મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૬-૨૦૧૪ | અધીર અમદાવાદી |
મૂર્ખ એટલે
અડધી રાત્રે,
સાવ સુમસામ સડક પર,
જ્યારે તમે અને એ જ
રસ્તા ઉપર હોવ,
ત્યારે જે તમને
હોર્ન મારવા
મજબૂર કરે તે!
--
“અમે
અમેરિકા ગ્યા તો ન્યા ન્યુયોર્ક સિવાય ક્યાંય હોર્ન જ સાંભળવા ન મળે હોં!” આવું કોઈ પણ અમેરિકા રીટર્નડ અહોભાવથી કહ્યા વગર નથી રહી
શકતો/શકતી. પછી ભેગાભેગ “આપણે
ન્યા તો .....” કરી ને ભારતમાં રોડ પર હોર્ન મારવાની
પ્રથાને એ વખોડશે. પણ અમેરિકામાં પણ બીજા કોઈ ખોટી રીતે વાહન હંકારે કે નડે તો
હોર્ન મારવું વાજબી ગણાય છે. ખરેખર તો એ ઇન્સલ્ટ ગણાય છે. જેને હોર્ન મારવામાં આવે
છે એ ખસિયાણો પડી જાય છે. જોકે “આપણે
ન્યા” એવું નથી.
અમેરિકાના ન્યુયોર્કમાં હોર્ન વાગતાં
સાંભળીને ત્યાં ગયેલા ભારતીયને ઘર જેવું લાગે છે. પણ ત્યાંના આરોન નેપરસ્તેક નામના
રહેવાસીએ અંગ્રેજીમાં જેને હોન્કિંગ મિનેસ કહેવાય છે તે સામે બાંયો ચઢાવી છે. એણે
એન્ટી હોન્કિંગ હાઈકુ લખીને ઇન્ટરનેટ અને થાંભલા ઉપર ચોંટાડવાનું શરુ કર્યું છે.
આમેય કવિતા એ એક ત્રાસવાદનો જ પ્રકાર છે, એ હિસાબે
હાઈકુ કે જેને ‘હોન્કુ’ નામ અપાયું છે તે હોન્કિંગ સામે અસરકારક લડત સાબિત થઈ
રહ્યાં છે.
પણ આપણે ત્યાં ભેંસની જેમ દુનિયાના
અસ્તિત્વથી બેખબર રોડ ક્રોસ કરતી આંટીઓ, ગધેડાની
જેમ રોડ વચ્ચે ઊભા રહી વોટ્સેપ મૅસેજ ચેક કરતાં છોકરાંઓ, કારમાં સિગ્નલ ઉપર મળેલી દોઢ મીનીટમાં અર્જુનની જેમ ઈ-મેઇલ
ચેક કરતાં બિઝનેસમેન્સ, રસ્તામાં
આવતાં દરેક સિગ્નલ પર મળતી મીનીટ-બે મીનીટમાં કારના સનવાઈઝરમાં મોડલની જેમ મેકઅપ
ચેક કરતી માનુનીઓ, પેટ્રોલની
બચત કરવા સિગ્નલ ગ્રીન થયા પછી પૂરી સાડી ત્રેવીસ સેકન્ડ પછી રિક્ષાનું એન્જિન
સ્ટાર્ટ કરતાં રીક્ષાવાળાઓ, પોદળા પર
પૈડું ન ચઢી જાય એ માટે સાપની જેમ સાઈકલ ચલાવતાં સાઈકલીસ્ટ, પૂજ્ય પિતાશ્રીના ઉદ્યાનમાં લટાર મારવા નીકળ્યા હોય એમ રોડ
ક્રોસ કરતાં રેન્ડમ શહેરીજનો, હરાયા
ઢોરની જેમ ઘેરથી નીકળ્યા પછી ક્યાં જવું એ નક્કી ન કરી શકતા અને ચાર રસ્તાની વચોવચ
પહોંચી નિર્ણય લેતાં કોલેજીયનો, સ્કુટી
