મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી |
ડિમાંડ અને સપ્લાય ઇકોનોમિક્સ વિષયનાં પાયામાં છે. જયારે ડિમાંડ
કરતાં સપ્લાય ઓછો હોય ત્યારે ભાવ વધે છે. વીસ જ વરસ પહેલાં ગુજરાતમાં એન્જીનીયરીંગની
ગણીને આઠ કોલેજ હતી. એ સમયે એન્જીન્યરીંગ કરવા લોકો ડોનેશન આપીને મહારાષ્ટ્ર
(ખાસ કરીને ધુલિયા) અને કર્ણાટક જતાં. આ બાબતે સરકાર પર
ખુબ માછલા ધોવાયાકે આપણા વિધાર્થીઓનેરૂપિયા ખર્ચીને બહાર જવું પડે છે. એમાં દુઃખ રૂપિયા
બહાર જાય એનું વધારે. આ બાબતમાંથી બોધપાઠ લઇ સ્થાનિક સંચાલકોએ નવી સંસ્થાઓ
ખોલી. અત્યારે ગુજરાતમાં ૧૦૦ કરતાં વધારે કોલેજ છે. પણ કોલેજ
ખોલનારમાંથી ઘણાં ઇકોનોમિસ્ટ નહિ પણ પોલીટીશીયન હોવાથી ડિમાંડ સપ્લાયનો નિયમ ભૂલી
ગયા. ગુજરાત શિક્ષણ બોર્ડની અસીમ કૃપાથી અઢળક માર્ક્સ મેળવ્યા પછી પણ, અને માત્ર
પંચાવન ટકાએ એડમિશન મળતું હોવા છતાં, એન્જીનીયરીંગની સીટ્સ હવે ખાલી રહે છે. આના પુરાવા તરીકે
બારમાંના પરિણામ પછી જ, અમુક તમુક કોલેજની પ્લેસમેન્ટ, ફેકલ્ટી વગેરેની
જ્વલંત સફળતાના સમાચાર છાપાઓમાં અદ્દલ સમાચાર જ લાગે તેવી જાહેરાતો રૂપે જોવા છે.
કોઈ કાર્યક્રમ હોય અને જો સીટો ખાલી રહે તો વક્તા નારાજ થઈ જાય છે. પછી એ કવિ
સંમેલન હોય કે ચૂંટણી સભા. મોટા નેતાઓ તો આયોજકોનો ઉધડો લઇ નાખે છે. આવા ઘણાં
કાર્યક્રમ જોવા માટે રૂપિયા નથી ખર્ચવા પડતાં. તો પછી જેમાં ખાસા રૂપિયા ખર્ચીને
જવાનું હોય એવી એન્જીનીયરીંગની સીટો ખાલી રહે તો સંચાલકો જાય ક્યાં બિચારા? હજુ તો
પાંચ વરસ પહેલાં જ જે સીટ દીઠ બે-પાંચ લાખ ઉઘરાવતા હતાં એ વગર ડોનેશને સીટ ઓફર કરે
અને એ લેનાર પણ ન હોય તો કેવું લાગે?
હવે બીજાં ધંધામાં થાય છે એમ આ સીટ્સ ભરવા માટે માર્કેટિંગ ગીમિક્સ થશે. જેમ
કે એક સીટ પર એક સીટ ફ્રીની ઓફર થશે. જે સીટ્સ નથી ભરાતી એવી આઈટી બ્રાંચ લેનારને
સાથે મીકેનીકલ કે સિવિલ એન્જીનીયરીંગ ફ્રી આપવામાં આવશે. શહેર દુરની કોલેજીસ ફ્રી ટ્રાન્સપોર્ટેશન
ઓફર કરશે. બિલ્ડર્સની સ્કીમની જેમ ‘રીંગ રોડથી માત્ર પંદર મિનિટના અંતરે’ એવી
જાહેરાત દ્વારા કોલેજમાં ગુલ્લી મારીને ભાગવાનો મોકો છે એવો ઈશારો પણ કરવામાં
આવશે. આજકાલ મમ્મીઓ ડિસીશન મેકર હોય છે એનો ફાયદો ઉઠાવવા એક સીટ પર એક વોશિંગ મશીન
ફ્રી જેવી ઓફર્સ પણ આવશે. મમ્મીઓ પણ પછી ‘ઘરમાં વોશિંગ મશીન તો છે, એમ કરીએ પેલી
કોલેજમાં કુકિંગ રેન્જ વિથ ચીમની ઓફર કરી છે ત્યાં એડમિશન લઈએ’ એવું કરશે. આ
ઉપરાંત મમ્મીઓને ટાર્ગેટ કરીને સીટ સાથે ‘દીપિકા સ્લિમિંગ પેકેજ ફ્રી’ જેવી ઓફર્સ પણ
જોવા મળે તો નવાઈ નહી.
પછી તો ઘેર ઘેર આવી કોલેજોના પ્રોફેસર કમ પાર્ટ-ટાઈમ-માર્કેટિંગ એક્ઝીક્યુટીવ
ટાઈ પહેરીને બકરાની નોંધણી કરવા પહોંચી જશે. હાસ્તો, પ્રાઈવેટ કોલેજમાં પ્રોફેસરની
સેલરી વસુલ થવી જરૂરી છે. પછી ભલે કારકૂની હોય કે માર્કેટિંગ. આજકાલ સેમિનાર અને
એજ્યુકેશન મેલા તો ઓલરેડી શરુ થઈ ગયાં છે, પણ પછી તો તમારો સુપુત્ર કે સુપુત્રી
કોલેજ લાયક છે એ જાણવા મળે તો તમારો ટેલીફોન નંબર લઇ ઘેર ફોન આવતાં થઈ જશે. જેમ
કે,
“હેલ્લો સર, હું અમથીબેન કચરાભાઈ ફાઉન્ડેશનથી બોલું છું. તમારો નંબર અમારા લકી
ડ્રોમાં નીકળ્યો છે સર. સૌથી પહેલાં તો કોન્ગ્રેચ્યુલેશન્સ. સર, આવતીકાલે સાંજે પાંચ
વાગ્યે તમારે તમારી પત્ની અને સન સાથે અમારી ઓફિસ પર આવવાનું છે. જેમાં અમે તમને
અમારી સંસ્થા વિષે એક નાનું ઇન્ટ્રોડક્શન આપીશું એ પછી તમને ચાર જણ માટે ત્રણ દિવસ
બે રાતના સાડત્રીસમાંથી તમારી પસંદગીના સ્થળના હોલી ડે વાઉચર આપવામાં આવશે. સર તો
તમે આવશો ને?”
