Monday, June 23, 2014

સીબીઆઈમાં સિવિલ એન્જીનીયર




કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૨-૦૬-૨૦૧૪ રવિવાર

એવા સમાચાર છે કે સીબીઆઈની નવી ભરતીમાં ઇન્સ્પેક્ટર તરીકે એન્જીનીયર પણ ભરતી થયા છે. અમને ખાતરી છે કે આ એન્જીનીયરોમાં ચોક્કસ અમારા જાતભાઈ એવા સિવિલ એન્જીનીયર્સ પણ હશે. એટલે જ અમને કહેવામાં જરા પણ ક્ષોભ નથી થતો કે અમે ફુલાઈ ગયા છીએ. હવે ક્રાઈમના ક્ષેત્રે સિવિલ એન્જીનીયર્સ ઝંડો લહેરાવશે - ક્રાઈમ સોલ્વ કરવામાં બકા, ભાષા સમજવાની. સિવિલ એન્જીનીયર્સ ક્રાઈમ ના કરે. ક્યારેક બેડલક ખરાબ હોય તો મકાન કે ફ્લાયઓવર પડે એ અલગ વાત છે!

સિવિલ એન્જીનીયર નારિયેળ જેવા ટફ હોય છે. એમનો ઓરીજીનલ કલર કોપરા જેવો સફેદ હોય તો સમય જતાં તડકામાં તપીને નાળીયેરના છોંતરાં જેવો છીંકણી કે કોફી થઈ ગયો હોય છે. અમુકના તો વાળ પણ નારીયેળના છોંતરાં જેવા બરછટ અને વેરવિખેર હોય છે. ભારતનો કોઈ પણ સિવિલ એન્જીનીયર તાપમાં કામ કરવા ટેવાયેલો હોય છે. કારણ એટલું જ કે એ જઈને મકાન બાંધે પછી બધાને છાપરું નસીબ થાય છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય એ જો સાચું હોય તો બધી સિધ્ધિઓ સિવિલ એન્જીનીયરને જ જઈને વરે એટલો પરસેવો પાડે છે બચારા! તોયે જશ નહિ. પણ હવે અમારા સિવિલ ઈજનેરોને તક મળી છે તો એ જરૂર કંઇક કરી બતાવશે.

સિવિલ એન્જીનીયર સીબીઆઈમાં ભરતી થાય તો ક્રાઈમ રેટ ઘટે અને ભલભલા અટપટા કેસ સોલ્વ થઈ જાય. સરકાર રચાયાના ચોવીસ કલાકમાં કાળા નાણા માટે એસઆઈટી રચીને સરકારે કાળાં નાણા અંગે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. હવે પ્રોપર્ટી ખરીદવામાં કેટલા બ્લેકના અને કેટલા વ્હાઈટના લેવાય છે એ બિલ્ડર પછી સાઈટ પર મજુરી ફૂટતા અમારા જેવા માસુમ સિવિલ એન્જીનીયરોની જાણ બહાર હોતું નથી. સાઈટ પર કયા મટીરીયલ બિલ સાથે આવે છે અને કયા બિલ વગર એ પણ આમને ખબર હોય છે. મજૂરોને કરાતું કેશ પેમેન્ટ ખરેખર આપ્યું હોય એનાં કરતાં કેટલા ગણું વધારે ચોપડે લખાય છે એ કોને વધારે ખબર હોય? સિવિલ એન્જીનીયરને! અને કયા પોલીસ અધિકારી કે આઈએએસ ઓફિસર સાથે બિલ્ડરની મીટીંગ થાય છે અને કોના બ્લેક મની કઈ સ્કીમમાં લાગેલા છે, એ અમારા જેવા ચતુર સિવિલ એન્જીનીયર હોય તો જરૂર ખબર હોય! બહુ વખાણ થઈ ગયા નહીં?

