હમ્પ્ટી શર્મા કી
દુલ્હનિયા પંજાબની કુડીનો રોલ આલિયા ભટ્ટ કરે છે. એની બહેનપણીના લગ્નમાં અને
પોતાનાં લગ્ન માટે કોઇપણ ભોગે પાંચ લાખ રૂપિયાનો લેંઘો ખરીદવા એ દિલ્હી આવે છે. અમારા
જેવા ગુજરાતીઓ તો લેંઘામાં કેવા હીરામોતી ટાંક્યા હશે એ વિચારે ગોટે ચઢી જાય
ત્યારે સાડી સત્યાવીસ મીનીટ પછી ખબર પડે કે આપણે જેને ચણીયા-ચોળી કહીએ છીએ તેને
આલિયા અને પંજાબીઓ લેંઘો કહે છે. પણ આલિયા કીધી કોને!
આ બાજુ દિલ્હીમાં હમ્પ્ટી
નામનો નવજુવાન શર્મા કોઈ વાતે શરમાતો નથી. એ એટલો ડોબો હોય છે કે આર્ટસમાં
હિસ્ટ્રી સબ્જેક્ટમાં પાસ થવા એણે પ્રોફેસરને ધમકી આપવી પડે છે, જ્યાં પ્રોફેસરની ભાણી
એવી આલિયા સાથે તેની મુલાકાત થાય છે. પછી તો પંજાબી કુડી કે જે અડધી સેમી બમ્બૈયા અને
ક્વાર્ટર પંજાબી મિશ્રિત હિન્દી બોલતી હોય એવી આલિયા સાથે હમ્પ્ટી અને એનાં ત્રણ
દોસ્તોની દોસ્તી થઈ જાય છે. આલિયા કે જેનું નામ કાવ્યા હોય છે તે મોઢામાં ખાવાનું
હોય ત્યારે બોલવાની માહિર હોય છે તે હમ્પ્ટીને કોફીશોપમાં અને ઠેકઠેકાણે મળે છે.
તરત જ એ લોકો એક ડીજે
પાર્ટીમાં જાય છે જ્યાં ડીજેને બદલે વરુણ ગાય અને નાચે છે. ‘મેં તેનું સમજાવા ..’
ગીત સિવાયના ગીતો ફિલ્મ પૂરી થાય એ પહેલાં ભૂલી જાય એવા છે. પણ થોડા જ સમયમાં આલિયા
હમ્પ્ટી એન્ડ દોસ્તારો સાથે હમ્પ્ટીનાં ફાટેલાં ડોળાવાળા ટાલીયા બાપુજીની સ્ટેશનરીની
દુકાનમાં જ નાઈટઆઉટ માટે તૈયાર થઈ જાય છે. એટલું જ નહિ તરત જ બીયર પીવામાં પણ હમ્પ્ટી
સાથે કમ્પીટીશન કરે છે, એટલું જ નહિ જીતી ને અંબાલાનું નામ રોશન કરે છે. બીયર માલિયાની
કંપનીનો હતો કે નહિ એ ખબર નથી, પણ આલિયા માટે તાલીયાં તો થઈ જાય !!
હમ્પ્ટી કાવ્યાને
લેંઘો ખરીદવા ફાઈનાન્સ કરે છે તો કાવ્યા સામે એટલાં જ રૂપિયા હમ્પ્ટીને કાર ખરીદવા
ગીફ્ટ આપે છે. ઈન્ટરવલ સુધીના પિક્ચરનો એટલો જ સાર કે ડીઝાઈનર લેંઘાની કિંમતમાં મળે
છે મારુતી કાર! આમ તો કાવ્યાના એનારાઈ મુરતિયા સાથે લગ્ન નક્કી થયા હોય છે. આ
મુરતિયો બત્રીસ લક્ષણો હોય છે અને વરુણ એની આગળ મગતરા જેવો હોય છે, પણ આલિયાની
ચોઈસ પણ એટલી ઉંચી ક્યાંથી હોય? પછી તો ડીડીએલજે તમે જોયું જ હશે એટલે આલિયાના
પંજાબી ફાધર અને ફેમીલીનાં ત્રાસની આખી સ્ટોરી કહી તમને વધુ બોર નથી કરતો. આમેય અંત
સુધી પહોંચતા ડાયરેક્ટર પણ ફિલ્મ બનાવતા થાકી ગયો હોય એવું લાગે છે.
એકંદરે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ જેવી જ વર્તણુંક આખી ફિલ્મમાં કરે છે. આમ છતાં ફિલ્મના લેખક અને
ડિરેક્ટરે અંબાલાની છોકરીનું જે સુંદર ચરિત્ર નિરૂપણ કર્યું છે એ જોતાં ગુજરાતી
રસિકજનો અંબાલાની છોકરીઓને શોધી-શોધીને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતા થઈ જાય
તો નવાઈ નહિ. બાકી આવી ફિલ્મ જોવા કરતાં કરણ જોહર ધર્માદા ફંડમાં ડાયરેક્ટલી રૂપિયા આપવા સારા.
No comments:
Post a Comment