Sunday, April 20, 2014

ગુજરાતી શબ્દોના વૈકલ્પિક ઉપયોગો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ  | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૪-૨૦૧૪ | અધીર અમદાવાદી | 


ગુજરાતી ભાષા અદભૂત છે. પણ એથીય વધારે અદભૂત ગુજરાતીઓ છે. ગુજરાતીઓ ગુજરાતી ભાષાનો જે રીતે ઉપયોગ કરે છે તે તેથીય વધારે અદભૂત છે. ખાસ કરીને ગુજરાતી ભાયડાઓ અમુક શબ્દને  મૂળ અર્થમાં નહીં પણ અન્ય હેતુથી પ્રયોજે છે. જેમ કે તંબુરો, તડબૂચ, કંકોડા, હથોડો, મેથી. આ શબ્દોના સાર્વજનિક ઉપયોગનું મૂળ શોધવા અમે ગુજરાતી શબ્દકોશ ફેંદી વળ્યા પણ અમને સંતોષકારક માહિતી ન મળી તેથી અમને એવું થયું કે વાચકો પણ કદાચ આ બાબતે અંધારામાં હોઈ શકે છે તો લાવો અગરબત્તી જેટલો તો અગરબત્તી જેટલો, પ્રકાશ ફેલાવીએ! 

તંબુરો: આ એક પ્રકારનું તંતુવાદ્ય છે. સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીતમાં તંબુરો સંગત કરવામાં વપરાય છે. એકલો તંબુરો સામાન્ય રીતે કોઈ વગાડતું નથી. અમુક રાજકારણીની કુશળતાને કારણે અમુક રાજ્યો અને દેશે આટલી પ્રગતિ કરી, આપણે અણુબોમ્બ ફોડયા, કેટલાય ઉપગ્રહો છોડ્યા, પણ હજુ તંબુરો એજ નિસ્તેજ રહ્યો છે. હજુ ડીઝાઈનર તંબુરા જોવા નથી મળતાં. પણ એથી કોઈની સમજ માટે ‘એને શું તંબુરો ખબર પડે?’ જેવા નેગેટીવ અર્થમાં એનો ઉપયોગ કરવાનો? જૂની હિન્દી ફિલ્મોમાં જયારે ખોવાયેલો છોકરાનું મા સાથે મિલન થતું ત્યારે તંબુરા તતડી ઉઠતાં. ક્યારેક હિરોઈન પર હીરોને મળવાની મનાઈ ફરમાવવામાં આવે ત્યારે બેકગ્રાઉન્ડમાં તંબુરા રોઈ ઉઠતાં. તંતુવાદ્યોમાં પણ એકતારો, તાનપુરો, સિતાર, સરોદ, મેન્ડોલીન, ગીટાર વગેરે જેવા અનેક પ્રકાર છે પણ ગુસ્સાની ચરમસીમાએ આ બધા જ તંબુરા બની જાય છે. કહેવાતા વિદ્વાનો ઇલેક્શન જેવા વિષય પર વિશ્લેષણ કરી પોતાના તારણો રજૂ કરે ત્યારે માત્ર ‘તંબુરો’ કહી એને દસ સેકન્ડમાં બુર્જે ખલીફાની ટોચ પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી શકાય છે. કોઇપણ અઘરી અને જોરદાર દલીલનો એક શબ્દમાં સચોટ અને અકસીર જવાબ છે ‘તબૂરો’! આમ કર્યા પછી સામેવાળી પાર્ટી આઘાતમાંથી બહાર આવે ત્યાં સુધીમાં જવાબ વિચારવાનો મોકો મળી જાય છે. જોકે ‘તંબુરો’ બોલવામાં જે મઝા છે એ ગીટાર, પિયાનો કે સરોદમાં નથી. બોલી જોજો!  
 
કંકોડા: સામાન્ય રીતે તંબુરાના પર્યાય તરીકે આ વપરાય છે. એક હિન્દી ફિલ્મ ગીતના શબ્દો હતા કે ‘દામન મેં તેરે ફૂલ હૈ કામ ઔર કાંટે હૈ જિયાદા...’ અને અમે વરસો સુધી એમ જ માનતા કે આ કંકોડાને સંબોધીને લખાયું છે! આમ તો એ એક પ્રકારનું શાક છે એવું લોકો માને છે. અમે નથી માનતા. પણ લોકોની જેમ અમે એટલું માનીએ છીએ કે કંકોડા જરૂર કડવા હશે. હા, અમે પણ મોટાભાગના લોકોની  જેમ કંકોડાની ખ્યાતિથી અંજાઈને એને ચાખ્યા જ નથી! સામાન્ય રીતે કંકોડા હરિતવર્ણના હોય છે. પીળાશ પડતાં કંકોડા પાકી ગયેલા હોઈ એનો ઉપયોગ શાકવાળાઓ શાકમાર્કેટમાં રખડતા કૂતરાને ભગાડવા કરે છે. કદાચ જે વસ્તુનો મુખ્ય ઉપયોગ ન થાય તેના ગૌણ ઉપયોગ થવા લાગે છે. આ જ કારણે કંકોડા વાતચીતમાં બહુ વપરાય છે. કદાચ ખાવામાં વપરાય એ કરતાં પણ વધારે. કંકોડા લોકોના અજ્ઞાનને દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. સામાન્ય રીતે એને શું કંકોડા ખબર પડે?’ એ રીતે અત્યંત તુચ્છકારપૂર્વક  આ વાક્યનો પ્રયોગ થાય છે. જોકે એ જુદી વાત છે કે જેનાં માટે આપણે આમ ‘એને શું કંકોડા આવડે’ જેવા પ્રયોગ કરીએ છીએ તેઓ આખા દેશની મેથી મારતા હોય છે. જોકે મુખ્ય વાત એ છે કે કંકોડામાં ખબર પાડવા જેવું કંઈ નથી હોતું. જો હોત તો કંકોડા ઉપર કોઈએ પીએચડી ન કર્યું હોત? કંકોડા કોઈ દેશનું રાષ્ટ્રીય શાક ન હોત? 

