કટિંગ વિથ અધીર-બધિર
અમદાવાદી ૨૪-૦૮-૨૦૧૪
કવિ શ્રી રમેશ પારેખ તો સૌના પ્રિય કવિ છે. એમની કવિતામાં
જાદુ છે. એમની કવિતામાં આધ્યાત્મ પણ છે અને વ્યંગ પણ છે. એટલે જ અમને એ
વિશેષ ગમે છે. સ્વત્રંતા દિવસ નિમિત્તે ‘રેડિયો મિર્ચી’
દ્વારા આયોજિત સલામ-૬૮ કાર્યક્રમમાં શ્યામલ-સૌમિલના કંઠે ફરી ‘એક છોકરીના હાથથી
રૂમાલ પડેએ લેવા આખુંય ગામ વળે નીચે’ સાંભળ્યું અને અમે જાણે કે એ ઘટનામાં ઉતરી ગયાં
જેમાં છોકરીના હાથમાંથી રૂમાલ છટકીને નીચે પડે છે.
ર.પા.એ કવિતા લખી એ સમયે મોબાઈલ હતાં નહિ, એટલે રૂમાલ કેમ કરતાં પડી ગયો હશે એ
સવાલ કોઈને પણથાય. આજકાલ તો છોકરીનું ધ્યાન મોબાઈલમાં હોય તો હાથમાંથી ભલભલી
વસ્તુઓ પડી જાય અને બચારીને ખ્યાલ પણ ત્યારે આવે જયારે પાછળ આવતો કોઈ ફ્રેન્ડ
વોટ્સેપ પર મેસેજ કરે કે ‘તારો હેન્ડકી પડી ગયો, ઇડીયટ નીચે જો’. પણ એ સમયે
છોકરીઓમાં બોલવાનું ચલણ તો હતું જ એટલે વાતોવાતોમાં રૂમાલમાં ધ્યાન નહિ રહ્યું હોયએવું
સહેલાઈથી માની શકાય. હમણાં જ એક હોસ્પિટલમાં સિસ્ટર નિસરણી ઉતરવાની સાથે વોટ્સેપ
ચેક કરવાનું મલ્ટીટાસ્કિંગ કરવા જતાં થોડાક પગથિયા એકસાથે ઉતરી ગયાં હતાં. પણ આખી
ઘટના વિડીયો કેમેરામાં ઝડપાઈ એટલે સિસ્ટરને ‘ઓન ડ્યુટી’ ટાંટીયો તોડવા બદલ કોઈ
વળતર નહોતું મળ્યું. અહીં સિસ્ટર એટલે છોકરી જ સમજવું. સિસ્ટર્સ
તો હવે સરકારી હોસ્પિટલ તથા એરલાઈન્સમાં જ જોવા મળે છે!
જે સમયે આ કવિતાલખાઈ હશે તે સમયે કોલેજ જતી બહેનો સાડી પહેરતી હતી. અહીં સાડી
પહેરે એને છોકરી કહેવા જીભ કે પેન ઉપડતી નથી એટલે ક્ષમા કરજો. થોડી મોડર્ન હોય એ
પંજાબી પહેરતી જેમાં રૂમાલ મુકવાની સુવિધા ન હોય, એટલે જ એ રૂમાલ હાથમાં પકડતી હશે.
એ જમાનામાં તો બહેનો પુસ્તકો હાથમાં લઈને કોલેજ જતી હતી. હાઉ રીડીક્યુલસ! એમાં
બુક્સ નીચે પડી જાય અને રાજેન્દ્ર કુમાર જેવા કોક પ્રૌઢ શિક્ષણને લાયક કાકા નીચે
વળીને બુક્સ ભેગી કરી આપે અને એમાં તંબુરા તતડવા લાગે બેકગ્રાઉન્ડમાં! આજકાલ તો
ટાઈટ જીન્સ કે કેપ્રીના ખિસામાં ખોસેલા રૂમાલને બહાર કાઢવાની સમસ્યા હોય ત્યાં પડવાનો
પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમાં હાથમાં બુક્સને બદલે મોબાઈલ હોય છે. પણ મોબાઈલ
ઝાઝું કરીને પડી નથી જતો. ખરેખરતો મોબાઈલ હાથમાંથી છૂટતો જ નથી. એટલે આવા પડેલા
રૂમાલો-ચોપડીઓ ઉપાડી-ઉપાડીને ઘર વસાવવાની તકો ઘટી રહી છે એ આજના યુવાનોનીગંભીર
સમસ્યા છે.
