મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |
કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ;
પલમેં પ્રલય હોયગી, ફિર કરેગા કબ?
--
આજ આજ ભાઈ અત્યારે...
--
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.
--
ધન ગયેલું સાંપડે, ગયા વળે છે વહાણ;
ગઈ વેળા આવે નહીં, ને ગયા ન આવે પ્રાણ.
--
ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં સમયનું મહત્વ સમજાવતા ઘણાં સંદર્ભ મળી આવે છે.
જોકે સાહિત્યમાં ઘણું એવું કહ્યું છે કે જે અંગે વિચાર કરવા જઈએ તો આપણે કન્ફયુઝ થઈ
જઈએ. એક કવિએ કહ્યું છે કે ‘હું કરું હું
કરું એ જ અજ્ઞાનતા ....’. આપણે જે કરીએ છીએ એ બધું વ્યર્થ જ હોય તો શું
કામ કશું કરવું? એક તો મહેનત
કરોને ઉપરથી આપણી સરખામણી કૂતરા સાથે થાય! બીજાં એક કવિએ એવું કહ્યું છે કે ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’. આપણ ને સવારની જો
ખબર જ ન હોય તો કાલનું કામ આજે તો ન જ કરાય, એ ચોક્કસ છે.
અંગ્રેજીમાં પ્રોક્રાસ્ટીનેશન જેને કહે છે તે વાત ગુજરાતીમાં લાસરિયાપણું
કહેવાય છે. હિન્દીની આ પંક્તિઓ બહુ પ્રચલિત છે કે ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અભી.’ એમાં જો પ્રલય થવાનો જ હોય તો કામ કરવું જ શું
કામ? તોયે આ ઉક્તિના જવાબમાં, વિલંબ કર્યા વગર, કોક આળસુના પીરે ‘આજ કરે સો કાલ, કાલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી ભૈયા જબ જીના હૈ બરસો’
એવું કહ્યું છે. તો અંગ્રેજીમાં
વાલી કોક ઉદ્યમી ‘અર્લી બર્ડ કેચીઝ
ધ વોર્મ’ કહી ગયો છે. આના
જવાબમાં કોકે નિરુદ્યમીએ સામો સવાલ કર્યો કે ‘જે વોર્મ સવારે વહેલું ઉઠી અર્લી
બર્ડનો શિકાર બને છે એનું શું?’
ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. આમેય આંબા પકવવાના નથી હોતાં,
કેરી પકાવવાની હોય છે.
અને ઉતાવળે કેરી પાકે છે. અમુક વેપારીઓ કાર્બાઈડ નામનું કેન્સરકારક કેમિકલ નાખીને
કેરી પકાવે છે. વેકેશનમાં ગુજરાતી મમ્મીઓને જયારે છોકરાંને લઈને ટુ-વ્હીલર પર
હોબી-ક્લાસ લેવા-મુકવા દોડધામ કરતી જોઈએ છીએ ત્યારે અમને કાર્બાઈડથી કેરી પકવતા
વેપારી અચૂક યાદ આવે છે.
મહાભારતનો એક જાણીતો પ્રસંગ છે જેમાં યુધિષ્ઠિર એક યાચકને કાલે આવવા કહે છે. આ
સંવાદ સાંભળી ભીમ નાચવા લાગે છે કે મોટા ભાઈએ કાળને નાથ્યો, કારણ કે એમને ખબર છે કે એમને કાલ પર વિશ્વાસ
છે. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. આ પ્રસંગ આજનું કામ કાલ પર ન ઠેલવાનો બોધ પણ
આપે છે. છતાં વ્યવહારમાં કોઈને રૂપિયા પાછાં આપવાના હોય, ક્રેડીટ કાર્ડનું બિલ ભરવાનું હોય, લોનના હપ્તા ભરવાના હોય તો આવી પ્રવૃત્તિ
નિર્ધારિત સમય કરતાં વહેલા કરવાની વૃત્તિ કોઈ ધરાવતું નથી. અમારા પ્રોફેસર તરીકેના
લાંબા અનુભવમાં છોકરાં અસાઈનમેન્ટ પણ છેલ્લા દિવસે જ આપવામાં માને છે, એક પણ વાર સમય કરતાં વહેલું નથી આવતું.
ભૂતકાળની વાત કરીએ તો આપણે ત્યાં તો શોલે પહેલાનાં સમયથી રામલાલ પ્રથા ચાલુ
છે. બીજા દ્વારા થતાં કાર્યો કાલના આજ કરવામાં આવે તો એનો વાંધો નથી. પણ
અમેરિકામાં બધાં કામ જાતે કરવાના હોય છે. ત્યાં આજનું કાલ પર નાખો તો સૌથી પહેલાં
કિચન સિંક ભરાઈ જાય. અને તમે જોજો, માણસના ઘરમાં બે
કાર, બે ટીવી, અરે બે બે પત્નીઓ પણ હોઈ શકે છે પણ કોઈના ઘરમાં
બબ્બે કિચન સિંક નથી હોતાં. પછી જોઈતું વાસણ શોધવા ઢગલામાં ઉપરથી વાસણ ધોવાની
શરૂઆત કરવી પડે. એવું જ લોન્ડ્રીમાં થાય. રવિવારે ટુવાલ પહેરીને લોન્ડ્રીના કપડાં
સુકાય એની રાહ જોવી પડે.
