કટિંગ વિથ અધીર-બધિર
અમદાવાદી ૧૪-૦૯-૨૦૧૪
મગર આજકાલ વડોદરામાં પેંધા પડ્યા છે. પુર તો ખાલી બહાનું છે. મોકો મળતા ત્રણ-ચાર
ફૂટનાં બેબીથી લઈને ચૌદ ફૂટ સુધીના પુખ્ત મગર
સંસ્કાર નગરી વડોદરાની સહેલ કરવા નીકળી આવે છે. કૂતરા-બલાડા ઘુસે એમ મગર લોકોના
ઘરમાં ઘુસી રહ્યાં છે. કપલીયાની જેમ એ
કમાટીબાગમાં ટહેલવા આવી જાય છે. અને રખડતાં કૂતરાની
જેમ જાહેર રસ્તા ઉપર આજકાલ મળી આવે છે. લોકો કૌતુક જોવા ભેગાં જરૂર થાય છે, પણ સલામત અંતર રાખીને, ટોળામાં હોય અને
વનવિભાગ કે ફાયરબ્રિગેડ હાજર હોય ત્યારે. એકંદરે વડોદરા મગરોથી
ટેવાતું જાય છે અને ભવિષ્યમાં આ શહેરમાં ‘વડોદરામાં રહેવું અને મગર સાથે વેર’ એવી
કહેવત પણ પ્રચલિત થશે એવું હાલ દેખાય છે.
શ્રાદ્ધપક્ષમાં આજકાલ ગાય, કૂતરા અને કાગડા ઉપરાંત વડોદરાવાસીઓ મગર જમાડવાનું પુણ્ય પણ લઈ રહ્યાં છે. હા, કોકના વડીલો મગરનો
અવતાર લઈ જમવા આવ્યા હોય એવું બની શકે. કૂતરા આમ તો હદના વિવાદ માટે જાણીતાં છે અને ભાદરવા મહિનામાં તો ખાસ કરીને
પોતાની હદમાં કોઈ ઘુસે તે ચલાવી નથી લેતાં. આમ છતાં કુતરાઓએ મગરને ભગાડવા કોશિશ કરી હોય તેવું જાણવામાં નથી આવ્યું. સામે મુનસીટાપલી પણ
મગર પકડવામાં ખાસ ઉત્સાહ દેખાડી નથી રહી. અમને લાગે છે મુનસીટાપલી મગરને એટલાં માટે નથી પકડતી જેથી કરીને રખડતાં
કૂતરાની સમસ્યાનું સમાધાન વગર ખર્ચે આવી જાય. આવું થાય તો એ દિવસ દુર નથી કે અમદાવાદ શહેરના મેયર અને અધિકારીઓનું
પ્રતિનિધિમંડળ વડોદરાની મુલાકાતે જાય. સંસ્કાર નગરી વડોદરા આમ તો લીલા ચેવડા અને ભાખરવડી પછી નવરાત્રી માટે પ્રખ્યાત
છે. નવરાત્રીમાં જુદીજુદી
રીતે ગરબા ગવાય છે જેમાં ઊભા ગરબા અને બેઠાં ગરબા હોય છે. નવરાત્રી જયારે સાવ નજીક છે ત્યારે આ વખતે વડોદરાના ગરબામાં નવા મગર સ્ટેપ
ઉમેરાય એવી અપેક્ષા રખાઈ રહી છે. આ સ્ટેપ સુતાસુતાં થઈ
શકશે. સદા નવા સ્ટેપ શોધતાં
રહેતા ડાન્સ ક્લાસના ઉત્સાહી પ્રશિક્ષકો મગર પાસેથી પ્રેરણા લે તો એમાં કશું ખોટું
પણ નથી. જોકે હાઈકોર્ટની સૂચના અનુસાર સમયસર ગરબા બંધ કરાવવા માટે પોલિસ રાત્રે
બાર વાગે ગરબાસ્થળ પર મગર છૂટાં મુકવાનાં પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે તે ચિંતા
જનક છે.
જોકે વડોદરામાં અમુક હાઈપ્રોફાઈલ લેડીઝ પોતાનાં પતિ
સાથે મગર દેખાયો હોય એવાં વિસ્તારમાં મોંઘી ગાડીઓમાં આંટો મારતી દેખાય છે. મગર દેખાય તો ‘આનાથી થોડા ડાર્ક
કલરનો હોય તો એની સ્કીનનું પર્સ કરાવી આપ’ એવી ફરમાયશ કરતી જોવામાં આવે છે. અમુકે તો આવા મગરની
સ્કીનના ક્લોઝઅપ લઈ ફેસબુક પર ‘માય ન્યુ પર્સ ઇન મેકિંગ’ તરીકે પોસ્ટ પણ કરી દીધાં
છે.
