Sunday, June 29, 2014

જોડું કજોડું થાય એ ફેશન કહેવાય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી 
રવિવાર, ૨૯-૦૬-૨૦૧૪








સંસ્કૃતમાં એક ઉક્તિ છે -
​घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्यात रासभरोहणम् |
येन केन प्रकारेण प्रसिद्ध: पुरुषो भवेत् ||

આનો ભાવાર્થ એ થાય છે કે બેડું ફોડીને, પહેરેલા વસ્ત્રો ફાડીને કે પછી છેવટે ગધેડા પર સવારી કરીને પણ માણસ પ્રસિદ્ધિ મેળવે છે. આજકાલ તો લાઈમ લાઈટમાં રહેવા માટે લોકો ભાડુતી માણસો પાસે લાફા ખાય છે. ચિત્ર-વિચિત્ર વેશભૂષા થકી પબ્લીસીટીનું જીવંત ઉદાહરણ સેલીબ્રીટી ગાયિકા લેડી ગાગા છે, જે ગાવા માટે ઓછી ને નખરાઓ માટે વધુ જાણીતી છે. એના ફેશન સ્ટેટમેનન્ટ માટે એવું કહેવાય છે કે અમેરિકન ઘો મરવાની થાય ત્યારે લેડી ગાગાની સ્ટ્રીટમાં જાય. 

Jamrukh at Eden Gaden IPL Match
ઢીંચણથી ફાટેલા જીન્સ પહેરવાની ફેશન હવે જૂની થઇ ગણાય. હવે હાથના દરેક નખમાં જુદાં જુદાં રંગની નેઈલ પોલીશ કરવી એ ફેશન છે. કથ્થાઈ પેન્ટ ઉપર બ્લુ શર્ટ પહેરવું એ ફેશન છે. ગાંધીજી કે મદન પૂરી જેવા ચશ્માં પહેરવા એ પણ ફેશન છે. આવી ફેશન શા કારણથી ઉદ્ભવી હશે એ સમજ્યા વગર ઘણાં ઉંધુ ઘાલીને અપનાવી લેતા હોય છે. જેમ કે લો વેઈસ્ટના જીન્સ પેન્ટ્સ. આ સ્ટાઈલ કાઉબોય મુવીઝમાંથી ઉતરી આવી છે, પણ સાચી હકીકત એ છે કે કમર પર બે બાજુ પાંચ-પાંચ કિલોના તમંચા લટકાવવાના કારણે કાઉબોયઝના પેન્ટ અડધા નિતંબ સુધી લસરી જતા હશે જેને આપણી હરખ-પદૂડી પબ્લિક સ્ટાઈલ સમજી બેઠી છે. શાહરુખ ઉર્ફે જમરૂખ યાદ આવ્યો કે નહિ?
 
FIFA World Cup 2014
આ ફૂટબોલ વર્લ્ડ કપમાં એક નવી ફેશન જોવા મળી. બે પગમાં અલગ અલગ રંગના બુટ પહેરવાની ફેશન. અમને તો લાગે છે કે બુટ બનાવતી વખતે અમુક ડિઝાઈનના બુટ માત્ર ડાબા પગના અને અમુક જમણા પગના મેન્યુફેક્ચર થયા હશે, જે કંપનીના ક્રિએટીવ માર્કેટિંગ હેડ દ્વારા ફૂટબોલ ખેલાડીઓ થકી દુનિયાને પહેરાવવાનો પેંતરો થયો હશે. પણ હવે એ ફેશન બની ચુકી છે.

આ ફેશન ફૂટબોલ ખેલાડીઓએ એન્ડોર્સ કર્યા પછી હવે એ તરત મુંબઈમાં અપનાવવામાં આવશે. આજકાલ બ્રાઝિલમાં વરસાદ પડે તો મુંબઈમાં લોકો છત્રી લઈને ફરવા લાગે છે અને સુરત અને રાજકોટમાં લોકોને શરદી થઈ જાય છે. ભારત કોઈથી પાછળ નથી એ સાબિત કરવા આપણા ત્યાં હવે એક પગમાં લેધર અને બીજામાં સ્પોર્ટ્સ શુ કે પછી એક પગમાં સ્લીપર અને બીજામાં ચંપલ પહેરીને લોકો ફરતાં થઈ જશે. સલ્લુ ભાઈ પીતાંબર પર કોટ પહેરી ચુક્યા છે, હવે દબંગ-૫માં પાંડેજી ચાખડી પહેરીને છવાઈ જાય એની જ રાહ જોવાની રહે છે.

