Monday, June 23, 2014

ફૂટબોલ - હિન્દી પિક્ચર સ્ટાઈલ




મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૬-૨૦૧૪ | અધીર અમદાવાદી | 
 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્રિએટીવ છે કે નહીં, ઓરીજીનલ છે કે નહીં તે વિષે પ્રશ્નો પૂછાતા રહ્યાં છે. આવું થાય એ સ્વાભાવિક છે કારણ કે ઘણી હિન્દી ફિલ્મોની સ્ટોરી, સીન, પોસ્ટર્સ, અને મ્યુઝીક કોઈ વિદેશી ફિલ્મમાંથી ઉઠાવ્યા હોય એવા પુરાવા મળ્યા છે. આમ છતાં અમે માનીએ છીએ કે હિન્દી ફિલ્મોમાં આપણા રાઈટર્સ અને ડાયરેકટર્સ ઘણાં ક્રિએટીવ છે. અમર અકબર એન્થનીના એપિક સીનમાં ત્રણ ભાઈઓનું લોહી ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં ઉપર ચઢે, ત્રણ નળીઓ એક જ બોટલમાં જાય, અને ત્યાંથી દસ-પંદર ફૂટ દુર સુતેલી હટ્ટીકટ્ટી નિરુપા રોયને ચઢાવવામાં આવે એ આખી સિકવન્સમાં કલ્પનાના ઘોડાને ગુજરાતના બુટલેગરોની જેમ છુટ્ટા મુકવામાં આવ્યા છે.

આપણે ત્યાં ભલે એવી ચણભણ થતી રહે કે રમતગમતને પૂરતું પ્રાધાન્ય નથી મળતું. પણ હિન્દી ફિલ્મોમાં સ્પોર્ટ્સ પર ઘણી ફિલ્મો બની છે. નવામાં ભાગ મિલ્ખા ભાગ ફ્લાઈંગ સીખ મિલ્ખા સિંઘનાં જીવન પર આધારિત છે. ચક દે ઇન્ડિયામાં મહિલા હોકી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની વાત છે. આમીર ખાનની જો જીતા વોહી સિકંદરમાં બે સ્કૂલો વચ્ચેની સાઈકલ રેસની રોમાંચક લવસ્ટોરી છે. પ્રકાશ ઝા અને ગુલઝારની હિપ હિપ હુરરે નામની ફિલ્મમાં રાજ કિરણ સિક્સ પેક વગરનો કોમ્પ્યુટર સાયન્સ એન્જીનીયર છે, જે સ્પોર્ટ્સ ટીચર બને છે અને સ્કુલ ટીમને ફૂટબોલમાં ચેમ્પિયન બનાવે છે. કોઈ મિલ ગયા ફિલ્મમાં હ્રીતિકને સોલર પાવર્ડ એલિયન બાસ્કેટ બોલ મેચ જીતાડે છે. અવ્વલ નંબર અને લગાનમાં ક્રિકેટની વાર્તા છે, બંને ફિલ્મોમાં આમીર ખાને કામ કર્યું છે. ક્રિકેટમાં સચિન અને ગવાસ્કર ઓછી ઊંચાઈનો લાભ લઇ સફળ થયા છે. આમિરની હાઈટ જાણનાર કોઇપણ વ્યક્તિ આમિરના ક્રિકેટર તરીકેના રોલ કરવામાં એની દૂરંદેશી અને પરફેક્શનિસ્ટ સ્વભાવને દાદ આપ્યા વગર ન રહી શકે.

લગાનમાં ગામડાની પ્રજા આમીરની આગેવાની હેઠળ ધોતિયા પહેરીને મેચ રમે છે અને ઠુંઠીયો બોલર ગુગલી બોલ નાખી વિકેટ પાડે છે, અને આમીર મેચ જીતાડી પ્રજાને ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાવે છે. ગુગલી બોલની શોધનું શ્રેય અંગ્રેજોના શાસન દરમિયાન આપણાં કચ્છમાં થયું હતું એવું આ ફિલ્મથી પ્રતિપાદિત થાય છે. અંગ્રેજોને ભારતમાંથી ખદેડવામાં આવી લગાન જેવી કેટલીય નાની-મોટી ઇતિહાસમાં નોંધાઈ ન હોય તેવી ઘટનાઓ હશે તેવું જોનારને લાગે એ સ્વાભાવિક છે. આ ફિલ્મ જોઈને ગુજરાતમાંથી ઘણાયે દેશદાઝથી વેકેશનમાં ઇંગ્લેન્ડ જવાની ટીકીટો કેન્સલ કરાવી દીધી હતી. આમ આઝાદીની લડતથી લઈને આજ સુધી ગુજરાત સદા અગ્રેસર હતું, છે અને ભવિષ્યમાં પણ રહેશે.  

