Sunday, May 18, 2014

દૂધનું દૂધ અને પાણીનું પાણી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૫-૨૦૧૪ | અધીર અમદાવાદી |
એક અમદાવાદી માર્કેટમાં જતો હતો ત્યાંથી એણે સસ્તામાં કાપડનો ટુકડો ખરીદ્યો. પછી ગયો દરજી પાસે કે આની ટોપી સીવી આપ. દરજી કહે કે એક ટોપી સિવડાવવામાં કાપડ વધશે. તો કહે બે સીવી આપ. અરે ખેંચીને કર. ત્રણ ચાર થશે. પછી તો અમદાવાદીનો લોભ વધતો ગયો. છેલ્લે દરજી પાસે અડધો મીટર કાપડમાં દસ ટોપી સિવડાવવાનું ઠરાવ્યું. અને અમદાવાદી દરજીભાઈને સિલાઈના રૂપિયા મળતા હોય તો એ ના પણ શું કામ પાડે? છેવટે ઘરાક ડીલીવરી લેવા ગયો ત્યારે ટોપીમાં ગાજ-બટન જેવું કંઈ કરવાનું બાકી ન હોઈ એક જ ધડાકે ડીલીવરી મળી ગઈ. દસ ટોપીઓ, પણ આંગળી ઉપર પહેરાય એ સાઇઝની!

ઉપરની વાર્તા તમે સાંભળી જ હશે. આમાં ટોપીની જગ્યા હવે કટિંગ ચાએ લીધી છે. દૂધ, ચા અને ખાંડના વધતા ભાવ અને પાણી મેળવવામાં પડતી તકલીફોને લીધે ચાની કીટલીવાળાઓ ચાની ક્વોન્ટીટીમાં વરસોવરસ ધરખમ ઘટાડો કર્યે જાય છે. હવે તો ચા દવા પીવાની ઢાંકણી જેટલા નાના કપમાં મળે છે. એટલી ચામાં ઘૂંટડા ભરાતા નથી.ભૂલેચૂકે ઠંડી કરવા ચાને જો રકાબીમાં કાઢો તો ૫૦% તો રકાબીમાં ચોંટીને બરબાદ થઈ જાય. હવે એ સમય દૂર નથી કે ચાની કીટલી પર તમે ચા પીવા ઉભા રહો અને ટેણી આવીને તમને મોઢું ખોલવાનું કહે અને આંગળીથી ચા ચટાડી દસ રૂપિયા લઈ ચાલતો થાય! તો બીજી તરફ ઘરમાં સવારે આખા ઘર માટે એક જ કપ ચા બનશે અને દરેકે ચાના કપમાં અંગૂઠો બોળીને અડધો કલાક ચૂસ્યા કરવાનો રહેશે.

દુધના ભાવમાં ફરી વધારો થયો છે. આ વધારો કમરતોડ નથી. પણ ચચરે એવો જરૂર છે. એક લીટર દુધના બે રૂપિયા વધે એમાં કમરના હાડકા ન ભાંગે. એટલીસ્ટ હાડકાના ડોક્ટરો તો આ વાત નથી જ માનવાનાં. પણ વરસમાં ચાર વાર આવો વધારો થાય અને આવી ચાલીસ આઇટમ્સમાં વધારો થાય તો પ્રજા જાય ક્યાં? પાકિસ્તાન? બાંગ્લાદેશ? કે સમુદ્રમાં ડૂબીને આપઘાત કરી લે? એજ તો! બે રૂપિયાના ભાવવધારા માટે આમાંનું કાંઈ કરાય નહિ! નતમસ્તક, કચકચ કર્યા વગર, ઑફિસમાં કે ચાની કીટલી પર ચાવાળા સાથે માથાકૂટ કર્યા વગર ‘ગણ્યું જે ડેરીએ પ્યારું અતિ પ્યારું’ ગણી લેવાનું! બીજું આપણે કરી પણ શું શકીએ? દુધ કે ચાનો બહિષ્કાર કરીએ? કપ-રકાબી ખખડાવતાં સરઘસ કાઢીએ? ભેંસ ઉપર બેસી દેખાવો કરીએ?

