓ લે છે. પરાણે અમુક કોર્સમાં નાખ્યા હોય ત્યારે એ મા-બાપ પરની ખીજ પ્રોફેસર પર ઉતારે છે. કોલેજમાં પણ સારું ભણાવનાર પ્રોફેસરના ક્લાસમાં પણ મગજ બંધ કરીને બેસનાર હોય જ છે. એમાંય પાસ-નાપાસ કરવાનું પ્રોફેસર કે ટીચરના હાથમાં ન હોય ત્યારે ખાસ. અને અમુક છોકરાને તો શોલેના જય-વીરુ સુરમા ભોપાલીને કહે છે ને કે ‘હમ જેલ જાનાં ચાહતે હૈ’ એવું હોય છે. એમને કોલેજ છોડવી જ નથી હોતી. જેને ભણવું જ નથી એને કઈ રીતે ભણાવાય?

શિક્ષક ન બનવાનું વધું એક કારણ છે એ છે કે શિક્ષકોને મેનેજમેન્ટ નવરા સમજે છે. એવું સમજે કે રોજ બે-ત્રણ કલાક લેક્ચર લઈ ટીચર્સ આઠ કલાક મફતનો પગાર ખાય છે. જેમ કરિયરમાં વીસ-પચીસ સેન્ચ્યુરી મારનાર બેટ્સમેન કે ૨૦૦-૩૦૦ વિકેટ લેનાર બોલર એની જાહેરાતની ઇન્કમથી ઈર્શ્યાપાત્ર ઠરે છે એવું જ કંઇક. એટલે ટીચરનો કસ કાઢવા જાતજાતના કામ કરાવવામાં આવે છે.

શિક્ષકોને ભણાવવા સિવાય મુખ્યત્વે સ્કુલમાં જાતજાતના પત્રકો બનાવવાનું, કાર્યક્રમ અને ટુર્સમાં છોકરાં સંભાળવાનું, ટોટલ ચેક કરવાનું, સફાઈ, સ્ટોક જાળવવા જેવા કામ સોંપાય છે. એમાં પાછું વસ્તી ગણતરી અને ઇલેક્શન ડ્યુટી જેવા કામ તો દર બે-પાંચ વર્ષે મ્હોં ફાડીને ઊભા જ હોય. શિક્ષકો પાસે કુલ કામકાજના કેટલા ટકા ખરેખર શૈક્ષણિક કામ કરાવવામાં આવે છે એ કોઈ આંકડા માંડે તો ખબર પડે. જોકે આવું સૂચન આપવું જોખમી છે, નહીંતર આ કામ પણ કોક ટીચરના માથે જ ટીચવામાં આવશે. મહાન ગુરુઓની વાત કરીએ તો વશિષ્ઠ, સાંદીપની, દ્રોણ, ચાણક્યથી લઈને રાધાક્રિષ્ણન સુધી કોઈ પત્રકો નહીં ભરતાં હોય. આ તો કોઈ નેતાને સરહદ ઉપર બે દહાડા લડવા મોકલો કે કોઈ આઈએએસ અધિકારીને અઠવાડિયું સુલભ શૌચાલય રૂપિયા ઉઘરાવવા બેસાડો તો એમને ખબર પડે કે પોતાની પસંદનું કામ છોડી અન્ય કામમાં પરાણે જોતરવામાં આવે તો કેટલી મઝા આવે છે.

આવી અવદશા જોઈ કોણ શિક્ષક બનવા તૈયાર થાય? ઘણાં શિક્ષકની દશા તો ગામની ભાભી જેવી હોય છે. એક તો એ મૂળભૂત રીતે ગાભરું હોય છે. પાંચ-સાત હજારની હોય, એડહોક હોય, પણ સરકારી નોકરી છે એ દાવે એ બધાથી ડરતો ફરે છે. એટલે નવા શિક્ષકની જુનાં શિક્ષકો, સંચાલકો, કારકુનો, આચાર્યો અને ગામ હોય તો સરપંચ, તલાટીથી માંડીને કોઇપણ અધિકારી એની પદુ લે છે. જે કાયદેસર રીતે સાહેબ છે એ બધાને સાહેબ કહેતો ફરે છે.

એમાં હવે શહેરોમાં હેલીકોપ્ટર પેરન્ટ્સની સમસ્યા વધી છે. આવા પેરેન્ટ્સ સ્કૂલ અને ટીચર્સનાં માથાં ઉપર  સતત ઉડ્યા કરે છે, ઘોંઘાટ કરે છે, અને આવા દસ-બાર હોય તો શિક્ષકોનો સમય એમને એટેન્ડ કરવામાં જતો રહે છે. હવે માર બૂધું ને કર સીધું ચાલતું નથી. છોકરાં ઉપર હાથ ઉગામો તો આચાર્યને ખબર પડે એ પહેલાં ટીવી ચેનલને ખબર પડે છે. 

એકંદરે ટીચર્સને કોઈ વાતે જશ નથી. છોકરાં સારા ટકા લાવે તો પોતાની મહેનત અને ટ્યુશનનાં કારણે. ઓછા ટકા લાવે તો સ્કુલમાં કંઈ ભણાવતા નથી. વરસના વચલા દહાડે સ્કુલમાં કોક ઇન્સ્પેકશન કરવા આવે અને છોકરાંને સવાલો પૂછે. એમાં છોકરાં મુડ હોય તો જવાબ આપે અને ન હોય તો ન આપે. એમાં ટીચરનો ભુક્કો બોલી જાય! સાહેબ, અમેરિકામાં ‘ટીચ ફોર અમેરિકા’ નામનો કાર્યક્રમ છે જેમાં હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાંથી પાસ થયેલા છોકરાંઓ જોડાવામાં ગર્વ અનુભવે છે. પણ અહી? અહીં શિક્ષકની કિંમત નથી. સમાજ એમને માસ્તર કહે છે. વાલીઓ ટ્યુશનીયા. મેનેજમેન્ટ એમને નવરા અને મફતનો પગાર ખાનાર સમજે છે. એ જો ખાલી ભણાવે તો એમ કહેવામાં આવે છે કે આને બીજું કંઈ આવડતું નથી એટલે ભણાવે છે. જો એ ટ્યુશન કરે તો કહેવામાં આવે છે કે રૂપિયાની પાછળ પડ્યો છે. ભલા આવામાં કોઈ કઈ રીતે શિક્ષક બને? વિચારજો.

એજ લી.
અધીર અમદાવાદીના રાધાકૃષ્ણ n
 

No comments:

Post a Comment