ઉપર જતી ને હેન્ડ્સ ફ્રી પર વાગ્દત્તને ઝાટકતી ઓફિસ ગર્લ્સ, સાંકડી ગલીમાં રસ્તાની બેઉ બાજુ દુકાનના
બોર્ડ તરફ ડાફોળિયાં મારતાં સ્કુટરચાલક કાકાઓ, અડિયલ ટટ્ટુની જેમ એડ્રેસ પૂછવા અચાનક રસ્તા વચ્ચે ઊભા રહી
જતાં શહેર બહારના વાહનચાલકો, ચાલુ
ગાડીએ પાન થૂંકતા અસભ્ય થૂંકવીર નબીરા, અપવાદ
વગર દરેક ટેમ્પોવાળાને રસ્તા વચ્ચે ઊભા રાખી બિનધાસ્ત રૂપિયા ઉઘરાવતા ટ્રાફિક
પોલીસ, પોતાની સ્મશાનયાત્રામાં જવા નીકળ્યા
હોય એટલું ધીમી કાર ચલાવતા કાકાઓ, બાઈક પર
ગમે ત્યાંથી કટ મારીને ઉતાવળે નીકળતા સેલ્સમેન અને વેપારીઓ, પાલિકાના રસ્તાને પોતાનાં બાપનો માલ ગણી રસ્તા ઉપર ધંધો કરી
નડતાં વિવિધ પ્રકારના ફેરિયા અને વેપારીઓ, એઠવાડ
શોધવા રખડતી ગાય માતાઓ, અને આ
બધાથી બેખબર રસ્તા ઉપર પડેલી કોઈ વસ્તુ ઉઠાવવા મથતાં માણસના વફાદાર સાથી કૂતરાં જે
દેશમાં હોય ત્યાં હોર્ન ન મારવાની સલાહ આપવી એ મરતાંને ગંગાજળ ન પીવાનું કહેવા
બરોબર છે. અહીં તો પાર્થને કહો વગાડે હોર્ન, હવે તો
હોર્ન એ જ કલ્યાણ.
જોકે અમુક માત્ર મોજ ખાતર હોર્ન
મારતાં હોય છે. અમુક લોકોને હોર્ન ચાલુ છે કે નહિ તે વારંવાર ચકાસવાની ટેવ હોય છે.
અમુક રેડિયો પર વાગતાં ગીતમાં તાલ પુરાવવા હોર્ન પર હાથ દબાવે છે. કેટલાક તો ખાડો
આવે તો પણ હોર્ન મારે, જાણે
હોર્ન મારવાથી ખાડો ખસી જવાનો હોય! અમુક એવું માને છે કે ટ્રાફિક જામ હોય અને આપણે
હોર્ન વગાડીશું તો હોર્નના અવાજથી હવાને જે ધક્કો વાગશે તે ધક્કાથી આગળના વાહનો
વધુ આગળ ખસશે! હોર્નને વધુ અસરકારક બનાવવા અમુક હોર્નની સાથે ગાળો પણ બોલતાં હોય
છે. હોર્નની જેમ જ ગાળો પણ કદાચ ટ્રાફિકની સમસ્યાનો રાવણબાણ ઇલાજ હોય એવી માન્યતા
હોઈ શકે છે આવા લોકોની. ‘શું આપણી
પોલીસ સાઇલન્સ ઝોનનું પાલન અસરકારક રીતે કરે છે કે કેમ?’ એ ચકાસવા પણ ઘણાં સ્કૂલ અને હોસ્પિટલ
પાસે હોર્ન મારતાં હોય છે. હોર્ન વગાડવાને અંગ્રેજીમાં હોન્કિંગ કહે છે. મેડિકલ
ટર્મીનોલોજીમાં આવા જરૂર વગર હોર્ન વગાડતા લોકોને હોન્કેમિક કમ્પલસીવ ડીસઓર્ડર
થયેલ કહેવાય. આનો ઇલાજ ટ્રાફિક પોલીસ ધારે તો બે ધોલ મારીને કરી શકે છે!