ખરેખર તો અત્યારે જે ફૂટબોલ મેચ રમાય છે એ બધી બોરિંગ છે. એમાં ડાયલોગ તો બહુ ઓછા આવે છે, આવે છે એ મોટે ભાગે રેફરીના ભાગે જ આવે છે. દોઢ કલાક દોડ દોડ કરે ત્યારે માંડ એક-બે ગોલ થાય છે. મઝા ત્યારે આવે જયારે હિન્દી ફિલ્મના સ્ક્રીપ્ટ રાઈટર સ્ક્રીપ્ટ લખે એ પ્રમાણે ફૂટબોલની મેચ રમાય.

જો હિન્દી ફિલ્મ કન્સેપ્ટ ઉપર ફૂટબોલ રમવામાં આવે તો હીરો પહેલા હાફમાં હરીફ ટીમને કરી શકે એટલા ગોલ કરવા દે. ફિલ્મ અઢી કલાક ખેંચવાની હોય એટલે સામેવાળી ટીમ ૨૫-૩૦ જેટલા ગોલ કરી જાય. હીરો થોડો માર પણ ખાય. એનાં હોઠના ખૂણામાંથી લોહી નીકળે. પણ રેફરી સામેવાળી ટીમના પ્લેયરને રેડકાર્ડ બતાવે તો પણ હીરો રેફરીને રોકીને કહે કે ‘રહને દો, યે મેરા શિકાર હૈ’. અને પછી ઉંધા હાથે ખૂન લુછી, હાથમાં માટી ઘસી, બુટની દોરી ક્સ્સીને બાંધી, જ્યારે હીરોની ટીમ જુસ્સાથી મેદાનમાં ઉતરે ત્યારે દુશ્મન ટીમનાં મોતિયા મરી જાય. એ વખતે હીરોના હાવભાવ ખાસ ક્લોઝઅપમાં ઝીલી ફૂટબોલ સ્ટેડિયમના મોટ્ટા સ્ક્રીન પર બતાવવામાં આવે. ફૂટબોલ તો આમેય પરસેવાની રમત છે. એટલે ક્લીન-શેવ્ડ હીરોના કાન નીચેથી લસરતો પરસેવો અને એ લૂછવાને બદલે ફૂટબોલ પર એકધારું નજર સંધાન કરતો હીરો પ્રેક્ષણીય બની રહે. એ અલગ વાત છે કે ફૂટબોલમાં બોલ એક જગ્યાએ સ્થિર રહેતો નથી અને એમ તાકી રહો તો બે મીનીટમાં કોક ગોલ ઠોકી જાય!

ફૂટબોલમાં મુખ્ય ગોલ છે. ગોલ કેવી રીતે કરી શકાય? ગોલ પગથી લાત મારીને અને માથું ભટકાડી કરી શકાય છે. કોર્નર કે પેનલ્ટી કીક મળે એમાં ગોલ કરવાનો ચાન્સ મળે. હિન્દી ફિલ્મમાં તો આ એકાદ મીનીટમાં ઘટી જતી ઘટના પંદર મીનીટ સુધી સ્લો મોશનમાં ખેલાડીઓના પરસેવો નીતરવાનાં શોટ્સ, એકબીજાની સામે જોઈ ઈશારા કરતાં હોય એવા શોટ્સ જોવા મળે. એમાં પાછું વિરોધી ટીમના ખેલાડીઓ ગભરાટમાં નાડા ટાઈટ કરતાં હોય એવી કોમેડી પણ બતાવે. ભલું હોય તો હીરોની મા અને બહેન ઘેર ટીવી સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરતાં પણ બતાવે!