અને જો તમે ભૂલમાં ત્યાં ગયાં તો તમને કોલ્ડ્રીંક પકડાવી ને કોઈ નવી શરુ થયેલી
કોલેજના કોર્પોરેટ પ્રેઝન્ટેશન અને કેમ્પસના ૩૬૦ ડીગ્રી વિડીયો દેખાડી લલચાવશે. એમાં
તમે જો જરાક ઢીલા પડ્યા તો તમારા વતી ફોર્મ અને ઓનલાઈન ચોઈસ ફીલીંગ પણ કરી આપશે.
પણ કોલેજ ચાલુ થાય ત્યારે તમારો રાહુલ ખબર આપશે કે ત્યાં લેક્ચર તો તમારા પડોશીનો મ્હોં
પરથી માખ ન ઉડાડી શકતો સદ્યસ્નાતક બાબો આપે છે! અને જે ત્રણ દિવસના વાઉચર મળ્યા હતાં
એ તો ફૂદડીવાળા હતાં જે વેકેશન અને વિકેન્ડ સિવાય વાપરવાની શરત હતી. એમાંય પાછું
સાડત્રીસ સ્થળોમાંથી તેત્રીસ સ્થળો તો એક હજાર કિ.મી. કરતાં વધુ દુરનાં સ્થળના
હતાં જ્યાં જવા-આવવાનો ખર્ચ મારી નાખે એવો હતો. એકંદરે બાવાના બેઉ બગડ્યા જેવું થાય
છે.
હવે તો પેમેન્ટ અને ખાલી સીટ્સ પર કોઈપણ આલિયા-માલિયા ગમે ત્યાં
એડમિશન લઇ શકે છે (ટુ-સ્ટેટ્સમાં આલિયા આઈઆઈએમની સ્ટુડન્ટ છે જ ને!). છોકરાએ ભણવામાં
મહેનત ન કરી હોય પણ પપ્પાએ નોકરી-ધંધામાં મહેનત કરી હોય તો લક્ષ્મીકૃપાથી એડમિશન
મળી જાય છે. પછી સરસ્વતિકૃપા વગર ડીગ્રી પણ મળી જાય છે. પણ ડીગ્રી છતાં
ડફોળ એવાં આપણા આ એન્જીનીયરને નોકરી હાથતાળી આપી જાય છે. આમ જુઓ તો એમ થવું એ બહુજનહિતાય
છે.
આમ તો પાસ થનાર ડબ્બાને ઘણીવાર કોલેજમાં જ નોકરી મળી રહે છે. પણ
ડીમાંડ-સપ્લાયના નિયમ અનુસાર ભાવ, એટલે કે પગારમાં મંદીની નીચલી સર્કીટ લાગેલી છે.
છતાં ખાનગીમાં જે ‘ડબ્બા ટ્રેડીગ’ ચાલતું હોય છે, મતલબ કે એન્જીનીયરીંગમાં ‘કરતા
જાળ કરોળીયા’ની જેમ ‘એટીકેટી’ (બ્લોક) ક્લીયર કરી કરીને નીકળેલા ડબ્બાઓ ડાળે વળગી
જતા હોય છે. આવા ડબ્બેશો ‘આસિસ્ટન્ટ પ્રોફેસર’ની પોસ્ટ શોભાવતા હોય છે જેમનો પગાર
‘ફૂલ પગાર’વાળા પટાવાળા કરતાં પણ ઓછો હોય છે. આ બાબતે વિગતે સંશોધન કરવામાં આવે તો
જે કોલેજો બંધ થવાની કગાર પર છે તેમાંની અમુક પગારના બદલામાં કોલેજના ટેબલ-ખુરશી,
કબાટ અને અમુક નસીબદારોને કોમ્પ્યુટર આપતી હોય એવા કિસ્સાઓ મળી આવે તો પણ નવાઈ
નહિ.
આવી દારુણ પરિસ્થિતિમાં પડ્યા પર પાટુની માફક હવે લગ્નબજારમાં એમબીએ પછી એન્જીનીયર્સનાં
પણ ભાવ ગગડ્યા છે. જેમ પહેલા મંગળદોષ છુપાવવામાં આવતો હતો એમ હવે છોકરો એન્જીનીયર
છે એ બાબત ગર્વ લેવાને બદલે છુપાવવામાં આવે છે. લાગે છે કે રેસમાં હવે માત્ર
એનઆરઆઈ, ડોક્ટર્સ અને સીએ જ બચશે. અથવા તો એન્જીનીયરોમાં
અંદર અંદર સગોત્ર લગ્ન કરશે. આ પરિસ્થિતિમાં અમે તો એટલું જ સાંત્વન લઈએ છીએ કે
સારું છે કે મંદી આવતા પહેલાં અમે પરણી ગયા.આપમુવા પીછે ડૂબ ગઈ દુનિયા!●
No comments:
Post a Comment