Sunday, March 09, 2014

મહાભારત કાળની પરીક્ષાઓ

 
 
કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૦૯-૦૩-૨૦૧૪ રવિવાર
 
 
મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે. એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રીવાજ નહોતો. કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઇ શકતો. પરીક્ષામાં કોઇ પણ જાતના ઓપ્શન મળતા નહિ અને મોટેભાગે મૌખિક અથવા પ્રેક્ટીકલ પ્રકારની રહેતી. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ન તો સિલેબસ આપવામાં આવતો કે ન આઈ.એમ.પી.! રીઝલ્ટમાં માર્ક્સ પણ નહોતા આપવામાં આવતા. આ પરથી એટલું કહી શકાય કે એ જમાનાના વિદ્યાર્થીઓ ડાહ્યા હશે નહિ તો આખા મહાભારતમાં પરીક્ષા બહિષ્કાર, હડતાલો તથા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણોના વર્ણનો જ હોત.

મહાભારત કાળની સૌથી જાણીતી પરીક્ષાનો ઉલ્લેખ અરણ્ય પર્વમાં મળે છે, જેમાં પાંડવોને યક્ષ-પ્રશ્ન તરીકે જાણીતાં થયેલા પ્રશ્નો સરોવરનું પાણી પીવાના ક્વોલિફિકેશન તરીકે પુછાયા હતા. ચાર પાંડવોએ તો એ પ્રશ્નોના જવાબ આપવાને બદલે સરોવરનું પાણી પીને મરવાનું પસંદ કર્યું હતું. એ જમાનામાં મા. અને ઉ. મા. શિ. બોર્ડ દ્વારા કોઈ ટોલ-ફ્રી ‘હેલ્લો હેલ્પલાઈન’ ચલાવવામાં આવતી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત, પણ અમને આશ્ચર્ય તો ત્રિકાળજ્ઞાની અને ગુગલના પુર્વાવતાર સમા સહદેવને જવાબ ન આવડ્યા એનાથી થાય છે. જોકે યુધિષ્ઠિર કોન્ફીડન્ટ હતા. એમને જવાબ આવડતા હતા. કદાચ મા કુંતિએ નાનપણમાં યુધિષ્ઠિરને બરોબર હોમવર્ક કરાવ્યું હશે કે પછી દુધમાં અમુક-તમુક બ્રાન્ડના અક્કલના પાવડર મેળવીને પીવડાવ્યા હશે. એ જે હોય એ, પણ એકમાત્ર યુધિષ્ઠિર એ પરીક્ષામાં પાર ઉતર્યા હોઈ યક્ષની પરીક્ષાનું પરિણામ ૨૦% જ કહેવાય. એ હિસાબે યક્ષ જો નોન-ગ્રાન્ટેડ શાળા ચલાવતો હોત તો એને મા. શિ બોર્ડ તરફથી શાળાની માન્યતા રદ કરવા બાબતે નોટીસ મળી હોત.સારું છે કે આવી પરીક્ષાના પરિણામ કોલેજમાં એડમિશન માટે નહોતા વપરાતા, નહિતર કૌરવ કે પાંડવ સંચાલિત કે ઇન્વેસ્ટમેન્ટવાળી કેટલીય કોલેજોને તાળા મારવાનો વારો આવત.