અત્યાર સુધી તો એવું હતું કે તમે બે જુદાજુદા રંગના મોજા પણ ન પહેરી શકો. એ પણ છેક પગની પાની સુધી લાંબુ પેન્ટ પહેરતા હોવાં છતાં. સવારમાં નોકરી જવાનું હોય. મોડું થતું હોય. ઘરમાં પોતપોતાનાં કામ જાતે કરવાના લગ્ન પહેલા જ કરાર થયા હોય. એવામાં બે એકસરખાં મોજા શોધવા એ આફ્રિકામાં ઘઉંવર્ણી છોકરી શોધવા જેવું કામ છે. આવા સમયે બે અલગ મોજા પહેરવાની અદમ્ય ઈચ્છા થઈ આવે. પણ લોકલાજે, બે અલગ મોજાને બદલે જુના કાણાવાળા અથવા ઇલાસ્ટીક ઢીલું થઈ ગયેલા મોજા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. પણ હવે એ બદલાશે. મોજા પણ જુદાં જુદાં પહેરી શકાશે.

Terence Lewis, D-I-D
પણ કપડામાં આશ્ચર્યજનક વૈવિધ્ય લાવવાનું શ્રેય ડાન્સ રીયાલીટી શોના પુરુષ જજીઝ અને કન્ટેસ્ટંટસને આપી શકાય. આ હા હા ... શું અખતરા કરે છે એ લોકો! એક પગ પર પેન્ટની બાંય અને બીજા પગ પર ધોતિયું જોયું છે કદી? એ આ લોકો પહેરે. ઘણી વાર શર્ટમાં એક બાંય જ નહિ એક સાઈડનો ખભો પણ ગાયબ હોય! અરે, શર્ટને બદલે માત્ર કોલર-ટાઈ અને બે હાથે બાંયો પહેરીને આ લોકો ડાન્સ ફ્લોર પર હાલી આવે છે. એમાં ટેરેન્સ લુઈસની સ્ટાઈલ જોવા જેવી છે. એકવાર એણે અધોવસ્ત્ર તરીકે જે પહેર્યું હતું એને શું કહેવાય એ અમને ગુગલમાં પણ ન મળ્યું. સાદી ભાષામાં જીન્સની ચોયણી જેવું કશુક પહેર્યું હતું, પણ એની ઉપર એણે રંગબેરંગી દોરીઓ-સાંકળો આડી-અવળી એવી રીતે બાંધી-લટકાવી હતી કે દૂરથી જુઓ તો ગૂંચળા સાથે કપાયેલો પતંગ જ લાગે! એ ગૂંચળું ઉકેલીને એને ચોયણીમાંથી બહાર કાઢવા માટે ઘરે રામલા રાખ્યા હોય તો પણ નવાઈ નહિ!

ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે “ફેશન ઇઝ ફોર્મ ઓફ અગ્લીનેસ સો અનટોલરેબલ ધેટ વિ હેવ ટુ ઓલ્ટર ઇટ એવરી સિક્સ મન્થ્સ”. પણ મેનેજમેન્ટમાં જેમ કહ્યું છે ને કે “ટર્ન પ્રોબ્લેમ ઇન તો ઓપોર્ચ્યુનિટી” એ હિસાબે મંદિર કે ભીડમાં જો તમારું એકાદું જૂતું ખોવાયું હોય તો કોઇપણ જોડા સાથે એને પહેરી નાખો, હવે પછીના છ મહિના કજોડા ચાલી જશે!

1 comment:

  1. હાહાહા સોનું નિગમ પણ કઈક આવું ચોયણી જેવુ પેન્ટ લાવ્યો તો પેલા.

    ReplyDelete