કોઈકે એવું કહ્યું છે કે સમયનું
નાનામાં નાનું માપ એ ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય અને તમારી પાછળનું વાહન હોર્ન વગાડે
એ વચ્ચેનો સમય છે. હું નહીં, અહીં
બધ્ધા અધીર છે! સિગ્નલ ગ્રીન થયું નથી કે મંડ્યા નથી. એમાં પોતે એસીમાં ગ્લાસ
અધ્ધર ચઢાવીને બેઠાં હોય. જાણવા જેવું એ છે કે હોર્નને ગુજરાતીમાં શિંગુ કહે છે.
રસ્તા ઉપર આ શિંગુ રણશિંગુ બની જાય છે.
આપણે ત્યાં ટ્રકની આગળની તરફ નેશનલ
પરમિટ અને પાછળની તરફ હોર્ન પ્લીઝ એવું લખેલું જોવા મળે છે. પાછું આ બે લખાણની
વચ્ચે, નીચેની તરફ ઓકે લખેલું હોય છે. મતલબ
એવો કે, તમે હોર્ન માર્યું? ઓકે, થેંક યુ.
લો હું સાઇડમાં જાઉં છું, તમારે
ઉતાવળ હોય તો જાવ આગળ. પણ અમે અગાઉ જણાવ્યું એ મુજબનું બિભત્સ વર્તન રસ્તા ઉપર
કરતાં લોકોને હોર્ન મારો તો અકળાઈ ઊઠે છે. અકળાઈને એ ગાળો બોલે છે. સુરત સિવાયના
શહેરોમાં પણ. ગાળો બોલવી ઓકે છે. અમારા મતે ભારતમાં પબ્લિકમાં ડિસીપ્લીન આવે ત્યાં
સુધી હોર્ન મારવું એ પહેલાં જરૂરિયાત છે પછી ઉપદ્રવ.
અમેરિકામાં લોકો ભણેલાં છે. જેમની
પાસે ડિગ્રી નથી હોતી એ પણ. મેઈન રોડ ઉપર કોઈ કારણ વગર ઊભું નથી રહેતું. નાની
ગલીમાંથી નીકળનાર મેઈન રોડ પર જનાર વધારે સ્પીડના વાહનોને પહેલો માર્ગ આપે છે, આંધળુકિયા કરીને ઘૂસી નથી જતાં. અમેરિકામાં નિર્ધારિત
જગ્યાએથી તમે રોડ ક્રોસ કરતાં હોવ તો રસ્તે જનાર વાહન તમે રોડ ક્રોસ કરી લો ત્યાં
સુધી પોતાનું વાહન થોભાવી દે છે, હોર્ન
નથી મારતો. પરંતુ જો તમે ગમે ત્યાંથી (ઝિબ્રા ક્રૉસિંગ સિવાય) રોડ ક્રોસ કરો તો એ ‘જે-વોકિંગ’ ગણાય અને
ટ્રાફિક પોલીસ અંકલ તમને સો-બસો ડોલર દંડ ઠોકે છે. ત્યાંના લોકો રસ્તો પોતાનાં
પપ્પા, કાકા,
મામા, દાદા,
નાના, સસરાની જાગીર છે એવું સમજીને નથી
વર્તતા. આમેય અમેરિકન્સમાં તો કાકા મામાને જોયા ન હોય એવું પણ બને, એટલે એમનું નામ વાપરીને રસ્તા ઉપર ધાક જમાવવાનો તો પ્રશ્ન જ
ન હોય ને? પાછું ત્યાંના પોલીસડા એમ કોઈનું નામ
વાપરવાથી અંજાઈને દંડ કર્યા વગર જવા દે એવું પણ બનતું નથી. એટલે અમેરિકાની વાત
કરવી હોય તો પહેલા અંગ્રેજીમાં ડિસીપ્લીન અને ગુજરાતીમાં સંસ્કાર વચ્ચે આવે.
કમનસીબે આપણી પાસે ટ્રાફિક સંસ્કાર નથી, ખાલી
મોટી મોટી વાતો જ છે સંસ્કારની. n
No comments:
Post a Comment