અમને વધુ ચિંતા એ ગામના યુવાનોની થાય છે. એક રૂમાલ પડે અને આખું ગામ નીચે વળતું
હોય તો એ ગામમાં કોમ્પીટીશન કેટલી બધી હશે? એ હિસાબે એ ગામના ઝૂઝાર નવજવાનોએ પહેલાં
પ્રણય અને પછીથી પરિણયના વ્યોમમાં પાંખો વીંઝવા માટે અણદીઠી ભોમપર આંખ માંડવા
સિવાય કોઈ રસ્તો બાકી નહિ રહેતો હોય એટલું સ્પષ્ટ જણાય છે.
બીજું, ન્યુટનને ઝાડ ઉપરથી સફરજન નીચે કેમ પડ્યું? ઉપર કેમ ન ગયું? એવા
પ્રશ્નો થયા અને એમાંથી આપણને ગુરુત્વાકર્ષણના નિયમો મળ્યા. આ નિયમો અમને
એન્જીનીયર થયા ત્યાં સુધી નડ્યા છે એ આડવાત. પણ સફરજનની જેમ પ્રેમમાં પણ પડવાનું
આવે છે. સફરજનનાં પડવામાં ગુરુત્વાકર્ષણ
અને પ્રેમમાં આકર્ષણ કામ કરે છે. છોકરીના હાથમાંથી રૂમાલ છટકે તો એ પણ નીચે જ પડે
એવું આપણે સહુએ સગવડતાપૂર્વક ધારી લીધું છે. બાકી હલકા વજનનો રૂમાલ પવનને લીધે જો
હવામાં ઉડ્યો હોત તો - પેલા પીંછાવાળી વાતમાં આવે છે એમ - મારા હાથમાં નહી તો
કોઈના હાથમાં નહી એ દાવે ફૂંકો મારી મારીને ગામના લોકો એ રૂમાલને ઔડા લીમીટની બહાર
પહોંચાડી દીધો હોત.
આ વિષયમાં ઊંડાણપૂર્વક વિચારવા જતાં લાગે છે કે રૂમાલ તો પડતાં પડી જાય, પણ
એમાં ગામ આખું લેવા નીચે વળે એ ગામના લોકો કેવા આશિક મિજાજ હશે? એમાં નોંધવા લાયક
એ છે કે વાંકા વળનાર ગામ લોકોમાં જુવાન અને બુઢઢા બંનેનો સમાવેશ થાય છે. જોકે
પ્રણયમાં હવે ઉંમરની ભેદરેખાઓ ભૂંસાઈ રહી છે એ હિસાબે એ ગામ અમદાવાદ જેવું હોય તો
આ રૂમાલકાંડમાં જુવાનીયાઓ કરતાં કાકાઓ મેદાન મારી જાય એમાં કોઈ શક નથી. છતાં પણ
રૂમાલ ઉઠાવવા જેવું કોઈ સાહસ ખેડવું હોય તો પણ કન્યાનું મતદાન મથક અને એ બૂથના પુરુષ
મતદારોની સંખ્યા જોઇને ઝંપલાવવું વધુ સલામત ગણાય એવું અમારું માનવું છે. બાકી
પશ્ચિમની હવાની અસરને કારણે આજકાલ કન્યાઓ રૂમાલને બદલે ટીસ્યુ વાપરતી હોય એવી
શક્યતા વધુ છે, અને જો એમ હોય તો તમારા હાથમાં શું આવશે એ વિચારીને રૂમાલ
ઉઠાવજો...n
મસ્કા ફન
કોણ કહે છે શરમથી
નજર નીચી રાખે છે બકા?
અમને તો એ
મોબાઈલમાં જોતી લાગે છે બકા.
---વિડીયો લીંક : અમિતાભ-રેખા ચશ્મે બદદુરનો ફેમસ કેમીઓ, રૂમાલના સંદર્ભમાં ...
No comments:
Post a Comment