કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૫-૦૬-૨૦૧૪ રવિવાર
---------------------------------------------------------------------------------------
Published on ૧૫-૦૬-૨૦૧૪ રવિવાર
આલિયા
ભટ્ટ વિશેનો એક જોક સોશિયલ મીડિયામાં અત્યારે વાઈરલ છે. જોકમાં આલિયા પપ્પાની
સ્કુલમાં પી.ટી. ટીચર છે. એક દિવસ એ ગ્રાઉન્ડ ઉપર ગઈ તો છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા
હતા, પણ એક છોકરો એકબાજુ ચુપચાપ ઉભો હતો એટલે એણે છોકરાને પૂછ્યું કે ‘કેમ તારી
તબિયત તો બરોબર છે ને?’ તો પેલો કહે ‘હા.’ આલિયાએ પૂછ્યું ‘તો પછી આ બધા જોડે તું કેમ
રમતો નથી? પગે વાગ્યું તો નથી ને?’ એટલે છોકરો કહે ‘ટીચર, હું ગોલકીપર છું!’
***
આપણી
નેશનલ ગેમ હોકી છે પણ એમાં આપણું લશ્કર ક્યાં લડે છે એની ભોજીયા ભ’ઈને ય ખબર નથી. આ તો ગામના
રેડિયો જોકીઝ બીજી રમતોને પણ ક્રિકેટ જેટલું જ મહત્વ મળવું જોઈએ એવો કકળાટ કરશે
એટલે આપણી પબ્લિક ૧૨ જુનથી શરુ થતો ફૂટબોલનો FIFA વર્લ્ડ કપ જોવા ગોઠવાઈ જશે. પણ પછી આલિયા ભટ્ટવાળી
થઈને ઉભી રહેશે. ICC T-20 વર્લ્ડ કપ અને IPL ટુર્નામેન્ટ જોઈને પરવારેલી આપણી પબ્લીકના મગજમાં
ક્રિકેટ એટલું ઠાંસી ઠાંસીને ભરેલું છે કે ફૂટબોલની ગેમ અને એના નિયમો જોઈને આંચકા
જ લાગવાના. જેમ કે ...
ફૂટબોલની
ગેમમાં સ્ટમ્પલા નથી હોતા!
એટલું
જ નહિ પણ એમાં ક્રિકેટની જેમ પીચ પણ નથી હોતી અને ગ્રાઉન્ડ પણ ગોળ નહિ લંબ ચોરસ
હોય છે. સ્ટમ્પલાને બદલે આમાં ગ્રાઉન્ડની બે બાજુ પર નેટ-પ્રેકટીસની જેમ જાળીઓ
બાંધેલી હોય છે જેને ગોલ-પોસ્ટ કહે છે. સામેની ટીમવાળા લાતો મારીને કે માથાથી
ભેટું મારીને બોલ જાળીમાં નાખે એટલે ... ના ભાઈ ના, વિકેટ નહિ! આમાં સ્ટમ્પલા પાડવાનું
અને ચલ્લીઓ ઉડાડવાનું નથી હોતું, આમાં ‘ગોલ’ થયો કહેવાય! ક્રિકેટમાં વિકેટકીપર
સ્ટમ્પની પાછળ ઉભો રહે છે જયારે આમાં ગોલ-પોસ્ટની આગળ ઉભો રહે છે અને એને ગોલકીપર
કહે છે. વિકેટકીપર બાઘા મારે તો સામેની ટીમને ચાન્સ મળે જયારે ગોલકીપર ગરનાળું
બનાવે તો સામેની ટીમને ગોલ મળે! ક્રિકેટમાં ખેલાડી પાંચ-દસ રનમાં આઉટ થઇ જાય તો
આપણે કપાળ ફૂટીએ છીએ જયારે અહીં તો પ્લેયર એકાદો ગોલ કરી નાખે તો એ હીરો બની જાય
છે! બન્ને ટીમ દોઢ કલાક લાતમલાતી કરીને બોલને આખા ગ્રાઉન્ડમાં ખદેડે છતાં ટીમનો ફાઈનલ
સ્કોર કેટલો? તો કહે બે ગોલ થાય તોયે હરી હરી. એમાં ય ‘બેઉ પાર્ટી ઇક્વલ ઇક્વલ’ થાય
તો પાછું અડધો કલાક ફરી ટીચવાનું! સાલું, જેણે સ્કોરના ડીફરન્સ પર રૂપિયા લગાવ્યા
હોય એણે આમાં કમાવાનું શું? તંબુરો? પાછું સેન્ચુરી તો ઠીક, પણ દોઢ કલાકમાં બોલ
રગડીને કે બાઉન્ડ્રી કૂદાવીને બહાર જાય તો ચોગ્ગો, છગ્ગો કે શંખલા કશું ય ન મળે! કોઈ
ટોલ્લો ચડાવે તો કેચ કરવાને બદલે ભોડુ ભટકાડીને ઉલાળશે પણ એમ નહિ કે ઝાલી લઈએ ને વિકેટ
પાડીએ.
