Sunday, August 17, 2014

ઝીરો ફિગર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |
તાજેતરમાં રમાયેલી માન્ચેસ્ટર ટેસ્ટની એક ઇનિંગમાં આપણા છ ખેલાડીઓ શૂન્ય રને તંબુ ભેગાં થઈ ગયા હતાં. ભારતે શૂન્યની શોધ કરી હતી એ દાવાને આ ઘટનાથી વધુ એકવાર સમર્થન મળ્યું છે. કોઈ પણ એક ઇનિંગમાં છ ખેલાડી શૂન્ય રને આઉટ થાય એવું ઇતિહાસમાં આ પહેલાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ સાથે થયું છે, આમ આપણે વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી છે. આમ તો ક્રિકેટમાં આપણે ઘણીવાર સારું પ્રદર્શન પણ કરીએ છીએ. વર્લ્ડ કપ જેવા પ્રખ્યાત કપ પણ જીતી લાવીએ છીએ. પણ વચ્ચે વચ્ચે ‘ધબડકો’ શબ્દ લુપ્ત ન થઈ જાય તે માટે પણ પ્રયાસ કરીએ છીએ.
 
ક્રિકેટમાં ઝીરોમાં આઉટ થવાની ઘટનાને ‘આઉટ ફોર ડક’ કહેવાય છે. છ જણા રન બનાવ્યા વગર આઉટ થાય ત્યારે મેચ જોનારને આંટો મારી જતાં રહેતા લોકોને જોઈ મોલના દુકાનદારને થાય એવી ફીલીંગ આવે. એમ તો વેસ્ટ ઈન્ડીયન ફાસ્ટ બોલર કર્ટની વોલ્શ ટેસ્ટ ક્રિકેટમાં ૪૩ વખત શૂન્ય ઉપર આઉટ થયો છે. એને પેડ અને ગ્લોવ્ઝ પહેરી ક્રીઝ પર જવા આવવામાં જેટલો સમય થતો હશે એટલી વાર તો ઘણીવાર એ ક્રીઝ પર નહિ ટકતો હોય. એની જગ્યાએ કોક આપણો ગુજરાતી હોય તો દાવ ડીકલેર કરી દે, કોણ જવા-આવવામાં નકામો ટાઈમ બગાડે! અજીત અગરકર નામનાં આપણા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયા સામે સળંગ સાત વખત ઝીરોમાં રેકોર્ડ આઉટ થઈ બોમ્બે ડકનો ખિતાબ મેળવ્યો છે. અગરકર આત્મકથા લખે તો આ આઠમી વખત એ બેટિંગ કરવા આવ્યો ત્યારની એની મનોસ્થિતિ વિષે વાંચવાની આપણને ઈચ્છા ખરી!

આમ તો કોઈ પણ આંકડામાં પાછળ ઝીરો આવે એટલે ‘રાઉન્ડ ફિગર’ બને છે. જેમ કે ૫૦, ૧૦૦, ૧૦૦૦, ૫૦૦૦, ૧૦૦૦૦૦ વગેરે. પણ શારીરિક રીતે જોઈએ તો રાઉન્ડ ફિગર સારું નથી ગણાતું. ઝીરો ફિગર શ્રેષ્ઠ ગણાય છે. મોડલોમાં ખાસ. ઝીરો સાઈઝ અમેરિકન કેટલોગ પ્રમાણે ૩૦-૨૨-૩૨થી માંડીને ૩૩-૨૫-૩૫ સાઈઝ સુધીની સ્ત્રીઓના ડ્રેસિંગ માટેની સાઈઝ છે. હિન્દી ફિલ્મની હિરોઇન્સમાં એક સમયે ઝીરો ફિગરનો ક્રેઝ હતો. પણ સાઉથ ઈન્ડીયન પ્રોડ્યુસર્સની ફિલ્મ જોવા ટેવાયેલા હિન્દી પ્રેક્ષકોએ ચૂસાઈ ગયેલ કેરીના ધોયેલાં ગોટલા જેવી ફિગરમાં ઝાઝો રસ ન દાખવ્યો એટલે જ કદાચ ઝીરો ફિગરને કારણે જાણીતી થયેલી એક હિરોઈન તો બીજવર શોધીને પરણી ગઈ! હવે તો ફરી પાછાં ભાદરવાની ભેંસ જેવી હિરોઈનોને લોકો હોંશે હોંશે જોવે છે.