૨૦૧૧માં દુધમાં થતી ભેળસેળ અંગે એક સર્વે થયો હતો. કુલ ૩૩ રાજ્યોમાંથી લીધેલાં ૧૭૯૧ સૅમ્પલ પૈકી માત્ર ૩૧.૫% સૅમ્પલ જ પાસ થયા હતાં. આશ્ચર્યની વાત એ હતી કે સૌથી શુદ્ધ દૂધ દારૂ માટે ફેમસ ગોવામાં મળ્યું હતું. લગભગ દસ ટકા સૅમ્પલમાંથી તો ડીટરજન્ટ નીકળ્યો હતો. આટલી ભેળસેળ છતાં ભાવવધારો થાય છે. વિચારો કે જો દુધમાં ભેળસેળ ન થતી હોત તો ભાવ કેટલા હોત? પાછી આ ભેળસેળની ફરિયાદ આજની નથી. વર્ષોથી દુધમાં પાણીની ભેળસેળની ફરિયાદ થતી આવી છે. કંઈ કેટલાય કાર્ટૂન મ્યુનીસીપાલીટીનું પાણી ન આવવાથી ભૈયાજી દૂધ આપવા મોડા પડે છે એવા જોયા હશે.જોકે કોઈ પોતે આવી ભેળસેળ કરે છે એવું કબૂલ નથી કરતું એટલે વેચનાર એવું પણ નથી કહી શકતા કે અમે દુધમાં આર.ઓ. વોટર કે મીનરલ નાખીએ છીએ. પાણીપુરીમાં આવું શક્ય છે. ‘અમે મીનરલ વોટરમાં બનાવેલી પાણીપુરી આપીએ છીએ’ એવી જાહેરાત જોવા મળે છે.પણ દુધમાં એ શક્ય નથી. દુધમાં તો આપણે એ લોકો જે ક્વોલીટીનું પાણી નાખતા હોય એ પી લેવાનું. બહુમાં બહુ ઉકાળીને પીવાનું. આથી વધારે આપણે કશું ઉકાળી શકીએ એમ નથી. 
 

મહાભારત સમયથી પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે. સમસ્યા એ કંઈ આજકાલની નથી. એ વખતમાં પણ શિક્ષકોના પગાર કદાચ ઓછા હશે. પ્રાઇવેટ ટયૂશનમાં પણ કંઈ મળતું નહિ હોય. કદાચ શિક્ષકોના યુનિયન પાવરફુલ નહિ હોય કે પછી શિક્ષકોની વોટબેંક નહિ હોય. એટલે જ તો આચાર્ય દ્રોણનાં ઘેર દૂધ દોહ્યલું હતું. દ્રોણના પત્ની અશ્વત્થામાને ઉલ્લુ બનાવી લોટમાં પાણી મેળવી એને દૂધ તરીકે પિવડાવતી હતી. મિસિસ દ્રોણ પાસેથી પ્રેરણા લઈ કોઈ ગૃહિણીઓ માટે લોટમાંથી દૂધ બનાવવાના કોઈ કલાસીસ ચાલુ કરે તો ચોક્કસ હીટ જાય. વેકેશનમાં તો ખાસ.
જોકે દૂધ માટે આટલા લોહી-ઉકાળા થતાં હોવા છતાં,જેમનાં માટે દૂધ સારું ગણાય છે એ બાળકો જ દૂધ પીવામાં રાડા કરે છે. આજકાલના બાળકો અશ્વત્થામા જેવા ભોળા નથી, આ તો બધાં ગ્લુકોઝ બિસ્કિટ ખાઈ અને હિન્દી ફિલ્મો જોઈને હોશિયાર થઈ ગયા છે. એટલે દૂધ જેવો ફિક્કો પદાર્થ ખાંડ નાખી પીવામાં કતરાય છે. એટલે એકંદરે દુધમાં મેળવવાના પાવડરોની કંપનીઓને જલસા થાય છે. મહાભારતના જમાનામાં દુધમાં મેળવવાના પાવડર પણ નહોતા શોધાયા. છતાં અર્જુન, કર્ણ, દુર્યોધન અને ભીમ જેવા બહાદુરો પાક્યા હતાં. એ જમાનામાં એડવર્ટાઈઝમેન્ટ નહોતી નહીંતર અર્જુનના હાથ લાંબા હતાં એના માટે કુંતિ અર્જુનને અમુક-તમુક બ્રાન્ડનો પાવડર દુધમાં મિલાવી પિવડાવતી હતી એવું કોક કંપની જાહેર કરત. અથવા ભીમની અતુલ્ય શક્તિનું સિક્રેટ અમારો પાવડર છે એવું કોક માર્કેટિંગ કરત. કોક પાઉડરની કંપની સહદેવની ભવિષ્ય ભાખવાની શક્તિનું શ્રેય પણ એમની કંપનીના પાઉડરને આપત.

સમય મહાભારતનો હોય કે વર્તમાન ભારતનો, દૂધ જીવન જરૂરિયાતની ચીજ છે. ઉનાળામાં દુધની અછત સર્જાય ત્યારે ભાવ વધે અને શિયાળામાં જ્યારે દૂધ વધે તો એનો પાવડર બનાવવામાં આવે. એમાં પ્રજાના ભાગે તો રૂપિયા ખર્ચવા છતાં ભેળસેળવાળું અને પાણી જેવું દૂધ આવે છે. સરકારો આવે છે અને જાય છે. પણ મોંઘવારી વધતી જ જાય છે. જ્યાં એક લીટર દૂધ અડતાલીસનું થયું ત્યાં પાછાં રાજ બબ્બર જેવા બાર રૂપિયામાં આખું ભાણું મળે છે એવી વાતો કરી લોકોની લાગણી દુભાવે છે. દુધના ભાવ વધારવાવાળાઓ, જનતા કંઈ નહિ કરે! વધારો તમતમારે! જનતા ટેવાઈ ગઈ છે! ▪

1 comment:

  1. Nice article adhir...truth is always stranger than fiction.!

    ReplyDelete