Thursday, May 01, 2014

વોટ માંગવાના નવા અંદાઝ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૦૪-૨૦૧૪ | અધીર અમદાવાદી |
સુનો ... તુમ્હારી માશૂકા હમારે કબ્જેમે હૈ ...

અગર ઉસકો જીંદા દેખના ચાહતે હો

તો હમારી પાર્ટી કો વોટ દેના, સમજે ....

હુ હા હા હા હા હા

---

આ તો એક કલ્પના છે. પણ એ હકીકતથી છેટી નથી. હમણાં વોટ માંગવા માટેના બે એકદમ ઇનોવેટીવ આઇડિયા જોવા મળ્યા. એ પણ મોટા લીડર્સ દ્વારા. પહેલા આઇડિયામાં શરદ પવારના ભત્રીજા એવા અજીત પવારે બહેન સુપ્રિયાને વોટ નહિ આપો તો પાણી કાપી નાખીશ એવી ગામ લોકોને ચીમકી આપી હતી. તો અન્ય ઘટનામાં મુલાયમ સિંઘે ટીચરોને વોટ સપાને નહીં આપો તો નોકરી ગુમાવશો એવો ભય બતાવ્યો હતો. પવારને તો આમેય પાણીની ઘાત હોય એવું લાગે છે, એટલીસ્ટ શાબ્દિક. પહેલા પણ અજીતભાઈએ ‘ડૅમમાં પાણી નથી તો શું સુસુ કરીએ?’ એવું બોલી ખેડૂતોની લાગણી દુભાવી હતી. અન્ય એક ઘટનામાં ‘ઈલેક્ટ્રીસિટી શોર્ટેજના લીધે રાજ્યમાં વસ્તી વધે છે’ એવું કહી એમણે એમની અદભૂત સેન્સ ઑફ હ્યુમરનો પરિચય કરાવ્યો હતો!
પણ ખરું પૂછો તો જુઓ તો શામ, દામ, દંડ અને ભેદની નીતિ કંઈ નવી નથી. અહીં નેતાજીએ ‘ભય બિન પ્રીત નાહી....’ પ્રયોગ કર્યો. એમાં ખોટુંય શું છે? છેવટે તેઓ રાજ્યમાં સત્તા પર છે અને દેશમાં સર્વશક્તિમાન બનશે તો છેવટે પોતાના રાજ્યને જ ફાયદો કરાવશે ને? જોકે આમ આમજનતા, ખેડૂતો, કે શિક્ષકોને ધમકાવી વોટ માંગવાની આ નવી રીત ભારતીય નેતા લોકોની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન સૂચવે છે. પહેલા નેતાઓ આપતાં હતાં. જેમ કે તામિલનાડુ અને સાઉથમાં ધોતી અને સાડી વિતરણ ખૂબ પ્રચલિત હતું. તો ડ્રાય ગુજરાતમાં દારુની પોટલી અને એ પીવા માટે સ્ટીલના લોટા અને સાથે બાઇટ્સ માટે ડિશની વહેંચણી પ્રચલિત હતી. અરે ટીવી અને મિક્સર ગ્રાઈન્ડર જેવી વસ્તુઓ પણ અપાઈ છે. એ પણ જ્યાં ઈલેક્ટ્રીસિટી ન હોય ત્યાં! પણ હવે આપવાની નહીં, લેવાની પ્રથા શરુ થઈ રહી છે. જે પાર્ટી લોકોને આપ્યું હોવાના ઉંચા ઉંચા દાવાઓ કરતી હતી તે હવે નોકરી અને પાણી પાછું લઈ લેવાની વાત કરે છે. કદાચ ઇલેક્શન કમિશન ચૂંટણી સુધારા લાવ્યું એ કારણે આ પરિવર્તન હોઈ શકે. ચૂંટણીની આચારસંહિતા આજકાલ પાર્ટીઓને મતદારોને રીઝવવાનો ચાન્સ નથી આપતી. બિચારાં મતદારો! બિચારાં નેતાઓ! નેતાઓને આપવું છે. મતદારોને લેવું છે. પણ આ બેઉ મિંયાબીબી રાજી રહેતા હોય એમાં ઇલેક્શન કમિશન નામનું કાજી રાજી નથી!

વોટ મેળવવા જે ધમકીઓ આપવાની પ્રથા ચાલુ થઈ છે એ હિન્દી ફિલ્મોના વિલનોની યાદ અપાવે છે. ‘તુમ્હારી માં હમારે કબજે મેં હૈ, અગર તુમ ઉસકો જીંદા દેખના ચાહતે હો તો ....’ કે પછી ‘જબ તક તેરે પાંવ ચલેંગે તબતક ઇસકી સાંસ ચલેગી.’ આવી તો બીજી કેટલીય ધમકીઓ આપી શકાય વોટ માટે. આપણે ત્યાં વ્યસનીઓની સંખ્યા ખાસ્સી છે. દારૂબંધી છતાં દારુ પીનારા એટલાં જ છે. હવે કોઈ નેતા એવું પણ કહી શકે કે ‘જો તમે અમને વોટ નહીં આપો તો ગુજરાતમાં સાચે જ દારૂબંધી લાવી દઈશું. સાચી એટલે એકદમ સાચી, શું સમજ્યા? એક ટીપું દારૂ પીવા માટે તરસી જશો’. આવું જ ગુટકા અને તમાકુ માટે કહી શકે. સૌરાષ્ટ્રમાં ગાંઠિયાનાં બંધાણી બહુ મળે. ત્યાં ગાંઠિયા ગુમ કરી દેવાની ધમકી આપી શકાય એમ કહીને કે ડીટરજન્ટ પાઉડરની હેરફેર પર કડક વોચ ગોઠવવામાં આવશે!
 
