કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૬-૦૩-૨૦૧૪ રવિવાર
પર્યાવરણ વિષે આપણને લોકો
રીતસરના બીવડાવી રહ્યા છે. અમુક વર્ષોમાં અમુક શહેર સમુદ્રમાં ડૂબી જશે. કચ્છના રણમાં બરફ
વર્ષા થશે. ચેરાપુંજીમાં દુકાળ પડશે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ચોથું વિશ્વયુદ્ધ
પથ્થરથી લડાશે. પાંચમું વિશ્વયુદ્ધ પ્લાસ્ટિકનો કચરો હટાવવા
માટે થશે. આવી આગાહીઓ કરવામાં આવે છે. પાછું જે લોકો પર્યાવરણની
સૌથી વધુ પત્તર રગડે છે એજ લોકો પર્યાવરણ બચાવ ઝુંબેશો ચલાવે છે! આવી જ એક ઝુંબેશ
છે ઇકો-ફ્રેન્ડલી હોળીની.
આ પ્રકારની હોળીમાં પાણી બચાવવાની વાત પણ આવે છે. કમાલ એ વાતની છે કે મુનસીટાપલી
એની પાઈપલાઈનોમાં લીકેજ રીપેર કરાવે તો આખું અમદાવાદ શહેર હોળી રમી શકે એટલું પાણી
બચી શકે એ તો કોઈ વિચારતું જ નથી! જે લોકો અમેરિકા કે યુરોપ ગયા હશે એમને ખબર હશે
કે પાણી વગર અમુક કાર્ય કરવામાં કેટલી તકલીફ પડે! નોન-એસી સલુનમાં વાળ કપાવ્યા
પછી કારીગર ફુવારો ન મારે એની વેદના જેણે અનુભવી હશે એ આ પાણી વગર હોળી રમનારની વ્યથા સમજી શકે. પણ ઘણાં પાણીના
મુદ્દે એટલા ઝનુની હોય છે એમનું ચાલે તો ટેક્સ્ટબુકમાંથી ‘પાણી ફેરવવું’, ‘પાણી
ઉતારવું’, ‘પગ નીચે રેલો આવવો’, ‘અંજળ પાણી ખૂટવા’ વગેરે રુઢિપ્રયોગો પણ રદ કરાવે!
એન્ગ્રી ક્યા? કૂલ ડાઉન,
વી આર જસ્ટ જોકિંગ. પાણીનું મહત્વ અમે સમજીએ જ છીએ, પણ અમને લાગે છે કે હોળી પૂરતી
આ બાબત પ્રજાના સ્વવિવેક પર છોડી દેવી જોઈએ.
આમ તો આપણે ત્યાં ધૂળેટી
ઉજવવાનો રીવાજ છે, પણ હોળીના દિવસે સ્કૂલ-કોલેજમાંથી છૂટ્યા પછી કમ્પાઉન્ડની બહાર
જ એની ઉજવણી શરુ થઇ જાય છે. એમાં પણ ‘મહોબ્બતેં’ના નારાયણ શંકર
જેવા ખડૂસ પ્રકારના ટીચરો રંગના પડીકા જપ્ત કરતા હોવાથી મોટે ભાગે વોટરબેગનું પાણી
છાંટીને, પેનથી લીટા કરીને કે ઇન્કથી સ્કુલ ડ્રેસ ખરડીને કામ ચલાવાય છે.
Source : web |
એક જમાનામાં ધુળેટીના
દિવસે કેસૂડો, ગુલાલ અને પાણી ઉપરાંત છાણ, માટી, ગાડાની મળીનો ઉપયોગ થતો, પછી
કાળક્રમે ગળી, ઓઈલ પેઇન્ટ, બળેલું એન્જીન ઓઈલ, ગ્રીઝ, ડાઈ અને હીરાકણી વગેરે
વાપરાતુ થયું. આ બધું વપરાય એટલે નહાવા માટે પાણી પણ પુષ્કળ
જોઈએ. આ ઉપરાંત અમુક લોકોના ઘેર જાવ તો એમને તમે આખું વર્ષ નહાતા હશો કે કેમ એ અંગે
શંકા હોય કે ગમે તેમ પણ એ તમારું સ્વાગત ડોલ ભરીને પાણીથી કરે છે. યજમાને તમને
આગળથી ભીના કર્યા હોય તો ઉંધા ફરીને ઊભા રહેવાની ગાંધીજીની શીખને ભૂલીને બદલો લેવા,
યજમાનના ચોકડીના નળમાંથી યજમાનની ડોલમાં પાણી ભરી યજમાન અને ખાસ કરીને ત્યાં હાજર
મહિલા વર્ગને પલાળવાનો મહિમા છે.
બીજું, તમે માર્ક કર્યું હશે કે જયારે આપણે સફેદ કે
આછા રંગના કપડા પહેરીએ ત્યારે ચા, પાન અને દાળના
ડાઘ વધુ પડતા હોય છે. આમાં બુફે ડીનરની લાઈનમાં પાછળવાળો એની થાળીથી આપણા બરડામાં
ડાઘ પાડે એ જુદા. આ મર્ફીઝ લો છે, જે કોઈને છોડતો
નથી. કુલ મિલાકે આ રીતે જે ચિતરામણ થાય એટલું ચિતરામણ પણ ઇકો-ફ્રેન્ડલી હોળીમાં અધધધ
ગણાય છે. એમાં પાછી શોલેના ઠાકુરોની ‘દો ચુટકી રંગ’ વાળી હોળીની ઘો
ઘાલી હતી એ નડે. આમ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માન્ય રંગવાળી આંગળી કરીને ગ્રેગ ચેપલની
અદાથી સામેવાળાના લમણે અડાડો એટલે હોળી પુરી! હાળું, સામેવાળા સાથે બાથંબાથી કરી, એને લટ્ટી ભીડાવીને પાડી અને એના મોઢા-માથામાં
રંગ નાખીને એના દાંત આસમાની ના કરો તો મજા શું આવે, તંબુરો?
આમાં એક વાત સમજો કે તમને
પીઝા ભાવતા હોય એ સારું કહેવાય, પણ પીઝાના પટારા ન ભરાય. એમ ઇકો-ફ્રેન્ડલી હોળી રમો, પણ માપમાં રમો. એને માથા પર
ચઢાવશો તો વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડેના ધોરણે આમાં પણ કાર્ડ-ગીફ્ટ-સ્વીટ્સ અને આદુ-તુલસીના ગુણોવાળા, ત્વચામાં નિખાર
લાવે એવા, હળદર-ચંદનથી યુક્ત, એક્ઝોટિક ખુશ્બુ
સભર ઇકો ફ્રેન્ડલી રંગોની વિશાળ શ્રેણી આપણા માથે મારવામાં આવશે. શરૂઆત તો થઇ જ
ગઈ છે. જરા ગૂગલ કરી જોજો, કૂકડાના બધા કલર જોવા મળશે!
પણ જો તમને આ બધું ન જ
ફાવતું હોય તો નજીકની મોબાઈલની દુકાને જઇને શરીરને લેમિનેટ કરાવી દેવું અને એ પણ ન
ફાવે તો પછી ઇસરો ફરી મંગળ પર યાન મોકલે ત્યારે એના ભંડકિયામાં સંતાઈને મંગળ પર
જતાં રહેવું. અમે તો આમ જ હોળી રમવાના, થાય એ ભડાકા કરી લો.
બુરા ન માનો હોલી હૈ ...
No comments:
Post a Comment