બની શકે કે શહેરના રસ્તા-ગટરો અને હાઉસીંગ બોર્ડના મકાનોને લઈને તમે સિવિલ એન્જીનીયરો માટે ગમે તેવો અભિપ્રાય ધરાવતા હોવ, પણ ક્રાઈમ ડીટેક્શનમાં સિવિલ એન્જીનીયરો હશે તો પોલીસ અને સીબીઆઈની ઈમેજ સુધરશે તો ખરી જ. એમનું કામ સિસ્ટમેટિક જ હોવાનું. સીઆઈડીનો દયા જો સિવિલ એન્જીનીયર હોત તો દરવાજા તોડવાને બદલે મટીરીયલ-મિજાગરા જોઈને કળથી દરવાજા ખોલતો હોત. આ જ કારણથી એ ૧૯૯૮ સીઆઇડીમાં સીનીયર ઇન્સ્પેક્ટરની પોસ્ટથી આગળ નથી વધ્યો. ઠાકુર બલદેવ સિંઘ પણ સિવિલ એન્જીનીયર હોત તો જેલની નબળી દીવાલો સમયસર રીપેર કરાવીને ગબ્બર સિંઘને ભાગતા અટકાવી શક્યા હોત.     

આમ પણ એન્જીનીયરો માપથી કામ કરે. કોઈ પણ કામ હોય તો એની પહેલાં ડીઝાઈન કરે, પ્લાન બનાવે, સ્પેસીફીકેશન તૈયાર કરે અને પછી ટેન્ડર બહાર પાડીને કામ કરાવે. એ સીબીઆઈમાં સ્ટાફની કમી હોય તો ત્યાં પણ ગુનો સોલ્વ કરવાનું ટેન્ડર બહાર પાડીને કામ આઉટસોર્સ કરે. જેવો કેસ અને કામગીરી હોય એ પ્રમાણે એ, બી કે સી ક્લાસ એજન્સી સિલેક્ટ કરી કામના ભાવ મંગાવે. જેમાં ગુનેગારોનો બાઈક પર અને જીપમાં પીછો કરવાના અલગ ભાવ હોય. કયા મોડલની બાઈક વાપરવી એ પણ પાછું સ્પેસીફીકેશનમાં લખ્યું હોય. ચેઈન સ્નેચર, એક્સિડન્ટ કરીને ભાગનાર અને આતંકવાદીનો પીછો કરવાની અલગ આઇટમ અને અલગ ભાવ હોય. પેલા શોલેના ઠાકુરની જેમ ગુનેગારને જીવતો પકડવાના ભાવ અને એન્કાઉન્ટર કરવાના અલગ ભાવ!

જોકે અમારા સિવિલ એન્જીનીયર્સ સીબીઆઈમાં જાય તો ગુપ્ત રાહે છાપો મારવામાં મુશ્કેલી પડે. કારણ કે અમે માથાં ઉપર પરસેવાની સફેદ કિનારીવાળી ટોપી અને કમર પર પટ્ટામાં મેઝર ટેપ લટકાવ્યા વગર સાસરે પણ જતાં નથી. અમારા એક સિવિલ એન્જીનીયર મિત્રને તો લગ્નમાં શેરવાની ઉપર ટોપી અને લેંઘામાં ટેપ ખોસતા અટકાવવો પડ્યો હતો! બીજું કે અમારા એન્જીનીયર બંધુઓને અગાઉ કરેલા પ્રોજેક્ટ્સની વાતો કરવાનો બહુ શોખ હોય છે, આ સદગુણનો લાભ કોઈ ગુનેગાર લઇ શકે. બાકી ભારતના નિંદર-પ્રિય વડાપ્રધાનશ્રી દેવે ગોવડા, અમરસિંહ ચૌધરી, અર્જુનભાઈ મોઢવાડીયા અને રામગોપાલ વર્મા જેવા અમારા કેટલાય જાતભાઈઓ સિવિલ એન્જીનીયરીંગ સિવાયની કરિયરમાં આગળ આવ્યા જ છે, તો સીબીઆઈમાં પણ ઝળકશે એ બાબતે અમને કોઈ શંકા નથી.

1 comment:

  1. bhayankar lakho chho yr...am kevay ne k ek engineer tarike je obsevation chhe tamaru boss... mani gya... gajab gajab.. :D :D

    ReplyDelete