Sunday, August 10, 2014

રોટી ટુ-ઇન-વન ઓર મકાન



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૦-૦૮-૨૦૧૪
-----------------------------------------------------------------

માણસને જીવવા માટે શું મૂળભૂત જરૂરિયાતો છે તો એનો જવાબ મનોજ કુમારે આપ્યો હતો કે ‘રોટી કપડાં ઓર મકાન’. પણ હવે કુ. પુનમ પાંડે અને શ્રીમાન આમીર ખાન આમાંથી કપડાને બાકાત કરાવી ને જ રહેશે એવું આમીર ખાનની આગામી ફિલ્મના નગ્ન પોસ્ટરને જોઈને લાગે છે. આ બહુચર્ચિત પોસ્ટરમાં આમીર રેલવેના પાટા ઉપર એક ટુ-ઇન-વન (ટેપ કમ રેડિયો) ઢાંકીને લજ્જા નિવારણ કરતો દેખાય છે. જો કે અમુક લોકોનું કહેવું છે કે એનામાં લજ્જા જેવું કંઈ હોત તો આ પોઝ જ ન આપ્યો હોત. ખેર, આ પોસ્ટરથી ખેંચાઈને કેટલા લોકો થિયેટર સુધી પહોચે છે એ તો સમય બતાવશે પણ અત્યારે તો રેલ્વે લાઈન પર દિશાઓના વસ્ત્રો પહેરીને ફરનારા વધી જશે એવું લાગે છે.
***
માનવીની મૂળભૂત જરૂરીયાતોમાં રોટીનો નંબર પહેલો ગણાવવામાં આવે છે. પણ આજે રોટી કેટલા લોકો ખાતા હશે? દેશ-દુનિયાની વાત પછી કરીએ પણ ગુજરાતમાં દર ત્રીજું ઘર એવું હશે જેમાં મમ્મી રોજ રોટલી બનાવતી હોઈ પિત્ઝા-પાસ્તા-બર્ગરના શોખીન બાળકો આંદોલનના રસ્તે પડી જતા હશે. બંગાળીઓને માછલી અને ભાત પ્રિય છે. સાઉથ ઈન્ડીયન લોકો પણ ચાવલ અને ઈડલી-ઢોંસા ખાતા હોય છે. બાકીની દુનિયા બ્રેડ ખાય છે. અમારી પાસે ઓફિશિયલ રેકોર્ડ તો નથી પણ આદિમાનવોએ ગુફાઓમાં દોરેલા ચિત્રો જોઈ એવું લાગે છે કે એ લોકો પણ રોટલી-બોટલી બનાવવાની ઝંઝટમાં પડવાને બદલે ફાસ્ટ ફૂડ ખાવામાં જ માનતા હશે. માન્યામાં ન આવતું હોય તો એ ગુફા ચિત્રો જોજો, એમાં એ લોકો ‘ફાસ્ટ’ ભાગતા ‘ફૂડ’ એટલે કે હરણ પાછળ દોડતા દેખાશે. આમ છતાં જરૂરીયાતની યાદીમાં રોટીને ખોટી રીતે ઘુસાડવામાં આવી છે. જો કે કપડાની વાત જુદી છે.

એક જમાનામાં મનાતું હતું કે એક નુર આદમી હજાર નુર કપડા. હિન્દી ફિલ્મોમાં હવે કપડાનું મહત્વ ઘટી રહ્યું છે. પહેલાં તો હીરો બગીચામાં પણ સુટ અને ટાઈ પહેરીને જતાં અને ઝાડની આસપાસ હિરોઈન સાથે ગીતો ગાતા હતાં. દેવદાસ ફિલ્મમાં માધુરીનો ડ્રેસનું વજન પણ ચર્ચામાં હતું. પણ આજકાલ તો હીરો ગંજી પહેરીને ગીતો ગાય છે. ગંજી પહેરીને ન ફરે તો જીમ જઈને બનાવેલું બોડી એક્ટિંગનાં વિકલ્પ તરીકે કેવી રીતે દર્શાવે? હિરોઈનો પણ ફાટેલાં જીન્સને કાપીને ચડ્ડી બનાવીને પહેરે છે. સલમાન જેવા આખી ફિલ્મમાં શર્ટ ન કાઢે તો એ છાપાઓમાં હેડલાઈન બની જાય છે. પુનમ જેવીઓ આઈપીએલની છુંછા જેવી મેચમાં વિનર્સ માટે કપડાં ઉતારવા ઉત્સુક બેઠી હોય છે. એકંદરે સારા કપડાં અને પરફેક્ટ જેન્ટલમેન ટાઈપના લુક્સ ફિલ્મોમાં હિરોઈનની ‘શાદી’ જેની સાથે ‘તય’ થઈ છે એ ‘પર્સન’ ‘હાઉ બોરિંગ’ છે એ ‘શો’ કરવા માટે થાય છે.

