| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૪-૨૦૧૪ | અધીર અમદાવાદી |
અત્યારે આમ આદમી ડિમાન્ડમાં છે. અમે પાર્ટીની વાત નથી કરતાં. કરવા માંગતા પણ નથી.
કારણ કે દરેક પક્ષ અત્યારે ચૂંટણી ઢંઢેરા, ઇલેક્શન સભાઓ, ઇન્ટરવ્યુ, અને અન્ય પ્રચાર
માધ્યમોથી પોતાના કૂતરાઓને બકરીમાં ખપાવી રહ્યાં છે. હા અહીં ઉંધુ છે. અને આમ આદમી પણ લહેરથી
કૂતરાને બકરી સમજીને ખભે બેસાડવા તૈયાર જ છે. અહીં અમે આમ જનતાની વાત કરીએ છીએ. જસ્ટીસ કાત્જુ સાચા હતા. ને અમે બાકીના દસ
ટકામાં આવીએ છીએ. ચોખવટ પૂરી!
જવા દો ને! પોલીટીક્સની વાત કરીને પણ મૂડ બગાડવો નથી. આપણે આમ આદમીની વાત કરીએ. આમ આદમી એટલે એવરેજ પરણેલો
પુરુષ. રસ પડ્યો? પડશે જ. ખરેખર તો અમે લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે અમે
પતિ-પત્ની જેવા ચવાયેલા
વિષય પર નહીં લખીએ. કારણ કે એવું મનાય છે
કે બુદ્ધિજીવીઓ પત્ની કે સ્ત્રીઓ વિષે ઘસાતું લખતા નથી. અને બુદ્ધિજીવી ગણાવું કોને ન ગમે? પણ શું થાય? ફેસબુક ઉપર પોસ્ટ કરેલી પતિ-પત્ની વિષયક રમૂજ જે
રીતે લોકોને ગમતી એ જોઈને લાગ્યું કે પતિ-પત્ની વિષે નહીં લખીને પરણેલા પુરુષોને અન્યાય ન કરાય. એમાંય અમે પત્નીને ખુશ રાખવાના એકસો એક ઉપાયો લખ્યા. એની સફળતા પછી લાગ્યું કે પરણેલા પુરુષોને કમસેકમ પત્ની વિષયક રમૂજ વાંચીને હસવાનો તો હક તો હોવો જ જોઈએ! અને આમ જોવા જાવ તો
ઘોડા ઘાસ સે દોસ્તી કરે તો ખાયેગા ક્યા?
આમ આદમી એટલે ખાસ નહિ તે. આમ આમ આદમી ખાલી કહેવા
પુરતો જ પુરુષ છે. એનું પુરુષાતન પાન-સિગારેટના ગલ્લાની
આડશમાં ઊભા રહી સિગરેટના કશ મારવા પૂરતું જ છે. હા, ક્રિકેટમાં ઇન્ડિયાએ
શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ એ નક્કી કરવાની એને છૂટ છે. પોલીટીક્સ બાબતે એનો સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે છે. પણ એને પોતાની રીતે વાહન ચલાવવાની ફ્રીડમ નથી. એને બાજુની સીટમાં બેસનાર રસ્તામાં આવતા કૂતરા, ખાડા, બમ્પ, બીજા વાહનો, સિગ્નલ બતાવવામાં આવે
ત્યારે દેખાય છે. એને શું ખાવું અને શું
નહીં, શું પહેરવું અને શું નહીં એ કોઈ નક્કી કરે છે. ઓફિસમાં ફોન આવે અને જો માણસ
આઘો જઈ, ‘યાર ધીમેથી બોલ, ઓફિસમાં છું’ એવું કહેતો સાંભળવા મળે છે તો સમજ્જો કે
ફોન એના ઘેરથી હશે અને એ માણસ બીજો કોઈ નહિ, આમ આદમી છે.
આ આદમી જાતજાતના હોય છે. જે પત્નીને ખુશ રાખવામાં
નિષ્ફળ જાય એ નાકામ આદમી. જે પત્નીની સુરક્ષા માટે બીજા દેશ સાથે યુદ્ધ ખેલી નાખે
એ રામ આદમી. ઘરકામમાં ચોર હોય એ હરામ આદમી. જે પત્ની માટે સમય ન ફાળવે પણ ગામ માટે
નવરો હોય તે ગામ આદમી. જેને પોતાની શોહરતમાં જ રસ હોય એ નામ આદમી. સાંજ પડે ને જે
પીધેલો જ દેખાય એ જામ આદમી. જે આખો દહાડો રૂપિયા કમાવા ઉધામા કર્યા કરે એ દામ
આદમી. જે સહન કરવો મુશ્કેલ હોય એ બામ આદમી. અને જેનો કોઈ અવાજ નથી, જેની કોઈ
આઇડેન્ટિટી નથી, જે ઘણીવાર બોલે તો ખુદ પોતાનો અવાજ પોતાના કાન સુધી પહોંચાડી નથી
શકતો, અને જેનાં હાથમાં સત્તા આવે તો સત્તાનો ઉપયોગ નથી કરી શકતો એ આમ આદમી! આંખો
બંધ કરો તો તમને ચોતરફ આમ આદમી દેખાશે. અને આંખો ખુલ્લી રાખશો તો પણ દેખાશે!
