કટિંગ વિથ અધીર-બધિર
અમદાવાદી
---------------------------------------------------
થોડા
દિવસ પહેલાં એક અચરજ થાય એવા સમાચાર વાંચવા મળ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં
સાતકરસ્થલ નામનું એક ગામ છે જ્યાં સરપંચની પસંદગી એક માખી કરે છે! તમે નહિ માનો પણ
આ એક હકીકત છે! એ ગામના વડીલોએ સરપંચની ચૂંટણીમાં હિંસા, અપહરણ અને ગેરરીતીથી તંગ આવીને વિવાદ ટાળવા આ નવી
રીત શોધી છે. પધ્ધતિ એવી છે કે દર વર્ષે સરપંચ પદના ઉમેદવારોના નામની ચિઠ્ઠીઓ
બનાવીને મંદિરમાં ભગવાન સમક્ષ નાખવામાં આવે છે અને એ પૈકી જે ચિઠ્ઠી પર સૌ પહેલાં
માખી બેસે એને સરપંચ ઘોષિત કરવામાં આવે છે. સરપંચ વહી જો મખ્ખી મન ભાયા!
છે
ને કમાલનો આઈડિયા? પણ
સાવ સીધી સાદી લાગતી આ પ્રક્રિયામાં રહેલી જટિલતા સમજવા તમારે તમારી જાતને માખીની
જગ્યાએ મુકીને જોવી પડશે. સ્કૂલમાં ‘હું માખી હોઉં તો ...’ એવો નિબંધ પૂછાયો હોય
તો તમે શું લખો? એ જ ને કે – હું સવારે તાર પરથી ઉઠી, ઉડી અને કિંજલ બેનની
ચોકડીમાં ગઈ. ત્યાં પડેલા કપમાંથી ચા પીધી અને સાથે બળેલા-ચવ્વડ પીઝા પરની ગ્રેવી
ખાધી. પછી દોઢેક કલાક સોસાયટીમાં બેઠેલી ગાયના નાક-કાન પર બેસવામાં અને એના પૂંછડા
સાથે કુસ્તી કરવામાં વિતાવ્યો વગેરે વગેરે... ટુંકમાં તમારા મતે માખીનું કામ ગંદકી
પર બણબણવાનું કે પછી સુપરમાર્કેટમાં એક રેકથી બીજી રેક ફર્યા કરતી ગૃહિણીની જેમ
ઉડ્યા કરવાનું એ જ ને? પણ ના. અહીં તમારે એક જવાબદાર માખી તરીકે વર્તવાનું છે. એવી
માખી કે જેણે ગામના વિકાસના સૂત્રધારની
પસંદગી કરવાની છે. આ ઘડીએ તમે જો માખીગીરી એટલે કે અસલિયત પર ઉતરી આવ્યા આખું ગામ
ઉકરડાથી ભરાઈ જશે. માટે જે કરો એ સમજીને કરજો.