અમે ભણ્યા એ દરમિયાન અમને કોઈ પણ વિષયમાં ક્યારેય ૦ માર્ક નથી આવ્યા. અમે બહુ હોંશિયાર હોવાનો દાવો નથી કરતાં પણ જેમ હિરોઈનો માટે ઝીરો ફિગર મેળવવું અઘરું છે એટલું જ અઘરું છે પરીક્ષામાં ઝીરો લાવવો. પણ ઘણાં એવાં હોય છે જે અઘરું કામ કરવામાં જ માને છે. પરીક્ષામાં શૂન્ય લાવવાનું અઘરું લક્ષ્ય પાર પાડવા માટે રખડવું પડે. ચોપડીઓ ઉઘાડવાની તસ્દી ન લો તો ઘણો ફાયદો થાય. ‘આજે એક્ઝામ છે’ એવું કોઈ ફ્રેન્ડ પરીક્ષાની સવારે ફોન કરી જણાવે ત્યારે ખબર પડે તો તમે શૂન્યના પ્રવાસે છો. પરીક્ષામાં મોડા પહોંચો તો જ તમે ટાર્ગેટ ઝીરો સુધી પહોંચી શકો. ચાલુ પરીક્ષાએ ઉંઘી શકો તો ઉત્તમ. એક વિષયની પરીક્ષા હોય અને બીજો વિષય તૈયાર કરીને જવાથી શૂન્ય મેળવવામાં સુગમતા રહે. અક્ષર ખરાબ હોય તો ભૂલમાં બે-ચાર માર્ક્સ મળતા હોય એ પણ અટકાવી શકાય છે. પ્રોફેસરો તમારા ઉપર કાયમ ગુસ્સે રહે એવું વર્તન કરવાથી ઝીરો ફિગર અચીવ થાય છે. અને પેપર કોરું છોડવાથી પરીક્ષક દયા ખાઈને માર્ક આપતાં હોય તેમને અટકાવી શકાય છે. આટઆટલી મહેનત કરીને કોઈ વિદ્યાર્થી શૂન્ય મેળવે તોયે મા-બાપ કે સમાજ એની ગણના નથી કરતો અને અન્ય ૭૦-૮૦% ગુણ લાવનાર કે જે શ્રેણીમાં માર્ક લાવનાર ગધેડે પીટાય છે તેમના દાખલા આપે છે.

ઇન્કમટેક્સ રીટર્નમાં ઝીરો રીટર્નનું બહુ મહત્વ છે. ખાસ કરીને વેપારીઓમાં. ગુજરાતીમાં ‘વકરો એટલો નફો’ એવી કહેવત છે. વેપારીઓ અને એમનાં ટેક્સ કન્સલ્ટન્ટસ ભેગાં થઈ ‘વકરો બહુ બધો પણ નફો કંઈ નહિ’ એ કહેવત ઇન્કમટેક્સ વિભાગને આંકડાકીય પ્રમાણ સાથે સમજાવા સદાય કોશિશ કરતાં રહે છે, અને મહદઅંશે સફળ પણ થાય છે.

આપણા સમાજમાં પોતાનાં પગ ઉપર ઊભા રહેવાનો બોધ માબાપ અને વડીલો નાનપણથી આપણને આપે છે. શ્રી શ્રી અમિતાભે નમકહલાલમાં આપણને ગીત ગાઈને આનો મહિમા સમજાવ્યો હતો. પણ ગુરુત્વાકર્ષણ બળ જેમ શૂન્ય તરફ જાય તેમ પોતાનાં પગ ઉપર ઉભું રહેવું અઘરું પડે છે. જોકે અવકાશયાત્રી બનવું એ એક સિદ્ધિ ગણાય છે અને અવકાશયાત્રીની ઉત્સાહી મમ્મીઓ એમને ‘પોતાનાં પગ ઉપર ઉભો રહી દેખાડ’ એવું નહિ કહેતી હોય.

શૂન્યનું પોતાનું મહત્વ હોવા છતાં એકડા વગરના મીંડાની પોતાની કોઈ કીમત નથી ગણાતી. લોકસભા ઇલેક્શનમાં હમણાં જ આપણે એકડાનું મહત્વ જોયું. તો સામે જેમને એકડા બનાવવામાં આવ્યા હતાં એ મીંડા નીકળ્યા એ પણ જોયું. પહેલાવાળા એકડાની પાછળ જોડવા મીંડાની પડાપડી પણ જોઈ. બીજા કહેવાતા એકડા પાછળના મીંડાઓ પરિણામ પછી કેવા ખસવા લાગ્યા એ પણ આપણે સાક્ષીભાવે જોઈએ જ છીએ!

ગાણિતિક રીતે જુઓ તો શૂન્ય ન ધન ન ઋણ છે. તટસ્થ છે. લેખકો માટે શૂન્યવત રહેવું જરૂરી છે. શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ શૂન્ય આવે છે. ઘણાં માણસોનો સંગ શૂન્ય જેવો હોય છે. કોઇપણ સંખ્યાને શૂન્ય વડે ભાગો તો અનંત જવાબ આવે છે. મૂર્ખ સાથે વિવાદ એ શૂન્ય વડે થતાં ભાગાકાર જેવો છે, એ અનંત છે. બાકી એવું શૂન્ય વિષે એવું પણ મનાય છે કે વજન, લંબાઈ જેવા માપ કદી શૂન્ય નથી હોતાં, આપણે એટલું ઝીણું માપી નથી શકતા. આ તો પત્નીના મનની વાત જેવું ના થયું? એમ તો કમ્પ્યુટરની બાઈનરી સિસ્ટમમાં ૦ અને ૧ જ હોય છે. ૦ એટલે ઓફ અને ૧ એટલે ઓન. ઘણાં કોમ્પ્યુટરના મોંઘા કોર્સ કર્યા પછી પણ જ્ઞાનમાં ‘૦’ હોય છે. વસ્તુતઃ કોઈ પણ પ્રોસેસ ઓન હોય છે કે ઓફ. પતિ-પત્નીમાં પણ એક ઓન હોય તો બીજું આપોઆપ ઓફ રહે છે. ખોટું કીધું કંઈ?
© adhir amdavadi
 

No comments:

Post a Comment