આમ આદમી અને સીનીયર સિટીઝનની દશા સરખી હોય છે એમને પોતાની
વાત કહેવી હોય છે, પણ સાંભળનારું કોઈ નથી હોતું. આમ આદમી અને મી. ઇન્ડિયા પણ સરખા.
બેઉની હાજરીની કોઈ નોંધ જ નથી લેતું. રૂપિયા કે ગીફ્ટ આપ્યા પછી પણ. આમ આદમીનું
પોતાના ઘરમાં જ ઉપજતું નથી. આમ આદમી સાધનસંપન્ન હોય છતાં ઉપવાસ કરવા પડે છે. એમાંય
એનું નસીબ ખરાબ હોય, હોય શું હોય છે જ, તો ઉપવાસ કરીને ઉપવાસ કરવા માટે પણ એ ગાળો
ખાય છે!
બિચારા આમ આદમીની પાછી કોઈ પાર્ટી નથી હોતી. એ એકલો જ
એની લડાઈ લડે છે. જાણે વન મેન આર્મી જોઈ લો. પણ આર્મી જેટલો કડક એ નથી થઇ શકતો.
એના ઉપર ઉલટું કોર્ટ માર્શલ થયા કરે છે, અને એ બચારો કાયમ સફાઈ આપતો ફરે છે. પણ એ
ઘરની સફાઈ કરે એમાંય જ્યાં વાંધાવચકા નીકળતા હોય ત્યાં ગંભીર આરોપો જેવા કે ‘કોઈ
કામનો નથી’, ‘ઘર ચલાવતા આવડતું નથી ને દરેક વાતમાં ડબડબ કરે છે’, ‘ઓફિસમાં ગુડાઈ
રહે છે’, ‘ખોટા ખર્ચા કરે છે’, ‘એની કંપની સારી નથી’, ‘સાસરિયા સાથે સીધી રીતે વાત
નથી કરતો’, ‘ઓફિસમાંથી ઘેર આવ્યા પછી ન જાણે કોની સાથે ચેટિંગ કર્યા કરે છે’ વિષે
એની સફાઈ કોણ સાંભળે?
આમ ઓરતની વાત જુદી છે. આમ ઓરતને ટીવી પર મનગમતો
પ્રોગ્રામ જોવાની છૂટ હોય છે. એ રોતલ સિરીયલો જોઈ
એટલાં આંસુ વહાવે છે કે ઘણીવાર લોટમાં પાણી અને મીઠું પણ નાખવું નથી પડતું. પણ આમ
આદમીને મેચ જોવા માટે કાકલુદી કરવી પડે છે. આમ છતાં એ રડી પણ નથી શકતો. આમ જો આમ આદમી પાસે ઘેર આવ્યા પછી કશું કરવા જેવું
કંઈ ન રહે અને એ મોબાઈલ, ફેસબુક કે વોટ્સેપ પર ટાઈમ પાસ કરે તો ‘આખો દિવસ મોબાઈલમાં
મંડ્યો રહે છે’ જેવી ટીકાઓ પામે છે. બિચારો!
એકંદરે આપણો આમ આદમી રસોડેષુ રામલો, ભોજનેષુ ગીનીપીગ,
શયનેષુ ‘યેસ મેમ’, પર્યટનેષુ કુલી, શોપીંગેષુ કેશિયર, બજારેષુ ડ્રાઈવર, સાસરે
પ્રસંગેષુ શોભા, ભાર્યાત્ ગુસ્સેષુ પંચિંગ બેગ, ઉપવાસેષુ અન્ના, અભિનયેષુ તુસ્સાર,
ભાષણેષુ મનમોહન વિગેરે વિગેરે છે. આમ સર્વ રીતે શોષિત, પીડિત, અભાગીયો એવો આમ આદમી
પોતાના કર્મોના ફળ ભોગવવા પૃથ્વી પર આવે છે, અને એ પરણે છે. હવે અમે આગળ લખી નહીં
શકીએ. હૈયું ભરાઈ ગયું!
No comments:
Post a Comment