Sunday, April 13, 2014

મેનીફેસ્ટો કે લોલીપોપ ?



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ  | લાતની લાત ને વાતની વાત | ૧૩-૦૪-૨૦૧૪ | અધીર અમદાવાદી | 

અમથી અમથી હોપ લઈ બેસી રહો.
મોંમાં લોલીપોપ લઈ બેસી રહો.
~ અદમ ટંકારવી
શિયાળામાં વસાણાની સિઝન આવે. ઉનાળામાં કેરી સાથે અથાણાની સિઝન આવે. ચોમાસામાં દાળવડા અને મકાઈની સિઝન આવે. એમ જ દર અમુક વર્ષે ચૂંટણીની સિઝનની સાથે સાથે લોલીપોપની સિઝન આવે છે. બસ, પાંચ વરસ ચૂસ્યા કરો લોલીપોપ. આ વચનોનું પાછું ન માંગ્યું દોડતું આવે ...એવું છે. કોઈ માંગતું નથી. તોયે પાર્ટીઓ આપે છે. માંગ્યા વગર માં પણ નથી પીરસતી, પણ નેતા પીરસે છે. ચૂંટણી ઢંઢેરાની બાકાયદા ચોપડીઓ છપાવે છે. એમાંથી એક એક મુદ્દાને છુટા પાડીને પાર્ટી પ્રચારકો, ચમચાઓ અને તકવાદીઓ ટીવી અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઉતારે છે. ને મૂરખાં એમાં ડૂબકી દઈને વોટ આપવા જાય છે. તો અમુક એટલાં મૂર્ખ હોય છે કે પાંચ પાંચ વરસ આ બધું યાદ રાખે છે. અરે ભાઈ, પોલીટીક્સમાં બોલે છે એ કોઈ કરતું નથી અને જે કરે છે એ કોઈ બોલતું નથી! એટલે જ તો એવું કહેવાય છે કે,

વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર,
નેતા બોલ્યા ના ફરે તો પશ્ચિમ ઊગે સૂર.

વચનો ફ્રી આપી શકાય છે. એટલે જ કહેવાય છે કે વચનેષુ કિમ દારીદ્રય્મ. આપવામાં ન માનનારા અમારા જેવા અમદાવાદીઓ પણ વચનો આપવામાં પાછાં નથી પડતાં. પણ વચનો છોડવામાં જેવું જેનું કદ એ પ્રમાણે વચનો છોડે છે. મોટેભાગે આવા વચનની ઍક્સ્પાયરી ડેટ મતદાન દિવસ સુધીની જ હોય છે. એટલે જ મેનીફેસ્ટો બનાવનાર કોઈ મોટી પાર્ટીના નેતાઓનું બ્રેઈન મેપિંગ કે નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો એના પરિણામ જાણવાની બહુ મઝા આવે. પણ આપણા નસીબમાં એ મનોરંજન નથી લખાયેલું. આમાં પાછી જે પાર્ટીને ખબર હોય કે પોતે સત્તા પર આવવાની નથી એ તો કેવાં કેવાં વચનો આપી શકે? દસમી પાસને ટેબ્લેટ, બારમી પાસને લેપટોપ, વિદ્યાસહાયકોને કાયમી નોકરી, ખેડૂતોને પેન્શન, સૈનિકોને પ્લૉટ, બાકીના ને ઘરનું ઘર, વિદેશમાં રહેલ બ્લેક મની પાછાં, અને ઘર ઘર સંડાસ! વાહ, તરબોળ થઈ ગયા ભઈ!

ચૂંટણીના વચનોમાં ઘણાં ગૂઢાર્થ સમાયેલા હોય છે. મોટેભાગે વચનો મોઘમ જ હોય, જેવા કે અમે ભ્રષ્ટ્રાચાર સામે લડાઈ લડીશું!સાલું સાઈઠ વરસથી લડાઈ ચાલે છે અને તોયે ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. પહેલા જેટલી રકમનો ભ્રષ્ટ્રાચાર થતો હતો હવે એટલાં લાખ રૂપિયાનો થાય છે એટલો વિકાસ! એટલે જ ધારોકે કોઈ પાર્ટી એમ કહે કે અમે ભ્રષ્ટ્રાચાર ડામીશું તો એમ સમજવું કે બીજી પાર્ટીઓ અને એના સમર્થકો દ્વારા થતાં ભ્રષ્ટ્રાચારની વાત કરતાં હશે. એ ગરીબી નાબૂદ કરવાની વાત કરે તો એમ સમજવું કે કોક ઇન્ડસ્ટ્રીના સિક યુનિટનો ઉદ્ધાર કરવા માટે જમીન છૂટી થાય એમ કાયદામાં ફેરફાર કરશે. એ ફુગાવો કાબુમાં લાવવાનું કહેશે તો એનો મતલબ એ કે ફુગાવાના દરમાં વધઘટ અટકાવશે અને એ ૭-૮ ટકા ઉપર ફિક્સ કરી દેશે. મઝાની વાત તો એ છે કે સાલું પોલીસફોર્સનું મોડર્નાઇઝેશન કરીશું એવું બધાં કહે પણ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાડવા જેટલી પહેલ પણ કોઈ કરતું નથી! 