એમાં હીરો રજનીકાંત જેવો હોય તો આ બાજુ ગોલકીપર તરીકે ઉભો હોય ને છેક સામેના ગોલપોસ્ટ સુધી ‘યન્ના પો’ કહીને એક કીક મારી ગોલ કરી દે. જો કોઈ વચ્ચે રોકવા જાય તો બોલ પોતે આડોઅવળો થઈને છેવટે ગોલપોસ્ટમાં પહોંચી જાય. જાણે શબ્દવેધી બોલ! જો સામેનો ગોલકીપર રોકવા જાય તો બોલ સહિત એનો પણ ગોલ થઈ જાય અને નેટમાંથી રીબાઉન્ડ થઈને રજનીસર તરફનાં ગોલપોસ્ટમાં ઢગલો થઈને પડે! અક્ષય કુમાર જેવા ખેલાડી હોય તો પોતાની જ ટીમના ખભા ઉપર પગ ઠેકવી, અવળું ગુલાટીયું ખાઈને ગોલ ઠોકી આવે. પરફેકશનિસ્ટ આમીર ગોલ કરે તો એ પહેલા પવનની દિશા, વેગ, બોલનું વજન, અને ગોલ પોસ્ટ પર કયા એન્ગલથી ગોલ કરવો જોઈએ તેનું વિશ્લેષણ કરી મેદાનમાં ઉતરે અને એની થિયરી સાબિત કરી બતાવે! ફૂટબોલમાં સૌથી સફળ શોલેના ઠાકુર થાય. કારણ કે ગોલકીપર સિવાય કોઈએ બોલને હાથ અડાડવાનો હોતો નથી અને શોલેના એન્ડમાં જેમ ઠાકુર માત્ર પગથી ગબ્બરનો કુચો કાઢી નાખે છે એમ ફૂટબોલમાં પણ કીક અને હેડરથી ગોલ કરીને સામેવાળી ટીમના ગાભાડુંચા કાઢી નાખે! એમાં ઠાકુરને હાથ ન હોવાથી ફાઉલ થવાના ચાન્સ પણ ઓછાએ પાછું નફામાં!

ફૂટબોલમાં ગોલ મેઈન હોવા છતાં ફિલ્મી ફૂટબોલમાં વચ્ચે હાફ ટાઈમ સમયે બ્રેકમાં બે ટીમના કેપ્ટન વચ્ચે ડાયલોગબાજી તો આવે જ. બે કોચ વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ આવે. પાછું હિન્દી ફિલ્મમાં ગીત વગર ન ચાલે. ચક દે ઇન્ડિયા, લગાન કે હિપ હિપ હુરરે બધામાં ગીતો છે. તો આ ફૂટબોલની સ્ટોરીમાં પણ હિરોઈન આપણા હીરોને ચીયર અપ કરવા સ્ટેડીયમમાં આવી હોય અને હીરો ફૂટબોલ રમતો હોય અને અચાનક આખા સ્ટેડિયમની પબ્લિક અદ્રશ્ય થઈ જાય. પછી હીરો અને હિરોઈન બેઉ જણા અને સરસ રંગબેરંગી સીટ વાળું સ્ટેડીયમ. બસ પછી તો સિક્યોરીટી ગાર્ડના ડર વગર આપણા હીરો અને હિરોઈન ગીત ગાય અને ચારે તરફથી ફૂટબોલનો વરસાદ વરસે અને એવું બધું ....

અને અમે ઉપર લખ્યું એ મુજબની ફિલ્મ બને તો પછી એનાં રીવ્યુ પણ લખાય. કોક ફિલ્મને એક સ્ટાર આપે અને કોક ફાઈવ સ્ટાર. કોક ફિલ્મને મગજ વગરની કહે તો મેનેજ કરેલ કોક રીવ્યુઅર ફિલ્મની ફોટોગ્રાફી, લોકેશન્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને એડીટીંગ સારું છે એમ કહીને પણ વખાણ કરે. એમાંય ફિલ્મમાં હીરો તરીકે જો કોક બાદશાહને લીધો હોય તો સારા રીવ્યુ સહિત એવોર્ડનો વરસાદ વરસે અને ફિલ્મ આપોઆપ ૧૦૦ કરોડ+ ક્લબની મેમ્બર બની જાય! હિન્દી ફિલ્મોમાં જ નહીં, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંય કશું પણ થઈ શકે કહેવાય નહિ! ધ એન્ડ!

No comments:

Post a Comment