આમાં
વાંક આપણી પ્રજાનો નથી, આ ગેમ જ એવી છે. ક્રિકેટમાં તો બધું વ્યવસ્થિત હોય. પહેલાં ટોસ થાય, એક ટીમ દાવ લે, બીજી આપે,
એક જણ બોલિંગ કરે, પછી રન કરે કે વિકેટ પડે અને એમ ચાલ્યા કરે! આમાં દાવ-બાવ કશું
નહિ! અહીં તો એક સાથે અગિયાર દૂ બાવી જણા મેદાનમાં હોય. જેની પાસે બોલ એનાં રોલાં!
રસાકસી પણ મોબાઇલના મિસકોલ જેવી – ટોળું હુમલો કરવા જાય, બે-ચાર જણા ગબડે, રેફરીની
સિસોટીઓ વાગે અને ગોલકીપર બોલ ઉઠાવીને ટોળાની પેલી બાજુ ઉલાળી મુકે એટલે થોડી વાર પાછું
ઠંડું.
મેદાન
પરની ભીડમાં ચડ્ડીધારી રેફરી તો ગવારમાં ભળી ગયેલા મરચાંની જેમ શોધ્યો ના જડે. એ પણ
‘ચાલો, ફેરથી રમો’ કરીને વારેઘડીએ ગેમ અટકાવે એટલે ગેમ પણ કન્ડકટરની
સ્મશાનયાત્રાની જેમ ઠેર ઠેર ઉભી રહેતી ચાલે, આમાં આપણને શું હવાદ આવે? એમાં બિચારા
રેફરીઓનું વહુ જેવું, જરા પણ જશ નહિ! ફક્ત ગાળો જ ખાવાની. માર પણ પડે, જેવા નસીબ!
હા, કોઈ ખેલાડી એનું મગજ બગાડે તો યલો કે રેડ કાર્ડ બતાવીને ટ્રાફિક પોલીસની જેમ
એનું ચલણ ફાડી શકે, જે મોંઘુ પડે એટલે બધા માપમાં રહેતા હોય છે.
અમે
પણ આમ તો ફૂટબોલના વિરોધી, પણ એની બે વાત અમને ગમે છે. એક તો ફૂટબોલનાફેન્સ, ખાસ
કરીને મહિલા ફેન્સ, ક્રિકેટના ફેન્સ કરતાં વધારે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હોય છે.
બીજી એમના પ્લેયર્સ વચ્ચેની ગાળાગાળી, બથ્થંબથ્થા અને મારામારી. આ વખતે પણ ગોલ્સની
સાથે સાથે ૨૦૦૬ વર્લ્ડકપમાં જેમ ફ્રાંસના ઝીનેડીન ઝીડાને ઈટાલીના માર્કો માતેરાઝીને
ઘેટાની જેમ ઢીંક મારી હતી એવું કંઈ જોવા મળી જાય એ માટે અમે અડધી રાત્રે પણ ટીવી
સામે ગોઠવાઈ જવાના. તમે?
હાહા... as usual... મજા આવી ગઈ... એક જોક યાદ આવી ગયો,
ReplyDeleteએક વખત એક સાસુ અને વહુ ક્રિકેટ મેચ જોતા હતા અને એમાં કોઈએ boundary મારી.
સાસુ: આ કોણે ગોલ માર્યો?
વહુ: અરે સાસુ મા , તમને કંઈ ખબર તો પડતી છે નહિ ને જોવા બેસી ગયા છો.
ગોલ આમાં નાં હોય, ગોલ તો ક્રિકેટમાં હોય.
હાહા... as usual... મજા આવી ગઈ... એક જોક યાદ આવી ગયો,
ReplyDeleteએક વખત એક સાસુ અને વહુ ક્રિકેટ મેચ જોતા હતા અને એમાં કોઈએ boundary મારી.
સાસુ: આ કોણે ગોલ માર્યો?
વહુ: અરે સાસુ મા , તમને કંઈ ખબર તો પડતી છે નહિ ને જોવા બેસી ગયા છો.
ગોલ આમાં નાં હોય, ગોલ તો ક્રિકેટમાં હોય.