જોકે પાર્ટીએ આપેલા વચનો કેટલા પોકળ છે એ જનતાને ભલે ના દેખાય પણ બીજી પાર્ટીને તરત દેખાય છે. એવી જ રીતે બીજી પાર્ટીના પોકળ વચનો પહેલી પાર્ટી તરત પકડી પાડે છે. પણ ગણિતમાં બેઉ બાજુ નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ સામસામે કૅન્સલ થઈ જાય અને પોઝીટીવ જ રહે છે, એમ જ એક પાર્ટીના બોગસ વચનોની સામે બીજી પાર્ટીના બોગસ વચનો આવે ત્યારે બેઉ બાજુથી બોગસ બોગસ કૅન્સલ થઈ જાય છે અને માત્ર વચનો રહે છે. આમેય અડધી જનતા ભોળી છે અને બાકીની અડધી સ્વાર્થી છે! નહીંતર દારૂની પોટલીનાં સ્વાર્થમાં થોડી ભોળવાઈ જાય?

આ વચન જો વરસાદ હોય તો આ વચનોના વરસાદમાં કોઈ કોરો રહી જતો હોય તો એ છે લઘુમતિ માણસ. અહીં લઘુમતિ કોમની નહિ, વોટબેંકની રીતે જે લઘુમતીમાં છે એની વાત છે. જે પાર્ટી ફંડમાં રૂપિયા આપવા સિવાય પાર્ટીઓને જીતવામાં મદદ નથી કરી શકતો તેવા શિક્ષિત ઉચ્ચ મધ્યમ વર્ગને આ ચૂંટણી ઢંઢેરાઓમાં કંઈ લેવાનું ની મલે’. નોકરી, ઘરનું ઘર કે ટેબ્લેટ, કેપ્સ્યુલ, સીરપ જેવું એના માટે કશું નથી. ખરેખર ઉચ્ચ મધ્યમ વર્ગ માટે પણ ઓટોમેટીક ટ્રાન્સમિશન ધરાવતી કાર કે આ વર્ગની કોલેજીયન છોકરીઓ માટે હાઈ-એન્ડ સ્માર્ટ ફોનની યોજના હોવી જોઈએ. વચન આપવામાં શું વાંધો છે?

અમને લાગે છે કે પાર્ટીઓ વચન આપવામાં કાચી પડે છે. અમે જો ઇલેક્શનમાં ઉભા રહીએ તો સુરતમાં ઘેર ઘેર ઘારી આપવાની ને ભાવનગરી ગાંઠિયાને રાષ્ટ્રીય ફરસાણનો દરજ્જો આપવાની વાત કરીએ. કચ્છની દાબેલીને એક્સ્પૉર્ટ રાહતો અને ગુજરાતના કવિઓ માટે ગેરેન્ટેડ ઓડીયન્સ યોજના જાહેર કરીએ. અમે અમદાવાદમાં અમે દરિયો લાવી આપવાનું પ્રૉમિસ કરીએ ને રાજકોટને બપોરના સમયે કચેરીઓમાં બે કલાકની કાયદેસર રીસેસનો વાયદો કરીએ. અમે વાંઢાને કન્યા અને પરણેલાને સિંગલ વિન્ડો ડાઈવોર્સ અપાવવા માટે પ્રોમિસો છોડીએ. ઈન્ડીયન પોલીટીશ્યન્સ નીડ્ઝ ટુ બી ઇનોવેટીવ, યુ સી!

પણ વાત વચનની આવે તો છેલ્લે રઘુકુળને તો યાદ કરવું જ પડે. કૈકયીને આપેલા વચન પાળવા દશરથ રામને રાજગાદીથી વિમુખ કરીને વનવાસ મોકલે છે. રામ પણ હસતાં મોઢે, કોઈ ખાર રાખ્યા વગર વનવાસ જતાં રહે છે. રામની સાથે લક્ષ્મણ અને જાનકી પણ વનવાસ સ્વીકારી લે છે. અત્યારે રાજકારણમાં જે રીતનું અભી બોલા અભી ફોકકલ્ચર છે, એ જોતાં આવી વચનપાલનની પરમ્પરા આપણા જ ભારતમાં જ હતી એ વાત આવનારી પેઢી કદાચ નહીં માને.

No comments:

Post a Comment