 
આ સિવાય જુદાંજુદાં કાર્યક્ષેત્રના લોકોને અવનવી ધમકીઓ આપી શકાય. જેમ કે સિવિલ એન્જીનીયરોને એમ કહી શકાય કે ‘તમારા બાંધેલા મકાનમાં રહેવાની તમને ફરજ પાડવામાં આવશે. તમે સ્કૂલ બાંધશો તો તમારા સંતાનોને ફરજિયાત એ સ્કૂલમાં ભણવા મૂકવા પડશે તો જ તમને પેમેન્ટ મળશે.’ તો યુવાનોને ઈન્ટરનેટના રેશનિંગની ધમકી આપી શકાય. કૉલેજ ગર્લ્સને મોબાઈલની ટોક ટાઈમ લીમીટ બાંધી આપવાની ચીમકી અપાય. ધાર્મિક પ્રજાને નારિયેળના ભાવ વધારાનો ભય દેખાડી શકાય. તો મોટા ફિલ્મ સ્ટાર્સને પહેલા અઠવાડિયામાં ફિલ્મની કમાણીના ટ્વિટર પર વહેતા મુકાતાં આંકડાને આધારે ટૅક્સ જાળમાં ફસાવવામાં આવશે એવું કહી દબડાવી શકાય.

કોલેજીયન્સની તો હવા ટાઈટ કરી શકે છે નેતાઓ. ‘જો તમે અમને વોટ નહીં આપો. અમારી તરફેણમાં સોશિયલ મીડિયા પર પ્રચાર નહીં કરો તો અમે યુનિવર્સીટીમાં સારા પ્રોફેસરોની ભરતી કરીશું. બધા સબ્જેક્ટનો સિલેબસ વર્લ્ડ લેવલનો કરી દઈશું. પેપર ચેકિંગનું કડક ગુણવત્તા નિયંત્રણ કરીને જવાબની લંબાઈ જોઈ માર્ક આપવાની પ્રથા તો સદંતર બંધ કરાવીશું જ, પણ એક એક પ્રશ્નનો જવાબ વાંચવાની સિસ્ટિમ દાખલ કરાવીશું. એટલું જ નહીં, પ્રોફેસરો પેપર બરોબર ચકાસે છે કે નહીં તે માટે યુનિવર્સીટીમાં નવું વિજીલન્સ ડિપાર્ટમેન્ટ ઊભું કરીશું. અમે પરીક્ષામાં ગ્રેસ માર્ક ઉમેરવાની સિસ્ટિમ રદ્દ કરાવી દઈશું. જો અમને વોટ નહિ આપો તો કૉલેજોની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવીશું. કૉલેજની આસપાસ ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓ ઉપર તવાઈ લાવીશું. બાઈક ઉપર ટ્રીપલ સવારી પણ બંધ કરાવી દઈશું. વિચારી લેજો.’
 
‘મહિલાઓ એ તો અમારી પાર્ટીને જ વોટ આપવો જ પડશે. જો બીજી પાર્ટીને વોટ આપ્યો તો સોશિયલ સિરીયલો પર ખતરનાક ટૅક્સ નાખીશું. જાડિયા હીરોની સિરીયલોના પ્રસારણ પર હીરોના વજનના કિલોના હિસાબે વિશેષ મનોરંજન ટૅક્સ નંખાવીશું. અન્ય સોશિયલ સીરીયલમાં તમાચા દીઠ ટૅક્સ વસુલીશું. આટલું જ નહિ, તમારી જીભના ચટાકા રોકવા શાકમાર્કેટમાં પાણીપુરીની લારીઓ ઊભી રાખવા ઉપર પ્રતિબંધ લાદી દઈશું. અમને જ્યારે કારની સનવાઈઝરમાં મિરર મૂકવા પર ટ્રાફિક સેફ્ટીના નામે પ્રતિબંધ મુકાવીશું. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વરસમાં એક જ સેલ્ફી મુકવાની લીમીટ લાદવામાં આવશે. પછી તમે અમને યાદ કરશો.’
 
ભારતમાં લોકસભાની ચૂંટણી દુનિયામાં લોકશાહીનો સૌથી તમાશો છે. અહીં ટીકીટ માટેની લડાઈ અને કાપાકાપીથી લઈને નેતાઓના વાણીવિલાસ સુધી મનોરંજન જ મનોરંજન છે. ખરેખર તો સરકારોએ આ ચૂંટણીની સભાઓ અને નેતાઓના ભાષણો ઉપર મનોરંજન કર નાખવો જોઈએ. નેતાઓના ભાષણ સાંભળવા ટીકીટ લેવી પડે એવા દિવસો તો ઑલરેડી આવી જ ગયા છે!

No comments:

Post a Comment