આપણા કોન્ટ્રાક્ટરો આજનું કામ કાલે જ નહિ છ મહિના પછી કરવામાં માને છે. આજે
ખાડો ખોદ્યો હોય તેની માટી છ મહિના પછી પૂરે. એમને ‘ખાડો ખોદે તે પડે’ કહેવત લાગુ પડતી નથી. ખરેખર તો આપણે ત્યાં કોન્ટ્રાક્ટર
ખાડા ખોદે અને કોક પડે તેવી પ્રથા છે. ડોક્ટરો પણ આજનું કામ કાલ પર રાખવામાં માને
છે. ઘણાં ડોક્ટરો ઓપેરશન પછી દર્દીના પેટમાંથી કાતર અને ગ્લોવ્ઝ તાત્કાલિક કાઢવાને
બદલે મહિના બે મહિના પછી દર્દી પેટમાં દુખવાની ફરિયાદ લઈને પાછો આવે ત્યારે
કાઢવાનું રાખે છે. રૂપિયા રીફંડ લેવાના અમારા બહોળા અનુભવમાં સામેવાળી પાર્ટી કોઈ
દિવસ ઉતાવળ કરતી હોય તેવું અમે જોયું નથી. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ પણ તમારું
રીફંડ આજનું કાલે ને કાલનું પરમદિવસે જ આપે છે.
અમે જોયું છે કે ઘણાં લોકો સમય કરતાં આગળ હોય છે. આ મહાપુરુષોની વાત નથી. અમે
તો દોરાની ચીલઝડપ કરનારની વાત કરીએ છીએ. પીછો કરનાર કરતાં એ સદાય આગળ રહેવાની
કોશિશમાં હોય છે. સ્લો સાયકલીંગ સિવાય બધી રમતોમાં પણ આગળ રહેવાનો જ મહિમા છે.
જોકે ઉત્તરાયણમાં આગળના ધાબાવાળાનાં પતંગ આસાનીથી કપાય છે એ આગળ રહેવાનાં
ગેરફાયદામાં ગણાય. તોફાનો અને રેલીઓમાં આગળ રહેનારા ગોળી, દંડા કે ટીયર ગેસના ટોટાનો લાભ લે છે. ઓફિસમાં
સમયસર પહોંચનાર બોસના ગુસ્સાનો પહેલો ભોગ બને છે. અમે નોંધ્યું છે કે ક્રિકેટમાં
ઓપનીંગમાં જનાર બે પૈકી એક બેટ્સમેન સૌથી પહેલાં આઉટ થાય છે. જોકે મોડા પહોંચનાર
ક્યારેક નસીબદાર સાબિત થાય છે. મોડા પડવાને લીધે ફ્લાઈટ મિસ થઈ હોય અને એ ફ્લાઈટ
હાઈજેક થઈ હોય એવાં કિસ્સા ક્યારેક સાંભળવા મળે છે.
જોકે અતિ ઉત્સાહી લોકોની દશા ભૂંડી થાય છે. તમે ઉત્સાહમાં કોઈ કાર્યક્રમમાં
સમય કરતાં વહેલા પહોંચી જાવ તો તમારી નોંધ લેવા માટે પણ કોઈ હાજર ન હોય. એમાં તમે
એ ફંકશનમાં ચીફ ગેસ્ટ હોવ ત્યારે સાલું લાગી આવે. અમારા જેવા હોય એ તો ચિંતામાં
પડી જાય કે એક દિવસ વહેલા તો નથી પહોંચી ગયા ને? પછી આયોજકોને મોબાઈલ કરીએ ત્યારે ખબર પડે કે
પ્રોગ્રામ આજે જ છે, પણ આવા પ્રોગ્રામ
કાયમ મોડા ચાલુ થતાં હોઈ આયોજકો પણ ટાઈમ-ટુ-ટાઈમ જ આવે છે. મોડા પહોંચનાર કદીય આવી
માનસિક હાલાકી ભોગવતા નથી. કારણ કે એ લોકો મોડા પહોંચીને આયોજકોને અધ્ધરશ્વાસે
રાખે છે. ક્યારેક આયોજકો આવા મુખ્ય મહેમાનને કારણે પ્રેક્ષકોનો માર પણ ખાય છે. જેવા
જેનાં કર્મો બીજું શું?
Very nice. To the point, sort and sweet.
ReplyDeleteEnjoyed.
Thanks
Delete