આ
પ્રક્રિયામાં ગામના લોકોએ ઉમેદવારોના નામની ચિઠ્ઠી નાખવાનું રાખ્યું છે એ પણ
અક્કલનું કામ કર્યું છે. બાકી પહેલો વિચાર
તો ચિઠ્ઠીઓને બદલે જે ઉમેદવાર પર માખી બેસે એને જ સરપંચ બનાવવાનો આવે અને એવું થાય
તો એના પરિણામો ખતરનાક આવી શકે છે. અમુક ઉમેદવારો તો ‘પ્રચાર’ના ભાગ રૂપે
‘મતદાર’ને ‘રીઝવવા’ અને એમ કરીને પોતાના તરફ આકર્ષવા માટે ફોર્મ ભરતા પહેલાજ
નહાવા-ધોવાનું બંધ કરી દે તો પણ નવાઈ નહિ! ઉકરડાના ‘માલ’ના પણ ભાવ બોલાય! ગામમાં
ગંદા ગોબરા દેખાવાની સ્પર્ધા પણ શરુ થાય. સભામાં ઉડતી માખીઓ પરથી ઉમેદવારોના બળાબળની
તુલના થાય. એમાં પણ આપણું હરખ-પદૂડું મીડિયા ઝંપલાવે પછી તો રંગ જામે. આવા
રિપોર્ટો રોજના થઇ જાય, જેમ કે ‘મોઢા પરથી માખ ન ઉડાડી શકનાર બાબ્ભ’ઈની
સભામાં હજારો માખીઓનો બણબણાટ ...’, ‘સ્વજનના મૃત્યુને કારણે બચુભાઈને ચૂટણીમાં
સ્નાનનું વિઘ્ન ..’, ‘માજી સરપંચની સભામાં મારવા માટે માખીઓ પણ નહોતી!’ વગેરે
વગેરે ... એટલે ચિઠ્ઠીઓ નાખવાનું રાખ્યું છે એ એકંદરે સારું છે.
જોકે
ગમે તેટલી તકેદારી રાખો તો પણ ચૂંટણીમાં વોટિંગ મશીન સાથે ચેડાં થયા હોવાના આરોપ
મૂકતા ઉમેદવારો આ માખી દ્વારા થનારા ચયનમાં પણ વાંક દેખી શકે છે. હારી ગયેલો
ઉમેદવાર જીતી ગયેલા ઉમેદવારે ચાઈનીઝ સિન્થેટીક રીમોટ કંટ્રોલ્ડ માખી, કે જે ધારી
ચિઠ્ઠી ઉપર બેસે, એને મેદાનમાં ઉતારી હતી એવો આક્ષેપ કરી શકે. તો કોઈ ઉમેદવારે ગામની
માખીઓને ચૂંટણીની આગલી રાત્રે મફત દારુની મહેફિલમાં નવા દારૂડિયાની ઉલટી ઉપર
બેસવાની મિજબાની આપી હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી શકે છે.
બાકી
માખી એ ઘણું વગોવાયેલું જંતુ છે. આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ માખી એ રોગોની વાહક
ગણાય છે. લેખકો, સંતો અને વિચારકોએ પોતાના વક્તવ્યો અને ઉપદેશોમાં માખીઓનો ઉલ્લેખ
હંમેશા નકારાત્મક રીતે જ ઉપયોગ કર્યો છે. માખી માટે એવું કહેવાય છે કે એ દીપિકા
પાદુકોણના ગાલ પર બેસશે તો પણ ખીલ શોધીને બેસશે. કહેવતોમાં પણ માખીનો આઈ.ક્યુ.
નીચો ગણવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે - ‘માખી, મકોડો, મૂરખ નર, સદા રહે લપટાઈ, ભમર, ભોરિંગ ને ચતુર નર, કરડી આઘો જાય’. આમ છતાં પણ સંગીતમાં જેમ યો યો હનીસીંઘના ચાહકો
હોય છે એવા શાસ્ત્રીય સંગીતના ચાહકો પણ હોય છે એમ માખીઓમાં પણ ઉકરડા જેટલી જ માખીઓ
મીઠાઈ ઉપર પણ બણબણતી જોવા મળે છે. બીજો એક યોગનુયોગ ગણો કે ગમે તે પણ માખીને લેટીન
ભાષામાં ‘મસ્કા’ (મસ્કા ડોમેસ્ટીકા) કહે છે! આમ છતાં જે મસ્કા પર આ મસ્કો લાગેલો
હોય એ મસ્કો અખાદ્ય ગણાય છે. આમ અત્યંત બદનામ હોવા
છતાં માનવ જાતે માખી પર આટલો ભરોસો મુક્યો એ મક્ષિકા સમાજ માટે આ ખુબ જ ગૌરવ લઇ
શકાય એવી ઘટના કહેવાય.
No comments:
Post a Comment