‘PKના પોસ્ટરમાં તો આમીર કેમેરા તરફ મ્હોં કરીને ઉભો છે અને આગળના ભાગમાં ટેપ ધરી દીધું છે એટલે પાછળની બાજુ કોઈ જોનાર નહિ હોય એવું ધારી શકાય. અહીં હાજર એ હથિયારને ધોરણે કેસેટ પ્લેયરનો ઉપયોગ લંગોટ તરીકે થાય છે, પણ લંગોટનો ઉપયોગ કેસેટ પ્લેયર તરીકે નથી કરી શકાતો એ નોંધનીય છે. પોસ્ટરમાં આમિરના ડોળા જે રીતે ફાટેલાં છે અને કાન જે રીતે ઉંચા છે, એ જોતાં સામેની બાજુથી બુલેટ ટ્રેઈન આવતી હોય એવું લાગે છે અને ભાઈ ભાગવાને બદલે આબરુ બચાવવા ટેપ સામે ધરીને ઉભો રહી જાય છે. એમાં ટેપ જેવી ઈલેક્ટ્રોનિક આઇટમ તો ધોઈ પણ ન શકાય એટલે ‘નાગો નહાય શું અને નીચોવે શું’ એ કહેવત પણ યથાર્થ થતી જણાય છે.
PK પોસ્ટર અને એની પ્રેરણા ...

આમ છતાં લંગોટીની જગ્યાએ ટુ-ઇન-વન ટેપ ચાલે કે કેમ એ જરા વિવાદાસ્પદ છે. અરે માણસે શરીર ઢાંકવા માટે પાંદડા, ધોતિયું, લુંગી, પટ્ટાવાળી ચડ્ડી, બરમુડા કે પછી ટુ-ઇન-વનનો ઉપયોગ કરવો જોઈએ કે નહિ એની ચર્ચા જ બિનજરૂરી છે. કારણ એટલું જ કે દુનિયામાં કપડાંનું મહત્વ હતું કે છે ખરું? એ પ્રશ્ન છે. અમુક ધર્મસ્થાનો પર શિલ્પોમાં કપડાં શોધ્યા જડતા નથી. મ્યુઝિયમમાં જે રોમન શૈલીના પૂતળા મુકવામાં આવે છે તે તદ્દન દિગમ્બર હોય છે. એને કમ-સે-કમ હાથ-પંખો કે વલ્કલ જેવું પણ પહેરાવાનું કોઈને સુઝતું નથી. સંપૂર્ણ નગ્નવસ્થામાં ફરતા આદિમાનવો એકાબીજાને ‘આવડો મોટો નાગો, કૂતરાનો કાકો’ કહીને ચીડવતા હશે એમ માનવું ભૂલ ભરેલું છે. સની લિઓનીની જૂની ફિલ્મોના ચાહકો એની નવી ફિલ્મો કરતાં વધુ છે. આ બધું બતાવે છે કે નગ્નતા પરાપૂર્વથી ચાલી આવે છે, હા, વચ્ચેના અમુક વર્ષોમાં કપડાનો મહિમા ગવાયો હતો તે કદાચ ટેક્સટાઈલ મિલોના માર્કેટિંગને કારણે જ હશે. આ સંજોગોમાં આપણે આમીરને વખોડીએ એ વધુ પડતું છે, એણે કમસે કમ ટુ-ઇન-વન તો ‘પહેર્યું’ છે! 

No comments:

Post a Comment