એવું કહે છે કે કાગડાને હસવું ને દેડકાના પ્રાણ જાય. આ કહેવત મગરની નગરયાત્રા
માટે યથાર્થ ઠરતી જણાય છે. વિશ્વામિત્રીથી પાંચ પાંચ કિમી દુર સોસાયટીમાં જયારે
કોઈ રખડું છોકરાં ઘરની બહાર જવા તૈયાર થાય છે ત્યારે મા કહે છે કે બકા, ના જઈશ,
મગ્ગર આવી જશે. એમાંય બાઈક ઉપર જતાં એક-બે સવારને મગરે હાઉ કરીને બીવડાવ્યો છે ત્યારથી બાગ-બગીચા અને અવાવરું રસ્તાની ઝાડીઓ શોધતાં પ્રેમીજનો ઘરમાં રહીને મોબાઈલ વડે ઈ-ગુફ્તગુ કરવામાં જ સલામતી
માને છે. કમાટીબાગમાંથી મગર
પકડાયા પછી બપોરે મોઢા ઉપર રૂમાલ ઓઢીને આખો બાંકડો પચાવી પાડી ઘોડા વેચીને સુઈ
જનારા ભેદી રીતે અદ્રશ્ય થઈ ગયા છે. આવી ઘટના ઉપર રામુકાકા કે ભટ્ટ અંકલ ફિલ્મ
બનાવે એવી અપેક્ષા રાખવી વધારે પડતી ન કહેવાય.
ફિલ્મોની વાત કરીએ તો હિન્દી ફિલ્મગીતોમાં મગરને ખુબ મહત્વ અપાયું છે.
વડોદરાના સંદર્ભમાં આમાંના ઘણાં ગીતો લાગુ પડે છે. જેમ કે સફરનું ‘....હૈ યે કેસી
ડગર ચલતે હૈ સબ મગર કોઈ સમઝા નહી કોઈ જાના નહી’ એ જેણે વડોદરાના રસ્તે પહેલી વાર
મગર જોયા હોય એવા વ્યક્તિનું ગીત છે. તો ‘શર્મ આતી હૈ મગર આજ યે કહેના હોગા’ ગીત
તો મગરની આગતાસ્વાગતામાં રહી ગયેલી કમી માટે ખેદ વ્યક્ત કરી રહેલા મગરપ્રેમીનું
ગીત જણાય છે. જમરૂખનું પ્રખ્યાત ‘દો દિલ મિલ રહે હૈ, મગર ચુપકે ચુપકે સબકો હો રહી
હૈ ખબર ચુપકે ચુપકે’ એ અમે અગાઉ જણાવેલ, બાગમાં ચુપચાપ મળવા ગયેલ પણ મગરને કારણે
પકડાઈ ગયેલા પ્રેમી-પંખીડાનાં સંદર્ભમાં રચાયેલું જણાય છે. અને ટ્રક-રીક્ષાની પાછળ
જે વર્ષોથી આપણે વાંચીએ છીએ (અને મટરુ કી
બીજ્લીની અનુષ્કાની કમર પાછળ જે લખેલું જોવા મળ્યું હતું) તે ગીત કમ સ્લોગન ‘દેખો
મગર પ્યાર સે ..’ તો વડોદરા મહાનમગર પાલિકાનાં પ્રોજેક્ટ મગર ટુરિઝમ માટેનાં
સ્લોગન તરીકે એકદમ ફીટ બેસે છે!
ખેર, અત્યારે તો વિશ્વામિત્રી કાંઠાની અંદર આવી ગઈ છે અને મગરમચ્છ પણ દેખાતા
બંધ થયા છે ત્યારે એક બોઝિલ સાંજે અમને કોઈ ઉદાસ બરોડીયન ‘ચાંદ ફિર નિકલા, મગર તુમ
ન આયે...’ ગાતો સંભળાય છે!
મસ્કા ફન
બૂમ પાડીને તેં
બોલાવ્યો ને હું આવ્યો બકા;
એટલામાં ભડકી આખા
ગામની ગાયો બકા!
No comments:
Post a Comment