બાપનું કપાળ: પહેલાના સમયમાં બાપા જયારે છોકરાને ભણવાનું કહે કે ‘ભણ નહીંતર ફેઈલ થઈશ’ અને છોકરો સામે ‘પાસ? હું તો ફર્સ્ટક્લાસ લાવીશ’ એવો જવાબ આપે ત્યારે ‘તારા બાપાનું કપાળ ફર્સ્ટક્લાસ લાવીશ’ એવું સાંભળવા પામતો. આમ ‘તારા બાપાનું કપાળ’ એ ઉગ્ર પ્રતિભાવ દર્શાવવા વપરાય છે. ‘બાપાના કપાળ’નાં  વિકલ્પમાં ‘કપાળ તારું’ પણ પ્રચલિત છે. દુ:ખ ત્યારે થાય છે જયારે આપણે જે બોલ્યા હોઈએ એ વાક્યની આગળ ‘તારા બાપાનું કપાળ’ લાગીને આપણને વ્યાજ સહિત પાછુ મળે છે, અને ત્યારે સાલું લાગી આવે છે. મોટે ભાગે બાપા પોતે જ આવા કઠોર વાક્યો કહેતા હોય છે. આ સંજોગોમાં બાપાનો પોતાના કપાળ માટે ઉંચો અભિપ્રાય નહીં હોય તેવું ફલિત થાય છે. 

મેથી મારવી : મેથી એક પ્રકારની ભાજી છે. બીજી ભાજીઓની જેમ ક્યારેક એ ગટરના પાણીમાં ઉગાડવામાં આવે છે. પણ મેથીની ભાજીને સારા પાણીમાં ઉગાડો તો પણ એનો સ્વાદ કડવો જ આવે છે. કદાચ આ કડવા સ્વાદને લીધે જ ‘બોસ મેથી મારે છે’ અથવા પતિ દ્વારા પત્નીને ‘તું નેકલેસ માટે રોજ મારી મેથી ના માર.’ આમ તો મેથીમાં મારવા જેવું કશું હોતું નથી. મેથીની આખી ઝૂડી ઉચકીને કોઈને મારો તો પણ લવિંગ કેરી લાકડીની જેમ જ આ મેથી વાગે નહિ. આમ છતાં તમે કોઈને એમ કહો કે ‘મારો બોસ મારી રોજ મેથી મારે છે’ તો સામાવાળો સમજી જશે કે બોસ તમને તમારી મરજી વિરુદ્ધનું કૃત્ય કરવા તમને મજબુર કરે છે. 

હથોડો : આમ તો હથોડો એ એક પ્રકારનું સાધન છે જેનો ઉપયોગ સુથારીકામ અને બાંધકામ ઉદ્યોગમાં થાય છે. હથોડાની બેટરહાફ હથોડીનો ઉપયોગ સામાન્ય રીતે ખીલી મારવા અને ટીચવા માટે થતો હોય છે, જયારે હથોડો તોડફોડ અને વધુ વિધ્વંસક કાર્યોમાં વપરાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હથોડા શબ્દનો ઉપયોગ જોકની ક્વોલીટી દર્શાવવા માટે થાય છે. સામાન્ય રીતે આનંદદાયક પણ જેનો અર્થ કશો ન થતો હોય તેવા જોકને હથોડો કહેવાય છે. ખરેખર તો આવો જોક બનાવવો એ અપ્રતિમ કલ્પના શક્તિ માંગી લે છે કારણ કે એમાં કોઈની પણ કલ્પનાની બહાર હોય એવી ચોંકાવનારી વાત કરીને હાસ્ય નિષ્પન્ન કરવાનો હાસ્યાસ્પદ પ્રયત્ન કરવાનો હોય છે. સંતા-બંતાના જોક જે બધાને આનંદ આપે છે તે પણ આ હથોડા કેટેગરીમાં જ આવે છે. સામાન્ય રીતે જોકને હથોડો કહી જોક કે પોસ્ટ કરનારને ઉતારી પાડવાનો આશય હોય છે. સામાન્યત: અતિ-પ્રબુદ્ધ લોકો, કે જે લોકોમાં હસતી વખતે મ્હોં આડે હાથ ધરવાની પ્રથા હોય છે, દિમાગ વગરના આવા જોકને જલ્દી સ્વીકૃતિ નથી આપતા. હશે, ભગવાન એમનું પણ ભલું કરે! n

1 comment:

  1. શુ વાત છે અધીર ભાઇ શબ્દ ભંડોળ નો યોગ્ય માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર.

    ReplyDelete