દ્રૌપદીને પરણવામાં પણ ધનુર્વિદ્યાની પ્રેક્ટીકલ પરીક્ષા હતી. પપ્પા ધ્રુપદને પણ અર્જુન જેવો સમર્થ અથવા એને સમકક્ષ તાકોડી જ ખપતો હોવાથી સ્તંભ ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ નિશાન તાકવાની પરીક્ષા રાખી હતી. ‘લાગે તો તીર (દ્રૌપદી) નહિ તો તુક્કો’ એ ન્યાયે ઘણા લોકોએ ટ્રાય માર્યા પણ નિષ્ફળ ગયા, છેવટે અર્જુને માછલીની આંખ વીંધી. આ પહેલી એવી પરીક્ષા હતી જેમાં એક વ્યક્તિની મહેનત પર પાંચ જણા પાસ થયા હતા! ઐશ્વર્યા રાય માટે એના પપ્પાએ એક્ટિંગ સંબંધિત શરત રાખીને સ્વયંવર કર્યો હોત તો ઐશ્વર્યાએ અભિષેકને બદલે ઈરફાન ખાનને પરણવાનો વારો આવતઅને ગૌરીના મા-બાપે આવી એક્ટિંગ માટે જીદ રાખી હોત તો શાહરુખ અને સલમાને ભેગા થઇનેબેચલર્સ ક્લબ શરુ કરવી પડત એ આડ વાત!

આજકાલની પરીક્ષા પદ્ધતિને ગાળો દેતા લોકોએ મહાભારતમાં ગુરુ દ્રોણ દ્વારા ધનુર્વિધા સબ્જેક્ટમાં એક જ ક્વેશ્ચનમાં પરીક્ષા આટોપી લેવા સંબંધે કોઈ સવાલ નથી ઉઠાવ્યા. ‘વૃક્ષ પર શું દેખાય છે?’ એ પ્રશ્નનો જવાબ પ્રેક્ટીકલ કરી આપવાનો હતો. પ્રશ્ન સાવ ઢંગધડા વગરનો હતો. આ સવાલના જવાબમાં ભીમને બિલાડું દેખાયું, તો એમાં ભીમ સાચો જ હતો. ભીમની ભૂલ માત્ર એટલી જ હતી કે એણે બિલાડાને બાણ મારી પાડી દેવાનું હતું! પછી દ્રોણ ભલે એમ કહે કે મેં તો પક્ષીની આંખનો પ્રશ્ન પૂછ્યો હતો. હકીકતમાં પ્રશ્નના એક કરતાં વધારે જવાબ હોય તેવા સંજોગોમાં પ્રશ્ન રદ કરવો પડે અથવા બધા સાચા જવાબોને ફૂલ માર્ક્સ આપવા પડે. પણ એ જમાનામાં આજના જેવા વાલી મંડળ નહોતા અને માતા કુંતિ કે એમના વતી વિદુરજીએ પણ આવો કોઈ વાંધો ઉઠવ્યો નહિ એમાં દ્રોણની મનમાની ચાલી ગઈ હતી.

અને અમને તો આ ગુરુ દ્રોણ થોડા થ્રી ઈડિયટ્સના‘વાઈરસ’ ઉર્ફે વીરુ સહસ્ત્રબુદ્ધે જેવા લાગે છે! જુઓ, અર્જુન બાણાવળી હતો તો એની આર્ચરીની પરીક્ષા લીધી એ બરોબર કહેવાય, પણ ભીમ અને દુર્યોધન તો ગદાયુધ્ધમાં રસ ધરાવતા હતા, એમને ફરજીયાત તીરંદાજીમાં ઘસડવાની શી જરૂર હતી? સહદેવ માટે એસ્ટ્રોલોજી અને નકુળ માટે કોસ્મેટીક્સને લગતા પેપરો કાઢવાનું એમણે કેમ ટાળ્યું એ પણ કોઈએ પૂછવા જેવું હતું. સત્યવાદી યુધિષ્ઠિરને પણ એલ.એલ.બી કરાવ્યું હોત તો એ હસ્તિનાપુરની હાઈકોર્ટમાં જસ્ટીસના પદ માટે મોસ્ટ એલીજીબલ કેન્ડીડેટ હતા, પણ એમ ન કર્યું. આ પરથી એટલું સમજાય છે કે દ્વાપરયુગ હોય કે કળિયુગ, શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્નો દરેક યુગમાં રહ્યા છે અને રહેશે આપણે હરખ શોક કરવો નહી.•

No comments:

Post a Comment